ભૂકંપના બે દાયકા: કચ્છનું અજોડ નવસર્જન, પણ જળ સમસ્યાનું શું?

વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સાકાર થઇ રહ્યો છે

Saturday 06th February 2021 04:29 EST
 
 

કચ્છની આર્થિક, સામાજિક કે રાજકીય ઇતિહાસની વાત કરતી વખતે અગાઉ આાઝાદી પહેલાં અને આઝાદી પછીના સમય ખંડનો ઉલ્લેખ કરતાં પણ હવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ પછીના વિકાસ કે સમસ્યાની વાત માંડીએ છીએ. ૨૦૦૧ના ધરતીકંપે કચ્છનો ઇતિહાસ બદલી નાંખ્યો છે. એક સમયે દુકાળિયા મુલક તરીકે જાણીતો વિસ્તાર આજે ગુજરાતના વિકાસનો માણેકથંભ બની ગયો છે. કચ્છપ્રેમી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ કચ્છને ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે નવાજતા રહ્યા વાત સાચી છે.
ભૂકંપથી તહસનહસ થયેલા કચ્છને આર્થિક રીતે બેઠું કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સ હોલીડેની જાહેરાત કરી ત્યારે કોઇએે કલ્પના પણ નહિ કરી હોય કે ઔદ્યોગિક મૂડીરોકાણનો પ્રવાહ કચ્છ ભણી વળી જશે અને બે દાયકામાં તો દોઢ લાખ કરોડની આાકાશી ઊંચાઇએ પહોંચી જશે. કોઇ પણ માપદંડથી આ અંક ઔદ્યોગિક ક્રાંતિની સાક્ષી પુરે છે. આઝાદી પછીના પાંચ દસકામાં જે ન થયું તે માત્ર બે દસકામાં થયું છે. ગેટ વે ઓફ કચ્છ એટલે સૂરજબારી પૂલ પરથી રોડ માર્ગે કચ્છમાં પ્રવેશ કરતા જ વિકાસનો અહેસાસ થઇ જાય છે.
સૂરજબારી, સામખિયાળી અને ભચાઉ, ત્યાંથી એક તરફ ગાંધીધામ-અંજાર થઇને મુન્દ્રા સુધી તો બીજી તરફ ભુજ સુધી હાઇવે પર ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ - ચહલપહલ નજરોનજર જોઇ શકાય છે. તો ક્યાંક વળી બેસુમાર ધુમાડો ઓકતી ચીમનીઓ અને પ્રદૂષિત વાતાવરણની ગૂંગળામણ પણ અનુભવાય છે. ઉદ્યોગોની પડખે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ પણ નજરે પડે છે, તો કચ્છમાં પ્રવેશતાં જ કાંઠાળ વિસ્તાર નજીક સંખ્યાબંધ પવનચક્કીઓ દેખાય છે અને પછી તો કચ્છમાં જ્યાં જાવ ત્યાં આ પ્રકારે ઉર્જા પેદા કરવાના પ્રોજેક્ટ દૃશ્યમાન થાય છે. માળખાકીય સુવિધાઓ પણ ઊડીને આંખે વળગે છે.
છેક ગાંધીધામ સુધી સિક્સ લેન રોડ, ત્યાંથી મુન્દ્રા અને માંડવી થઇને અબડાસા તરફ જતો ધોરીમાર્ગ, બબ્બે વિમાની મથક કંડલા અને ભુજ ઉપરાંત મુન્દ્રામાં અદાણીનું ખાનગી વિમાની મથક. કચ્છમાં કંડલા મહાબંદર તો આમેય હતું, પણ દોઢ દાયકામાં ખાનગી અદાણી બંદરે સાધેલો વિકાસનો તો જોટો બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. વધુમાં કંડલા અને મુન્દ્રામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એક જ જિલ્લામાં આટલી બધી માળખાંકીય સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ કલ્પનાતીત છે.
આ વિકાસ કૂચ મૂળ તો ભૂકંપ પછીના જગવિખ્યાત નવસર્જનની યશગાથાનો ભાગ માત્ર છે અને એના એકથી વધુ સહભાગી છે. પ્રથમ તો કચ્છી પ્રજા જે અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરીને રાખમાંથી ફરી બેઠા થવાનું ખમીર ધરાવે છે. તે પછી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને વૈશ્વિક નાણાં સંસ્થાઓ, બહારથી જે પણ નાણું આવ્યું તે બરાબર વપરાય એ તકેદારી રાજ્ય-શાસનો રાખી હતી. એ જ રીતે નવસર્જનની પ્રક્રિયામાં ઓનર ડ્રીવન પોલિસીના ઘડતર તેમજ અમલીકરણમાં બિનસરકારી સંસ્થાઓએ ચાવીરૂપ ભાગ ભજવ્યો હતો એ નોંધ લેવા જેવી છે.
કચ્છની ઔદ્યોગિક અને સર્વાંગી વિકાસકૂચ ગુજરાત સરકારે આદરેલા અભિયાનને અને ખાસ તો એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. અલબત્ત, આ તબક્કે કચ્છી ઉદ્યોગ પ્રધાન સુરેશચંદ્ર મહેતાને પણ યાદ કરવા જોઇએ કારણ કે ટેક્સ હોલીડે સહિતના આકર્ષણોની નીતિના તેઓ પ્રણેતા હતા. તો અટવાઇ ગયેલી ભુજ પુનર્વસનની ગાડીને પાટે ચઢાવવાથી માંડીને જૂના શહેરમાં રિંગરોડ સહિતની ટી.પી. સ્કીમ અમલી કરવામાં તેમજ રણોત્સવ જેવા આયોજનમાં ચાવીરૂપ ભાગ ભજવનાર કલેકટર પ્રદીપ શર્માને ય યાદ કરવા રહ્યા.
ઔદ્યોગિકરણની હરણફાળે પણ કેટલીક ગંભીર સમસ્યાઓ સર્જી છે. અગાઉ કચ્છ માટે વિકાસ એક પ્રશ્ન હતો આજે વિકાસે સર્જેલા પ્રશ્નો છે. ઉદ્યોગોને પણ અનેક સમસ્યા છે. વિગતે વાત નથી કરવી પણ ગંભીર પ્રશ્ન પાણીનો છે. ૨૦૦૧માં ટેક્સ હોલીડે જાહેર કરાયા પછી પાઇપલાઇન દ્વારા કચ્છને પીવાનું પાણી પુરું પાડવાની મહત્વાકાંક્ષી યોજના અમલી બની ત્યારે એવું જાહેર થયું હતું કે આગળ જતાં ઉદ્યોગોને પણ પાઇપલાઇનથી પાણી મળી રહેશે.
જોકે આજે પરિસ્થિતિ એ છે કે આ નર્મદા પાઇપલાઇન કચ્છને પીવાના પાણીની જરૂરિયાત પણ પૂરી કરી શકતી નથી. તેથી જ તો માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ થઇ રહ્યું છે.
બીજી તરફ દોઢ મહિના પહેલા જ કચ્છના રણમાં રિન્યુએેબલ એેનર્જી પાર્કનું નિર્માણ કરવા માટેની પાયાવિધિ નરેન્દ્રભાઇએે કરી તેનાથી મૂડીરોકાણનો જબ્બર દોર શરૂ થવાની શક્યતા છે. વિચાર કરો ભૂકંપ પછીના ૨૦ વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે એટલું જ રોકાણ આગામી પાંચ-સાત વર્ષમાં આવી શકે તેમ છે. અત્યાર સુધીનું ઔદ્યોગિકીકરણ મહદઅંશે પૂર્વ અને દક્ષિણ કચ્છમાં થયું છે, પણ હવે પશ્ચિમ અને ઉત્તર કચ્છના દ્વાર ખુલ્લી રહ્યા છે. અબડાસા-લખપત તાલુકા વિશ્વના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક મથક બનવા જઇ રહ્યા છે.
ફરી એક વાર નર્મદાની સરપ્લસ વોટર યોજના પર નજર સ્થિર થાય છે. એની સાથે ખેતી માટે સિંચાઇના પાણીનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. ગુજરાતના આગામી બજેટમાં ખબર પડશે કે કચ્છ માટે મહત્વની આ યોજના માટે પુરતી નાણાંકીય ફાળવણી થાય છે કે કેમ? બાકી એટલું નક્કી છે કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહિ થાય ત્યાં સુધી કચ્છનું નવસર્જન અધુરું ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter