મંદિર અને માનવીના મૂક સેવકઃ ચીમનભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Thursday 01st February 2018 07:44 EST
 
 

‘માંડવો બાંધવા સૌ આવે, પણ છોડવા માટે માણસ શોધવા પડે’ આવી કહેવત છે. અનુભવ થયો કેનેડાના ટોરોન્ટોમાં. સનાતન મંદિરમાં ત્યારે રમેશભાઈ ઓઝાની કથા. ભારે ભીડ જામી હતી. કથા પૂરી થયે જમવામાં લોકો ધસ્યા. હું એક ખૂણે ઊભો હતો. કથાના મંડપનું સુશોભન. ભારેખમ વસ્તુઓ. આ બધું સમેટવાનું બાકી. સમેટવામાં બે-ચાર વ્યક્તિ રોકાઈ. આમાંના તે એક ચીમનભાઈ. તેઓ નરસિંહ મહેતાના ભજનમાં વર્ણવેલા વૈષ્ણવજન શા! કથામંચ અને તેનું ભારેખમ સુશોભન ખસેડવું અઘરું! ચીમનભાઈએ એકલે હાથે શરૂ કર્યું. ભારે દેખાતા મદદ માટે ભત્રીજા જશભાઈને બોલાવ્યા. કાળજીપૂર્વક સમેટ્યાં પછી જમવા ગયા ત્યારે ખૂબ જ થોડા માણસો જમતા હતા!

ચીમનભાઈ ભૂતપૂર્વ ઉદ્યોગપતિ છે. સ્વેચ્છાએ ધંધો છોડી નિવૃત્ત થયા છે. કરોડો રૂપિયાની રકમના દાન વતનમાં અને કેનેડામાં આપવા છતાં તેઓ દાનના ડિમડિમ પીટવાથી આઘા રહે છે. જનકલ્યાણની વિવિધ યોજનાઓના વટવૃક્ષમાં ચીમનભાઈ મૂળ બનીને રહ્યા છે. લોકોને વૃક્ષના ફળ-ફૂલ દેખાય પણ જેના વિના એ ન સંભવે એવાં મૂળ ન દેખાય. ચીમનભાઈ એવા મૂળ છે.
કપડવંજ તાલુકાના આંતરોલી ગામના ભીખાભાઈ અને ગંગાબહેનનાં ચાર સંતાનોમાં સૌથી નાના એવા તે ૧૯૪૪માં જન્મ્યા. દશ વર્ષની વયે માનું અવસાન થતાં ભાભી સોનાબહેને દિયરને દીકરાની જેમ ઊછેર્યો. ચીમનભાઈ ભાભીને ભાભીબાના નામે સંબોધતાં. ભણવામાં તેજસ્વી ચીમનભાઈ ૧૯૬૭માં ડેરી સાયન્સમાં ગ્રેજ્યુએટ થયાં. ૧૯૬૮માં જર્મની પહોંચ્યાં. ત્યાં ૧૯૭૦ના અંત સુધી રહ્યા અને ત્યાં કેટલાક મિત્રોને જર્મનીમાં નોકરી અપાવવામાં મદદરૂપ થયા.
મિત્ર એવા ચંપકભાઈ મારફતે કેનેડામાં ઈમિગ્રેશનની શક્યતા જાણી, અરજી કરતાં ૧૯૭૦માં ઈમિગ્રેશન પર કેનેડા આવ્યા. ડેરીમાં નોકરી મળી. એક કે બીજી નોકરી આ જ વ્યવસાયમાં કરી અને પ્રમોશન મેળવીને આગળ વધ્યા. ઠંડીથી ટેવાયા. નોકરી ચાલુ રાખીને ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર, રમકડાં માટેનાં પ્રિન્ટેડ કાર્ડબોક્સનું ઉત્પાદન એવા વ્યવસાય કર્યાં.
૧૯૮૪માં ડેરીમાં પ્રોડ્કશન મેનેજરની ઊંચી પોસ્ટ છોડીને નોકરીના અનુભવે વિક્સેલી આત્મશ્રદ્ધાના સહારે પ્રેરાઇ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની કંપનીમાં બચત રોકીને ભાગીદાર બન્યા.
છવ્વીસ વર્ષ ધંધામાં રહ્યા. ભાગીદારી છોડી નિવૃત્ત થયા અને નિજાનંદ માટે લોકસેવામાં ઝંપલાવ્યું. આર્થિક ઉપાર્જન, હોદ્દાની અપેક્ષા કે બદલાની આશા વિના પોતાને ગમતાં પણ ભગવાન રાજી રહે તેવાં કામ શરૂ કર્યાં. જોકે, નોકરી વખતે પણ આ કરતા પણ ૨૦૧૨ પછી એમાં પૂરી શક્તિથી ઝંપલાવ્યું.
ચીમનભાઈ સદા ગુણગ્રાહી અને ઉપકાર યાદ રાખીને જીવતા રહ્યા છે. ભાભીબા સોનાબહેનનો ઉપકાર યાદ રાખીને ભાભીબાના દીકરાઓને કેનેડા બોલાવીને સ્થાયી થવામાં મદદરૂપ થયા. ૧૯૬૮માં જર્મની જવા નીકળ્યા ત્યારે ગામના લોકોએ મળવા આવીને શુકનમાં કેટલાકે નારિયેળ તો કેટલાકે એક-બે કે પાંચ રૂપિયા આપેલા. આ પછી ચીમનભાઈ કેનેડામાં કમાયા અને સમૃદ્ધ થયા ત્યારે એ ઉપકાર યાદ રાખીને ગામમાં બધાનું ભલું થાય તેવું વિચારવા લાગ્યા. ગામમાં રણછોડજી અને રામજી એવા બે મંદિર. ચીમનભાઈના મોટા ભાઈ રાવજીભાઈ રામજી મંદિરે જતા પણ ચીમનભાઈને મન બંને મંદિર સરખાં. ચીમનભાઈએ ગામ લોકોને સમજાવ્યું કે એક નવું મંદિર બનાવીને એક જ મંદિરમાં બંને દેવની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીએ. ગામલોકો સંમત થયા અને ગામમાં રામજી-રણછોડજીનું નવું મંદિર થયું. ગામમાં વેરાઈ માતા, ભાથાજી, બળિયાદેવ, સ્વામીનારાયણ, શિવાશ્રમ વગેરે મંદિરો હતાં. ચીમનભાઈએ પરદેશ વસતા આંતરોલીના લોકોનો સંપર્ક કર્યો. આથી બીજાએ પણ રસ લીધો. બીજાએ આર્થિક ટેકો કર્યો. જોકે, બધામાં ચીમનભાઈ અને તેમના ભત્રીજાઓએ મુખ્ય દાન આપ્યું. આથી સ્વામીનારાયણ, બળિયાદેવ અને શિવાશ્રમની જગ્યામાં નવાં મંદિર થયાં. ભાથીજીના મંદિરનું સમારકામ કરાવીને નવો મોટો દરવાજો મૂકાવ્યો.
ગામના વણકરો ચામુંડા માતાના મંદિરમાં જતાં. તેમણે ચીમનભાઈને કહ્યું, ‘અમે અમારા ગજા પ્રમાણે આપીશું પણ નવું મંદિર કરાવો તો સારું.’ ચીમનભાઇએ ત્યાં પણ નવું મંદિર કરવામાં મુખ્ય દાન આપ્યું.
મંદિરો કરીને એ ના થોભ્યા. પિતા ભીખાભાઈ ભૂલાભાઈના નામે ચેરિટેબલ ટ્રસ્ટ કર્યું. ગામના જરૂરતમંદ વિદ્યાર્થીઓને આમાંથી અભ્યાસ માટે વિના વ્યાજે લોન આપવામાં આવે છે. જે અભ્યાસ પૂરો થયે કમાણી પછી હપ્તે હપ્તે પરત આપે. આઠ વર્ષથી ટ્રસ્ટ પ્રવૃત્તિ કરે છે. ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલને તેઓ ત્યારથી જ દાન આપતા રહ્યા છે.
ચીમનભાઈ ૧૯૭૦માં ટોરન્ટોમાં આવ્યા ત્યારથી જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેતા થયા. તેઓ પ્રાર્થના સમાજમાં જોડાયા. વખત જતાં ઈસ્કોન, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સત્સંગ વગેરેમાં જતા હતા. જ્યાં જાય ત્યાં તે બધાંને ગમતાં અને ભાવતાં. સંસ્થામાં શરીર શ્રમ અને આર્થિક સહકાર આપવામાં ક્યારેય પાછી પાની ન કરતા.
૧૯૮૪માં જ્યારે ક્રિમ્પ સર્કિટ કંપનીમાં જોડાયા ત્યારે તેના સ્ટાફના સ્વામિનારાયણી સભ્યો એમને ત્યાં યોજાતા સત્સંગમાં તેમને આમંત્રણ આપતા. તેઓ આમાં જોડાતા અને તેથી સર્કલ વધતું ગયું. અનુપમ મિશનના અગ્રણી સત્સંગી ડાહ્યામામાને ત્યાં યોજાતા સ્વામિનારાયણ સત્સંગમાં તેઓ જતા આથી મિત્રો વધ્યા. રાજકોટ ગુરુકૂળના ૧૧ જેટલા સંતો ચીમનભાઈને ત્યાં ૧૫ દિવસ રોકાયેલા આથી તેઓ સત્સંગમાં વધુ ઊંડા ઊતર્યાં. સ્વામિનારાયણ સત્સંગીઓના સાથથી તેઓ ‘ફોગા’ એટલે કે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનમાં પ્રમુખ ચૂંટાયા. તેમની સૂઝ અને પુરુષાર્થથી ‘ફોગા’ મજબૂત થયું.
૧૯૭૩ની આસપાસ ટોરન્ટોમાં ગુજરાતીઓની વસતિ જૂજ હતી. ગુજરાતી સમાજ રજિસ્ટર્ડ થયો ન હતો. ચીમનભાઈ તેમાં જોડાયા અને ૧૯૭૩માં તે નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે રજિસ્ટર્ડ થયો. ગુજરાતીઓની સંખ્યા વધતાં ૧૯૮૪માં સમાજે બિલ્ડીંગ કમિટી રચી અને જમીન ખરીદી. ઝોનિંગના પ્રશ્ને બાંધકામ ન થઈ શક્યું અને ૧૯૯૨માં નવા ઝોનિંગના પ્રશ્ને બાંધકામ ન થઈ શક્યું અને ૧૯૯૨માં નવા ઝોનિંગ સેક્ટરમાં બિલ્ડીંગ માટે જમીન ખરીદી. ૧૯૯૫માં ચીમનભાઈ બિલ્ડીંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે પોતાના ભાગીદારો સુરેન્દ્રભાઈ અને યોગેનભાઈના સાથથી ૫૧,૦૦૦ ડોલરના દાનથી બિલ્ડીંગ ફંડની શરૂઆત કરી. આ પછી તેમણે ફરી ૨૫,૦૦૦ ડોલરનું દાન આપ્યું, પછી અવારનવાર આપતા રહ્યા તેથી ૨૦૧૩ સુધીમાં તે રકમ ૩,૨૩,૦૦૦ ડોલરની થઈ. વધારામાં સી.એન.સી. કંપનીના માલિકી એવા તેમના ભત્રીજાઓએ બે લાખ ડોલરનું દાન કર્યું. ચીમનભાઈનો ઉત્સાહ આથી બેવડાયો. વ્યક્તિગત રીતે ચીમનભાઈ સૌથી મોટા દાતા બન્યા.
ચીમનભાઈએ ફંડ વધારવા કૃષ્ણશંકર શાસ્ત્રીજીના વ્યાસાસને ભાગવત કથા યોજી. કથા દરમિયાન તેઓ શાસ્ત્રીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. ૧૯૯૬માં માત્ર બે વર્ષમાં ભવ્ય મંદિર થયું અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી પાસે મૂર્તિપ્રતિષ્ઠા કરાવી.
ચીમનભાઈ સનાતન મંદિરના પ્રાણરૂપ છે. તેઓ હોદ્દા પર હોય કે ના હોય, તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી સનાતન મંદિર વિવિધ પ્રવૃત્તિ કરે છે. યુવાવર્ગના ચારિત્ર્ય ઘડતરની અને સંસ્કાર-વારસો જળવાય તે માટે ગુજરાતી ભાષાના વર્ગો એ મંદિરની ખાસ પ્રવૃત્તિ છે. સનાતન મંદિર અને ગુજરાતી સમાજનું બંધારણ ઘડવામાં ચીમનભાઈની નેતાગીરી રહી છે. ગુજરાતી સમાજ પક્ષાપક્ષીથી પર રહીને સંવાદિતાથી ચાલે તેમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ૨૦૦૦માં ગુજરાતી સમાજનું નામ સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર કરવામાં આવ્યું હતું.
ચીમનભાઈનાં પત્ની કમુબહેન સદા સ્મિતસભર, અતિથિવત્સલ, પરિશ્રમી અને સેવાભાવી છે. બંનેની જોડીએ ટોરન્ટોનું સનાતન મંદિર શોભાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter