ભારતની આંતરિક શક્તિની સારી સમજ ધરાવતા મોદીજીનું એક વિઝન છે કે 2047માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણો દેશ ‘આત્મનિર્ભર ભારત’ અને એક મહાન દેશ તરીકે પુન: સ્થાપિત થશે પોતાની દૂરંદેશી નીતિઓ દ્વારા દેશને તેઓ આ દિશામાં ઝડપથી લઈ જઈ રહ્યા છે. તેમણે દરેક ભારતીયમાં એવો વિશ્વાસ જગાવ્યો છે કે આપણે દુનિયામાં કોઈથી ઓછા નથી. છેલ્લાં 11 વર્ષોમાં, તેમના નેતૃત્વ હેઠળ દેશે આત્મસન્માન, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સ્પર્શી છે.
17 સપ્ટેમ્બર એ ઈતિહાસમાં ઘણા કારણોસર એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે બધા કારીગરો અને કામદારો ખૂબ જ આનંદથી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરે છે. આ દિવસે હૈદરાબાદને ક્રૂર નિઝામ અને રઝાકારોથી મુક્તિ મળી હતી. અને આ દિવસે એક જનસેવકનો જન્મ પણ થયો હતો. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, જેમણે પોતાનું આખું જીવન દેશ અને દેશવાસીઓને સમર્પિત કર્યું છે. મોદીજીનો આ જન્મદિવસ ખાસ છે, કારણ કે આ તેમનો 75મો જન્મદિવસ છે. 140 કરોડ દેશવાસીઓ વતી, હું મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને ભારતના મજબૂત ભવિષ્ય માટે મોદીજીને લાંબુ આયુષ્ય, ઊર્જા અને આરોગ્ય પ્રદાન કરવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દાયકાઓ સુધી કામ કરતી વખતે મને ખ્યાલ આવ્યો છે કે તેમનું વ્યક્તિત્વ એક રાજકારણી કરતાં વધુ છે, એક ધ્યેયલક્ષી નેતા જે રાષ્ટ્રીય હિત માટે સમર્પિત છે. એક એવા નેતા જેમનું નેતૃત્વ રાષ્ટ્રના ઉત્થાન અને લોકોના કલ્યાણ પર આધારિત છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની વિશેષતા એ છે કે તેમની પાસે તેમના શાસનમાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું વિઝન છે. તેઓ સમાજના કોઈપણ વર્ગ અથવા કોઈપણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તે ઉદ્દેશ્ય સાથે નીતિઓના નિર્માણ અને અમલીકરણ પર ભાર મૂકે છે. તેઓ શાસનને સત્તાનું સાધન નહીં પરંતુ સેવાનું સાધન માને છે. આ જ કારણ છે કે તેમની સરકારમાં ગરીબોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ઘણી યોજનાઓ માત્ર શરૂ જ કરવામાં આવી ન હતી, પરંતુ સફળતાપૂર્વક તેમનાં લક્ષ્યોને પ્રાપ્ત પણ કરી રહી છે.
આપણે જોઈ શકીએ છીએ કે જનધન યોજનાએ 50 કરોડથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનનો એક નવો અધ્યાય લખ્યો છે. ઉજ્જવલા યોજનાએ દરેક ઘરમાં ધુમાડાથી મુક્તિ અને ગૌરવપૂર્ણ જીવનનો સંદેશો આપ્યો છે. આયુષ્માન ભારતે ગરીબોને આરોગ્ય સુરક્ષા આપી, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબોને પોતાના ઘરનું સ્વપ્નને પૂર્ણ કરવાની તક આપી છે. જ્યારે પણ હું આવી યોજનાઓના લાભાર્થીની આંખોમાં સંતોષ અને વિશ્વાસ જોઉં છું, ત્યારે હું સમજું છું કે મોદીજીની સરકાર જમીન પર જન કલ્યાણના ઉદ્દેશ્યને કેવી રીતે સાકાર કરી રહી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે, તેમણે દેશના ઘણા ભાગોમાં સમાજના દરેક વર્ગ સાથે વાતચીત કરી છે. આ તેમના તપસ્વી જીવનનો એવો સમયગાળો હતો, જેમાં તેમણે માત્ર દેશના આત્માને નજીકથી જોયો જ નહીં, પરંતુ તેની આંતરિક શક્તિનો પણ સામનો કર્યો છે. તેમનો આ અનુભવ તેમની શાસન નીતિ અને કાર્યશૈલીમાં ગરીબો અને વંચિતો પ્રત્યેની કરુણાના સ્વરૂપમાં પ્રતિબિંબિત થાય છે. સંઘના પ્રચારક તરીકે મોદીજીએ સંગઠનની કળા શીખી અને બાદમાં ભાજપના સંગઠન શિલ્પી તરીકે, તેમણે સંગઠનને સમકાલીન બનાવવા માટે ઘણી સફળ નવીનતાઓ અને પ્રયોગો કર્યા છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, મને મોદીજીના માર્ગદર્શન અને તેમના સંગઠનાત્મક અનુભવને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાની તક મળી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણયો લેવાની ક્ષમતા દ્વારા જ મજબૂત નેતૃત્વની ઓળખ થાય છે. આ કિસ્સામાં, મોદીજીની નેતૃત્વ ક્ષમતા લોખંડની બનેલી છે. મેં ઘણીવાર જોયું છે કે મોટી પરિસ્થિતિઓમાં પણ તેઓ અસાધારણ ધીરજ અને સ્પષ્ટ દૃષ્ટિ જાળવી રાખે છે. 2014થી એવા ઘણા પ્રસંગો આવ્યા છે, જ્યારે દેશને મોટા અને કઠિન નિર્ણયોની જરૂર હતી. આવા બધા પ્રસંગોએ પ્રધાનમંત્રી મોદીજીએ સંપૂર્ણ દૃઢતા અને કાર્યક્ષમતા સાથે નેતૃત્વની લગામ સંભાળી અને રાષ્ટ્રીય હિત અનુસાર નિર્ણયો લીધા છે. નોટબંધી અને જીએસટી જેવા પગલાંએ આર્થિક સુધારાઓને વેગ આપીને આપણા અર્થતંત્રમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકારો આપતી કલમ 370ની ઐતિહાસિક નાબૂદી સદીઓ સુધી યાદ રાખવા જેવી ઘટના છે. આ નિર્ણય ફક્ત રાજકીય હિંમત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં મોદીજીની અતૂટ શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે. ટ્રિપલ તલાક જેવાં સામાજિક દુષણો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મહિલાઓના ગૌરવ અને અધિકારોના રક્ષણ માટે એક સાહસિક પગલું હતું. આ નિર્ણયો સરળ નહોતા.
આમાંના ઘણા નિર્ણયોનો વિરોધ પણ થયો હતો, પરંતુ પ્રધાનમંત્રી મોદીજી ક્યારેય વિચલિત થયા નથી. તેમની અંદર દૃઢ વિશ્વાસ હતો કે જો કોઈ કાર્ય રાષ્ટ્રહિતમાં જરૂરી છે, તો તેને વિરોધ અને ટીકાને ધ્યાનમાં લીધા વિના, કોઈપણ પરિસ્થિતિમાં પૂર્ણ કરવું જોઈએ.
બહુ જૂની વાત નથી, જ્યારે કોવિડ-19 જેવી મહામારીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આવા મુશ્કેલ સમયમાં પણ, મોદીજીએ માત્ર જનતાને આશ્વાસન જ નથી આપ્યું, પરંતુ દેશના ઉદ્યોગો, વૈજ્ઞાનિકો અને યુવાનોને આત્મનિર્ભરતા તરફ દોરી ગયા હતા. દુનિયા વિચારી રહી હતી કે આ મહામારીમાં ભારતનું શું થશે! પરંતુ આપણા નેતૃત્વની કુશળતા જ હતી કે દેશમાં રેકોર્ડ સમયમાં રસીનું ઉત્પાદન થયું એટલું જ નહીં, પરંતુ ટેકનોલોજી આધારિત મફત રસીકરણ અભિયાન દ્વારા, આપણે વિશ્વ સમક્ષ કોવિડ મેનેજમેન્ટનું એક અનુકરણીય મોડેલ રજૂ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતે વારંવાર સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મસન્માન સાથે કોઈ સમાધાન શક્ય નથી. ઉરી હુમલા પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઈકે દુનિયાને બતાવ્યું કે ભારત હવે આતંકવાદ સામે મૂક પ્રેક્ષક નહીં રહે. પુલવામા ઘટના પછી બાલાકોટ હવાઈ હુમલાએ આ સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો. તાજેતરમાં, પહેલગામ હુમલાના જવાબમાં 7 મે 2025ના રોજ હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ એ નીતિને નિર્ણાયક રીતે સ્થાપિત કરી કે જ્યારે પણ દેશની ઓળખ અને નાગરિકોની સલામતીને નુકસાન થશે, ત્યારે ભારત સંપૂર્ણ હિંમત અને દૃઢ નિશ્ચય સાથે જવાબ આપશે. આ કાર્યવાહીએ દેશવાસીઓમાં આત્મવિશ્વાસ અને ગૌરવની ભાવનાને મજબૂત જ નથી બનાવી, પણ વિશ્વને સંદેશ પણ આપ્યો કે નવું ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
વિદેશ નીતિના ક્ષેત્રમાં પણ મોદીજીની કાર્યશૈલી અનોખી છે. આજે જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉભા રહે છે અને આત્મવિશ્વાસથી ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરે છે, ત્યારે આપણા બધામાં ગર્વની લાગણી વહે છે. પહેલા, જ્યાં ભારતને ઘણીવાર ઉભરતા રાષ્ટ્ર તરીકે જોવામાં આવતું હતું, હવે મોદીજીના નેતૃત્વમાં, ભારત વૈશ્વિક નેતાની ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહ્યું છે. પછી ભલે તે પેરિસ ક્લાઈમેટ કરાર હોય, G-20 પરિષદ હોય કે યુનાઇટેડ નેશન્સમાં આપેલું ભાષણ હોય - દરેક જગ્યાએ તેમનો આત્મવિશ્વાસ ભારતની વધતી જતી શક્તિ અને ગૌરવનું પ્રતીક રહ્યો છે.
નરેન્દ્ર મોદી વિશે હું જે જાણું છું તેના આધારે, હું કહી શકું છું કે તેમનું વ્યક્તિત્વ ફક્ત નીતિઓ અને કાર્યક્રમો સુધી મર્યાદિત નથી. તેમની અંદર એક ખાસ કરિશ્મા છે, જે તેમને સીધા જનતા સાથે જોડે છે.
તેમની વાણીમાં સહજતા અને સરળતાની એ કુશળતા છે, જે તેમને સંવાદ કરતી વખતે સીધા જનતાના હૃદય સુધી પહોંચાડે છે. જ્યારે તેઓ રેડિયો પર વાત કરે છે, ત્યારે કરોડો લોકોને લાગે છે કે પ્રધાનમંત્રી તેમની સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. પછી ભલે તે ગામડાનો ખેડૂત હોય કે શહેરનો વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય, દરેક વ્યક્તિ તેમની સાથે આત્મીયતાની લાગણી અનુભવવા લાગે છે. જે કોઈ સામાન્ય વાત નથી. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતને માત્ર આર્થિક અને રાજકીય રીતે જ નહીં, પણ માનસિક અને સાંસ્કૃતિક રીતે પણ સશક્ત બનાવ્યું છે.
ભારતની આંતરિક શક્તિની સારી સમજ ધરાવતા મોદીજીનું એક વિઝન છે કે 2047માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણો દેશ ‘આત્મનિર્ભર ભારત’ અને એક મહાન દેશ તરીકે પુનઃસ્થાપિત થશે અને તેને પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાની દૂરદેશી નીતિઓ દ્વારા દેશને આ દિશામાં ઝડપથી લઈ જઈ રહ્યા છે. તેમણે દરેક ભારતીયમાં એવો વિશ્વાસ જગાવ્યો છે કે આપણે દુનિયામાં કોઈથી ઓછા નથી. છેલ્લાં 11 વર્ષોમાં, તેમના નેતૃત્વ હેઠળ દેશે આત્મસન્માન, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સ્પર્શી છે, જે મારા મતે ઐતિહાસિક અને અનોખી બંને છે. હકીકતમાં, સાચું નેતૃત્વ એ છે જે દરેક ક્ષણે રાષ્ટ્રને સમર્પિત હોય અને જેનો દૃષ્ટિકોણ વર્તમાનથી ઘણું આગળ ભવિષ્ય તરફ જોતો હોય. નરેન્દ્ર મોદીનું આ વ્યક્તિત્વ આજે ભારતની સૌથી મોટી તાકાત છે.


