ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી વિનાશક રીતે પરાજયનો સામનો કર્યો હોવા છતાં, મતદારો હજુ પણ પૂછી રહ્યા છે કે, ‘ટોરીઝ કોણ છે?’. આ પ્રશ્ન તદ્દન યોગ્ય છે કારણ કે ગત દસ વર્ષમાં તેમની પાસે પાંચથી ઓછા નેતા નથી આવ્યા અને તેમાંથી ચાર તો પ્રાઈમ મિનિસ્ટર રહ્યા છે.
ડેવિડ કેમરનના સમયમાં નેતૃત્વ અને ટોરી પાર્ટી શેના માટે ઊભી છે તેમજ રાષ્ટ્ર કઈ દિશા તરફ જઈ રહ્યું છે તેના વિશે ચોક્કસ સ્પષ્ટતા હતી. સમસ્યાઓની શરૂઆત ત્યારથી જ થઈ જ્યારે ટેરેસા મેએ સત્તા સંભાળી. જોકે, પાર્ટીના પ્રવાસની સામાન્ય દિશા હજુ પણ રૂઢિચુસ્ત-કન્ઝર્વેટિવ પ્રકૃતિની હતી છતાં, બ્રેક્ઝિટ મુદ્દે તેમનું અગાઉનું ‘રિમેઈનર’ તરીકેનું વલણ ક્યારેય ભૂલી શકાયું નહિ. તેમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે ‘આકસ્મિક’ ચૂંટણી જાહેર કરી દીધી. તેમનો દાવ ઉલટો પડતાં આ ભૂલ ઘણી ભારે પડી અને ટોરીઝે તેમની બહુમતી ગુમાવી દીધી. આના પરિણામે, વિપક્ષની તાકાત વધી ગઈ અને દરેક તબક્કે લેબર, લિબડેમ્સ, ગ્રીન્સ અને સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)એ બ્રિટિશ જનતાના આદેશને નબળો પાડવા માટે ભરપૂર પ્રયાસો કર્યાં.
થોડાં જ સમય પછી તેમના સ્થાને બોરિસ જ્હોન્સનને લાવવામાં આવ્યા. વિશાળ વ્યક્તિત્વ ધરાવતા નેતા બોરિસે ઘણાં બહાદૂરીદર્શક નિવેદનો કર્યા અને આશા જગાવી, પરંતુ જ્યારે તેમના વ્યક્તિગત વર્તનની વાત આવી, નિયમો સાથે તોડમરોડની તેમની ઉદ્ધતાઈએ તેમને નિષ્ફળતા અપાવી. તેમણે ટોરીની પ્રામાણિકતાની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું, જેની અસર પાર્ટી હજુ પણ ભોગવી રહી છે. આ પછી, લિઝ ટ્રસે પ્રાઈમ મિનિસ્ટરનું પદ સંભાળ્યું, પરંતુ પાર્ટીના સુસ્થાપિત વહીવટીતંત્રને તેઓ પસંદ ન પડ્યા અને નિર્ણય લેવાયો કે તેમણે જવું જોઈએ. રિશિ સુનાકને સુરક્ષિત હાથ તરીકે નિહાળવામાં આવ્યા. જોકે, તેમની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ નબળા હતા અને મતદારો ક્યારેય નબળા ટોરી નેતાને સ્વીકારે નહિ. ટોરીઝે છેલ્લી ચૂંટણી ગુમાવી કારણ કે તેમણે ગેરકાયદે માઈગ્રેશન-સ્થળાંતર, ECHR, દરરોજ શેરીઓમાં નફરતની કૂચ કરનારાઓનું પાગલપણું, દ્વિસ્તરીય ન્યાય અને પોલીસિંગ નીતિઓ અને ચોક્કસપણે જીવનનિર્વાહ ખર્ચના મુદ્દાને ઉકેલવાનું વચન તોડ્યું. તેમણે પોતાના મતોનો એક મોટો હિસ્સો ખિસ્સાભેગો કરવાની રિફોર્મ યુકેને સુવર્ણતક આપી, અને રિફોર્મ જરા પણ તક ચૂક્યું નહિ. લેબર પાર્ટીએ નિરાશ જનતાને ચાંદતારા અને પૃથ્વી આપવાના વચનોની મોટી લહાણી કરી અને જમણેરીઓનાં મતવિભાજન સાથે, તેમની જીત થાય તેમાં જરા પણ આશ્ચર્ય ન હતું.
‘ટોરીઝ કોણ છે?’, આ પ્રશ્ન હજુ યથાવત જ છે. કેમી બેડેનોક ધીમે ધીમે પાર્ટીને તેનો આત્મા શોધવા અને તેની સાથોસાથ, પ્રવાસની એક એવી દિશા તરફ આગળ દોરી રહ્યાં છે જેમાં ફક્ત ટોરીઝ જ નહિ, પણ મતદારો પણ સ્વીકારીને જોડાઈ શકે. મારા મતે, તેઓ આગામી ચૂંટણીમાં બેઠકોનો આવશ્યક વાજબી હિસ્સો હાંસલ કરવાની જરૂર પરિપૂર્ણ માટે તેમણે જે સ્થાને હોવું જોઈએ ત્યાંથી હજુ પણ ઘણાં દૂર છે.
હવે એ જોઈએ કે તેમણે કયા મુદ્દાઓ પર મજબૂત રહેવાની જરૂર છે?
a. ઘરઆંગણાની નીતિઓમાં અવરોધ પેદા કરી શકે તેવી ECHR અને અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય સંધિઓમાંથી બહાર નીકળો.
b. બધા ગેરકાયદે સ્થળાંતરીઓને નકારો અને દેશનિકાલ કરો.
c. રહેઠાણ, નોકરીઓ અને કલ્યાણની બાબત હોય ત્યાં બ્રિટિશ નાગરિકને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.
d. ઊર્જાનો ખર્ચ ઘટાડો.
e. નાણાકીય વ્યવસ્થાનું સંચાલન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ શેરીઓમાં રહેતાં મતદારો પણ તેમની મહેનતની કમાણીમાંથી વધુ હિસ્સો જાળવી રાખવા ઈચ્છે છે.
f. દ્વિસ્તરીય પોલીસિંગ અને દ્વિસ્તરીય ન્યાયના પાગલપણાનો અંત લાવો. જે લોકો કાયદો તોડતા હોય તેમની વંશીયતાને ધ્યાનમાં લીધા વિના જ તેમના અપરાધ માટે યોગ્ય સજા મળવી જ જોઈએ.
g. પાકિસ્તાની સેક્સ ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા નબળી શ્વેત છોકરીઓના યૌનશોષણને સમર્થન આપનારા, તુષ્ટિકરણ કરનારા અથવા જઘન્ય અપરાધને નજરઅંદાજ કરનારા પોલીસ, રાજકારણીઓ અને અન્ય લોકોની તપાસ કરો, તેમની સામે કાનૂની કાર્યવાહી કરો અને જેલના સળિયા પાછળ ધકેલી દો.
h. કટ્ટર ઈસ્લામિક ઝનૂનીઓ અને અતિ-જમણેરી જૂથોને પ્રતિબંધિત કરો. જો તમે નફરત અને હિંસાના વાયરસને રાષ્ટ્રને ખાઈ જવાં છૂટાં મૂકશો, તો તે રાષ્ટ્રને નષ્ટ જ કરશે.
i. શિક્ષણ, NHS અને જાહેર પરિવહનને અગ્રતા તરીકે નિહાળવાં જોઈએ અને મતદારોને તેના વિશે રોજિંદો અનુભવ થવો જોઈએ.
મતદારો સામાન્યપણે રોજબરોજ જે કરતા હોય તે અન્ય બધું જ નિયમિતપણે કરવાનું રહેશે. જો ટોરીઝ ફરીથી સુસંગત બની રહેવાની કોઈ પણ તક ઈચ્છતા હોય, તો તેમણે રાષ્ટ્રની ઇચ્છાઓ અને જરૂરિયાતો સાથે મેળ ખાય તે રીતે પોતાના રાજકીય અભિગમ-સ્થિતિને પુનઃસ્થાપિત કરવી પડશે. આનો અર્થ એમ પણ છે કે ભૂતકાળની નિષ્ફળતાઓ સાથે સંકળાયેલા કેટલાક હાઇ-પ્રોફાઇલ ટોરીઝને પડદા પાછળ ધકેલી દેવાની જરૂર છે.
ચૂંટણી સંબંધિત સર્વેક્ષણો સૂચવે છે કે રિફોર્મ યુકે લોકપ્રિય મતો હાંસલ કરશે અને તેઓ ફરીથી ટોરીઝનો રકાસ કરશે. આ વખતે તેમાંથી બચવાની એકમાત્ર શક્યતા એ છે કે કોર્બિન/સુલતાનાની નવી પાર્ટી લેબર પાસેથી મતહિસ્સો ખૂંચવી જઈ શકે છે અને તેમની વર્તમાન વિશાળ બહુમતીને ઘટાડી શકે છે.
મારી શંકા કે અનુમાન એવું છે કે મે 2026માં રિફોર્મ યુકે કાઉન્સિલ ચૂંટણીઓમાં વ્યાપક સફળતા હાંસલ કરશે. જો રિફોર્મ યુકે આ કાઉન્સિલો ચલાવવામાં નિષ્ફળ જતી જણાશે, તો ટોરીઝને 2029ની સામાન્ય ચૂંટણી માટે ગુમાવેલા મતો પાછા મેળવવાની મોટી તક મળશે. મતદારોએ તો લેબરને જાકારો આપી જ દીધો છે, કેર સ્ટાર્મરે આની ચોકસાઈ કરી લીધી છે. એકમાત્ર પ્રશ્ન એ છે કે આ મત કઈ તરફ જશે? મારું અનુમાન એવું છે કે આ મતહિસ્સો રાષ્ટ્રીય શાસનનો કોઈ અનુભવ નથી તેવી નિષ્ફળ રિફોર્મ યુકે પાર્ટી કરતાં સુરક્ષિત સ્થાપિત રાજકીય પાર્ટી તરફ વળવાની વધુ શક્યતા છે. જોકે, રિફોર્મ યુકે પાર્ટી કાઉન્સિલોનાં સંચાલનમાં સફળ નીવડશે, તો તેમને નંબર 10માં જતાં કોઈ અટકાવી શકે તેમ મને જણાતું નથી.
જો તમે મતદારોને ટોરી પાર્ટીનું વર્ણન કરવાનું પૂછશો, તો સંપર્કથી દૂર, અપ્રામાણિક, ભ્રષ્ટ, વિભાજિત, અરાજકતાવાદી, તુમાખીપૂર્ણ, ભદ્રલોકના હિમાયતી, બેદરકાર અને નકામાં જેવાં સામાન્ય શબ્દોનો ઉપયોગ જોવા મળશે. ટોરીઝને એવા નેતાની જરૂર છે જે રાષ્ટ્રને પ્રેરણા આપી શકે અને આકાંક્ષાને જગાડી શકે. એવી વ્યક્તિ જે જનતા સાથે જોડાઈ શકે. એવી વ્યક્તિ જે ભૂતકાળની ભૂલોની જવાબદારી લેવા અને આવી ભૂલો માટે માફી માંગવા તૈયાર હોય. શું કેમી ટોરીઝને આગામી ચૂંટણીમાં વિજયમાર્ગે લઈ જઈ શકશે? આનો નિર્ણય તો જનતા જનાર્દન જ લઈ શકે છે.