મદોન્મત્ત થયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાવજ અસાહજિક, અકળ અને અસ્પષ્ટ વલણોના કારણે વિશ્વમાં કલ્પી પણ ના શકાય તેવા ફેરફારો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે! અમેરિકા ફર્સ્ટની જીદમાં અતિરેક અને વધારે પડતા આત્મવિશ્વાસથી પ્રેરાઈને ટ્રમ્પનું વલણ સમગ્ર વિશ્વને ભારે અરાજકતા તરફ દોરી ના જાય તો જ નવાઈ! ટ્રમ્પના આવા વલણની બીજા વિશ્વયુદ્ધ પહેલાં અતિ આત્મવિશ્વાસવાળા હિટલર સાથે કરીયે તો ખોટું નથી. આ રસપ્રદ ઘટનાક્રમને સંક્ષેપમાં નીચેની વિગતે જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોવાની મજા આવે તેમ છે, પરંતુ સ્થળસંકોચના કારણે આપણે સંક્ષિપ્તમાં જોવા પ્રયત્ન કરીયે. દેશી ભાષામાં કહીએ તો આ ‘ભુરીયો ભુરાયો થયો’ લાગે છે.
એક રીતે જોવા જઈએ તો જે દેશનું ચલણ ડોલર વૈશ્વિક માન્યતા ધરાવતું હોય, આર્થિક અને સૈન્યની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે શક્તિશાળી હોય, ચીન અને રશિયાને બાદ કરતાં નાટોના યુરોપિય દેશો સહિત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરતું હોય તેવું અમેરિકા આજની તારીખે મહાન જ ગણાય, છતાં Make America Great Again (MAGA)ના ભ્રામક સૂત્રથી અમેરિકનોને આંજીને આ ટ્રમ્પ મહાશય પ્રમુખ બન્યા. એક વાર ટ્રમ્પે પ્રમુખપદે બેસતાની સાથે દેશને વધુ મહાન બનાવવાની તીવ્ર ઈચ્છા દર્શાવે તેને ઈચ્છનીય માની પણ લઈએ, પરંતુ તે મદોન્મત્ત બનવાની હદે જાય તે અકલ્પ્ય હતું. રાજગાદીએ બેસતાં જ આ શ્રીમાન ટ્રમ્પ દ્વારા કેનેડા જેવા વિશાળ દેશને અમેરિકામાં ભેળવી દેવા, પનામા નહેરનો કબ્જો માંગવો, ડેનમાર્ક જેવા મિત્ર દેશ પાસેથી તેનું ગ્રીનલેન્ડ માંગી લેવું વગેરે અસ્વભાવિક ઘટના ક્રમ છે. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ તો ખાસ ધ્યાન માંગી લે છે...
આ તો ‘ટેરિફ મેન’ કે ‘ટેરિબલ મેન’?
પોતાને જરાય અનુકૂળ ના આવે તેના ઉપર ટેરિફ નાંખવાનું ટ્રમ્પ માટે ખુબ સાહજિક થઇ ગયું છે. વારંવાર પોતાના તરંગ પ્રમાણે અમેરિકામાં આયાત થતાં માલ ઉપર ટેરિફનો ખુલ્લેઆમ હથિયાર તરીકે ઉપયોગ આમના માટે સાહજિક થઇ ગયો છે. રશિયા પાસેથી ખનીજ તેલની ખરીદી કરતા ભારત અને ચીન સહિત ઘણા દેશો આનો શિકાર થયા છે. જંગી ટેરિફના દબાણ હેઠળ ભારતને કાબુમાં કરવામાં નિષ્ફળ જતાં હજુ ટેરિફ વધારવાની ધમકી આપે જાય છે. Love and hateની નીતિ અપનાવી આપણા મોદીજી પાસે કાંઈક બોલાવવાના સતત પ્રયત્નો ઉપર મોદીજીનું સુચક મૌન આમને ખુબ અકળાવે છે. પણ મુત્સદી મોદીજીએ કાંઈ પણ બોલ્યા વગર અમેરિકાથી આયાત થતી પીળી દાળ (વટાણાની દાળ) ઉપર ગુપચુપ 30 ટકા ટેરિફ લગાવી અમેરિકાની ખેડૂત લોબીમાં હલચલ પેદા કરી દીધી છે. આ ટેરિફ મેન તો ગ્રીનલેન્ડ મેળવવામાં સહકાર ના આપનાર નાટો સંધિમાં પોતાની સાથે જ જોડાયેલ આઠ યુરોપિયન દેશો ઉપર હાલ 10 ટકા અને જૂન મહિના સુધી સમજૂતી ના થઇ જાય તો 25 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપીને તો ટ્રમ્પ ‘ટેરિફ મેન’માંથી ‘ટેરિબલ મેન’ બનવા જઈ રહ્યા હોય તેવું લાગે છે.
વેનેઝુએલા સામેના અકલ્પ્ય પગલાં
વેનેઝુએલા જેવા નાના દેશના પ્રમુખ માદુરોનું તેમની પત્ની સહિત અપહરણ કરવાની ઘટના પાછળ દર્શાવાતું કારણ અમેરિકામાં કેફી ડ્રગ્સ પહોંચાડવામાં માદુરો સંડોવાયેલ હોવાનું તથા બીજું કારણ વેનેઝુએલા પાસે ભરપૂર ખનીજ તેલનો કબ્જો મેળવવાનું જણાયેલ છે. આ ઉપરાંત ટ્રમ્પની નોબેલ પારિતોષિક મેળવવાની ઘેલછા પણ મોટું કારણ હોવાનું બહાર આવે છે. પોતે વિવિધ યુદ્ધો થતાં રોક્યા હોવાના દાવાઓ કરવા છતાં નોબેલ પારિતોષિક મેળવવામાં નિષ્ફળતા પછી વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાડોને મળેલા નોબેલ પારિતોષિક તેમની પાસેથી મેળવી તેના બદલામાં મટાડોને વેનેઝુએલાના પ્રમુખ બનાવવાનો સોદો થયેલ હોવાની શંકા પેદા થાય તે સ્વાભાવિક છે. આમ કોઈ પણ રીતે નોબેલ પારિતોષિક મેળવવાની ઘેલછા પણ વેનેઝુએલા ઘટના ક્રમનું મુખ્ય કારણ હોઈ શકે.
ગ્રીન લેન્ડ મેળવવાની ઘેલછા
જેમાં ખુદ અમેરિકા ખુદનું નેતૃત્વ છે તેવા મુખ્યત્વે રશિયાના સામ્યવાદ સામે યુરોપિય દેશોના નાટો સંગઠનની મુખ્ય શરત એ છે કે આ સંગઠન પૈકીના કોઈ પણ દેશ ઉપર કોઈ આક્રમણ કરે તો સંગઠનના દરેક દેશોએ પોતાના ઉપર આક્રમણ થયું છે તેમ માની તેનો સામનો કરવાનો રહેશે. જોકે આ સંગઠનનો જ કોઈ સભ્ય દેશ બીજા સભ્ય દેશ ઉપર આક્રમણ કરે તો શું? આવી જ ગુંચવાડાભરી પરિસ્થિતિ નાટોના સભ્ય દેશ ડેનમાર્ક પાસેથી સામ, દામ, દંડ
અને ભેદ ગમે તે પ્રકારે ડેનમાર્કના ગ્રીનલેન્ડ મેળવવાની જીદથી ઉભી કરી છે.
ગ્રીનલેન્ડ મેળવવા માટે ટ્રમ્પ મહાશય એવું કારણ બતાવે છે ચીન અને રશિયા તેના ઉપર કબજો ના જમાવે. જોકે આના બીજા ઘણા ગર્ભિત કારણો પણ છે. જેમ કે ગ્રીનલેન્ડ અમેરિકાના ઉત્તર ધ્રુવના સૈન્ય મથકની બિલકુલ નજીક છે. બીજું, અહીંથી અમેરિકા આર્કીટિક સર્કલમાં પોતાની સુરક્ષા મજબુત બનાવવા ઉપરાંત રશિયા, યુરોપ અને ચીનની વધુ નજીક આવી જઈ શકે છે. ત્રીજું, ગ્રીનલેન્ડમાં ચીન જેના ઉપર ઈજારો ધરાવે છે તેવા દુર્લભ ખનીજોનો ઉપરાંત બીજા પણ ઘણા ખનીજોનો વિપુલ ભંડાર છે.
ચોથું, આબોહવા પરિવર્તનનાં કારણે બરફ ઓગળતા આર્કીટિકના વેપારી માર્ગો ધીમે ધીમે ખુલી રહ્યા છે. જે અમેરિકાનું એશિયા, યુરોપ વચ્ચેનું હજારો માઇલોનું અંતર ઘટાડી વૈશ્વિક વેપારનું ખુબજ મહત્વનું અંગ બની રહે તેમ છે.
જો સાદી ભાષામાં સમજવા જઈએ તો નાટોએ 31 ભાઈઓનું કુટુંબ હોય અને તેમાં સૌથી મોટાભાઈ અમેરિકા તેમના સૌથી નાના ભાઈઓ પૈકીના એક ડેનમાર્કને જાણે કહેતા હોય કે ‘મારા વહાલા ભાઇ ડેનમાર્ક તું મને ખુબ વહાલો છે. પણ તારી પત્ની ગ્રીનલેન્ડ ખુબ જ સુંદર અને સમૃદ્ધ છે, બાજુવાળા પડોશી રશિયા - ચીનની નજર તેના ઉપર સારી નથી, તેઓ તારી પત્ની ગ્રીનલેન્ડને તારી પાસેથી ગમેત્યારે પડાવી જાય તે મને બિલકુલ પોષાય તેમ નથી, તેથી તારી આ પત્ની તું મને આપી દે. હું તેને ખુબ જ સાચવીશ. તું પ્રેમથી આપે તો ઠીક છે નહીં તો હું ગમે તે રીતે તારી પાસેથી એ લઈ જ લઈશ તે વાત ચોક્કસ છે.’ કેટલી બેહુદી અને ભદ્દી માંગણી આ મદોન્મત્ત ટ્રમ્પની છે, તે ઉપરના ઉદાહરણથી સમજી શકાય છે. રક્ષક ખુદ ભક્ષક બને તો કોને કહેવું?
ઈરાન સામે પગલાં લેવામાં ટ્રમ્પ અસમંજસમાં
ઈરાન પણ ટ્રમ્પને ના ગાંઠતા શક્તિશાળી દેશો પૈકીનું એક છે. જે ટ્રમ્પને આંખના કણાની જેમ ખૂંચે છે. અમેરિકા પ્રેરિત લોહિયાળ આંતરવિગ્રહ પણ ઈરાનમાં ચાલુ થઇ ગયો છે. પણ ઈરાન એ કોઈ વેનેઝુએલા જેવું નાનકડું સસલાનું બચ્ચું નથી પણ કેટલીક માત્રામાં શક્તિશાળી વરુ છે, કદાચ તેની પાસે એટમ બોમ્બ હોવાની શક્યતા પણ છે. ઉપરાંત ચીન અને રશિયાનું પીઠબળ પણ છે. તેની સાથે સંઘર્ષ કરવામાં રશિયા જેમ યુક્રેન યુદ્ધમાં ફસાઈ ગયું તેવી હાલત અમેરિકાની થવાની શક્યતા પણ છે.
ભારતનું વધતું મહત્ત્વ
અમેરિકાથી દાઝેલા અને કોઈ પણ સંજોગોમાં રશિયા-ચીનનો વિશ્વાસ ના કરી શકનાર આ યુરોપિય દેશો માટે ભારત જ માત્ર વિશ્વાસ પાત્ર દેશ રહે છે, તે સંજોગોમાં કદાચ એમ પણ બને કે ભવિષ્યમાં અમેરિકા અને ચીન-રશિયાની બે ધરીઓ ઉપરાંત મોદીજીના ભારત સાથે યુરોપિય રાષ્ટ્રોની ત્રીજી ધરીનું નિર્માણ થાય અને ભવિષ્યમાં આ ધરીમાં જાપાન સહિત અગ્નિ એશિયાના અન્ય દેશો પણ ભળે તો આશ્ચર્ય પામવા જેવું નથી. જોકે આમાં પણ જો અને તોનો મુદ્દો તો રહે જ છે. આ ઉપરાંત એકાએક યુએઇના પ્રમુખ ઉચ્ચ કક્ષાના ડેલિગેશન સાથે એકાએક ફક્ત બે કલાકની ભારત યાત્રા કરે છે, મોદીજી એમને પ્રોટોકોલ તોડીને આવકારે છે અને વિવિધ ક્ષેત્રોમાં 200 બિલિયન ડોલરના સમજૂતીકરાર થાય છે તે ઘટના અવગણવા જેવું નથી.
ટૂંકમાં કહીએ તો, ઉપરની બધી બાબતોનો સારાંશ જોતાં સ્પષ્ટ થાય છે કે સમૃદ્ધ અમેરિકાના મદોન્મત્ત પ્રમુખ ટ્રમ્પ ખરેખર તો કોઈ રાજનીતિજ્ઞ છે જ નહીં, તેઓ એક માત્રને માત્ર ધૂર્ત વેપારી જ છે. દરેક બાબતે કોઈ પણ ભોગે પોતાના સાથી દેશોનો પણ વિચાર કર્યા વગર એક વેપારી તરીકે ફક્ત પોતાના સ્વાર્થી આર્થિક લાભનો દૃષ્ટિકોણ ધરાવે છે.
બીજી રીતે જોવા જઈએ તો આજના વિશ્વમાં ત્રણ પપ્પુઓ છે. જેમાં એક ઝેલેન્સ્કી કે જેમણે અમેરિકા અને નાટો દેશોના ચડાવામાં આવીને યુક્રેન જેવા સમૃદ્ધ દેશને બરબાદ કરી દીધો.
બીજા, મદોન્મત્ત ટ્રમ્પ જેઓ અમેરિકા જે નાટોની ડાળ ઉપર બેઠું છે તે જ ડાળને કાપીને વિશ્વમાં અમેરિકાને સાવ અટૂલું અને નબળું પાડી દે તેવી શક્યતા છે. અને ત્રીજા પપ્પુ સ્વદેશ હોય કે વિદેશ, પોતાના જ દેશની બદનામી કરવાની કોઇ તક છોડતાં નથી. તેમનું નામ લેવા જેવું નથી કારણ કે બધા તેમને સારી રીતે ઓળખે જ છે.
આ જ રીતે વિશ્વમાં ત્રણ પ્રમુખ વિચક્ષણ રાજનીતિજ્ઞો છે. એક, રશિયાના પ્રમુખ પુતિન જે સાવ વિપરિત પરિસ્થિતિમાં પણ રશિયાની શાખ જાળવી રહ્યા છે. બીજા, ચીનના જિંગપિંગ જેઓ સફળ રીતે અમેરિકાના મુખ્ય હરીફ તરીકે ચીનને આગળ વધારી રહ્યા છે. અને ત્રીજા, ભારતના મોદીજી જે ચુપચાપ ભારતને ઝીરોમાંથી હીરો બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.


