મનપસંદ શોખ અપનાવો તન-મનને તંદુરસ્ત બનાવો

જ્યોત્સના શાહ Wednesday 12th January 2022 05:25 EST
 
 

વાચક મિત્રો, આપણા સૌ માટે તન-મનની તંદુરસ્તીનું મહત્વ અદકેરું છે. એ માટે આપણે જાગ્રત પણ બન્યા છીએ. ખાસ કરીને છેલ્લા બે વર્ષના કોવીદ-૧૯ના કટોકટી અગણિત લોકો માટે સ્ટ્રેસભર્યો, કંટાળાજનક કે નિરસતાસભર સમય બની ગયો છે. રોજરોજની અચોક્કસતાએ આપણને દિશાશૂન્ય બનાવી દીધાં. જાયે તો કહાં જાયે હમ..જેવી વિવશતા. આમાં બદલાવ લાવી શકાય જો ફૂરસદના સમયનો સદુપયોગ કરતા આવડે તો!
 એક અભ્યાસ મુજબ ફુરસદના સમયમાં જેઓએ પોતાનો મનપસંદ શોખ કેળવ્યો હોય કે એને આદત બનાવી રોજીંદા જીવનમાં અમલીકરણ કર્યું હોય તેઓના શારીરિક અને માનસિક સુખાકારી માટે એ આશીર્વાદ સમાન નીવડ્યા છે.
આ સારી આદતો કે શોખ કેળવવાની જરૂર શા માટે છે?
૨૦૧૫ના યુ.એસ. એ કરેલ "બીહેવીયર મેડીસીન"ના સંશોધનમાં તારણ નીકળ્યું કે, જે લોકો પોતાની ફુરસદના સમયની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા તેઓનું વર્તન હકારાત્મક, કંટાળામાં ઘટાડો, ઓછો તણાવ અને હ્દયનું આરોગ્ય સારું રહ્યુ.. મૂડ પણ ખુશમિજાજી રહ્યો. સંતોષી હતા. એકંદરે શારીરક અને માનસિક સમતુલા જળવાઇ.
 એ માટે શું કરવું? કોઇપણ ક્લાસ કે ટીમમાં જોડાઇ જવાથી અન્યો સાથે હળવા-મળવાનો મોકો મળે છે. દરમિયાનમાં તમને કંઈક નવું શીખવા મળે છે. જેથી તમારા કૌશલ્યમાં વધારો થાય છે અને નવું સિધ્ધ કર્યાનું ગૌરવ પણ! આમ હોબી કેળવવાથી તમારું મન ચિંતાઓથી દૂર રહે છે. કંટાળાથી છૂટકારો મળે છે અને મજા પણ આવે છે.
તમે યોગ્ય હોબી કઇ રીતે પસંદ કરશો?
ભૂતકાળમાં તમને શેમાંથી આનંદ મળતો હતો એ વિચારો. તમને કઇ રમત રમવી વધુ ગમતી? તમે ક્યારેય ફૂટબોલ કે ક્રિકેટ રમ્યાં હતાં? તમારા એ શોખને પુન: જાગ્રત કરો. અથવા બીજું કાંઇ શરૂ કરો. તમે જે ટીમના સભ્ય બનો એ તમારા સ્પર્ધાત્મક સ્પીરીટને સંતોષે અથવા આનંદકારી હોય. જેમ કે સ્થાનિક ગૃપમાં જોડાઇ જાવ. નિષ્ણાતોનું માનવું છે કે, તમારી હોબી કે શોખ આરોગ્ય સંલગ્ન હોય. એમાંથી શારીરિક, સામાજિક, માનસિક અને જ્ઞાનાત્મક લાભો કયા મળે છે એ તપાસો.
પ્રયત્ન કરો અને તમને લાગે કે એ તમારા માટે નથી તો એને અલવિદા કરી બીજુ કંઇક વિચારો.
શારીરીક આરોગ્ય માટે સારી એવી કઇ નવરાશની પળોની પ્રવૃત્તિઓ છે?
કસરત એ શરીરિક આરોગ્ય માટે સારી કહેવાય. રોજ ચાલવા જવું. કાર્ડીયો માટે ડાન્સીંગનો શોખ સારામાં સારો કહેવાય. અને એ સામાજિક પણ છે. ૯૪ સંશોધનના અભ્યાસના તારણમાં બહાર આવ્યું કે, વડિલો સપ્તાહમાં ત્રણ વખત ડાન્સ કરે તો સમતુલા સારી જળવાય છે. અને સ્વીડીશ સ્ટડી સૂચવે છે કે ૬૦ વર્ષની ઉપરના માટે ગાર્ડનીંગ અને DIYને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ૩૦% ખતરો ઘટી જાય છે.
કઇ એવી હોબીસ છે જે આરામ ફરમાવે?
ઘરની બહાર નીકળો. કુદરતનો કરિશ્મા તમને તાણમુક્ત કરી દેશે. ચાહે તમે હાઇકીંગ કરો કે કશીક ઓછી સક્રિય હોય એવી પ્રવૃત્તિ કરો. દા.ત. પક્ષીઓનો કલરવ સાંભળો. લીલુંછમ્મ ઘાસ, રંગબેરંગી ફુલો, ભૂરૂં આકાશ, મનને પ્રફુલ્લિત કરે એવા તમારી આસપાસના નજારા પર ધ્યાન કેન્દ્રિત કરો. યોગા પણ તમારો મૂડ સુધારી તાણમુક્ત થવામાં મદદરૂપ નીવડશે. ઉપરાંત શારીરીક શક્તિ અને કાર્ડીયો હેલ્થ સુધારવામાં ય ફાયદો થશે. એ જ રીતે વાધ સંગીત કે મનપસંદ સૂરીલું સંગીત સાંભળો કે પીયાનો, તબલા કે હારમોનીયમ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાથી યા પેઇન્ટીંગ કરવાથી, ગૂંથણકલા વગેરેથી ડીપ્રેશન યા આવેશમાં રાહત મળશે. ૨૦૧૬ના યુ.એસ. અભ્યાસમાં જણાવાયું કે કલાનું સર્જન કરનારાઓમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલ લેવલમાં ઘટે છે.
વીતેલા કયા સમયની પ્રવૃત્તિએ તમારા મગજને પ્રવૃત્ત રાખ્યું હતું?
 ભાષા શીખવી યા વાદ્ય શીખવું, વાંચન, લેખન, બોર્ડ ગેમ્સ એ બધું ડીમેન્શીયાનો ખતરો ઘટાડવામાં સહાયરૂપ બને છે જે સોસીયલ પણ છે. સંગીત ગૃપો સાથે સંકળાયેલ ગાયકો એકબીજા સાથે વાતચીત કરવામાં અને જ્ઞાનાત્મક ચર્ચામાં પાવરધા હોય છે એવા એમની જ ઉમરના બીજા જે આવા ગૃપમાં સામેલ નથી હોતા એમનામાં એ કૌશલ્ય હોતું નથી એવું તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે.
શારીરિક પ્રવૃત્તિઓ પણ જ્ઞાનવર્ધક હોય છે: ઓસ્ટ્રેલીયામાં ૬૦થી વધુ વયના ૨૮૦૫ લોકોના અભ્યાસનું તારણ આવ્યું કે, ગાર્ડનીંગ કરવાથી ૩૬% ડીમેન્શીયાનો ખતરો ટાળી શકાય છે. ડાન્સીંગ પણ બ્રેઇન માટે સારૂં હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે.
આપની સમક્ષ રજુ થયેલ ઉપરોક્ત વિષયોમાંથી આપના મનગમતા વિષય પર ફોકસ કરી તમારો શોખ વિકસાવો જેથી તન-મનની તંદુરસ્તી જળવાઇ રહે અને જીવન જીવવાનો ઉત્સાહ જળવાઇ રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter