તારીખ 30 જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથિ છે. સંવત 1925ના ભાદરવા વદ 12ના દિવસે અર્થાત્ ઈ.સ. 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરોવાળો, ડરપોક અને જૂઠું બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવું કોઈ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું.
પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર લોકો સમક્ષ મૂકી શકે તેવી આજે કોઈની હિંમત નથી. ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી લાગે છે કે બીજા કોઈને પણ આત્મકથા લખવાનો અધિકાર નથી. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે: ‘બચપણમાં કોઈ મને નિશાળમાં મૂકવા આવેલું તેવું યાદ છે. મુશ્કેલીથી થોડુંક શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાને ગાળ દેતાં શીખેલો. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ કાચી હશે.’.
‘હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાના સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ભાગવું. મને કોઈનીયે સાથે વાતો કરવાનું ગમતું નહીં. કોઈ મારી મશ્કરી કરશે તો? એવી બીક રહેતી.’
તેઓ લખે છે: ‘દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરતાં મેં એક ટેવ પાડી હતી. મારું અજ્ઞાન હું અસીલો પાસે છુપાવતો નહોતો, બીજા વકીલ સમક્ષ પણ નહીં. જ્યાં જ્યાં મને ખબર ના પડે ત્યાં હું મારા અસીલને બીજા વકીલ પાસે જવાનું કહેતો અથવા બીજા વધુ અનુભવી વકીલની સલાહ લેવાનું કહેતો.’
બાપુ આઝાદી માટે સત્યાગ્રહ કરતાં અને ત્યારે જેલમાં ગયા હતા. આ સંદર્ભમાં તેઓ હળવાશથી લખે છે: ‘વાંચનાર જાણે છે કે હું રીઢો થયેલો ગુનેગાર છું. 1922ના માર્ચ મહિનામાં હું કેદમાં પુરાયો હતો તે મારી જિંદગીની પહેલી કેદ નહોતી. દક્ષિણ આફ્રિકામાં ત્રણ વાર હું ગુનેગાર ઠરી ચૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની સરકાર મને તે વખતે એક જોખમકારક કેદી ગણતા હતા. તેથી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવતો. હિંદુસ્તાનમાં આવ્યા પછી જેલમાં જતાં પહેલાં હું છ જેલોનો અનુભવ લઈ ચૂક્યો હતો, એટલા જ જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને એટલા જ જેલરોના સંપર્કમાં આવી ચૂક્યો હતો. મને અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાયો ત્યારે બીજાઓની જેમ મને કઠતું નહોતું. પ્રેમથી વધુ વિજય મેળવવા માટે એક ઘર બદલીને બીજા ઘેર જતો હોઉં તેમ મને લાગતું.’
જીવનના કોઈપણ ક્ષેત્રમાં બાપુએ ખેડાણ ના કર્યું હોય એવું બન્યું નથી. ‘સત્ય અને અહિંસા’ નામના અમોઘ શસ્ત્રની અને સત્યાગ્રહની શોધ કરનાર બાપુએ દક્ષિણ આફ્રિકામાં એક છાપું પણ કાઢ્યું હતું. ‘Young India’ અને ‘નવજીવન’ના તેઓ તંત્રી પણ હતા. બાપુ અખબારો માટે લખે છે: ‘વર્તમાન પત્રો સેવાભાવથી ચાલવા જોઈએ એ હું ‘ઈન્ડિયન ઓપિનિયન’ના પહેલા માસની કારકિર્દીમાં જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે, પણ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડુબાડે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ વિનાશ વેરી શકે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે.’
પોતાને ગોળીથી ઠાર કરવામાં આવ્યા તે પૂર્વે એટલે કે તા. 29મી જાન્યુઆરી 1948ના દિવસે મૃત્યુના 20 કલાક જ અગાઉ જ આ શબ્દો ઉચ્ચાર્યા હતા: ‘હું જીર્ણ માંદગીના કારણે મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ દુનિયા આગળ જાહેર કરવાની તમારી ફરજ છે કે, ગાંધી જેનો દાવો કરતો હતો એવો ખુદાનો બંદો નહોતો. તમે એમ કરશો તો એથી મારા આત્માને શાંતિ મળશે. હમણાં કોઈએ એક દિવસ બોમ્બ વતી કરવા ધાર્યું હતું તેમ કોઈ મને ગોળીથી ઠાર મારીને મારા જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને એ ગોળી દુ:ખના એક પોકાર વિના હું ઝીલી લઉં અને રામનું નામ રટતો રટતો પ્રાણ ત્યાગ કરું તો જ મારો એ દાવો સાચો ઠરશે... ભૂતકાળમાં મારો જાન લેવા મારા પર હુમલા કરવામાં આવ્યા છે, પણ ભગવાને મને આજ સુધી બચાવી લીધો છે પરંતુ મને ગોળી મારનારને એમ લાગે કે હું એક બદમાશને પૂરો કરી રહ્યો છું અને તેવી માન્યતાથી જ પ્રેરાઈને મને ગોળીથી ઠાર કરે તો ખરા ગાંધીને નહીં પરંતુ તેને જે બદમાશ લાગ્યો હતો તેને તેણે મારી નાંખ્યો હશે.’
બાપુનું છેલ્લું વિધાન તેમની નિખાલસતાની પરાકાષ્ટા છે. આવું કોણ કહી શકે શકે કે કોઈ મને મારી નાંખે તો મારામાં રહેલી કોઈ બદમાશીને મારી નાંખી છે.
તેમણે મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ‘મારા મૃત્યુ બાદ મારા દેહને કોઈ સરઘસ આકારે લઈ જવાનો પ્રયત્ન કરે તો હું તેમને કહું છું કે, ‘મારું મડદું બોલી શકે તો - ભલા, મને એમાંથી છોડો અને હું મર્યો હતો ત્યાં જ મને બાળી મૂકો.’
છેલ્લે તેમણે કહ્યું હતું. ‘મને વીસરી જાવ. મારા નામને ના વળગો. તત્ત્વને વળગો. તમારી પ્રત્યેક હાલચાલ તે ગજથી માપો, અને આગળ ઉપર આવનારા દરેક પ્રશ્નનો નિર્ભયતાથી જવાબ આપો, હું તો ગરીબ સાધુ છું. રેંટિયા, જેલની થાળીઓ, બકરીના દૂધનું એક વાસણ, ખાદીના છ લંગોટ અને એક ટુવાલ - આટલી મારી ઐહિક પૂંજી છે, અને મારા કીર્તિની ઝાઝી કિંમત ન હોઈ શકે. મારા મરણ પછી કોઈ એક જ વ્યક્તિ સંપૂર્ણપણે મારો પ્રતિનિધિ નહીં બની શકે. પરંતુ મારો સ્વલ્પ અંશ તમારા પૈકી ઘણાના જીવનમાં જીવતો રહેશે. દરેક જણ ધ્યેયને પ્રથમ સ્થાન આપે અને પોતાની જાતને છેલ્લી મૂકશે તો ખાલીપો ઘણે અંશે ભરાઈ જશે.’
બાપુ માટે વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે, ‘આવનારી પેઢીઓ આ પૃથ્વી પર હાડમાંસનો આવો કોઈ માનવી અવતર્યો હશે તેમ માનવા તૈયાર થશે નહીં.’
ગાંધીજી વ્યવસાયી લેખક નહોતા છતાં સ્વામી આનંદના કહેવાથી આત્મકથા લખી. બાપુએ આ આત્મકથા નવજીવન માટે લખી, પરંતુ તેની પ્રસ્તાવના અમદાવાદના સાબરમતી આશ્રમમાં નિવાસ દરમિયાન લખી. ગાંધીજી પહેલાં તો આત્મકથા લખવા તૈયાર નહોતા, પરંતુ તેમાં તેમણે તેમના જીવનમાં કરેલા સત્યના પ્રયોગો જ લખવા વિચાર્યું. ગાંધીજીએ ખૂબ નમ્રતાપૂર્વક એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ‘એ પ્રયોગો મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે. એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વાર તો એ વિશેષણે મને અતિશય દુ:ખ આપ્યું છે. મને મળેલા ‘મહાત્મા’ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં તેવી એક પણ ક્ષણ મને યાદ નથી.’
વિશ્વમાં અનેક આત્મકથાઓ-જીવનકથાઓ લખાઈ છે, પરંતુ કોઈનીયે આત્મકથાનો વિશ્વની સૌથી વધુ ભાષામાં અનુવાદ થયો હોય તો તે એકમાત્ર ‘સત્યના પ્રયોગો’ છે. આ પુસ્તકને આટલો બધો વિશાળ વાચકવર્ગ મળ્યો હોવા છતાં બાપુ લખે છે કે, ‘મારાં પ્રકરણો વાંચતી વખતે વાંચનારને મારામાં અભિમાનનો ભાસ થાય તો સમજવું કે મારી શોધમાં ખામી છે. મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે તેમ હું ઇચ્છું છું. કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવા માગતો નથી. મારા દોષનું ભાન વાંચનારને પૂરેપૂરું કરાવવા માગું છું. મારે તો સત્યના શાસ્ત્રીય પ્રયોગો જ વર્ણવવા છે. હું કેવો રૂપાળો લાગું છું તે વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી.’ ગાંધીજીની ખૂબી એ રહી છે કે તેમણે અગાઉ જે લખ્યું છે તેને બહ્મવાક્ય માનીને ન ચાલવું તેમ બાપુએ કહ્યું છે. તેમણે ફરી એક વાર લખ્યું હતું કે, ‘મારાં બે લખાણમાં કોઈને વિરોધાભાસ જણાય તો એક જ વિષય પરનાં મારાં બે લખાણોમાંથી છેલ્લા લખાણને જ પ્રમાણભૂત માનવું.’


