મહર્ષિ અરવિંદ અને ગુજરાત

સ્વાતંત્ર્ય પર્વવિશેષ

- પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 06th August 2025 05:26 EDT
 
 

મહર્ષિ અરવિંદને કેટલાક યોગી અરવિંદ પણ કહે છે. દેશ-વિદેશમાં તેમની યોગ સાધના અને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી વિચારો અને પ્રવૃત્તિ માટે શ્રી અરવિંદ જાણીતા છે. સરદાર પટેલ કરતાં ત્રણ વર્ષ મોટા અને સુશિક્ષિત પરિવારની ભૂમિકા ધરાવતા.
ભારતની આઝાદીના સ્વપ્નસેવીશ્રી અરવિંદનો જન્મદિન 15 ઓગસ્ટ. સાત વર્ષની વયે તેમને પિતા કૃષ્ણધને લંડનમાં એક ગોરા પાદરી ડયુએટના પરિવારમાં પશ્ચિમી વાતાવરણમાં ઉછરવા અને ભણવા મૂકયા. કેમ્બ્રિજમાંથી મેટ્રિક થઇને ઇન્ડિયન સિવિલ સર્વિસની છેલ્લી પરીક્ષા પાસ કરી પણ જરૂરી ઘોડેસ્વારીની પરીક્ષા ના આપતાં આઈસીએસ ના થયા. આ પછી લંડનમાં સમય પસાર કરતા હતા ત્યારે 1893માં વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ સાથે તેમની મુલાકાત થઈ. સયાજીરાવ 21 વર્ષના આ તેજસ્વી નવયુવાનથી પ્રભાવિત થયા. તેમણે આ યુવકને ગાયકવાડી રાજમાં નોકરી આપી. આ રીતે શ્રી અરવિંદનો ગુજરાત સાથે સૌ પ્રથમ નાતો બંધાયો.

ગુજરાતમાં નોકરી અને પ્રવૃત્તિ

શરૂમાં શ્રી અરવિંદને મહેસૂલ ખાતામાં નોકરી મળી. આ પછી કેટલોક સમય તેઓએ સયાજીરાવના અંગત મંત્રી તરીકે કામગીરી સંભાળી, આ પછી વડોદરાની કોલેજમાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું. આ વખતે સંખ્યાબંધ ગુજરાતી યુવકો તેમના ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી વિચારો તરફ આકર્ષાયા. અંબુભાઈ પુરાણી આમાંના એક. અંબુભાઇથી નવ વર્ષ મોટા તેમના ભાઈ છોટુભાઈ પુરાણીએ ગુજરાતીઓને ખીચડીખાઉં મટાડીને સુદઢ અને કૌવતભરી કસાયેલી કાયાવાળા બનાવવા અખાડા પ્રવૃત્તિની અહાલેક આરંભી હતી. અંબુભાઈ આમાં ભળ્યા. બંગાળમાં વિપ્લવકારી અને બોંબથી અંગ્રેજોને ભગાવતી પ્રવૃત્તિઓ પુરબહારમાં ખીલી હતી. શ્રી અરવિંદ એના સુત્રધારોના સંપર્કમાં હતા. અરવિંદના વિદ્યાર્થીઓ અને ચાહક એવા ગુજરાતીઓ આ પ્રવૃત્તિમાં જોડાયા.
1904માં શ્રી અરવિંદ વડોદરામાં યોગી વિષ્ણુ પ્રભાકર પાસે યોગ શીખ્યા. ગુજરાતમાં જ વિપ્લવકારી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. તેમના જીવનની દિશા ગુજરાતમાંથી બદલાઇ ગઈ. 1906 પછી શ્રી અરવિંદ કોલકાતા ગયા. ત્યાં ‘યુગાંતર’ અને ‘વંદે માતરમ્’ બંને સાપ્તાહિકોમાં તે ક્રાંતિકારી લેખ લખતા. આથી ક્રાંતિકારીઓના એ લાડીલા બન્યા. તેમના ક્રાંતિકારી લેખો બદલ રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી સરકારે એમની ધરપકડ કરી. તેઓ જામીન પર જેલમાંથી છુટયા.
1908માં અલીપુર બોંબ કેસમાં તેમની અને લઘુબંધુ બારીન્દ્રની ધરપકડ અને જેલની સજા થઇ. જેલમાં એમને સાક્ષાત્કાર થયો કે ભારત આઝાદ થવાનું જ છે, પણ તેનાથીય મોટું કામ છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ અને નવી ચેતનાની અભિવ્યકિત મારફતે માનવીને દુઃખ અને અજ્ઞાનતામાંથી છુટકારો મળે તે છે. અરવિંદને આ આદેશ દૈવી લાગતાં તેમણે સ્વાતંત્ર્ય આંદોલનની પ્રવૃત્તિ છોડીને આંતરિક પરિવર્તનની શકિત પામવા યોગ સાધનાનો માર્ગ સ્વીકાર્યો. અલીપોર જેલમાંથી છુટીને શરૂમાં તે ફ્રેંચશાસિત ચંદ્રનગરમાં વસ્યા. પછીથી પોંડિચેરીમાં વધુ અનુકૂળતા થશે માની પોંડિચેરી ગયા.
1914માં માતાજી એમને પ્રથમ મળ્યાં, પણ બીજા વર્ષે તે ફ્રાન્સ પાછાં ગયા. 1920માં તે પાછાં આવ્યાં. 1922માં તેમણે શ્રી અરવિંદના નિવાસની બધી વ્યવસ્થા સંભાળી લીધી. શરૂમાં આશ્રમમાં માતાજી અને શ્રી અરવિંદ હતા. શ્રી અરવિંદ મોટાભાગનો સમય સાધનામાં જ કાઢતા. ગુજરાતમાંથી ભકિતબાએ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી ચૂનીભાઈ દેસાઇને માતાજી પાસે સાધના માટે મોકલ્યા. આણંદ પાસે નાપાડના વતની ચૂનીભાઈને આશ્રમમાં રાખવા અને તેમને જવાબદારી સોંપવા પૂછયું. આશ્રમવાસી તરીકે નવી ઓળખ માટે પૂછ્યછયું.

ઘુમાનજીના આગમનથી આશ્રમ વિકસ્યો

શ્રી અરવિંદે ચૂનીભાઈને ઘુમાન નામ આપ્યું. ઘુ એટલે તેજ અથવા વાછરડો. એટલે કે જે તેજસ્વી છે અથવા જેની પાસે ઘણાં વાછરડા છે તે. માતાજીના પ્રશ્નના જવાબમાં અરવિંદે લખ્યું, ‘ઘુમાન આપણને જીવાડશે’. હજી આશ્રમમાં ચારેક વ્યકિત હતી. ઘુમાનજીએ એમના માટે ભોજનની વ્યવસ્થા કરવા અનાજ, શાકભાજી, ફળઝાડ ઉછેરવા માંડયા. વસ્તી વધતી ગઇ તેમ તેમ ઘુમાનજીની જવાબદારી વધી.
અરવિંદના યોગની ખ્યાતિ ફેલાતાં વધુને વધુ લોકો સાધના માટે આવતા ગયા. તેઓને આશ્રમમાં રાખવાની, જમાડવાની વ્યવસ્થા કરવા જતાં વધારે વ્યકિતઓ વધી. કોઈકને સ્ટોર ચલાવવાનું કામ સોંપાયું, જેમાં ખાદ્યચીજો હોય. તો કપડાં માટે તૈયાર કપડાં અને કાપડની દુકાન થઈ તો સીવનારા રહેવા આવ્યા. માત્ર મુલાકાતી આવે તો એમના માટે અતિથિગૃહ, તો એ ચલાવનાર જરૂરી વાસણો માટે દુકાન તો પૂજાનો સરસામાન, મૂર્તિઓ, ફોટો એનીય દુકાન, કોઈકે હજામતની દુકાન શરૂ કરી. વસ્તી વધતી ગઇ. દરેકને કામ આપવાની જવાબદારી ઘુમાનજીની. રસોડાની સફાઈ, વાસણ સફાઇ, ભોજન તૈયાર કરનારા વગેરે આશ્રમમાં રહે. રહે ગ્લોરિયા ફાર્મ થયું. તેમાં ગાયો રાખી તે સાચવનાર, ગાયો દોહનારા ગૌશાળા ચલાવતાં તે માટે વસતિ વધી. સાધકોના સંતાનો માટે શાળા કરી તો એમાં જુદા જુદા વિષયના શિક્ષકો, કલાર્કો, સંચાલકો... આમ માણસો વધતા ગયા.

આશ્રમમાં કેવા કેવા ગુજરાતીઓ વસ્યા?

ચાંગાના વતની અંબાલાલ પટેલ કેન્યાની આઝાદી પછીના પ્રથમ પ્રધાન મંડળમાં પ્રધાન હતા. યોગી અરવિંદના સાંનિધ્યમાં રહેવા તેમણે પ્રધાનપદ છોડીને અરવિંદ આશ્રમના સંકુલમાં અંબાલાલ બંગલો બનાવ્યો. અહીં જ સાધક તરીકે વસ્યા. એમના દીકરા સુરેન્દ્ર પટેલે અહીં વસીને વર્લ્ડ યુનિયન નામે અંગ્રેજી અને ફ્રેંચ બન્ને ભાષામાં આશ્રમની પ્રવૃત્તિઓનું મુખપત્ર સ્થાપ્યું. અને ચલાવ્યું. ચાંગાના ‘ચારુસેટ’ના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ વીરેન્દ્ર પટેલના કાકા અંબાલાલ.
ઓડના ડાહ્યાભાઇ પટેલ, મુંબઇમાં વેપારી 80 લાખ રૂપિયા જેવી મોટી રકમ લઇને પોંડિચેરી પહોંચ્યા. માતાજી સમક્ષ કાયમ પોંડિચેરીમાં વસવાની અને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા વ્યકત કરી. માતાજીએ તેમને ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરવા સલાહ આપી અને ડાહ્યાભાઇએ ‘ઓનેસ્ટ’ નામે મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરી, આશ્રમવાસીઓને રોજગારી આપી. એલિકોનનાં મધુબહેનને એ દીકરી માનતા. દર વર્ષે થોડા અઠવાડિયાં તેમના મહેમાન બનતા, અનુપમ મિશનથી સાંજની પ્રાર્થનામાં આવતા ભાનુભાઈએ એમની સ્મૃતિમાં બાલમંદિર ચલાવવા અનુપમ મિશનને 11 લાખ રૂપિયાનું દાન આપેલું.
પીજના રામભાઈ ચતુરભાઈ અહીં વસેલા. તેમનાં દીકરી ઇંદિરાબહેન જે અમેરિકામાં છે તથા તેમના બે દીકરા કનુભાઈ અને રવિભાઈ પછીથી લંડનમાં વસ્યા. બાકરોલના ડાહ્યાભાઈ પોંડિચેરીમાં અતિથિ ગૃહ ચલાવતા. નડિયાદમાં શારદા મંદિરમાં સ્થાપક વિમળાબેન પંડયાના પતિ મયારામ ત્રિવેદી પોંડિચેરીવાસી હતા. કવિ સુંદરમ અને પુજાલાલ બંને મરણપર્યંત અરવિંદ આશ્રમમાં રહ્યા. જાણીતા લેખક, નિબંધકાર અને ચિંતક કિશનસિંહ ચાવડા અરવિંદના અંતેવાસી હતા. અરવિંદ આશ્રમમાં બીજા જાણીતા તારાપુરના શિવાભાઈ પટેલ કેન્યા છોડીને પોંડિચેરી વસેલા, તેમના ફ્રેંચ જમાઈએ-ઈઝરાયેલના હિબુત્સના પાયા પર ઓરોબિલની સ્થાપના કરી. ભાતભાતના સ્વનિર્ભર વ્યવસાયીઓ સેંકડો ભારતીય અને વિદેશી અહીં વસેલા! અંબુભાઈ પુરાણી જે ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિના આરંભકોમાંના એક તે અરવિંદ રંગે રંગાઈને શ્રી અરવિંદના અંતેવાસી અને મંત્રી હતા. આજે અરવિંદના અનુયાયીઓમાં પ્રકાશકુંજ સમી એ ગુજરાતી વ્યકિતઓની ખોટ વર્તાય છે. છતાં શ્રી અરવિંદને અને તેમની પ્રવૃત્તિઓને વૈશ્વિક બનાવનારા ગુજરાતીઓ જ હતા એમ કહેવામાં અતિસ્યોક્તિ નહીં ગણાય.
ઘુમાનજીને અરવિંદ આશ્રમમાં મોકલનાર ભક્તિબા અને સ્વાતંત્ર્ય આંદોલનમાં 1922માં સૌપ્રથમ તેમનું રાજ્ય ગુમાવનાર રાજવી દરબાર ગોપાળદાસના સૌથી નાના પુત્ર ડો. બારીન્દ્ર દેસાઈ 95 વર્ષની વર્ષે અરવિંદ અને ગુજરાતના સંબંધની જીવંત સ્મૃતિ છે. શ્રી અરવિંદના લઘુબંધુ ક્રાંતિકારી અને ફાંસીની સજા પામેલા તે બારીન્દ્રની યાદમાં આ નામ રખાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter