મહારાણા પ્રતાપઃ મહાન યોદ્ધા અને શૌર્ય-હિંમતનું પ્રતીક

Monday 23rd May 2022 06:16 EDT
 
 

ભારતીય ઇતિહાસના પાના ફેરવશો તો જણાશે કે આ ધરતી પર કેવા કેવા પરાક્રમી યોદ્ધાઓ જન્મ લઇ ચૂક્યા છે. આ મહાન યોદ્ધાઓ તેમની શૂરવીરતાના કારણે આજે પણ લોકહૃદયમાં જીવંત છે. ભારતભૂમિ પર જ્યારે જ્યારે વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે ત્યારે તેમને આ રાજવીઓનો તીવ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ઇતિહાસમાં આવું જ એક અમર નામ છે મહારાણા પ્રતાપ. આ વર્ષે તેમની 481મી જન્મ જયંતી છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પરંતુ રાજસ્થાનના રાજપૂત સમાજનો મોટો વર્ગ તેમનો જન્મદિવસ હિન્દુ તારીખ પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજ (આ વર્ષે બીજી જૂન)નાં રોજ.

કુંભલગઢ કિલ્લામાં જન્મ
મહારાણા પ્રતાપનો જન્મ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનું જન્મસ્થાન એટલે રાજસ્થાનનાં પાલી શહેરનો કુંભલગઢ કિલ્લો (હાલનો રાજસમંદ જિલ્લો). તેમના માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસમાં કેટલાક સ્થળોએ તેમના 11 પત્ની અને 17 સંતાનો હોવાનો પણ ઉલ્લેખ છે. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સિસોદીયા રાજપૂત હતા અને સિસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.

‘કિકા’ નામથી લોકપ્રિય
મહારાણા પ્રતાપ યુવાનીમાં ‘કિકા’ નામથી પણ જાણીતા હતા. તેમણે આ નામ ભીલો પાસેથી મેળવ્યું. મહારાણાએ પોતાના શરૂઆતનાં દિવસો ભીલ લોકો સાથે ગાળ્યા હતાં. ભીલ બોલીમાં ‘કીકા’નો અર્થ પુત્ર થાય છે અને તેથી જ મહારાણા પ્રતાપને તેઓ કીકા કહીને બોલાવતા. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું તો તેઓ શરણાગતિ સ્વીકારવાના બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. જ્યારે ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.

મુઘલો સામે ઘણા યુદ્ધ લડ્યા
ઈ.સ. 1572માં મહારાણા બન્યા પછી તેમણે ક્યારેય ચિત્તોડની ફરી મુલાકાત નહીં લીધી, એમ કહો કે લઇ શક્યા નહીં. હિંદુસ્તાન પર રાજ કરવાની ઈચ્છા રાખનાર મુઘલ સમ્રાટ અકબર કેટલીય વાર મહારાણા પ્રતાપ પાસે સંધિ પ્રસ્તાવ લઈને પોતાનાં દૂત મોકલી ચૂક્યા હતા, પરંતુ ‘મેવાડના રાજા તો પ્રતાપ પોતે જ રહેશે’ એ સિવાયની તમામ શાંતિ સંધિની શરતો તેઓ સ્વીકારવા તૈયાર હતા. મોટા ભાગના રાજપૂત રાજાઓએ મુઘલ-શાસન સ્વીકારી લીધું હતું, પણ મહારાણાએ આત્મ-સન્માન કદી છોડ્યું નહીં. તેણે બાદશાહ અકબરની આધીનતા ક્યારેય સ્વીકારી ન હતી અને ઘણા વર્ષો સુધી તેને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મહારાણા પ્રતાપ અને મુઘલો વચ્ચે અનેક વખત લડાઇ પણ થઇ, જોકે સૌથી ઐતિહાસિક યુદ્ધ હલ્દિઘાટીનું યુદ્ધ હતું. મધ્યયુગીન ભારતીય ઇતિહાસનું આ સૌથી ચર્ચિત યુદ્ધ માનવામાં આવે છે.
ઈ.સ. 1576માં થયેલાં હલ્દિઘાટીના યુદ્ધમાં 20 હજાર સૈનિકો સાથે પ્રતાપે 80 હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો પૂરી આક્રમક્તા સાથે સામનો કર્યો હતો. જોકે આ યુદ્ધ પછી મુઘલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા કબજે કરી લીધા લીધા હતા. મોટા ભાગના રાજપૂત રાજાઓ મુઘલોની શરણાગતિ સ્વીકારી ચૂક્યા હતા, પરંતુ મહારાણા પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી નહોતી. હલ્દીઘાટી યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપને તે સમયનાં વેપારી વીર ભામાશાએ 25 હજાર રાજપૂતોને 12વર્ષ સુધી ચાલે એટલું અનુદાન આપ્યું હતું.

પણ અકબર સાથે ક્યારેય પ્રત્યક્ષ યુદ્ધ નહીં
મહારાણા અને મુઘલ સૈન્ય વચ્ચે ભલે અનેક જંગ ખેલાયા હોય, પરંતુ મહારાણા અને અકબર વચ્ચે ક્યારેય પ્રત્યક્ષ યુદ્ધ થયું નહોતું. અકબરે ઐતિહાસિક હલ્દીઘાટી યુદ્ધમાં પણ જહાંગીર અને પોતાના નવરત્નોમાંના એક માનસિંહને મેદાન-એ-જંગમાં ઉતાર્યા હતા. આ યુદ્ધ દરમિયાન જ્યારે જહાંગીરનો હાથી મહારાણાની એકદમ નજીક આવી ગયેલો ત્યારે તેમનાં અશ્વ ‘ચેતકે’ હાથી પર પોતાનાં બે પગ ટેકવી દીધા હતા અને મહારાણા પ્રતાપે પોતાનો ભાલો જહાંગીર પર છૂટ્ટો ફેંક્યો હતો. જોકે બહુ નજીવા અંતરથી જહાંગીર આ ભાલાનાં ઘાથી બચી ગયો. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તે ઉક્તિ જહાંગીરના કિસ્સામાં એકદમ સાચી પુરવાર થઇ હતી. જહાંગીરનાં બચી જવાથી જ ભારતમાં અંગ્રેજો પગપેસારો કરી શક્યા, કારણ કે આગળ જતાં જહાંગીર બાદશાહ બન્યો અને એણે જ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની મંજૂરી આપી હતી.

ગુમાવેલા પ્રદેશ ફરી સર પણ કર્યા
મહારાણા પ્રતાપે મુઘલો સામેની લડાઇમાં ગુમાવેલા પ્રદેશો ઈ.સ. 1582માં દિવારના યુદ્ધમાં ફરી કબજે કર્યા. કર્નલ જેમ્સ ટોવે તો મુઘલો સાથેના આ યુદ્ધને ‘મેવાડની મેરેથોન’ પણ ગણાવી હતી. ભારે જહેમત બાદ તેઓ ઈ.સ. 1585માં મેવાડને સંપૂર્ણ આઝાદ મુક્ત કરાવવામાં સફળ રહ્યા. મહારાણા પ્રતાપ ગાદી પર બેઠા તે સમયે મેવાડની જેટલી જમીન તેમના અધિકાર ક્ષેત્રમાં હતી તેટલી જ જમીન ફરી તેમના આધીન હતી.

ભાલો 81 કિલોનો ને બખ્તર 72 કિલોનું
મહારાણા પ્રતાપના કદ-કાઠી કદાવર હતા એ તો આપણે આગળ જાણ્યું, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે તેમના ભાલાનું વજન 81 કિલો હતું અને બખ્તરનું વજન 72 કિલો હતું. તેમના ભાલા, બખ્તર અને બે તલવારોનું કુલ વજન 208 કિલો થતું હતું. આટલું વજન લઈને પણ તેઓ દુશ્મનો સામે સ્ફૂર્તિથી લડી શકતા હતા, પહાડ પરથી કૂદી શકતા હતા કે પછી પોતાના ઘોડા ‘ચેતક’ને કુદાવી શકતા હતા. તેઓ હંમેશા એક કરતાં વધારે તલવાર સાથે લઈને ફરતા હતા. જો ક્યારેક કોઈ દુશ્મન હથિયાર ગુમાવી દેતો તો તેઓ લડવા માટે પોતાની તલવાર આપી દેતા, પરંતુ નિઃશસ્ત્ર દુશ્મન પર ક્યારેય વાર કરતા નહોતા. મહારાણાની વીરતાના અનેક કિસ્સા ઇતિહાસમાં નોંધાયેલા છે. જેમાં હલ્દીઘાટીમાં મુઘલ સેનાપતિ બહલોલ ખાનને તેમણે તલવારના એક જ ઝાટકે એનાં ઘોડા સહિત ચીરી નાંખ્યો હતો, જે સૌથી ચર્ચિત ઘટના છે.

મહારાણા જેટલો જ બહાદુર ‘ચેતક’
મહારાણા પ્રતાપ જેટલો જ બહાદુર એમનો અશ્વ ‘ચેતક’ હતો. કાઠિયાવાડી નસ્લનો આ ઘોડો મુઘલો સામેના યુદ્ધમાં એક સમયે જ્યારે મુઘલ સેના એકલા પ્રતાપની પાછળ પડી હતી ત્યારે ચેતક 22ફૂટનું નાળું એક જ છલાંગમાં કુદાવી ગયો હતો. 110કિલોનાં મહારાણ પ્રતાપ અને 208કિલોનો તેમનો સામાન લઈને 22ફૂટનું નાળુ કૂદવું કોઈ સામાન્ય બાબત નથી. ઇજાગ્રસ્ત ‘ચેતકે’ મહારાણા પ્રતાપને સહીસલામત સ્થળે પહોંચાડી તો દીધા, પરંતુ તે બચી ન શક્યો. તે ત્યાં જ મૃત્યુ પામ્યો. મહારાણા પ્રતાપના અશ્વ ‘ચેતક’નું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા ગામ ગણાય છે, જે આજે પણ ઊંચી નસ્લનાં અશ્વો માટે વખણાય છે. એવું કહેવાય છે કે હળવદ પાસેનાં ખોડ ગામનાં દંતિ શાખાના એક ચારણે ‘ચેતક’ અને ‘નેતક’ નામનાં બે ઘોડા ભીમોરાથી લઈ મારવાડ પહોંચાડ્યા હતાં. મહારાણા પ્રતાપે આ બંને ઘોડાની પરીક્ષા લીધી હતી, જેમાં ‘નેતક’ મૃત્યુ પામ્યો હતો અને‘ ચેતક’ મહારાણાને પસંદ પડી ગયો હતો.

ઈ. સ. 1596માં શિકાર કરતી વખતે મહારાણા પ્રતાપને ઈજા થઈ હતી, જેમાંથી તેઓ ક્યારેય બહાર આવી શકયા નહીં. તેમની નવી રાજધાની ચાવંડમાં જ 19 જાન્યુઆરી 1597નાં રોજ માત્ર 57 વર્ષની વયે અવસાન થયું. તેમની બહાદુરી - હિંમતની સામે અકબરે તેમની સ્વતંત્રતા સ્વીકારી લીધી અને પોતાની રાજધાની લાહોર ખસેડી લીધી હતી. મહારાણા પ્રતાપના મૃત્યુ પછી અકબરે ફરીથી આગ્રાને પોતાની રાજધાની બનાવી દીધી હતી.
સ્વતંત્રતાનું જીવન જીવતાં શીખવનાર મહારાણા પ્રતાપને ભારત ક્યારેય ભૂલી નહીં શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter