મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં આપણે સૌ સામેલ થઇએ

કોકિલા પટેલ Wednesday 06th April 2022 06:31 EDT
 
 

આગામી જૂન એટલે આપણા બ્રિટનમાં ઉત્સવો-ઉજવણીનો મહિનો. કારણ? આપણાં હર મેજેસ્ટી મહારાણી એલિઝાબેથ જૂન ૨૦૨૨માં ૭૦ વર્ષની સેવા પછી પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનાર પ્રથમ બ્રિટીશ શાહી શાસક (રાજા) બનશે. ૨, જૂન થી ૫, જૂન દરમિયાન યોજાનારી પ્લેટિનમ જ્યુબિલીના ભાગરૂપે હર મેજેસ્ટીના ઐતિહાસિક શાસનની ઉજવણીમાં આવો આપણે સૌ સામેલ થઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૫૨માં મહારાણી એલિઝાબેથના પિતા, કિંગ જ્યોર્જ VI, અણધારી રીતે મૃત્યુ પામ્યા હતા. તે સમયે પ્રિન્સેસ એલિઝાબેથ કેન્યા પ્રવાસે ગયાં હતાં અને તેમને માઉન્ટ કેન્યાની ટ્રી ટોપ હોટેલમાં પિતાના અવસાનના માઠા સમાચાર સાંપડ્યા હતા. પ્રિન્સેસ એલિઝાબેથ ત્યારે માત્ર ૨૫ વર્ષનાં જ હતાં. કિંગ જયોર્જનાં વારસ તરીકે પ્રિન્સેસ એલિઝાબેથ તે વખતે રાણી ઘોષિત થયાં હતાં, પરંતુ પિતાના અણધાર્યા મૃત્યુના કારણે શોકનો સમયગાળો એક વર્ષ લંબાયો હતો જેથી તેમનો રાજ્યાભિષેક એક વર્ષ પછી, જૂન ૧૯૫૩માં થયો હતો. મહારાણીના ૭૦ વર્ષના શાસન દરમિયાન, સમાજ અને સંસ્કૃતિમાં ઘણો બદલાવ આવી ગયો છે. પ્લેટિનમ ઉજવણી દરમિયાન ૧૯૫૦ના દાયકાના શ્રેણીબધ્ધ પ્રખ્યાત સ્થળો અને સીમાચિહ્નો "એ વખતે કેવા હતા અને અત્યારે કેવા છે" એની તુલના કરતી તસવીરોને ડિસ્પ્લે કરવામાં આવશે.
ગુરુવાર બીજી જૂનથી રવિવાર પ,જૂન ૨૦૨૨ સુધીના વિશેષ વિસ્તૃત બેંક હોલીડેના સપ્તાહમાં સમગ્ર યુકે, કોમનવેલ્થમાં અને તે પછીના મહિનાઓમાં જ્યુબિલીની ઉજવણી કરતા ઘણા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હશે. ચાર દિવસની ઉજવણીમાં જાહેર કાર્યક્રમો અને સામુદાયિક પ્રવૃત્તિઓ તેમજ મહારાણીની ૭૦વર્ષની સેવા પર પ્રતિબિંબની રાષ્ટ્રીય ક્ષણોનો સમાવેશ થશે.
ગુરુવાર ૨, જૂન:
મહારાણીની બર્થડે પરેડ (ટ્રુપીંગ ધ કલર): સામાન્ય રીતે જૂનના બીજા શનિવારે યોજાતી મહારાણીના સત્તાવાર જન્મદિવસની ઉજવણી માટે ૧,૪૦૦થી વધુ પરેડિંગ સૈનિકો, ૨૦૦ ઘોડાઓ અને ૪૦૦ મ્યુઝીશીયન પરંપરાગત પરેડમાં એકસાથે આવશે.
બકિંગહામ પેલેસથી શરૂ થતી, પરેડ ધ મોલથી નીચે હોર્સ ગાર્ડની પરેડ તરફ જશે, જેમાં શાહી પરિવારના સભ્યો ઘોડા ઉપર અને ગાડીઓમાં જોડાશે. બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી મહારાણી અને શાહી પરિવારના સભ્યો દ્વારા નિહાળવામાં આવતા પરંપરાગત RAF ફ્લાય-પાસ્ટ સાથે પરેડ બંધ થશે.
પ્લેટિનમ જ્યુબિલી બીકન્સ: પ્લેટિનમ જ્યુબિલીને ચિહ્નિત કરવા માટે યુનાઇટેડ કિંગડમની રોયલ જ્યુબિલીઝ, વેડીંગ્સ અને કોરોનેશન્સ (રાજ્યાભિષેક)ને બીકોન્સની રોશની સાથે ઉજવવાની લાંબી પરંપરા ચાલુ રાખવામાં આવશે. સમગ્ર યુનાઇટેડ કિંગડમ, ચેનલ આઇલેન્ડ્સ, આઇલ ઓફ મેન અને યુકે ઓવરસીઝ ટેરિટરીઝમાં ૧,૫૦૦ થી વધુ બીકન્સ પ્રગટાવવામાં આવશે. આ સાથે પ્રથમ વખત કોમનવેલ્થ દેશોની દરેક રાજધાનીમાં પણ મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે બીકોન્સ પ્રગટાવવામાં આવશે.
શુક્રવાર 3જી જૂન:
થેંક્સગિવિંગની સેવા: મહારાણીના શાસન માટે થેંક્સગિવિંગની સેવા સેન્ટ પોલના કેથેડ્રલ ખાતે યોજવામાં આવશે.
૪ જૂન શનિવાર
એપ્સમ ડાઉન્સમાં ડર્બી: રાજવી પરિવારના સભ્યો સાથે, મહારાણી, એપ્સમ ડાઉન્સમાં ડર્બીમાં હાજરી આપશે.
પેલેસમાં પ્લેટિનમ પાર્ટી: BBC બકિંગહામ પેલેસમાંથી એક ખાસ લાઇવ કોન્સર્ટનું મંચ અને પ્રસારણ કરશે જે મહારાણીના સાત દાયકાના શાસનની સૌથી નોંધપાત્ર અને આનંદદાયક ક્ષણોની ઉજવણી કરવા માટે વિશ્વના કેટલાક મોટા મનોરંજન સ્ટાર્સને એકસાથે લાવશે.
રવિવાર ૫, જૂન
ધ બિગ જ્યુબિલી લંચ: ૨૦૦૯માં આ વિચારની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે ધ બિગ લંચે સમુદાયોને આનંદ અને મિત્રતાની ભાવનાથી એક સાથે આવીને, તેમના કનેક્શનની ઉજવણી કરવા અને એકબીજાને થોડી વધુ સારી રીતે ઓળખવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ૨૦૨૨માં યોજાનાર બિગ લંચ દરેક સમુદાયના હૃદયમાં જ્યુબિલીની ઉજવણીનો આનંદ લાવશે.
પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે લોકોને પડોશીઓ સાથે મિત્રતા કેળવવી, ભોજન અને આનંદસહ-હર્ષોલ્લાસ કરવા આમંત્રિત કરવામાં આવે છે. બિગ જ્યુબિલી લંચ, મોટું કે નાનું હોઈ શકે છે, જેમાં સ્ટ્રીટ પાર્ટી અથવા પિકનિક, ચા અને કેક અથવા ગાર્ડન બાર્બેકયુનો સમાવેશ થઇ શકે. અત્યાર સુધીમાં ૧,૪૦૦થી વધુ લોકોએ બિગ જ્યુબિલી લંચ હોસ્ટ કરવા માટે નોંધણી કરાવી છે, સમગ્ર દેશમાં ભરપૂર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આપણી ઘણી એશિયન, ભારતીય, ગુજરાતી ધાર્મિક, સામાજિક સંસ્થાઓએ અને વ્યવસાયી ક્ષેત્રોએ આ પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરી મહારાણીને બિરદાવવાનું આયોજન કર્યું હોવાના સમાચાર સાંપડ્યા છે. કેટલીક જાગૃત સંસ્થાઓના સવિશેષ કાર્યક્રમોની નોંધ સ્થાનિક સત્તાવાળાઓ, ટી.વી. માધ્યમો પણ લેતા હોય છે.
પ્લેટિનમ જ્યુબિલી પેજન્ટ: કલાત્મક કલાકારો, નૃત્યકારો, સંગીતકારો, લશ્કરી કર્મચારીઓ, મુખ્ય કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સર્જનાત્મકતાના આ અદ્ભુત ઉત્સવમાં મહારાણીના ૭૦ વર્ષના શાસનની વાતો કહેવા માટે એકત્ર થશે. લંડન સ્થિત પેજન્ટ, યુનાઇટેડ કિંગડમ અને સમગ્ર કોમનવેલ્થના દરેક ભાગમાંથી સ્ટ્રીટ આર્ટ, થિયેટર, સંગીત, સર્કસ, કોસ્ચ્યુમ તેમજ અદ્યતન વિઝ્યુઅલ ટેક્નોલોજીક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓને એકમંચ કરી ધામધૂમપૂર્વક સમારંભનું સંયોજન કરશે.
પ્લેટિનમ પેજન્ટનો મહત્વનો ભાગ બનાવતા, ‘રિવર ઓફ હોપ’ વિભાગમાં ૨૦૦ સિલ્ક ફ્લેગ્સનો સમાવેશ થશે જે ધ મોલની નીચે ફરકતા હશે, જે નદી વહેતી હોય એવું દેખાશે.
રંગીન પુષ્પોચ્છાદિત ટાવર ઓફ લંડન
શોભી ઊઠશે:
જયાં ભારતીય કોહીનૂર સહિત હીરા અને રત્નો જડિત શાહી મૂગટ અને હીરાજડિત ઘરેણાં અને રાજદંડ સંગ્રહાયેલ છે એ ટાવર ઓફ લંડનના કિલ્લા ફરતે 'સુપરબ્લૂમ' પુષ્પોચ્છાદિત ગાલીચો તૈયાર કરવા અત્યારે ૨૦ મિલિયનથી વધુ બીજ વાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી રેડ પોપીઝ, મેરીગોલ્ડ અને બ્લુ કલરનાં નયનરમ્ય પુષ્પો મે' મહિનાના અંત પહેલાં ખીલી ઊઠશે. જૂનના સાનુકૂળ હવામાન સાથે, મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીના માનમાં અદભૂત ફ્લોરલ ડિસ્પ્લે, બ્રિટીશ રાજવીના સીમાચિહ્નરૂપની રાષ્ટ્રીય ઉજવણી સાથે સુસંગત થવા જૂનની શરૂઆતમાં ખીલશે. આ પુષ્પોના પ્લાન્ટિંગની ડિઝાઇન શેફિલ્ડ યુનિવર્સિટીમાં અર્બન હોર્ટિકલ્ચરના પ્રોફેસર નિગેલ ડનનેટે પ્રસંગને અનુરૂપ તૈયાર કરી છે.
૯૫ વર્ષની વયે પણ શિસ્તબધ્ધ, પ્રતિભાવંત વ્યક્તિત્વ ધરાવતાં આપણાં મહારાણી હજુય રાજનૈતિક ગતિવિધિથી સતત સક્રિય છે. બ્રિટીશ રાજસિંહાસન પર સૌથી લાંબા સમય સુધી (૭૦ વર્ષ) રહીને એક વિચક્ષણ, બુધ્ધિકુશળ રાજવી તરીકે પૂરવાર થયાં છે. એવાં આપણાં મહારાણીની જૂનના પહેલા સપ્તાહે પ્લેટિનમ જયુબિલી ઉજવાઇ રહી છે ત્યારે આપણી કેટલીક જાગૃત સંસ્થાઓ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આપણા સૌના લોકપ્રિય સપ્તાહિકો "ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" પણ મહારાણીના માનમાં વિશેષ અંકો અને કાર્યક્રમોનું આયોજન કરતા રહ્યા છે. ૧૯૭૭માં મહારાણીના રાજ્યાભિષેકના ૨૫ વર્ષે સિલ્વર જયુબિલી ઉજવાઇ ત્યારે ગુજરાત સમાચારે એ સમયના ચીઝીક કાર્યાલયમાં વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો અને વિશેષ અંક પ્રસિધ્ધ કર્યો હતો. ૧૯૯૨માં મહારાણીના રાજ્યાભિષેકની ૫૦મી સુવર્ણ જયંતિ વખતે પણ "ગુજરાત સમાચારે" વિશેષાંક પ્રસિધ્ધ કર્યો હતો. આ વર્ષે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ.
પ્લેટિનમ જયુબિલી ટાંણે આપણી જે કોઇ સંસ્થાઓ (ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક) વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી રહી હોય તેઓ ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ને જાણ કરશે તો એની અમે જરૂર નોંધ લઇશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter