માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

આપણી કવિતાનો અમર વારસો...

- અવિનાશ વ્યાસ Wednesday 02nd October 2024 06:15 EDT
 
 

આ સપ્તાહે અવિનાશ વ્યાસ

(• જન્મઃ 21-07-1911 • નિધનઃ 20-8-1984)

અવિનાશ વ્યાસ લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિકાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય.

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
 દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
 છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
 ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

•••




to the free, weekly Gujarat Samachar email newsletter