ભલે મહાન નાટ્યકાર શેક્સપિયર એમ કહી ગયા હોય કે નામમાં તે વળી શું દાટ્યું છે? છતાં, આપણે બધાને નામથી જ ઓળખીએ અને ઓળખાવીએ છીએ. તમે જે વ્યક્તિને જાણતા હો તેમનું એક નામ હોય છે અને તમે પાલતુ પ્રાણીને પણ નામ આપીને બોલાવો છો. જોકે, પ્રશ્ન એ થાય કે માત્ર માનવીમાં જ નામની અનોખી પ્રથા કે ઓળખ છે કે અન્ય પ્રાણીઓ પણ એકબીજાને નામથી બોલાવતાં હશે? સંશોધનો અનુસાર કેટલાક સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ અન્યો માટે અવાજના લેબલ્સનો ઉપયોગ કરે છે. જોકે, આના પુરાવાના અર્થઘટન બાબતે વિજ્ઞાનીઓમાં સહમતિ નથી. 1960ના દાયકામાં વિજ્ઞાનીઓએ શોધ્યું હતું કે નાની બોટલનોઝ ડોલ્ફીન્સ (Tursiops) વ્યક્તિગત વિભિન્ન સિસોટી વગાડે છે જેને સિગ્નેચર વ્હીસલ્સ કે ટ્યૂન્સ કહે છે. આપણે નામનો ઉપયોગ કરીએ છીએ તે રીતે ડોલ્ફીન્સ સંપર્ક સાધવા માટે આવી વ્હીસલની નકલ કરીને મોકલે છે. વ્હીસલ મારતી ડોલ્ફીનના અવાજ થકી નહિ, પરંતુ તેની ફ્રિકવન્સી અને ‘આકાર’ના આધારે અન્ય ડોલ્ફીનને ઓળખે છે. અન્ય પ્રયોગોમાં સંશોધકોને એમ પણ જણાયું હતું કે જંગલી આફ્રિકન હાથીઓ (Loxodonta) ચોક્કસ અવાજો કાઢી એકબીજાને બોલાવે છે. આવા ઘૂરકિયા જેવા અવાજ દરેક હાથી માટે અલગ હોય છે. કોઈ હાથીને તેના ચોક્કસ ‘નામ’થી બોલાવાય ત્યારે તે આવો અવાજ કાઢનારા હાથી પાસે ઝડપથી પહોંચી જાય છે. આવી જ રીતે, દક્ષિણ અને મધ્ય અમેરિકાના કેટલાક વિસ્તારોમાં મળી આવતા પૂંછડીધારી નાના પોપટ પણ તેમની પ્રજાતિના અન્ય પોપટને બોલાવવા વોકલ લેબલ્સનો ઉપયોગ કરે છે. પાંજરામાં કેદ કે બંધનમાં રખાયેલા પક્ષીઓ પરના અભ્યાસોથી વોકલ લેબલ્સ શીખવાની તેમની ક્ષમતા જાણી શકાઈ છે.
પોપટમાલિકોના સરવેમાં જણાયું હતું કે 800માંથી અડધા પક્ષીઓ તેમની આસપાસ રહેલા વ્યક્તિઓ પાસેથી શીખ્યા મુજબ વ્યક્તિઓ અને પ્રાણીઓ માટે વોકલ લેબલ્સનો ઉપયોગ કરતા હતા. પોપટ માણસો પાસેથી ઘણું શીખે છે, માનવીની ભાષામાં તેનો શું અર્થ થતો હશે તે ન જાણવા છતાં, ક્યારે શું બોલવું તે ચોક્કસ જાણે છે.


