મારું ઘર, મારું વૃંદાવન

(મારી કલમે)

- નમ્રતા ઠક્કર Tuesday 08th September 2026 07:59 EDT
 
 

ગયા અઠવાડિયે અમે ગ્રીસની સફર પર ગયા હતા. ત્યાંનો સ્ફટિક જેવો ભૂરો, પારદર્શક દરિયાકિનારો, મનમોહક કુદરતી સૌંદર્ય, રમણીય પર્વતો, ત્યાંનો સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિનો આનંદ લીધો. સાથે બે પ્રેમાળ મિત્રોનો પરિવાર હતો, ખૂબ આનંદ કર્યો અને કરાવ્યો. પરંતુ કોઈ કારણસર હું ગ્રીસ જવા માટે જેટલી ઉત્સાહિત હતી તેનાથી વધારે આઠ દિવસના પ્રવાસ પછી, ઘરે પાછી ફરવા માટે હતી. પ્લેનમાં બેસતાં જ ઘરે પાછા ફરવાના વિચારથી મારું મન આનંદિત થઈ ગયું.

વહાલ, વિચાર અને વરસાદ જો સમયસર આવે તો જ કામના. આજના ડિજિટલ યુગમાં પણ ડાયરી અને પેન તો હંમેશા મારી સાથે જ હોય, એટલે તરત લખવાની શરૂઆત કરી.

નાનપણમાં ભણવામાં આવતું, કે રોટી, કપડાં અને મકાન માણસની મૂળભૂત જરૂરિયાત છે. ઘર એટલે શું? ઈંટ, સિમેન્ટ અને કાચની ચાર દિવાલોને ઘર કહેવાય? ના, પથ્થર અને ઈંટથી તો મકાન બને, ઘર તો હૃદયથી બને. ઘરને લાગણીના જળથી સિંચવું પડે, એમાં હૃદય રેડવું પડે. ઘર પરિવારના અરસપરસ પ્રેમ અને વિશ્વાસથી બને. દુનિયાભરનો થાક જ્યાં ઊતરી જાય એ ઘર, જ્યાં તનને આરામ અને મનને વિશ્રામ મળે તે છે ઘર.
મારા પપ્પા એમના આયુષ્યના છેલ્લા વર્ષોમાં કહેતા, કે મારે મારા અંતિમ શ્વાસ હોસ્પિટલમાં નહીં પણ મારા ઘરમાં લેવા છે, કેમ કે મારું ઘર મારું વૃંદાવન છે. મને પણ આજે એ જ અનુભૂતિ થાય છે કે મારું ઘર મારું વૃંદાવન છે. મારું ઘર મને એટલે પ્રિય નથી કેમ કે તે સુંદર છે પણ આ મારી બેસવાની ડાળ છે, મારું ઠરવાનું ઠેકાણું છે, સ્નેહનું સદન છે, ભાવનું ભવન છે અને નેહનું નિકેતન છે.

પહેલા જ્યારે હું ઇન્ડિયા જતી ત્યારે કહેતી કે હું ઘરે જાઉં છું. ઇન્ડિયા હજી પણ મારા હદયની ખૂબ નજીક છે પણ એ મારી જન્મભૂમિ છે અને લંડન મારી કર્મભૂમિ છે. મારા બાળકો અહીં છે, મારું ઘર અહીં છે અને આ જ મારું વૃંદાવન છે.

દરરોજ સવારે વહેલા ઊઠવાનો મારો નિત્યક્રમ. ઘરના બાકીના સભ્યો ઊઠે એ પહેલા હું નીચે આવું. સર્વપ્રથમ ઠાકોરજીને પગે લાગું, મારી બિલાડી મીમોને ખાવાનું આપું. પક્ષીઓને ચણ આપું અને પછી મારા ચા-પાણી કરું, હવામાન સારું હોય તો ગાર્ડનમાં, નહીં તો હીંચકા પર બેસી ચા પીઉં. આ મારો Me-Time, મારો આખા દિવસનો સૌથી પ્રોડક્ટિવ ટાઈમ. હીંચકો મારી સૌથી પ્રિય જગ્યા છે આખાય ઘરમાં. ઊગતી આ સવાર કેવા અજવાળાં ઝીલે છે, અહીં બેસતાં જ સારા વિચારોથી મારો દિવસ ખીલે છે. જેમ જેમ હીંચકા પર ઝૂલું તેમ તેમ સારા પોઝિટિવ વિચારોનો પ્રવાહ મને ઘેરી વળે. હીંચકો મારો વિશ્રામ ઘાટ છે. મારું વિચાર મંદિર છે, જ્યાં બેસીને હું આખાય દિવસનું આયોજન કરું. કેટલી ભાગ્યશાળી છું કે ઓફિસનું કામ પણ ઘરે બેસીને કરી શકું છું એટલે જ કદાચ ઘરથી મારું વળગણ થોડું વિશેષ છે.

ઘર મહેમાન માટે, પ્રશંસા માટે કે પછી ફોટો લેવા માટે નથી, પણ ઘર કેટલું જીવંત છે એ અગત્યનું છે. A home's true beauty is not in how many people see it or admire it, it is in how much life it holds.
ઈન્ડિયામાં બાળપણમાં એક જાહેરાત ટીવી પર આવતી, એશિયન પેઈન્ટ્સની - હર ઘર કુછ કહેતા હૈં. કેટલી સાચી વાત છે. ઘર હકીકતમાં હસતાં અને બોલતાં હોય છે. અમુક ઘરમાં પ્રવેશતાં જ શાતા અનુભવાય, સારા સ્પંદનો આવે અને ક્યારેક મહેલ જેવા ઘરમાં પણ ગૂંગળામણ થાય. ઘર ઘર બને છે એમાં રહેવાવાળા પરિવારજનોથી, એમના આનંદ-કિલ્લોલથી. આ ઘરમાં અમે કેટલીય દિવાળી અને તહેવાર ઊજવ્યા છે. સદનસીબે અમારે મિત્રો અને મહેમાનોની સતત અવરજવર ચાલુ હોય. આ બધી યાદો અને સાથે વિતાવેલો સમય મારી મોંઘી મૂડી છે જેના લીધે મને ઘર વધારે વહાલું લાગે છે. એને એટલે જ આ ઘરના કામો જાતે કરવામાં મને કંટાળો નહીં, પણ ઊમળકો આવે છે.

ઘરમાં વાસ્તુ કરાવીએ, ઈશાન અને અગ્નિ ખૂણા એકમેક સાથે ભલે ન મળે પણ ઘરમાં રહેતા લોકોના દિલ એકબીજા સાથે મળે તો ઘરનું વાસ્તુ સફળ. મહેલોની જરૂર તો માત્ર રહેવા માટે હોય છે બાકી વસી જવા માટે તો કોઈના દિલનો ખોબા જેટલો ખૂણો પણ કાફી છે. હું જ્યારે ઘરમાં પ્રવેશું, ત્યારે પગરખા અને અંગરખા જ બહાર ઊતારીને નથી આવતી પણ અભરખા પણ ઊતારું છું. જેવી છું એવી થઈને અહીં રહી શકું છું કોઈપણ ફિલ્ટર વગર. 8.23 બિલિયનની વસ્તીવાળી આ દુનિયામાં એક ખૂણો મારો છે એટલે જ ઘરને ધરતીનો છેડો કહેવાય છે.

કાનજી નામનો એક માછીમાર હતો. તેનું આખું જીવન દરિયાના મોજાં, હોડીના અવાજો અને માછલીની ગંધ વચ્ચે વીત્યું હતું. દરિયાના ખારા પવન અને માછલીની ગંધમાં એને ખૂબ મીઠી ઊંઘ આવતી. એક દિવસ એનો દીકરો તેને પોતાની સાથે શહેરમાં લઈ ગયો, તેણે પિતાને સુંદર સુવાસિત ફૂલોના બગીચામાં ખાટલો ઢાળી આપ્યો જેથી પ્રકૃતિની ગોદમાં પિતા નિરાંતે સૂઈ શકે. પણ કાનજી માટે સૂવાનું મુશ્કેલ થઈ ગયું. આખી રાત પડખા બદલ્યા, પછી ફૂલોની તીવ્ર સુવાસ તેના માથામાં ચઢી ગઈ અને મન બેચેન થઈ ગયું. મધરાતે ઊભા થઈ તેણે પોતાની જૂની ફાટેલી, માછલી પકડવાની જાળ કાઢી અને એને ઓઢીને સૂઈ ગયો. ક્ષણભરમાં જ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. જ્યારે દીકરાએ સવારે આ જોયું તેને સમજાયું કે માણસ ગમેતેટલા વૈભવમાં જાય પણ સાચી ઊંઘ, સાચી નિરાંત જ્યાં ટેવાઈ ગયા હોય ત્યાં જ આવે છે.

અલગ અલગ થાકનો અલગ ઉપાય હોય છે. કોઈના ખોળે જઈને ઊતરે તો કોઈના ખભે જઈને ઊતરે. દેશ વિદેશમાં હું પણ ઘણું ફરી, પણ મારો થાક મારા ઘરમાં આવીને જ ઊતરે. અને મારા ચહેરા પર આવે મુસ્કાન.
‘દૂરથી હું જોઉં મારું મકાન, અને મારા ચહેરા પર આવે મુસ્કાન.’ Anywhere in the world you roam, there is no place like home. નાનપણમાં દુનિયા જોવા માટે ઘર છોડ્યું પણ હવે દુનિયા જોયા પછી સમજાયું કે સાચી દુનિયા તો પોતાનું ઘર જ છે.

મોગલ દરબારના દિવાને-આમ અને દિવાને-ખાસમાં પર્સિયન ભાષામાં લખેલી એક તખ્તી - જન્નત કરતો? હમીં અશ્તો, હમીં અશ્તો, હમીં અશ્તો. એટલે કે ધરતી પર જો ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે. મારું સ્વર્ગ પણ અહીં જ છે.

મારી એક પર્યાવરણ પ્રેમી મિત્રના ઘરના પ્રવેશદ્વાર પર એક ફ્રેમમાં લખ્યું છે, ‘The whole universe is my home’ મને મારા ઘરની બહાર એમ લગાવવાનું મન થાય છેઃ ‘My home is my whole universe.’ મારું ઘર એ જ મારી સમગ્ર દુનિયા છે. મારું વૃંદાવન છે. અટલ બિહારી વાજપેયીની ઘર પર એક સુંદર કવિતા છે:
‘घर चाहे कैसा भी हो,

उस के एक कोने में खुल कर हँसने की जगह रखना,
सूरज कितना भी दूर हो, उसको घर आने का रास्ता देना,
कभी कभी छत पर चढ़कर तारे अवश्य गिनना,
हो सके तो हाथ बढ़ाकर चांद को छूने की कोशिश करना,
अगर हो लोगों से मिलनाजुलना, तो घर के पास पडोस जरूर रखना,
हो सके तो बच्चों को एक कागज की कश्ती चलाने देना
घर के सामने रखना एक पेड़, उस पर बैठे पक्षियों की बातें अवश्य सुनना,
घर चाहे कैसा भी हो, घर के एक कोने में खुल कर हँसने की जगह रखना.’
હે જીવ, ભલે તું આખી વિશ્વમાં કર સફર,
દુનિયાના દરેક ખૂણામાં તું હર ફર,
ગમેતેટલી મુસાફરી અને રઝળપાટ કર,
અંતે તું ખુશીની શોધ કર,
પણ અંતે ધરતીનો છેડો એ જ તારું ઘર...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter