નીતા રામૈયા એટલે કવયિત્રી અને અનુવાદક. કેનેડિયન સાહિત્યનાં અભ્યાસી. બાળગીતો પણ લખે છે. મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં અંગ્રેજીના નિવૃત્ત પ્રાધ્યાપિકા. ‘શબ્દને રસ્તે’ એમનો કાવ્યસંગ્રહ.
•••
- મારે એક કવિતા લખવી છે
મારે એક કવિતા લખવી છે
સાવ સાચા અનુભવની વાત
તેમાં કરવી છે.
નહીં પોચટ નહીં બરડ
નહીં કાલી નહીં ઘેલી
સડસડાટ કહેવાઈ જાય તેવી
જે કોઈ વાંચે તેના દિલ સોંસરી ઊતરી જાય તેવી
થરમોમીટરની રૂપેરી રેખાને ફેર ચડે
સ્ટેથોસ્કોપને ઊબકા આવે
કાર્ડિયોગ્રામ હડિયું કાઢ્યા કરે.
શ્વાસ અધ્ધર ચડી જાય
નાડ પોબારા ભણી જાય
ધ્રબક ધ્રબકનું ત્રાગું લબડી પડે
દુનિયા ગડથોલું ખાઈને અંધારી ખીણમાં ઊંધે માથે લટકે.
હાડકાંના પોલાણમાં હિમાલયનાં શિખરો રચાય
રગેરગમાં ગંગાજળ ફરી વળે
તો જ આવી કવિતા લખાય ને.
મારે એક કવિતા લખવી છે
સાવ સાચા અનુભવની વાત
તેમાં કરવી છે.
•••