માર્ચમાં અંતિમ વિદાય લીધી હતી ગુજરાતી ક્રાંતિ-પુરુષે!

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 18th March 2026 06:18 EDT
 
 

સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ. કવિ અને સાહિત્યકાર તરીકે તો ખ્યાત થયા, પણ તેમના પત્રકારત્વ વિષે ઘણુંબધુ અંધારામાં રહ્યું. પછી છગન ખેરાજ વર્મા કે ભગવતી ચરણ વહોરા તો ક્યાંથી યાદ આવે? આ તમામે કલમ અને ક્રાંતિનો રસ્તો પકડ્યો હતો. શ્રી અરવિંદ પણ ‘વંદે માતરમ્’ના જ્વલંત તંત્રી હતા.

આવું જ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું સ્વાધીનતા માટેનું પત્રકારત્વ. 1905થી 1923 સુધી ‘ઇંડિયન સોશ્યોલોજિસ્ટ’ અખબાર એકલા હાથે ચલાવ્યું. બ્રિટિશ સરકાર પાછળ પડીને તેમને સખત સજા કરવા માગતી હતી, જેવું વીર વિનાયક સાવરકર માટે થયું. પણ, શ્યામજીએ ત્રણ સ્થળાંતર કર્યા - લંડન, પેરિસ અને જીનિવા. એમ કહો કે અંતિમ શ્વાસ સુધી તેમણે પત્રકારત્વ હૃદયસ્થ રાખ્યું હતું. માંડવી કચ્છનું ‘ક્રાંતિતીર્થ’ અત્યારે જીએમડીસી (ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સંભાળે છે. નરેન્દ્રભાઈના ઇતિહાસ-બોધનું ઉત્તમ ઉદાહરણ આ સ્થાન છે. ત્યાં લંડનના ‘ઈન્ડિયા હાઉસ’ની ઇમારત અદ્દલ જોવા મળે. અને જેમને ભૂલી ગયા છીએ અથવા પ્રસંગોપાત જ યાદ કરીએ છીએ તેવા ક્રાંતિકારોના તૈલચિત્ર, મ્યુઝિયમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે.
તેમાં એક મૂલ્યવાન ઉમેરો થયો. પંડિત શ્યામજીના અખબાર ‘ઇંડિયન સોશ્યોલોજિસ્ટ’ના 17 વર્ષના અંકો યથાતથ્ ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવાનો યશ જીએમડીસીને જાય છે, બે ભાગમાં આ ગ્રંથો છે. હિન્દી અને અંગ્રેજીમાં છે. તેનું સંપાદન કરતાં એક ઐતિહાસિક યુગમાં ચાલવાનું ભાગ્ય મને મળ્યું. ઉપરાંત શ્યામજીનું વિસ્તૃત જીવનચરિત ગુજરાતી અને હિન્દીમાં થયું, તેનો મરાઠી અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે. ઇંદુલાલ યાજ્ઞિકે 1930માં બેરિસ્ટર સરદારસિંહ રાણાની સહાયથી લંડનમાં બેસીને તેમની જીવની લખી તે 1950માં છપાઈ તેનો અનુવાદ મેં કર્યો, જે પ્રવીણ પ્રકાશને છાપ્યો છે.

એક ત્રીજી મહત્વની વાત એટલે સાવરકર અને શ્યામજી વચ્ચે અતૂટ ગુરુ શિષ્યનો નાતો કાયમ રહ્યો. એ જ રીતે મેડમ ભિખાઈજી કામા તો ફ્રાંસમાં ‘ક્રાંતિમાતા’નું બિરુદ લોકો થકી પામ્યા હતા. સાવરકરના સૂર્યમંડળમાં અનેક સૂર્યો હતા, અને તેમાં ગુજરાતીઓ વધુ સક્રિય હતા. અમદાવાદમાં લોર્ડ મિન્ટોનો દબદબો દેખાડવા શોભાયાત્રા કાઢી. 13 નવેમ્બર, 1909ના દિવસે તેના પર બોમ્બ ફેંકવામાં આવ્યો તેમનું સંધાન લંડનના ‘ઈન્ડિયા હાઉસ’ સુધીનું હતું.

‘શેર-એ-હિન્દ’ મનસુખલાલ, તું પણ ઇતિહાસના અંધારામાં?

કેટલીક વાર કોઈ એક નામ, કોઈ એક ઘટનાને શોધી કાઢવામાં નિષ્ફળતા મળે ત્યારે હતાશા ઘેરી વળે છે, અને ક્યારેક ધાર્યું મળી જાય તો ખુશ થઇ જવાય છે. 1914માં સાન ફ્રાન્સિસ્કોમાં ગદર ચળવળનો મુખિયા પોરબંદરનો છગન ખેરાજ વર્મા, ભારતની બહાર ક્રાંતિકારી પ્રથમ ગુજરાતી ફાંસી ચડ્યો હતો. થોડી વિગતો તો મળતી હતી, પણ તેની તસવીર ક્યાંય મળી નહિ. કોમાગાટામારુ જહાજને ભારત મોકલવામાં તેણે વાનકુવરમાં નાગરિક સમિતિ બનાવીને બ્રિટિશરોને કાનૂની લડાઈ આપી હતી તેનો એક સામૂહિક ફોટો મળ્યો પણ તેમાં આપણા છગન ખેરાજ ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને કઈ રીતે શોધવો? બધાંનો શીખ પહેરવેશ અને માથે પઘડી! જ્યારે તેના વિશે લખવાનું થયું ત્યારે અફસોસ થતો કે ગુજરાતી હુતાત્મા, જેનું ભવ્ય સ્મારક થવું જોઈએ તેની એક છબિ પણ નહિ? છેવટે એક અમેરિકન ઈતિહાસકારે લખેલા પુસ્તકમાં છગન ખેરાજ તેના ક્રાંતિકારી હાસ્યની સાથે મળ્યો તો મન ઝંકૃત થઈ ગયું!
...તો કેપ્ટન મનસુખલાલ? તેણે તો અંગ્રેજોની સામે બર્માના જંગલમાં વિધિવત્ બંદૂકમાં છેલ્લી ગોળી સુધી લડાઈ કરી અને તે જગ્યા આઝાદ હિન્દ ફોજે મેળવી. તેને નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘શેર-એ-હિન્દ’ અને ‘સરદાર-એ-જંગ’ એવા બબ્બે સન્માન એનાયત કર્યા, અને ત્યાં જ ‘જય હિન્દ’ બોલતાં બોલતાં છેલ્લા શ્વાસ લીધા હતા.
કોણ આ મનસુખલાલ? આઝાદ હિન્દ ફોજના 1000 જેટલા શહીદની (કુલ સંખ્યા 30 હજાર શહીદો, જેમને ગૂમનામ બનાવી દેવાયા તે ઇતિહાસની કેવી વિડંબના?) યાદી તપાસી તો નામ મળે છે, તેનું જન્મ સ્થાન નહીં! કાઠિયાવાડના કોઈ નાનકડા ગામમાં જન્મ્યો હશે. કલ્પના તો થઈ શકે, કારણ કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ સમયે આ ગામડાંઓના યુવાનોનું આકર્ષણ સેનામાં ભરતી થવાનું રહેતું. કુટુંબને થોડી આર્થિક રાહત થાય અને યુદ્ધનું શિસ્ત અનુભવાય.
આમેય કાઠિયાવાડે ક્યાં ઓછા યુદ્ધો જોયા હતા? સોમનાથ, ગિરનાર અને ભૂચર મોરિ એ તો જગજાણીતી રણભૂમિ. કોઈ ગામ એવું નહીં કે ત્યાં પાળિયા ના હોય, કે સતીની દહેરી ના મળે. અરે, ગીરના જંગલમાં કનરાના ડુંગર પર એક સાથે 80 જેટલી ખાંભી, યુદ્ધની નહિ, સત્યાગ્રહની પણ ઊભી છે, જે બહાદુર મહિયા લોકોની છે!

મનસુખલાલ આવા જ કોઈ ખોબા જેવડા ગામે જન્મ્યો હશે. ને પછી બર્મા પહોંચીને આઝાદ હિન્દ ફોજમાં સિપાહી બન્યો. થોડા જ સમયમાં કેપ્ટન બન્યો. કર્નલ ઇનાયતખાં કિયાનીની બ્રિગેડમાં સ્થાન મળ્યું. બ્રિટિશરો પર્વતો પર કબ્જો લઈને આઝાદ હિન્દ ફોજને ઇમ્ફાલ તરફ જતાં અટકાવવાની વ્યૂહરચના અપનાવી રહી હતી. મોટું તોપખાનું અને 3000 બ્રિટિશ સૈનિકો. સ્કોટિશ સી-ફોર્થ હાઇલેંડર્સ અને વાયુસેના. આની સામે આઝાદ હિન્દ સેનાના અહીં 600 સૈનિકો. જ્યાં સુધી ઊંચા પહાડોમાંથી એકાદ પર કબ્જો કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ બચી શકીશું નહિ એ સહુ જાણતા હતા. આથી કિયાનીએ કેપ્ટન મનસુખલાલને આગળ વધવાનો આદેશ આપ્યો.

મનસુખલાલની પ્લાટુનમાં ગણીને 30 સૈનિકો હતા. તોપખાનાનો પણ અભાવ. છતાં તેઓ નીકળી પડ્યા. પર્વતની ટોચ પર બ્રિટિશ સેના હતી. તેને અંદાજ આવતા રાઈફલોની ગોળીઓ છૂટી. સામસામું યુદ્ધ શરૂ થયું. આઝાદ હિન્દ ફોજના કેટલાક વીરગતી પામ્યા. બીજા ઘાયલ થયા છતાં પહાડીના વૃક્ષો અને ઘાંસમાં કેમોફ્લેજની સાથે આગળ વધવા માંડ્યા. મનસુખલાલને 13 ગોળી વાગી. ઘણુંબધું લોહી વહેતું હતું, પણ આ નેતાજીનો બંદો નિરાશ થયો નહીં. ઘાયલ અવસ્થામાં પણ દુશ્મનોની સામે લડતો રહ્યો. તેનાથી ઊભું થઈ શકાતું નહોતું તો સાથીદારોને કહ્યું, ‘મારી ચિંતા ના કરશો. બસ આગળ વધો, હું ના જીવું તો કાંઇ નહીં, પહાડ પર પહોંચીશું તો બાકી સૈનિક ટુકડીઓ બચી જશે.’

એવું જ બન્યું. પહાડની ટૂંક નજીક જ હતી. ‘જય હિન્દ’ અને ‘નેતાજી કી જય...’ના નારા સાથે તેઓ બ્રિટિશ સૈનિકો પર તૂટી પડ્યા, બ્રિટિશ ટુકડી જીવ બચાવીને ભાગી ગઈ. આઝાદ હિન્દ ફોજે જગ્યાનો કબ્જો લીધો. પણ હજુ મુશ્કેલી બાકી હતી. આઝાદ હિન્દ ફોજના કેપ્ટન રાવને શત્રુઓએ ઘેરી લીધા હતા. ત્યાં લડાઈ કરી. 250 અંગ્રેજો માર્યા ગયા. ત્યાંથી ઇમ્ફાલ મોરચે આગેકૂચ. આઝાદ હિન્દ સેનાના 10 હજાર હુતાત્મા થયા.
આપણો આ બહાદુર કેપ્ટન ક્યાં જન્મ્યો હશે? છગન ખેરાજની એટલી તો માહિતી મળે છે કે તે પોરબંદરનો હતો, પણ ત્યાં તેના કોઈ કુટુંબનું ઘર શોધી શકાયું નથી. ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણીએ પ્રયત્ન કર્યો, પણ ગાંધીજીના કીર્તિમંદિરની સાથે આ ફાંસીવીરનું સ્મારક હોવું જોઈએ કે નહીં? આવું જ દુર્ભાગ્ય ભગવતી ચરણ વોહરાનું છે. પુરાતન ધરોહર કે તાના-રીરીનું મ્યુઝિયમ ભલે કરો, પણ રાવી નદી પર લાહોરમાં શહીદ થનારા ગુજરાતી નાગર બ્રાહ્મણની નાની તખતી તો મૂકો! કે પછી મેઘાણીની વ્યથા કાયમ રહેશે -

કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની,
અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની!

કોઈ એક રસ્તો પસંદ કરવો પડશે. ગુજરાતે તો વિશેષ, કેમ કે 101 ક્રાંતિ-સ્થાનો રાહ જુએ છે, તેનું સંશોધન પણ થયું છે. વિડંબના તો જુઓ કે કચ્છમાં ક્યાંક અખંડ ભારતના મહાનાયક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા તો સ્થાપિત થઈ, પણ તેમનું નામ જ તખતીમાં નહિ. બીજા રાજકીય નેતાઓના નામ ઝગમગે છે!
વિસ્મૃતિનો અભિશાપ એ આ સમાજની સ્થિતિ ના બને તે જોવાની ફરજ સરકાર અને સમાજ બન્નેની છે. તેમાં તેમની સાથે સામેલ હતા સીતારામ મહારાજ, કૃપાશંકર પંડિત, રૂપરામ જીવરામ, છગનલાલ ત્રિભુવનદાસ, મોહનલાલ પંડ્યા, નાનાલાલ પ્રાણશંકર, ચુનીલાલ ભટ્ટ, બંગાલ ક્લબના યુવકો, બેરિસ્ટર દેશપાંડે, નરસિંહભાઈ વગેરે... સ્થાન મહિપતરામ રૂપરામ આશ્રમની સામે - કાપડીવાડ, લંડનમાં બીજા 50 ગુજરાતીઓ... તેના વિષે ક્યારેક જાણીશું.
30 અને 31 માર્ચ, પંડિત શ્યામજીની પુણ્યતિથીએ કચ્છ યુનિવર્સિટીએ જીએમડીસી દ્વારા પ્રયોજિત શ્યામજી કૃષ્ણવર્મા વ્યાખ્યાનમાળા શરૂ કરી છે. પ્રથમ વકતાઓમાં આપણાં સાંસ્કૃતિક વિદુષી ઇન્દુમતિ કાટદરેનું વ્યાખ્યાન થશે, ભુજ - કચ્છમાં. ગુજરાતમાં આવું એકમાત્ર સ્મારક છે, જયાં એકસાથે ક્રાંતિકારો તેમના બલિદાન સાથે બેઠા છે. કચ્છી શાળાઓ અને ઇતિહાસપ્રેમીઓ ત્યાં ઇતિહાસ સાથે સંવાદ કરી રહ્યા છે. માંડવીના - હવે વૃદ્ધ થઈ ગયેલા - હિરજીભાઈ કારાણી લગભગ દરરોજ ક્રાંતિસ્થાને જાય છે, મુલાકાતીઓને માહિતી આપે છે.
એક વધુ સારા સમાચાર એટલે ‘સાવરકર’ ફિલ્મમાં શ્યામજીની ભૂમિકા ભજવનાર અમદાવાદી પણ અમેરિકામાં પ્રવૃત્ત જય પટેલ શ્યામજી પર ફિલ્મ બનાવવા માંગે છે, અને લંડનસ્થિત શ્યામજી જયાં રહેતા હતા તે ઇમારત પોતાના ખર્ચે ખરીદીને સ્મારક બનાવવા માંગે છે.
મહારાષ્ટ્ર સરકારે લંડનમાં આંબેડકર રહેતા તે ઇમારત ખરીદીને સ્મારક બનાવ્યું, જયારે માંડવીમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જિનિવાથી ક્રાંતિકારના અસ્થિ લાવીને ભવ્ય સ્મારક બનાવ્યું, પણ જરૂરી તો એ છે કે ભારતકથાથી અજ્ઞાત રહી ગયેલા એનઆરઆઈ અને એનઆરજીને પ્રેરિત અને ગૌરવાન્વિત કરી શકે એવું સ્મારક લંડનમાં પંડિત શ્યામજી નિવાસમાં હોઇ શકે તે બાબત હજુ ગુજરાત સરકારે વિચાર્યું કેમ નહીં હોય?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter