મીમો

(મારી કલમે)

- નમ્રતા ઠક્કર Wednesday 03rd June 2026 06:36 EDT
 
 

ઘણા સમયથી મારી 16 વર્ષની દીકરીને કીટન (kitten) લેવું હતું. રીવામાં કુદરતી રીતે જ પ્રાણીઓ માટે અનન્ય પ્રેમ, અને એમાંય બિલાડી તો એને ખૂબ વહાલી. ઘણાં કારણોસર રીવાની આ માંગણીને હું ટાળતી રહી. જવાબદારી અને સ્વચ્છતામાં માનનારી હું કહું કે તારો આ શોખ થોડા સમયમાં ઉતરી જશે. પછી મારે બિલાડીની સેવા કરવી પડશે. તું પણ ભાઈની જેમ બે વર્ષમાં યુનિવર્સિટી ચાલી જઈશ. તું પોતાનું ધ્યાન રાખતી નથી, બિલાડીનું કેવી રીતે રાખીશ? આપણા ઘરમાં કોઈ જીવ આવે અને એ દુઃખી થાય એ મને નહીં ચાલે. પણ મારો આ વાદવિવાદ લાંબો ન ચાલ્યો અને દીકરીની જિદ પાસે માની મમતા હારી ગઈ. મહિના પહેલાં અમે 3 મહિનાનું નાનકડું કીટન ઘરે લઈ આવ્યા. દીકરીએ તેનું નામ પાડ્યું - મીમો.

રીવાની ખુશીનો તો કોઈ પાર ન રહ્યો. શરૂઆતના થોડા દિવસો મીમોને સેટલ કરવામાં અને અપનાવવામાં અમે વ્યસ્ત થઈ ગયા. અમારી જિંદગીમાં એ એટલો સાહજિકતાથી ભળી ગયો જાણે વર્ષોથી અમને જાણે છે. અહીંથી ત્યાં દોડવું, બધું સૂંઘવું, મોજ પડે તો રમવું અને પછી થાકીને સૂઈ જવું - આ એની દિનચર્યા.

હું સવારે ઓફિસનું કામ શરૂ કરું એટલે એ મારી ડેસ્ક પર, મારી બાજુમાં આવીને ગોઠવાઈ જતો. હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે જ આવે. હું એને સમય સમય પર ખાવાનું આપું. ખાય એ અને એને ખાતો જોઈ સંતોષનો ઓડકાર મને આવે. હું એની સફાઈ કરું, મને કશું અજુગતું નથી લાગતું. મને પણ મીમો રીવા જેટલો જ વહાલો, મીઠડો અને પોતાનો લાગવા લાગ્યો છે. મારાં કામ છોડીને હું એનું સર્કસ જોયા કરું. એના વીડિયોસ લઉં. થોડી મિનિટ મીમો ન દેખાય તો હું એને શોધું. ઘૂઘરીવાળા કોલર સાથે રૂમઝૂમ કરતો, રમતો આવે અને મને હાશકારો થાય.

Cat eyes - માંજરી આંખો માટે મને મને હંમેશા અદ્ભુત આકર્ષણ રહ્યું છે. બિલોરી કાચ જેવી મીમોની માંજરી આંખો મને સૌથી વહાલી લાગે. કહેવાય છે કે બિલાડી અંધારામાં પણ જોઈ શકે છે, પણ મને લાગે છે કે માત્ર અંધારામાં જ નહીં - બિલાડી ભીતરની આસપાસ પણ જોઈ શકે છે. હું દુઃખી હોઉં તો મીમો મારા મનના ભાવ સમજી જાય અને મારા પગને વીંટળાઈ જાય. હું ફરી ખુશ થઈ જાવ. યશોદા માતાને કાનુડાના મોંઢામાં આખું બ્રહ્માંડ દેખાતું તેમ મને મીમોની આંખોમાં મારી આખી દુનિયા દેખાય છે. મૌનની પણ એક અનોખી ભાષા હોય છે, જેને માત્ર શાંત અને પરિપકવ હૈયું જ સાંભળી શકે છે. મને લાગે છે કે હું અને મીમો આ ભાષામાં વાર્તાલાપ કરી શકીએ છીએ. જેમ અમે એને અપનાવ્યો છે એમ એણે પણ અમને અને આ ઘરને અપનાવી લીધા છે. ખૂબ જ આત્મવિશ્વાસથી તે આખા ઘરમાં ફરે છે. જ્યાં અંધારું પણ પોતાનું ઓળખીતું લાગે એનું જ નામ ઘર! હવે તો લાગે છે આ ઘર મીમોનું છે અને અમે અહીં રહેવા આવ્યા છીએ.

બાળકો મોટા થઈ જતાં, ઘર અને જીવનમાં એકલતા અને સન્નાટો આવી જતા હોય છે. હું વટથી કહેતી, મને લાગે નહીં ક્યાંય કશું એકલું, મને મારું એકાંત ગમે એટલું. પણ હવે મીમો મારી એકલતાનો સાથી છે.

કેવી મૂર્ખ હતી હું કહેતી કે કિટન આવશે તો મારે તેને ટ્રેઈન કરવું પડશે, બધું શીખવવું પડશે. પણ શીખવાનું તો મારે એની પાસેથી છે કે જીવન કેમ જીવવું? મીમો તો માના ગર્ભમાંથી જાણે બધું જ શીખીને આવ્યો છે. ભૂખ લાગે ત્યારે ખાવું, કોઈ પણ સ્થિતિમાં શાંતિથી સૂઈ જવું, જિજ્ઞાસા અને કુતૂહલતા તો ભારોભાર, બધું જ જાણવું અને સૂંઘવું હોય. કોઈ માગણી જ નહીં, બસ ભરપૂર લાગણી. ચિંતા ચિતાસમાન, જાણીએ છીએ તો પણ ક્યાં કશું છોડાય છે? કયો મોહ મૂકાય છે? પણ મીમોને જુઓ, જીવનમાં નથી કોઈ બોજ, બસ મસ્તી અને મોજ, રોજેરોજ!!

ચાહે આગ લગે બસ્તી મેં, મૈં તો જીઉંગા અપની મસ્તી મેં!

સવારે રોજ ભગવાન પાસે દીવો કરું અને બે હાથ જોડીને કેટલીય માગણી કરું, આજે એમ થાય છે કે બસ મીમો જેવું જીવન એક દિવસ જીવવા મળે. નિરાંતનો શ્વાસ લઉં, મન પર કોઈ ભાર ન હોય કે શું રાંધીશ કે ઘરમાં શું ખૂટે છે, ઓફિસનું કેલેન્ડર કે પછી પેન્ડિંગ ટાસ્ક ચેક ન કરું, કોઈ પણ આધિ, વ્યાધિ અને ઉપાધિ વિના, ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની ચિંતા મૂકીને બસ વર્તમાનની પળોને માણી શકું. જિંદગીના રસ્તા તો ખૂબ સીધા અને સરળ હોય છે, નડે છે તો આપણને મનના વળાંક.

‘મને મીમો જેવા થાવું છે, ભાષા ભૂલીને ગાવું છે, ભાન ભૂલીને સૂવું છે, સઘળા રંગો પહેરી લઈ ફૂલોમાં પથરાવું છે, કાલની ચિંતા છોડીને મને આજમાં જીવવું છે.’

દોઢ કિલોના વજનવાળા આ મીમોએ અમારા ચાર જણાની જિંદગીને ખુશીઓથી ભરી દીધી છે. 16 વર્ષો પછી ફરી એક વાર મને માતા બનવાનું સુખ મળ્યું છે. હવે તો મીમોને હું મારા ક્રિશ અને રીવા જેટલો જ પ્રેમ કરું છું, મારી જિંદગીનો એ પણ એક હિસ્સો છે.

રીવા ઘણી વખત મારા માટે સ્વેટર કે પછી ફેસ માસ્ક તો ક્યારેક એન્ટિ એજિંગ ક્રિમ એવી ભેટ લઈ આવે પણ આજ સુધી મને મળેલી આ સર્વશ્રેષ્ઠ ભેટ છે. રીવા ટીખળ કરે કે, મમ્મી, મને નહોતી ખબર કે મારે મીમોને તારી સાથે શેર કરવો પડશે!

નાનપણમાં સાંભળેલું મારું મનગમતું ગીત, ‘મેં એક બિલાડી પાળી, એણે પહેરી સાડી.’ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું પણ ક્યારેક એક બિલાડી પાળીશ.

જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ ગમવા લાગે છે, ત્યારે આપણને એનામાં કશી ખામી દેખાતી નથી, મીમો કાંઈ પણ તોફાન કરે, મને ગુસ્સો જ નથી આવતો, માત્ર પ્રેમ અને લાગણી જ અનુભવાય છે. સંવેદનશીલ લોકો માટે pet એ જીવન જોવાનો અરીસો છે.

‘મૂક રહીને બોલતા, રાઝ હર દિલનો ખોલતા, મારી આગળ પાછળ ડોલતા,
આ petની લાઇફ તો છે કેવી સેટ, ન કોઈ ફિકર, ન કોઈ ડર.
કુદરતની મહેરમાં લીલા લહેર, એના આગમનથી જાણે આનંદ ઉત્સવ રોજ મારે ઘેર.’

જરૂરી નથી કે ખુશીઓ હંમેશા બીગ સાઈઝમાં જ આવે, ઘણી વખત નાનું અમથું શું કશું જીવનને ખુશીઓથી ભરી દે છે. એને શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી, માત્ર જરૂર છે ખુલ્લા મને એને જોવાની. કદાચ એ ખુશી, એ આનંદ આપણી પોતાની જ આસપાસ છે, આપણી ભીતર છે. મનની આંખોથી એને જોશો એ જરૂર મળી જશે,
મારી જેમ!

‘જે કંઈ ખોવાયું છે તે છાનુમાનું શોધ,
ખોવાયું છે સુખ, તું એનું સરનામું શોધ,
ગમ તો ઘણાય પડ્યા છે જિંદગીમાં,
ચાલ, આજે તું હસવાનું કોઈ બહાનું શોધ.’
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter