ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત થયા.
•
મુખડાની માયા લાગી
મુખડાની માયા લાગી રે,
મોહન! તારા મુખડાની માયા લાગી રે.
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું ર... મોહન.
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે... મોહન.
સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેને ઘેર શીદ જઈએ રે?... મોહન.
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રંડાવાનો ભય ટળ્યો રે... મોહન.
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે... મોહન.
•••