જીવન જીવી લેવાથી કે અસ્તિત્વ જાળવવાથી પણ વિશેષ છે. જીવન વાસ્તવમાં મહેચ્છાઓ ધરાવવી, પડકારો પર વિજય મેળવવો અને બહેતર ભવિષ્ય માટે પ્રયાસો કરવા વિશે છે. વયના કારણે થોડી શારીરિક મર્યાદાઓ તો આવે, પરંતુ માનવીય ઉત્સાહ કે જોશની સાચી તાકાત અનુકૂલન, ઉપાયોની શોધ અને આગળ વધવામાં જ રહેલી છે. મારા માટે વયસંબંધિત સાવચેતીઓનો અર્થ એ જ છે કે હું હવે ઘણા જાહેર કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓમાં વ્યક્તિગત હાજર રહી શકતો નથી. જોકે, મારા ઉદ્દેશો અને લોકો સાથેના સંપર્કો અગાઉના જેટલાં જ મજબૂત છે. હું મારી પ્રાર્થનાઓ, રસરૂચિ અને વ્યક્તિગત સંપર્કો થકી સહુકોઇ સાથે જોડાયેલા રહું છું.
વીતેલા વર્ષો દરમિયાન મને ખાસ ઉદ્દેશો અને સમાજમાં અમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવો સાથે જોડાવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. હું માનું છું કે દરેક પડકાર નવી તક લઇને આવતો હોય છે અને આધુનિક ટેકનોલોજીએ તો સંપર્કમાં રહેવાનું, અગાઉની સરખામણીએ, ઘણું આસાન બનાવી દીધું છે. વોટ્સએપ વીડિયો કોલ્સ તો મારા માટે, ખાસ કરીને મારી સાંભળવાની તકલીફના લીધે, બહુ ઉપયોગી બન્યા છે. મારું સૌભાગ્ય છે કે અસાધારણ પ્રતિભાશાળી અને સમર્પિત વ્યક્તિઓના કોલ્સ મને નિયમિત આવતા રહે છ. તેઓ તેમના વિચારો મારી સાથે શેર કરે છે, મારું માર્ગદર્શન ઈચ્છે છે, સૂચનો આપે છે અને હા... કેટલીક વખત મારા મંતવ્યો-અભિપ્રાયોને સુધારે પણ છે. હું ભલે દર વખતે શારીરિક રીતે હાજર ન હોઉં, પણ અમે જેમાં સહભાગી છીએ તેવા ઉદ્દેશોમાં મારી સંવેદનાત્મક, બૌદ્ધિક અને વ્યક્તિગત સામેલગીરી હંમેશાંની જેમ મજબૂત રહે છે.
વીતેલા ત્રણ - ચાર સપ્તાહ દરમિયાન, ખાસ કરીને પર્વો-ઉત્સવોના દિવસોમાં મને હંમેશાંની સરખામણીએ ઘણા વધુ લોકો સાથે હળવામળવાની અને વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. જન્માષ્ટમી, ગણેશોત્સવ અને નવરાત્રિથી લઇને દિવાળી અને લાભપાંચમ જેવા સપરમા દિવસોની ઉજવણીઓએ મને યુકેમાં વસતાં ભારતીય સમુદાયનો જોમ-જુસ્સો, વૈવિધ્યતા અને ઊડીને આંખે વળગતી પ્રગતિ સંદર્ભે મનોમંથન કરવાનો અદ્ભૂત અવસર પૂરી પાડ્યો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.
હજારો વર્ષોના કાળખંડમાં ફેલાયેલી ભારતીય સભ્યતા સંસ્કૃતિ, ફીલોસોફી, આધ્યાત્મિકતા અને જ્ઞાનનો અતિસમૃદ્ધ વારસો ધરાવે છે. પરંપરાથી આદિ શંકરાચાર્ય સાથે સંકળાયેલું દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્ આ અનંત આધ્યાત્મિક ધરોહરની સુંદર પ્રતિકૃતિ છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી ઓળખ એવી સભ્યતામાં ઊંડા મૂળ ધરાવે છે જેના મૂલ્યો, માન્યતાઓ અને પરંપરાઓનું અસ્તિત્વ પેઢી - દર પેઢી જળવાઈ રહ્યાં છે.
આજે આ સમૃદ્ધ વિરાસત બ્રિટિશ ભારતીય સમુદાય સાથે સતત આગળ વધતી - વિસ્તરતી રહી હોવાનું મને જણાય છે. વર્ષોના વહેવા સાથે, સમુદાયમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અગાઉની પેઢીઓ, જેમાંથી ઘણા ઈસ્ટ આફ્રિકા અને વિશ્વના અન્ય વિસ્તારોમાંથી આવી હતી તેઓ પૂર્વજોના મૂળ સાથે ગાઢ નાતો જાળવ્યો હતો. આજે, ભારતવંશીઓના સમુદાયનો મોટો હિસ્સો યુકેમાં જન્મેલો અને ઉછરેલો છે ત્યારે કોમ્યુનિટી વધુ વૈવિધ્યપૂર્ણ, એકીકૃત અને અરસપરસ સંકળાયેલી રહી છે.
મેં બહુસાંસ્કૃતિક અને આંતરજાતીય સંબંધોમાં વધારાની સાથોસાથ વિવિધ ભારતીય સમુદાયો, જાતિ-જ્ઞાતિઓ અને ભાષાકીય બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોમાં વધતી મિત્રતા, સંબંધો અને લગ્નોમાં થયેલા વધારાની નોંધ લીધી છે. પ્રશંસનીય બાબત તો એ છે કે આવા પરિવર્તનો છતાં, આપણી સાંસ્કૃતિક ઓળખ, પરંપરાઓ અને મૂલ્યો નોંધપાત્રપણે મજબૂત રહ્યાં છે. યુવા પેઢી પણ મહત્ત્વાકાંક્ષી, પરિશ્રમી અને સફળતા હાંસલ કરવા કૃતનિશ્ચયી જણાય છે. તેમના સામાજિક અને વ્યાવસાયિક વર્તુળો - પરંપરાગત પારિવારિક નેટવર્ક્સથી પણ આગળ - વિસ્તરતા રહ્યા છે. આમ છતાં, તેનો મતલબ એમ નથી કે તેઓ સાંસ્કૃતિક મૂળિયાથી દૂર જઈ રહ્યા છે. મને તો લાગે છે કે તેઓ હકીકતમાં આધુનિક બ્રિટિશ જીવન સાથે અનુકૂલન સાધવાની સાથોસાથ તેમના વારસાને સમજવા, સાચવવા અને વ્યવહારમાં અમલમાં મૂકવા સભાન પ્રયાસ કરી રહ્યા છે. એક નાનું પણ સુંદર ઉદાહરણ આ દર્શાવી શકે છે. 50 વર્ષ અગાઉ જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનું ‘જય શ્રી કૃષ્ણ’ કહીને અભિવાદન કરે ત્યારે ઘણી વખત સામેથી આવો જ પ્રતિભાવ મળશે તેવી અપેક્ષા રહેતી હતી. આજે મને સુખદ આશ્ચર્ય થાય છે કે છથી સાત વર્ષની વયના નાના બાળકો પણ અલગ પરંપરાગત અભિવાદનનું મહત્ત્વ સમજે છે. તેઓ જાણે છે કે ક્યારે અને કોને ‘જય શ્રી કૃષ્ણ’, ‘જય સીયારામ’, ‘જય સ્વામિનારાયણ’, ‘જય માતાજી’, ‘જય જિનેન્દ્ર’ કે ‘ઓમ નમઃ શિવાય’ જેવા શબ્દો સાથે અભિવાદન કે નમસ્તે કરવું જોઈએ.
આપણા બાળકો ભારતની વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક પરંપરાઓની અને વિવિધ રીતરિવાજ અને માન્યતાઓનો આદર કરવા સાથે ઉછરી રહ્યાં છે. આપણો સમાજ પણ પોતાની સાંસ્કૃતિક ઓળખ મજબૂત અને અકબંધ રાખવા સાથે વધુ વિભિન્ન અને સમાવેશી બની રહ્યો છે. આપણી ધરોહરની સાચી તાકાત ભાવિ પેઢીઓને તેના મૂલ્યોનો વારસો સોંપતા જવાની છે. આપણે સમયની સાથે કદાચ બદલાતા જઈશું, પરંતુ આપણા મૂળિયાં, આપસી આદર અને સહભાગી મૂલ્યો જ આપણા માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેવા જોઈએ.
ઉદ્યોગસાહસિકોની નવી પેઢી
આપણી પ્રતિભાશાળી - મહત્ત્વાકાંક્ષી યુવા પેઢીની વાત કરું તો... મારા નજરે ચઢેલો એક મહત્ત્વનો ફેરફાર એ છે કે તેઓ પારિવારિક બિઝનેસમાં જોડાવાના બદલે પોતાનો આગવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે. તેઓ પડકાર ઝીલવા તત્પર છે. નવી તકોને તલાશવા અને તરાશવા, પોતાની આગવી ઓળખ ઉભી કરવા અને પોતાના ભવિષ્યને પોતે આકાર આપવા ઈચ્છે છે. હું આને પરંપરાથી અળગા કે દૂર થવા તરીકે નહિ, પરંતુ મહત્ત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસના લક્ષણ તરીકે નિહાળું છું.
ઘણા લોકો કુદરતી ઉદ્યોગસાહસિક સ્વભાવ ધરાવે છે. છેલ્લા 15થી 20 વર્ષના અરસામાં ભારતથી, અને ખાસ કરીને ગુજરાતથી આવેલા કુશળ પ્રોફેશનલ્સ અને એન્ટ્રેપ્રીન્યોર્સ પરંપરાગત શોપ્સથી માંડી ઓનલાઈન વેપારી સાહસો અને ડિજિટલ સર્વિસીસ જેવા વ્યવસાયો સ્થાપવા સાથે બ્રિટનમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. હું માનું છું કે ગણતરીપૂર્વકના જોખમો લેવા અને પોતાની ઈચ્છાનુસાર ભવિષ્યનું નિર્માણ કરવાની તેમની તત્પરતા - ઈચ્છા બ્રિટિશ ભારતીયોની આગામી પેઢીની સૌથી મહાન શક્તિઓમાંની એક હશે. આની સાથોસાથ, જો યુવા પેઢીઓ ભારત સાથે - તેમના પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ થકી અલગ રીતે સંપર્ક કે સંબંધ રાખે તો પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ભલે ગમે ત્યાં વસતા હોઈએ કે ગમે તે ધર્મને અનુસરતા હોઈએ, ભારત જ આપણા મૂલ્યો - સંસ્કૃતિ અને વારસાનો મહત્ત્વપૂર્ણ સ્રોત બની રહેશે.
આજે ભારત ખુદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને તેની વૈશ્વિક હાજરી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપથી બદલાઈ રહ્યું છે. હું માનું છું કે આપણા સંતાનો અને ગ્રાન્ડચિલ્ડ્રન આ સિદ્ધિઓનું ગૌરવ અનુભવે છે. અગાઉની પેઢીઓની સરખામણીએ ભારત સાથે તેમનું કનેક્શન કદાચ અલગ હોઈ શકે છે, પરંતુ ભારતીય વિરાસતમાં તેમનો ગર્વ અને ગૌરવ મજબૂત જ છે.
એક અન્ય ગુણ જેની વિશેષરૂપે કદર કરવી જોઈએ તે છે આપણા સમુદાયનો કરુણાભાવ અને અન્યોને મદદ કરવાની તત્પરતા. કોવિડ-19 મહામારીના સમયમાં મેં ખાસ પ્રોત્સાહક ફેરફારની નોંધ લીધી હતી. પારિવારિક વર્તુળોના સભ્યો સહિત અનેક યુવાન લોકો વયોવૃદ્ધ વડીલો, મિત્રો અને પડોશીઓની સારસંભાળ લેવા આગળ આવ્યા હતા. તેઓ તેમના આરોગ્ય, તબીબી જરૂરિયાતો અને વર્તમાન સારસંભાળ બાબતે સક્રિય રસ લેતા હતા. હું માનું છું કે આપણે સમાજમાં ખાસ પોષતા રહેવું જોઈએ તેવા મૂલ્યવાન લક્ષણોમાં આ એક લક્ષણ છે.
તાજેતરમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કેદીઓના ધાર્મિક સંબંધો વિશે એક રિપોર્ટ મારા ધ્યાને આવ્યો હતો, જેમાં હિન્દુ અને જૈન કેદીઓની પ્રમાણમાં ઓછી સંખ્યા હોવાં વિશે દર્શાવાયું હતું. આવા આંકડાને યોગ્ય સંદર્ભમાં જોવાની જરૂર છે છતાં, તેનાથી મને ઘણા વર્ષોપહેલાની એક રસપ્રદ ઘટના યાદ આવે છે.
વેલિંગબરોમાં ચેપ્લિન્સ કોન્ફરન્સ દરમિયાન, પ્રિઝન સિસ્ટમમાં સેવા આપતા માત્ર એક હિન્દુ પુરોહિત-ચેપ્લિન હતા. એક વરિષ્ઠ ચેપ્લિને પ્રશ્ન કર્યો કે જેલમાં હિન્દુ અને જૈન કેદીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ શું? મેં રમૂજથી કહ્યું કે કદાચ ધાર્મિક માન્યતાઓએ તેમને ખોટાં કામ કરતાં અટકાવ્યાં હશે. આ ઉત્તરથી ઓડિયન્સને સંતોષ થયો નહિ ત્યારે મેં હળવેકથી ઉમેર્યું કે કદાચ તેઓ પકડાઈ નહિ જવા જેટલા ચતુર-ચાલાક હશે! આનાથી હાસ્ય સર્જાયું, પરંતુ ત્યારે ચેરમેને ગંભીર ખુલાસો આપવા જણાવ્યું હતું. આ ચર્ચા થકી બે મહત્ત્વના મૂલ્યો ઉજાગર થયાં - એક તો સામાજિક શરમની લાગણી અને બીજું, જવાબદારીની ભાવના. પોતાના પરિવાર અને સમાજને નીચાજોણું થાય તેનો ડર તેમજ અન્યો પ્રત્યે કૃતજ્ઞતા અને ફરજની ભાવના સૌથી મજબૂત નૈતિક માર્ગદર્શક બની રહે છે.
હું માનું છું કે અંગત જવાબદારી, પારિવારિક મૂલ્યો, કરુણા અને કૃતજ્ઞતાના ગુણો આપણી ભારતીય પરંપરાની શાશ્વત તાકાતોમાં સમાવિષ્ટ છે. આપણી યુવા પેઢીઓ લાયન્સ અને રોટરી ક્લબ્સ તેમજ વિવિધ પ્રોફેશનલ સંસ્થાઓમાં તો સક્રિય છે, પરંતુ સાંસ્કૃતિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને કોમ્યુનિટી ઈવેન્ટ્સ મારફત પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે. આ પ્લેટફોર્મ્સ થકી તેમણે ગણનાપાત્ર ભંડોળ એકત્ર કરેલ છે. તેમની ઉદારતા આપણી કોમ્યુનિટીથી પણ આગળ વિસ્તરેલી છે. કુદરતી આપદાઓ હોય કે માનવસર્જિત કટોકટી, જરૂરતમંદોની વહારે દોડી જવામાં ભારતવંશીઓ હંમેશા આગળ હોય છે. અન્યોને સહાયરૂપ થવાની - મદદનો હાથ લંબાવવાની ભાવના - પરગજુતાને ભૌગોલિક, ધાર્મિક અથવા સમુદાયની સીમાઓ નડતી નથી અને આ વિશે આપણે બધા ગૌરવ લઈ શકીએ તેમ છીએ.
પૂજા-પ્રાર્થનાના આપણા અધિકાર મામલે અડીખમ એકતા
ગત પાંચ દાયકાથી વધુ સમયગાળામાં બ્રિટનવાસી ભારતીય સમુદાયે ગજબ વિકાસ સાધ્યો છે તે વાતે ભાગ્યે જ કોઇ અસંમત થશે. આજથી 50 વર્ષ અગાઉ લંડનમાં મોટા ભાગના સામુદાયિક મેળાવડાઓનું આયોજન મુખ્યત્વે ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન દ્વારા હોલબોર્ન નજીકના સ્થાપિત સ્થળોએ કરાતું હતું. આજે દેશભરમાં આપણાં મંદિરો, કોમ્યુનિટી સેન્ટર્સ અને સાંસ્કૃતિક સભાખંડોમાં સેંકડો ઈવેન્ટ્સ યોજાય છે. આ બાબત માત્ર આપણી આંકડાકીય વૃદ્ધિ જ દર્શાવતી નથી, પરંતુ એક સમુદાય તરીકે આપણો ભરપૂર વિશ્વાસ અને આયોજનની ક્ષમતાને પણ દર્શાવે છે.
એક વિશિષ્ટ અનુભવ જે મારા દિલની નજીક રહેલો છે તે ભક્તિવેદાંત મેનોર ખાતે હરે કૃષ્ણ ટેમ્પલને બચાવવાના કેમ્પેઈન વિશે છે. આ કેમ્પેઈન માટે હોમ ઓફિસ, સ્કોટલેન્ડ યાર્ડ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન સાધવાનું જરૂરી હતું. હું સદ્ભાગી હતો કે મને મનુભાઈ માધવાણી અને સર જે.કે. ગોહેલ સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો પાસેથી અમૂલ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન સાંપડ્યું હતું.
સેન્ટ્રલ લંડનથી પાર્લામેન્ટ સુધીની 16 માર્ચ 1994ના મોટા સરઘસના આયોજનની તૈયારીઓ મને આજે પણ બરાબર યાદ છે. સમગ્ર આયોજન, વ્યવસ્થા, અપેક્ષિત હાજરી, પ્લેકાર્ડ્સ, સૂત્રોચ્ચાર અને ક્રાઉડ મેનેજમેન્ટ સંબંધે ચર્ચા કરવા માટે મને સ્કોટલેન્ડ યાર્ડમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને મળવા બોલાવાયો હતો. મીટિંગ અગાઉ સર જે.કે ગોહેલે મને કેટલીક વ્યવહારુ સલાહો આપી હતી. તેમણે સૂચન કર્યું હતું કે સંખ્યાનો અંદાજ આપવામાં થોડા સતર્ક રહેજો. જો તમારી ધારણા 10,000 લોકોની હાજરીની હોય તો 5000થી 7000 વચ્ચેનો આંકડો જ કહેજો.
આસિસ્ટન્ટ કમિશનર સાથેની મીટિંગમાં મેં એક બાબત સ્પષ્ટ કરી હતી કે આ કોઈ સરકાર, કાઉન્સિલ કે વ્યક્તિની વિરુદ્ધ રાજકીય વિરોધ નથી. અમારી માગણી માત્ર એટલી જ છે કે પૂજા અને દર્શન કરવા મંદિર સુધી પહોંચવાનો અધિકાર આપવામાં આવે. અમે લેચમોર હીથના લોકો અથવા સ્થાનિક ઓથોરિટીઝ સાથે સંઘર્ષ કે અભિયાન છેડવા ઈચ્છતા નથી.
ISKCONની ગવર્નિંગ બોડીનું પ્રતિનિધિત્વ કરતા પરમ પૂજ્ય શિવરામ સ્વામીએ મારામાં કેમ્પેઈનનું નેતૃત્વ સંભાળવાનો ભરોસો મૂક્યો ત્યારે પણ મારો સંદેશો સ્પષ્ટ હતોઃ કોઈ ઉશ્કેરીજનક સૂત્રોચ્ચાર નહિ, કોઈ પણ વિરુદ્ધ અંગત હુમલાઓ કે દુશ્મનાવટ નહિ રખાય. અમારું અભિયાન આપણા ધર્મનું પાલન કરવાના અધિકાર વિશે જ હતું. આ અભિગમના કારણે આપણી માગણીને સપોર્ટ કરવામાં હિન્દુઓ, જૈનો, શિખો, મુસ્લિમો, ક્રિશ્ચિયનો અને અન્ય પશ્ચાદભૂ સાથેના લોકો આગળ આવ્યા હતા.
આસિસ્ટન્ટ કમિશનર થોડા શંકાશીલ જણાયા હતા કારણ કે સેન્ટ્રલ લંડનમાં હજારો લોકો શાંતિપૂર્ણ રીતે એકત્ર થાય તો પણ સંભવિત અરાજકતા વ્યાપી શકે તેવી ચિંતા સ્વાભાવિક હતી. જોકે, આના પછી, જે જોવાં મળ્યું તે વિશિષ્ટપણે નોંધપાત્ર હતું. 35,000થી વધુ લોકો સરઘસમાં સામેલ થયા હતા. પોલીસે પણ પાછળથી સ્વીકાર્યું હતું કે તેમણે જે અરાજકતાની અપેક્ષા રાખી હતી તેના વિના સરઘસનું અભિયાન શાંતિપૂર્ણ પસાર થયું હતું. સમગ્રતયા વિરોધપ્રદર્શન શાંતિમય, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રહ્યું હતું. મારા માટે આ સનાતન ધર્મની ભાવનાનું શક્તિશાળી ઉદાહરણ હતું. આપણે દર્શાવ્યું હતું કે વિશાળ ધાર્મિક મેળાવડા શાંતિમય, આદરપૂર્ણ અને શિસ્તબદ્ધ રહેવાની સાથે પોતાની ચિંતાઓ મજબૂતપણે જણાવી શકે છે. આના સાક્ષી રહેલા સહુ કોઈ પર તેની અમીટ છાપ બની રહી હતી.
આ તબક્કે મારે રાજદ્વારી સમુદાય તરફથી અમને મળેલા મૂલ્યવાન સહયોગને પણ યાદ કરવો રહ્યો. ખાસ કરીને, યુકેસ્થિત તત્કાલીન ભારતીય હાઈ કમિશનર ડો. એલ.એમ. સિંઘવી ભારે મદદરૂપ થયા હતા. ધર્મનિરપેક્ષ ભારત સરકારનું વલણ એવું હતું કે આ મુદ્દો કાનૂની અને બંધારણીય પ્રક્રિયા મારફત જ ઉકેલાવો જોઈએ, ત્યારે ડો. સિંઘવીએ સંવાદ અને રચનાત્મક સંપર્કોનું મહત્ત્વ પિછાણ્યું હતું.
આપણા કર્મયોગ હાઉસનું ઉદ્ઘાટન કરનારા પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર વિલિયમ વ્હાઈટલો અને હોમ સેક્રેટરી સહિત બ્રિટિશ જાહેર જીવનમાં મારા સંપર્કો મારફત હું કેટલાક પ્રભાવશાળી લોકો સાથે ચર્ચાઓ ગોઠવી શક્યો હતો. ડો. સિંઘવી ઘણી વખત તેમના 9 કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સના નિવાસસ્થાને મિનિસ્ટર્સ અને અન્ય ચાવીરૂપ વ્યક્તિઓને આમંત્રિત કરતા હતા. આવી અનૌપચારિક બેઠકોથી ISKCON અને ભારતીય કોમ્યુનિટીના પ્રતિનિધિઓને સાથે રહેવાની તેમજ અમારી ચિંતાઓ સમજાવવા અને રચનાત્મક વાતાવરણમાં સંભવિત ઉપાયો ચર્ચવામાં મદદ મળી હતી.
મને તે સમયે કોમ્યુનિટીના સંકલન સાથે સંકળાયેલા - અને આજે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (NSA) તરીકે કાર્યભાર સંભાળતા - અજિત ડોવાલના મૂલ્યવાન માર્ગદર્શનની પણ યાદ આવે છે. તેમના સપોર્ટને ખૂબ બિરદાવાયો હતો. ડો. સિંઘવીના કાર્યકાળ પછી મહત્ત્વનો અન્ય ઘટનાક્રમ જોવા મળ્યો. તેમના અનુગામી, ઓડિશાના વિલક્ષણ રાજદ્વારી લલિત માનસિંહ પણ ભારે મળતાવડા હતા અને રચનાત્મક કોમ્યુનિટી સંપર્કોના સમર્થક હતા.
બ્રિટનમાં 1997માં સરકાર બદલાયા પછી અમે લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા નામે પ્લેટફોર્મ બનાવવા ઈચ્છતા હતા. જન્માષ્ટમીના સમયગાળામાં અમે ISKCONના વોટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર ખાતે એક મીટિંગનું આયોજન કર્યું અને લેબર પાર્ટીના આશરે 10 સાંસદને આમંત્રણ પાઠવ્યું. હાઈ કમિશનરે પણ ઉપસ્થિત રહી ચર્ચાવિચારણામાં મદદ કરી હતી. આ પહેલના પરિણામે, લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની રચના થઈ અને ભારતીય કોમ્યુનિટી અને બ્રિટિશ રાજકીય નેતાઓ વચ્ચે વધુ એક મહત્ત્વપૂર્ણ કડી ઉભી થઈ.
આ અનુભવોએ મને શીખવ્યું કે કોમ્યુનિટીના પ્રભાવને સ્થાપિત થવામાં સમય લાગે છે. તેનો વિકાસ સંબંધો, ભરોસો, જવાબદાર નેતૃત્વ, રચનાત્મક સંવાદની સાથે થાય છે. સૌથી મહત્ત્વનું એ છે કે આપણે વ્યાપક જાહેર હિતને નજરમાં રાખવાની સાથે આપણા ઉદ્દેશ માટે અડીખમ ઉભા રહેવું જોઈએ.
ભવિષ્ય તરફ આત્મવિશ્વાસી નજર
ભૂતકાળના આ અનુભવો તરફ નજર નાખું છું ત્યારે આજે આપણો સમુદાય કેટલો આગળ આવી ગયો છે તે જોઇને બહુ ગૌરવ અનુભવું છું. વસાહતીઓના પ્રમાણમાં ઘણા નાના જૂથમાંથી આપણે બ્રિટિશ સમાજના આત્મવિશ્વાસી અને મજબૂત હિસ્સા તરીકે ઉભરી આવ્યા છીએ. આપણે વેપારઉદ્યોગ સ્થાપ્યા છે, પૂજા-પ્રાર્થના સ્થળો અને સાંસ્કૃતિક સંસ્થાઓનું નિર્માણ કર્યું છે, સખાવતી સંસ્થાઓને સહયોગ કર્યો છે અને સમગ્ર બ્રિટિશ સમાજ સાથે મજબૂત નેહનાતો બાંધ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આપણે બ્રિટિશ સમાજજીવનમાં સંપૂર્ણપણે સંમિલિત થઇને, અનેકવિધ ક્ષેત્રે યોગદાન આપવાની સાથોસાથ ભારતીય ઓળખને પણ જાળવી શકાય છે તે બતાવી આપ્યું છે. યુકે અને સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ભારતવંશીઓ જઇ વસ્યા છે, તેમણે વેપાર, શિક્ષણ, વ્યાવસાયિક સિદ્ધિઓ, સંસ્કૃતિ અને સખાવતી કાર્યો થકી અમૂલ્ય યોગદાનો આપ્યા છે. હવે ભવિષ્ય પોતાની ઓળખમાં વિશ્વાસ ધરાવતી, મહત્ત્વાકાંક્ષી, વૈવિધ્યતા પ્રત્યે આદર અને માનવસેવા માટે પ્રતિબદ્ધ પેઢીના હસ્તક છે.
હું ભલે અગાઉની જેમ સંખ્યાબંધ મેળાવડાઓમાં હાજરી આપી શકું નહિ, પરંતુ આ ઉદ્દેશ્યો માટે મારા રસરૂચિ, પ્રાર્થનાઓ અને લાગણીભર્યો નાતો અગાઉની માફક જ મજબૂત રહેશે. આપણા સમયસંજોગો બદલાઈ શકે છે, પેઢીઓ પણ બદલાતી રહેશે અને વિશ્વ કદાચ આગળ વધતું જ રહેશે, પરંતુ આપણા માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે સેવા, કરુણા, સાહસ-ઉદ્યમ અને પરસ્પર આદરના મૂલ્યો યથાવત્ રહેવાં જ જોઈએ.
મારા માટે તો આ જ આપણા સમુદાયની સાચી શક્તિ અને આવતીકાલ માટેની સૌથી પ્રેરણાદાયી ઉમ્મીદ છે.


