મેરુમાં મેરુઃ ગિરીશ મોમાયા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 23rd September 2017 08:29 EDT
 
 

મેરુ એટલે મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી. આ ‘મેરુ’ છે નેધરલેન્ડની હદમાં પણ જર્મન સીમાને અડીને વ્લોડ્રોપ નગરમાં આવેલી, ૧૦૦ એકરના સંકુલમાં પથરાયેલી, પહાડોની ગોદમાં, લીલીછમ વનરાજીથી શોભતી યુનિવર્સિટી. એના કર્તાહર્તા, ડિરેક્ટર છે ગિરીશ મોમાયા.

મુંબઈમાં વસતા કચ્છી જૈન વેપારી ગોવિંદજીભાઈ અને પુષ્પાબહેનના પુત્ર ગિરીશભાઈ ૧૯૫૫માં જન્મ્યા. ગોવિંદજીભાઈ નાની વયથી પિતાના અવસાનથી આવેલી મોટા પરિવારની જવાબદારીઓમાં સ્વાનુભાવે ઘડાયા અને વેપારમાં વિકસ્યા. તેમને બે દીકરા અને ત્રણ દીકરીમાં ત્રીજા નંબરના પુત્ર ગિરીશભાઈ નાની વયથી ભણવામાં તેજસ્વી પણ આત્મકેન્દ્રી. દુન્યવી વાતો અને દુન્યવી વ્યવહારમાં તેમને રસ નહીં. હાઈસ્કૂલમાં સારા માર્ક્સ આવતાં ૧૯૭૩માં તેમને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળતા બનારસ આઈ.આઈ.ટી.માં મળેલું એડમિશન છોડીને વડોદરા આવ્યા. ત્યારે ખ્યાલ હતો કે ભવિષ્યમાં પોતાની ફેક્ટરી કરવી. આને બદલે માનવ મનના રસાયણને પારખવાની અને તેને ઉર્ધ્વગતિ આપવાની આધ્યાત્મિક ઈજનેરી વિદ્યામાં તે પારંગત થશે એવું કોણ જાણતું હતું?
ગિરીશભાઈના જીવનરાહના ઘડવૈયા બન્યા તેમના કાકા કાનજીભાઈ. સંસારી સાધુ શા કાનજીભાઈએ તેમની આત્મચેતના જગાડી. કાનજીભાઈ ચિંતન અને આત્મખોજના પુસ્તકો ભત્રીજા સમક્ષ વાંચે. સારા પુસ્તકો પોતે વાંચે અને ભત્રીજાને વાંચવા આપે. આથી ગિરીશભાઈનું વલણ આત્મખોજી બન્યું. મગજમાં દોડતાં ભાતભાતના વિચારોની વણઝારમાં શું સારું અને શું નરસું તેવા પ્રશ્ન ઊઠે ત્યારે કાકા જોડે ચર્ચા કરે. આમ કાકા-ભત્રીજાની જોડી જામી.
વડોદરામાં ભણતા ત્યારે આઈ.પી.સી.એલ.માં ફોઈના દીકરા આનંદીલાલ કામ કરતા. તેમણે ગિરીશભાઈને આઈ.પી.સી.એલ.માં ચાલતા ભાવાતીત ધ્યાનની વાત કરી. ગિરીશભાઈ અખતરા માટે ત્યાં ગયા અને તેમને અહીંથી જીવનની નવી કેડી મળી. તેમાં રસ પડ્યો અને જવા લાગ્યા. ભાવાતીત ધ્યાન શીખ્યા અને તેથી આત્માનુભૂતિ થઈ. આને કારણે તેમને મનની ગતિ બહારની દુનિયાને બદલે આત્મા તરફ વળી.
ગિરીશભાઈ ડિસ્ટીંક્શન સાથે કેમિકલ એન્જિનિયર થતાં મુંબઈમાં તેમને કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી મળી. મા-બાપે પુત્રની નોકરી અને અભ્યાસથી ગૌરવ અનુભવ્યું. મા-બાપે દીકરાને લગ્ન માટે સૂચવતાં દીકરાએ નમ્રતાભેર પોતાના વિચાર જણાવતાં સમજુ મા-બાપે દીકરાને લગ્ન માટે કોઈ દબાણ ન કર્યું કે ન બીજી સલાહ આપી.
૧૯૭૪માં ગિરીશભાઈને મહર્ષિ મહેશ યોગીનું પ્રથમ દર્શન થયું. પ્રત્યક્ષ મુલાકાત થઈ. મહર્ષિની પ્રભાવી મુખમુદ્રા, આંખમાંથી તેજકિરણો નીકળતાં હોય તેવી તેજસ્વિતા, એમની અલૌકિક આભા. આ બધાથી પ્રથમ દર્શને જ એમનું હૃદયમોતી વિંધાયું. મહર્ષિની આભાના ઓજસમાં તેમણે વિચાર્યું, ‘હવે આ જ મારા ગુરુ અને હું એમની માળાનો મણકો.’ નોકરી ચાલુ રાખીને, નોકરીમાં મળતી રજાઓ સામાજિક પ્રસંગો, અંગત મોજશોખ કે આરામ માટે ના વાપરે. ભેગી થયેલી રજાઓનો ઉપયોગ મહર્ષિના કાર્યક્રમમાં જઈને ધ્યાન ધરવામાં વાપરે.
૧૯૮૧માં મહર્ષિ વૈદિક સાયન્સ કોન્ફરન્સમાં ઋષિકેશ આવ્યા હતા. આમાં ૩૫૦૦ વિદેશીઓ અને વધારામાં હજારો ભારતીય આવ્યા હતા. ગિરીશભાઈ એક માસની રજા લઈને તેમાં ગયેલા. તેમનાં દર્શન કરીને સાધના કરવાનું વિચારેલું. મહર્ષિને રૂબરૂ મળીને વાત કરતાં તે કહે, ‘અહીં જ સાધના કર.’ મહર્ષિની વાત માનીને રોકાઈ ગયા. રજાઓ પૂરી થતાં પાછા જવાનું મન ના થયું. મહર્ષિને મળીને પોતાને કાયમ અહીં રહેવું જ છે તે કહ્યું. મહર્ષિએ કહ્યું, ‘મા-બાપના આશીર્વાદ અને સંમતિ લઈ આવો. પછી રહો.’
ગિરીશભાઈએ મુંબઈ આવીને મા-બાપને પોતાની ઈચ્છા જણાવી. પિતા ભાવવિભોર બન્યા. દીકરા તરફ એમને અનન્ય પ્રેમ. દીકરો જાય તે ના ગમે છતાં તેમની સમજ ઊંચા પ્રકારની. તેમણે કહ્યું, ‘તારા જીવન પર મારી ઈચ્છા લાદી ના શકું. તને શાંતિ અને હિત દેખાતું હોય તો જા. મારા આશીર્વાદ છે.’
ગિરીશભાઈ ૧૯૮૧થી આમ મહર્ષિ પાસે આવી ગયા. ૧૯૮૨થી સ્વિત્ઝર્લેન્ડ રહ્યા અને ૧૯૮૬થી ૧૯૯૬ સુધી મહર્ષિ સાથે દિલ્હી નજીક નોઈડાના આશ્રમમાં રહ્યા. ૧૯૯૦માં એ ‘મેરુ’ના ડાયરેક્ટર તરીકે નેધરલેન્ડના વ્લોડ્રોપમાં આવ્યા.
ગિરીશભાઈ ‘મેરુ’નું સંચાલન મહર્ષિએ ચિંધેલા માર્ગે કરે છે. ગિરીશભાઈ મહર્ષિના ચાહકો-અનુયાયીઓ અને અંતેવાસીઓમાં એમના સ્વભાવ, તપ, સાધના અને પ્રવૃત્તિને લીધે આદરણીય બન્યા છે.
મહર્ષિ મહેશ યોગી પશ્ચિમી જગતમાં લોકપ્રિય ગાયકો એવા બીટલ્સના ગુરુ. ભારતીય સંસ્કૃતિના ભેખધારી, જ્ઞાની અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠતાના હિમાયતી. આના ભાગરૂપે સંસ્કૃત, આયુર્વેદ, ભારતીય આહારપદ્ધતિ અને આધ્યાત્મિક જ્ઞાનના એ પ્રખર પ્રસારક. ભારતીય નૃત્ય-નાટક, આહારપદ્ધતિ, તપ, ધ્યાન એ બધાની જૂની પરંપરા પુનર્જિવિત કરવાના તેમના પુરુષાર્થના પ્રતીક શી મેરુ યુનિવર્સિટી. અહીં દુનિયાભરના લોકો જુદા જુદા અભ્યાસક્રમોમાં જોડાઈને વિદ્યાધર બને છે. આવી ‘મેરુ’ના સર્વોચ્ચ વડા તે ગુજરાતી કચ્છી જૈન ગિરીશ મોમાયા.
ગિરીશભાઈ સ્વભાવે સૌમ્ય અને દેખાવે પ્રાચીન ઋષિ શા. ‘મેરુ’ના સંકુલમાં ૧૫૦ જેટલી વ્યક્તિઓ વસે છે. અહીં ચાલતા ટૂંકા સમયના જુદા જુદા અભ્યાસક્રમોમાં કેટલાક આ પ્રમાણે છેઃ ૧. ટ્રાન્સ ડેન્ટલ મેડિટેશનની અદ્યતન ટેક્નિક ૨. ટ્રાન્સ ડેન્ટલ મેડિસિનની સિદ્ધિ ૩. મહર્ષિ યોગાસન ૪. નાડી પરીક્ષા ૫. મહર્ષિ ગાંધર્વવેદ (સંગીત) કોર્ષ ૬. મહર્ષિ એરોમા થેરાપી (સુગંધ દ્વારા ઉપચાર) ૭. વૈદિક નૃત્ય ૮. વાસ્તુ વિદ્યા ૯. પંચકર્મનો પાયો ૯. યોગાસન શિક્ષક તાલીમ ૧૦. ભાવાતીત ધ્યાન શિક્ષક તાલીમ ૧૧. આયુર્વેદિક ઉપચાર તાલીમ.
આવા સંખ્યાબંધ અભ્યાસક્રમો ઉપરાંત અહીંના પરિસરમાં ગુરુપૂર્ણિમા, નવરાત્રિ, દીપાવલી, હોલિકા ઉત્સવ વગેરે દિવસો સુધી ચાલે છે. કુદરતની ગોદમાં આવેલ યુનિવર્સિટી સંકુલ પ્રાચીન ગુરુકૂળને જીવંત કરે છે. આ ગુરુકૂળના ઋષિ છે ગિરીશ મોમાયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter