જૈન આધ્યાત્મિક વડા, દાર્શનિક અને લેખક ગુરુદેવ શ્રી ચિત્રભાનુ JAINA (ફેડરેશન ઓફ જૈન એસોસિએશન્સ ઇન નોર્થ અમેરિકા)ના સહ-સ્થાપકોમાંના એક. બેંગ્લૂરુમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. શ્વેતામ્બર સંપ્રદાયના પેટાસંપ્રદાય તપગચ્છના આચાર્ય સાગરાનંદસુરીને ગુરુ તરીકે જોયા. 20 વર્ષની ઉંમરે પાલિતાણામાં દીક્ષા લઇ મુનિ ચંદ્રપ્રભાસાગર બન્યા. 1970માં જિનિવામાં યોજાયેલી આધ્યાત્મિક શિખર પરિષદનું આમંત્રણ મળ્યું, પરંતુ પરંપરાગત જૈન સાધુઓને વિદેશ પ્રવાસની પરવાનગી નથી. આથી શિખર સંમેલનમાં હાજરી આપવા સંન્યાસ છોડીને સામાન્ય શ્રાવક બન્યા. (જન્મઃ 26-07-1922 • નિધનઃ 19-4-2019)
•
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,
દીનદુ:ખીયા ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે ... મૈત્રી ભાવનું
માર્ગ ભૂલેલાં જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું,
માનવતાની શુભ્ર ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાયે... મૈત્રી ભાવનું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.