યુએઇનું BAPS હિન્દુ મંદિર સંપ, સહકાર, સંસ્કૃતિ અને સભ્યતાનું ધામ બનશે

વિશેષ લેખ

બ્રહ્મવિહારીદાસ સ્વામી, બીએપીએસ Wednesday 14th February 2024 04:31 EST
 
 

યુએઈમાં સૌપ્રથમ શિખરબદ્ધ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વસંત પંચમી - 14મી ફેબ્રુઆરીએ થઇ રહ્યું છે તે પ્રસંગે મંદિરનિર્માણનો ઇતિહાસ જાણવો રસપ્રદ બની રહેશે. ખરેખર તો આ એક Prophetic - ‘ભવિષ્યસૂચક’ પ્રસંગ છે. વાત એ સમયની છે કે જ્યારે ધર્મયાત્રા-વિચરણ માટે દુબઈ, બાહરેન કે શારજાહ જવું શક્ય હતું, પરંતુ અબુ ધાબીમાં જવું એ પણ એક કપરું કાર્ય હતું કેમ કે ત્યાંના તત્કાલીન નિયમો ખૂબ જ કડક હતા. એ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સાથે અમે બધા સંતો દુબઈથી શારજાહનાં રણમાં પહોંચ્યા હતા.
એ મહત્ત્વનો ઐતિહાસિક દિવસ હતો તારીખ 5 એપ્રિલ 1997નો. એ શારજાહનાં રણમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ‘આજ મારે ઓરડે રે...’ કીર્તન ગાવા કહ્યું. એ સમયે ત્યાં જોરદાર આંધી ફૂંકાઇ, જેને કારણે ચોતરફ રેતી જ રેતી અને ધૂળની ડમરીઓ ઊડતી હતી. એટલે કીર્તન ગાવા જઈએ તો મુખમાં રેતી અંદર જતી રહે. માટે બધાએ માથે ઓઢીને કીર્તન કર્યું. આ પછી ઠાકોરજી સમક્ષ આરતી પણ થઈ.
ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સર્વધર્મ, સર્વરાષ્ટ્ર માટે પ્રાર્થના કરી હતી કે ‘વિશ્વમાં ચારે બાજુ શાંતિ થાય. દરેક ધર્મ અને દરેક દેશ પૂર્વગ્રહ મૂકીને એકબીજાની નજીક આવે, તેઓ વચ્ચે પ્રેમ વધે. દરેક ધર્મ અને દરેક દેશ વૈમનસ્યથી દૂર થાય અને દરેક પોત-પોતાની રીતે પ્રગતિ કરે.’ આવી માનવમાત્ર માટેની પ્રાર્થના કરીને સ્વામીશ્રીએ કહ્યું કે ‘અબુ ધાબીમાં મંદિર થશે’.
આ રીતે આજથી 27 વર્ષ પહેલાં બોલાયેલું એ સહજ-ભવિષ્યસૂચક વાક્ય અમે બધા ઉપસ્થિત સૌ કોઈને માટે એક આશ્ચર્યજનક ઘટના સમાન હતું, કેમ કે જે સમયે તો હજુ પ્રશ્ન હતો કે અબુ ધાબી જવું કે નહીં? એવા સમયે આ મહાન સત્પુરુષ દ્વારા જે સંકલ્પ થયો કે ‘અબુ ધાબીમાં મંદિર થશે’ - એ જાણે વિશ્વબંધૂત્વ સૌહાર્દ અને Interfaith Harmony (આંતરધાર્મિક સંવાદિતા)ની પ્રાર્થના સાથેની જાણે એક ભવિષ્યસૂચક આગાહી બની રહી.
જોકે, સંકલ્પ થાય એટલે તો કાર્યની શરૂઆત થાય છે, પરંતુ સમર્પણ કરવાથી સિદ્ધિ મળે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ બાદ એ દિશામાં પ્રયાસ થયા. આ જ કાર્ય માટે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા ત્યારે મળવા જવાનું થયું હતું. એ સમયે સ્વામીશ્રીની તબિયત જરા નરમ હતી. આમ છતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ખૂબ જ શાંતિપૂર્વક સંતોના પ્રશ્નોનાં જવાબ આપ્યા. જે અંતર્ગત પ્રથમ પ્રશ્ન હતો ‘મિડલ ઈસ્ટમાં રાજા-મહારાજાને મળવું કે નહીં?’ તો સ્વામીશ્રી કહે કે ‘મળવું’. પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ‘તેઓને મંદિરની વાત કરવી કે નહીં?’ તો સ્વામીશ્રી કહે કે ‘કરવી.’ અમે જરા સંશય સાથે પૂછ્યું કે ‘સ્વામીશ્રી, ત્યાંનો કાયદો અત્યારે હા પડે પછી ના પાડી દે, એટલે તે કાયમી ન પણ થાય’. સ્વાસ્થ્ય નરમ હોવા છતાં વધુ એક સનાતન માર્ગદર્શન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આપ્યુંઃ ‘આ પૃથ્વી પર કોઈ જ કાયમી નથી. કશું જ કાયમી નથી. પૃથ્વી પોતે જ કાયમી નથી. માટે દેશ-કાળ સારા હોય ત્યારે કાર્ય કરવું, આગળ ઉપર ભગવાન જોનારા છે. સર્વે વાના સારાં થશે.’
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આ માર્ગદર્શન અને પ્રેરણા બાદ જે કાર્ય થયા છે તેનાં સારાંશરૂપ કહીએ તો ‘અશક્ય બાબતો શક્ય બનતી જોવા મળી છે.’ જેમ કે, યુએઈમાં કહેવામાં આવે કે ‘મંદિરની જરૂર છે, જે માનવતા અને સૌહાર્દનું મૂળભૂત તત્ત્વ છે.’ જેનું ઉત્તમ ઉદાહરણ એટલે તા. 16 ઓગસ્ટ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાત. આપણા વડાપ્રધાન સાહેબે અંગત રસ લઈને પોતાના વ્યક્તિગત સંબંધોના પ્રભાવે યુએઈમાં બીએપીએસ હિન્દુ મંદિર માટેની પરવાનગી અને જમીનની જાહેરાત કરી. ત્યારબાદ પ્રથમ શિલાપૂજન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ગોંડલ અક્ષરદેરી ખાતે થયું હતું. જ્યારે યુએઈમાં મંદિરનિર્માણ સ્થાને સદ્ગુરુ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસજી દ્વારા વૈદિક વિધિ-વિધાન સાથે તા. 11 ફેબ્રુઆરી 2018ના રોજ શિલાપૂજન થયું હતું અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરના મોડેલ લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ દુબઈ ઓપેરામાં સંપન્ન થયો હતો. આ પૂર્વે 10 ફેબ્રુઆરી 2018ના રોજ સૌપ્રથમવાર હીઝ રોયલ હાઈનેસ શેખ મોહંમદ બિન ઝાયદ અલ નાહ્યાને પોતાના પ્રેસિડેન્શિયલ પેલેસના જાહેર દરબારમાં સેંકડો મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતોને પરંપરાગત શિખરબદ્ધ મંદિરની ઉદારતાથી પરવાનગી આપી.
અબુધાબી ખાતે જે સૌપ્રથમ BAPS હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં ચોક્કસ જ બે દેશોનાં રાજનેતાઓનાં અંગત, સુખદ રાજદ્વારી સંબંધો જવાબદાર છે, પરંતુ આ બે દેશો, બે ધર્મો, બે સંસ્કૃતિને નજીક લાવવાના પાયામાં, મૂળમાં ‘આધ્યાત્મિક સંકલ્પ’ જવાબદાર છે. હવે એક વિદ્વાનના શબ્દોમાં જ કાલાતીત સત્પુરુષના જીવન પ્રસંગને જાણવાનો પ્રયત્ન કરીએ.
ડેવિડ ફ્રોલે (David Frawley) અર્થાત્ વામદેવ શાસ્ત્રીજી સાથેનો એક પ્રસંગ છે. તેઓ વેદ, ઉપનિષદ્, પુરાણો, યોગ, આયુર્વેદના નિષ્ણાત છે. મૂળ અમેરિકન અને ભારતીય સંસ્કૃતિના આ વિદ્વાનનું વર્ષ 2015માં ભારત સરકારે પ્રતિષ્ઠિત એવા પદ્મભૂષણ એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું છે. આવા વિદ્વાન સાથે દુબઈમાં જે આકસ્મિક મુલાકાત થઈ તે ચિરસ્મરણીય બની રહેશે કેમ કે તેઓ જ્યારે મળ્યા ત્યારે સંતોને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તેઓની એ વિનમ્રતાએ તેઓના વ્યક્તિત્વને વધુ ગરિમા પૂર્ણ બનાવી દીધું.
તેઓ દુબઈમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેઓ પોતે કારમાં હતા ત્યારે ભારતથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અમે બધા સંતો પણ ત્યાં વિચરણમાં હતા. સંતોને જોતાં જ પોતાની કાર ઊભી રાખીને પ્રણામ કર્યા. ત્યારબાદ ડેવિડ ફ્રોલેએ અબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણની વાત સાથે આંતરધાર્મિક સંવાદિતાનું ગૌરવ તો વર્ણવ્યું જ, પરંતુ એક મહત્વની વાત કરી કે ‘Till now BAPS has built 1200 temples they are inspirational. After building Akshardhams, they became Generational but a temple in Abu Dhabi is Civilizational. The light of Pramukh Swami has not left this earth.’ (અત્યાર સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ 1200 મંદિરોનું નિર્માણ કર્યું છે તે પ્રેરણાદાયી છે. અક્ષરધામો બન્યા પછી તે પેઢીઓ સુધી પ્રેરણા આપશે, પરંતુ અબુ ધાબીમાં મંદિર બનશે એ માનવસભ્યતા છે. પ્રમુખસ્વામીની ચેતનાએ આ પૃથ્વી છોડી નથી.) આજે પણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિક શક્તિ - ચેતના ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રગટ જ છે કે જેઓ કહે છે કે ‘અબુધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર એ સંપ, સહકાર, સંસ્કૃતિ અને સભ્યતાનું ધામ બનશે. નવો યુગ આવશે.’
ઉપરોક્ત પ્રસંગ એ સૂચવે છે કે મંદિર તો સંસ્કૃતિ અને સંસ્કારને પ્રવર્તન કરાવનારું ઉત્તમ ધામ છે. આવા આધ્યાત્મિક ઊર્જાના સ્થાનોએથી બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા શ્રોત્રિય - બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ ધર્મના મૂળભૂત તત્ત્વોને દૈનિક જીવનમાં આચરણમાં ઉતારવાની પ્રેરણા આપે છે. આજે પણ વિશ્વનાં સેંકડો નહીં, લાખો લોકો સ્વામીશ્રીની પ્રેરણા મુજબનું આદર્શ જીવન જીવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter