જનરલ ઈલેક્શન અને લેબર પાર્ટીએ સૌથી મોટી લેન્ડસ્લાઈડ બહુમતી સાથે શાસન કરવાનો જનાદેશ પ્રાપ્ત કર્યાના એક વર્ષ પછી આપણે એક પ્રશ્ન કરીએ કે યુકેમાં વધુ એક મોટા રાજકીય પક્ષ માટે જગ્યા છે ખરી? ફાર-લેફ્ટ એટલે કે અતિ ડાબેરીઓને આખરે સમજાઈ રહ્યું છે કે લેબર પાર્ટી તરફ તેમની આજ્ઞાકારિતા થકી વધુ કોઈ પરિણામો હાંસલ થઈ શકે તેમ નથી. મારા મતે ફાર-લેફ્ટ એટલે માર્ક્સવાદીઓ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ, કેટલાક યુનિઅનો, વોક્સ (પોતાને અધિક જાગ્રત માનનારા), બ્લેક લાઈવ્ઝ મેટર, જેહાદવાદીઓ, એક્સ્ટેન્શન રિબેલિઅન અને અન્યોનો સમાવેશ થાય છે. આ જૂથે ગત બે દાયકાના ગાળામાં અંદરથી જ અંકુશ મેળવવાની ઈચ્છા સાથે લેબર પાર્ટીમાં ઘૂસણખોરી કરી હતી. આપણે આ ગ્રૂપ સાથે સંકળાયેલા સ્થાનિક કાઉન્સિલરોના ઉદયના પણ સાક્ષી રહ્યા છીએ. લેબર પાર્ટીના ફાર-લેફ્ટના બેન્ડ કે ટોળીમાંથી આવેલા ઘણા સાંસદો આ લાભકારી સ્થિતિમાં છે.
તેઓ તો પોતાનામાંથી એક જેરેમી કોર્બીનને પાર્ટીનું નેતૃત્વ સોંપાય તેમ કરી શક્યા હતા. મને 2019ની લેબર પાર્ટી કોન્ફરન્સ બરાબર યાદ છે જ્યારે ફાર-લેફ્ટ સભ્યોએ કોન્ફરન્સ પોતાને હસ્તક લઈ લીધી અને પાર્ટીમાં જે શાણા વિચારકો બાકી રહ્યા હતા તેમના અવાજને દબાવી દીધો. તમને કદાચ યાદ આવશે કે આ એ સમય હતો જ્યારે લેબર પાર્ટીએ પાકિસ્તાનની તરફેણમાં કાશ્મીર સંબંધિત ભારતવિરોધી ઠરાવ પસાર કર્યો હતો. આ એ પાર્ટી કોન્ફરન્સ હતી જ્યારે નાઓમી વેબ (ઈસ્લામિક કટ્ટરવાદીઓ માટે તેમની હિમાયતી)ની રાહબરી હેઠળ લેબર સભ્યોને પોડિયમ પરથી ભારત અને કાશ્મીર વિશે જૂઠાણાં અને ગેરમાહિતી રજૂ કરવાની છૂટ અપાઈ હતી. એક પણ લેબર (તેમની વર્તમાન ફ્રન્ટ બેન્ચ પર બેઠેલા સહિત) સાંસદે આ તદ્દન વાહિયાતપણાને અટકાવવા હસ્તક્ષેપ કર્યો ન હતો.
ચાલો, આપણે બ્રિટિશ રાજકારણમાં વધુ એક પાર્ટી વિશે વિચારીએ. એમ જણાય છે કે એક વર્ષ અગાઉ સ્ટાર્મર અને લેબર પાર્ટીએ ઈલેક્શનમાં વિજય હાંસલ કર્યો ત્યારથી અતિ ડાબેરી સભ્યો હાંસિયામાં ધકેલાઈ ગયાની લાગણી ધરાવે છે. મારા મતાનુસાર ઓછામાં ઓછાં 150 અતિ ડાબેરી કે ફાર-લેફ્ટ સાંસદોને હું આ કેટેગરીમાં મૂકી શકું. જોકે, તેમાંથી ઘણા તો તદ્દન નમાલા કે બીકણ છે. તેઓ સ્ટાર્મર વિશે સર્વ બાબતનો તિરસ્કાર કરતા હોવા છતાં, તેઓ લેબર વ્હીપને અનુસરશે અને જે કહેવામાં આવે તેમ કરશે. આમ છતાં, પાટલીઓ પરથી મસ્તક ઊંચકાઈ રહ્યા છે અને અસંતોષનો અવાજ જોશભેર બહાર આવી રહ્યો છે. તાજેતરમાં જ આપણે નિહાળ્યું કે દાયકાઓમાં કોઈ પણ પ્રાઈમ મિનિસ્ટરની સૌથી ભારે પિટાઈ થઈ હોય, જ્યારે લેબર સાંસદોએ સરકારના જ વેલ્ફેર બિલને પરાજિત કરવાની ધમકીઓ ઉચ્ચારી હતી. સ્ટાર્મરને ઘૂંટણીએ પાડી દેવાયા અને તેમણે બિલનો મહત્ત્વનો હિસ્સો કચરાટોપલીમાં પધરાવવાની ફરજ પડી.
ગત સપ્તાહે લેબર સાંસદ રહેલા ઝારા સુલતાનાએ આખરે પોતાનો નિર્ણય લઈ લીધો અને કેરને સ્પષ્ટપણે જણાવી દીધું કે તમારા વ્હીપની તો ઐસી કી તૈસી. તેમણે લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને સાથોસાથ જાહેરાત પણ કરી દીધી કે તેઓ પોતાના કોમરેડ જેરેમી કોર્બીન સાથે મળીને નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાં છે જે ‘સાચો ડાબેરી’ હશે અને વર્તમાન લેબર પાર્ટીથી અતિ ડાબેરી હશે.
આના થકી કેટલાક ઘણા રસપ્રદ પ્રશ્નો ઉભા થશે. સૌપહેલો પ્રશ્ન એ કે વધુ એક રાજકીય પક્ષ માટે જગ્યા છે ખરી? ચોક્કસપણે, આનો ઉત્તર હા છે. સવાલ રાજકીય પક્ષોની સંખ્યાનો નથી, પરંતુ તેઓ મતદારમંડળનો કેટલો વિશ્વાસ હાંસલ કરી શકે છે તે મહત્ત્વનું છે. આપણે ધારી લઈએ કે તેઓ નવો પક્ષ રચે છે તો આગળ શું થશે? આપણે જાણીએ છીએ કે કેટલાક સ્વતંત્ર/અપક્ષ સાંસદો છે, જેમને એક છત હેઠળ સાથે રહેવાનું પ્રોત્સાહન આપી શકાય તેમ છે. લેબર પાર્ટીમાં પણ ઘણા સભ્યો એવા છે કે જેઓ અત્યાર સુધી પરિવર્તન કરવાની હિંમત દર્શાવી શક્યા નથી. લેબર પાર્ટીના આશરે 50 સાંસદો પક્ષ છોડી ઝારા અને કોર્બીન સાથે જોડાઈ જાય તો મને જરા પણ આશ્ચર્ય નહિ થાય.
મને શંકા છે કે કોર્બીન હેડલાઈન્સમાં ચમકતા રહેવા અને ગતિ પકડવા આ નાટકનો ખેલ પાડી દેશે. એક વખત દરવાજા ખુલ્લા થશે તેની સાથે લેબર પાર્ટી સાંસદો, કાઉન્સિલર્સ અને પક્ષના સભ્યોને ગુમાવી દેશે. તેઓ કેટલાક યુનિઅન્સ (મારા માનવા મુજબ UNITE ઝારા અને કોર્બીનનું સમર્થન કરી રહેલ છે) પણ ગુમાવશે.
ટુંક સમયમાં આપણી સમક્ષ મુખ્યપ્રવાહના પાંચ રાજકીય પક્ષો રહેશે. લેબર પાર્ટી પાસે સૌથી વધુ સાંસદો રહેશે તે વાત સાચી છે, પરંતુ ફાર-લેફ્ટ ગ્રૂપ પણ આશરે 75 સાંસદ ધરાવતું હોવાનું પણ જોવા મળશે. આમ થશે તો પાર્લામેન્ટની કામગીરી કેવી રીતે ચાલશે તે જોવાનું રસપ્રદ રહેશે. લેબર પાસે 165 સાંસદની વર્કિંગ બહુમતી છે. જો તેના અતિ ડાબેરી સાંસદો નવા ગ્રૂપમાં સામેલ થઈ જાય તો બહુમતી ઘટીને 100 સાંસદથી પણ ઓછી થઈ જશે. પાર્લામેન્ટમાં આ બેન્ડવેગનની લોકપ્રિયતા વધશે તો મને એવો વિચાર પણ આવે કે લેબરના વધુ સંસદસભ્યો નવા પાર્ટીજૂથમાં ખેંચાઈ આવે તો શું? તમે કલ્પના કરી શકો છો કે આ ડાબેરી સભ્યસંખ્યા 121થી વધી જાય તો શું થાય? તમને કદાચ થશે કે 121 જ શા માટે? આનો ઉત્તર એ છે કે હાલ ટોરીઝના સાંસદોની સંખ્યા 120 છે. અને તે બીજા ક્રમની સૌથી મોટી પાર્લામેન્ટરી પાર્ટી હોવાં સાથે કિંગનો સત્તાવાર વિરોધપક્ષ છે. ઝારા અને કોર્બીનની નેતાગીરી હેઠળની પાર્ટી પાસે કિંગના સત્તાવાર વિરોધપક્ષ બનવા જેટલું સાંસદોનું સંખ્યાબળ હોવાની તમે કલ્પના કરી શકો છો! આમ થાય તો પાર્લામેન્ટમાં અફરાતફરી મચી જાય. આ તો હજુ ખેડાયા વિનાનો પ્રદેશ છે. આપણે તો હાઉસ ઓફ કોમન્સના ફ્લોર પર ડાબેરીઓ અને અતિ ડાબેરીઓ અરસપરસ કિલ્લામાં ગાબડાં પાડતા રહેશે અને ટોરીઝ અલગ બેસીને આ નિહાળ્યા કરે તે જોવાનું થશે.
આની સાથે એ પણ વિચારી જુઓ કે ફાર-લેફ્ટ પાર્ટી આગામી જનરલ ઈલેક્શન સુધીમાં વોટહિસ્સામાંથી આશરે 10 ટકા હિસ્સો પોતાના ખાતામાં નાખી શકે છે. આ હિસ્સામાંથી મોટા ભાગને હિસ્સો લેબર પાસેથી ખૂંચવાશે, પરંતુ મને લાગે છે કે અન્ય પક્ષોના અસંતુષ્ટ મતદારોને પણ તે આકર્ષશે. યાદ કરો કે રિફોર્મ પાર્ટીએ નાની શરૂઆત કરી હતી, પરંતુ અત્યારે તેઓ ટોરીઝ, લેબર અને અન્ય પક્ષોમાંથી જનાધાર ખૂંચવી રહ્યા છે. ચોક્કસપણે, ઉપરોક્ત ઘણી બાબતો માત્ર અટકળો જ છે અને તો સાચી પુરવાર થાય તે પહેલા ઘણા ઘટનાક્રમો પર આધાર રહેશે. આ કેવી રીતે થશે તેની રાહ જોવાનું રસપ્રદ બની રહેશે.