યુક્રેન વિવાદ મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ ભડકાવે તેવા એંધાણ

વિશ્વની અટારીએથી

આર્નોલ્ડ ક્રિસ્ટી Wednesday 02nd February 2022 06:03 EST
 
 

હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન પૂર્વ યુરોપ પર કેન્દ્રિત છે. એક ચિનગારી વિશ્વયુદ્ધ ભડકાવી શકે તેવી સ્થિતિ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સરહદે એક લાખથી વધુ સૈનિકો અને જંગી શસ્ત્ર સરંજામ ખડકી દીધો છે. અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે રશિયા ગમે તે સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. યુક્રેન મામલે યુદ્ધ ભડકે નહીં તે માટે હાલ અમેરિકા, ‘નાટો’ (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ના સભ્ય દેશો અને યુનાઇટેડ નેશન્સ (યુએન) કૂટનીતિક પ્રયાસો કરી રહ્યાં છે.
રશિયા-યુક્રેન વચ્ચે ૩૦ વર્ષથી ચાલતો વિવાદ આખરે છે શું? ૩૦ વર્ષ જૂનો વિદેશ નીતિનો વિવાદ આજે ફરી વાર કેન્દ્ર સ્થાને છે. તેના પગલે રશિયા અને યુક્રેન જ નહીં, પણ વિશ્વમાં સૌથી વધુ અણુ શસ્ત્રોનો ભંડાર ધરાવતી મહાસત્તાઓ સામસામે આવી ગઇ છે.
મામલો યુક્રેનને ‘નાટો’નું સભ્યપદ આપવાનો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સામ્યવાદી સોવિયેત સંઘનો પ્રભાવ ઘટાડવા માટે અમેરિકા અને દક્ષિણ-પશ્ચિમ યુરોપના દેશો દ્વારા ‘નાટો’ની રચના કરાઇ હતી. યુક્રેનનો ‘નાટો’માં સમાવેશ કરાય તો ‘નાટો’ સંગઠન છેક રશિયાની સરહદે પહોંચી જશે અને પુતિનને આ જ સ્વીકાર્ય નથી.
‘નાટો’નું બંધારણ કહે છે કે ‘નાટો’ના માપદંડો સાથે મેળ ખાતો હોય તેવો યુરોપનો કોઇ પણ દેશ સ્વેચ્છાએ સંગઠનમાં જોડાઇ શકે છે. અમેરિકા અને ‘નાટો’ દેશોની દલીલ છે કે ‘નાટો’ના બંધારણની ઓપન ડોર પોલિસી પ્રત્યે અમે પ્રતિબદ્ધ છીએ. યુક્રેનને ‘નાટો’માં સામેલ થતાં કોઇ અટકાવી શકે નહીં. સામે પક્ષે પુતિનની દલીલ છે કે યુક્રેનને ‘નાટો’માં સમાવીને પશ્ચિમી દેશો મોસ્કોને આપેલા દાયકાઓ જૂનું વચન તોડી રહ્યાં છે. પુતિને ડિસેમ્બરમાં ‘નાટો’ દેશોને જણાવ્યું હતું કે, તમે વચન આપ્યું હતું કે અમે પૂર્વ દિશામાં એક ઇંચેય આગળ વધીશું નહીં. તમે અમારી સાથે શરમજનક છેતરપિંડી કરી છે. બીજી તરફ અમેરિકા કહે છે કે ‘નાટો’ વિસ્તરણ પર ક્યારેય પ્રતિબંધ મૂકાયો નથી. ગમે તે દેશ ‘નાટો’માં સામેલ થઇ શકે છે. જ્યારે પુતિન ઇચ્છે છે કે યુક્રેનના ‘નાટો’માં સમાવેશ પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવે.
યુરોપમાં ‘નાટો’ અને રશિયા વચ્ચે શા માટે ઘમસાણ....
અસ્તિત્વમાં આવ્યાના ચાર દાયકા સુધી નાટોમાં અમેરિકા, કેનેડા અને યુરોપ સ્થિત અમેરિકાના મિત્રદેશો સામેલ હતા. બીજીતરફ સોવિયેત સંઘની સાથે પૂર્વ જર્મની સહિત મધ્ય અને પૂર્વ યુરોપના દેશો હતા. પરંતુ ૧૯૮૯માં મધ્ય અને પૂર્વ યુરોપના દેશોના સામ્યવાદી શાસકો સામે લોકજુવાળ ફાટી નીકળ્યો. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એક થઇ ગયાં. તે સમયે સોવિયેત પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ સાથેની વાતચીતમાં અમેરિકાએ જણાવ્યું હતું કે, જો તમે જર્મનીને એક થવા દેશો તો અમે ‘નાટો’ના વિસ્તરણ મામલે વિચારી શકીએ છીએ. પરંતુ ૧૯૯૦માં જર્મનીના એકીકરણ મામલે સત્તાવાર વાતચીત શરૂ થઇ ત્યારે તત્કાલિન અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે ‘નાટો’ વિસ્તરણ પર પ્રતિબંધની વાત નકારી હતી. પુતિન હવે યુક્રેનના ‘નાટો’માં સામેલ થવાના મામલે આ દલીલ રજૂ કરે છે.
પશ્ચિમના દેશો શા માટે ‘નાટો’નું વિસ્તરણ ઇચ્છે છે...
૧૯૯૧માં સોવિયેત સંઘનું પતન થયું ત્યારે યુરોપમાં પ્રભુત્વ વધારવા અમેરિકા માટે ‘નાટો’નું વિસ્તરણ મહત્વનો સવાલ બન્યો હતો. સામ્યવાદી ચુંગાલમાંથી છૂટેલા પોલેન્ડ, હંગેરી, ચેક રિપબ્લિક જેવા દેશો રશિયા ફરી ગમેત્યારે આક્રમણ કરે તેવી ભીતિને પગલે ‘નાટો’માં સામેલ થવા ઉત્સુક હતા. તેઓ માનતા હતા કે રશિયાના આક્રમણ સામે અમેરિકા તેમને સુરક્ષા આપી શકે છે. શરૂઆતથી જ રશિયા ઇચ્છતો હતો કે ‘નાટો’ તેની સરહદો સુધી ન પહોંચે. તત્કાલિન રશિયન પ્રમુખ બોરિસ યેલત્સિને અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન પાસે બાંયધરી માગી હતી પરંતુ ક્લિન્ટને માગ ફગાવી હતી. એવું નથી કે પહેલીવાર ‘નાટો’માં કોઇ દેશ સામેલ થઇ રહ્યો છે. ૧૯૯૦થી ૨૦૦૦ સુધીમાં ‘નાટો’નું ત્રણ વાર વિસ્તરણ થયું છે. સોવિયેત સંઘના વિભાજન પછી સૌથી પહેલા પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિક ‘નાટો’માં સામેલ થયાં. ત્યારબાદ ૨૦૦૯માં પૂર્વ યુરોપમાં આવેલા સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા ઇસ્ટોનિયા, લેટવિયા, લિથુઆનિયા સહિત સાત દેશ ‘નાટો’માં સામેલ થયાં હતાં.
રશિયા કેમ યુક્રેનને ‘નાટો’માં સમાવવાનો વિરોધ કરે છે...
યુક્રેન સોવિયેત સંઘમંથી છૂટો પડેલો સૌથી મોટો દેશ છે. છેલ્લા ત્રણ દાયકામાં યુક્રેન સાથે સરહદ ધરાવતા ચાર દેશ ‘નાટો’ના સભ્ય બની ચૂક્યાં છે. જોકે આ ચાર દેશ રશિયા સાથે સીધી સરહદથી જોડાયેલાં નથી. જો યુક્રેન ‘નાટો’માં સામેલ થાય તો ‘નાટો’ રશિયાની સરહદ સુધી પહોંચી જશે. સુરક્ષાની દૃષ્ટિએ ‘નાટો’ પોતાની સરહદ સુધી પહોંચી જાય તે રશિયાને પોસાય તેમ નથી. જો યુક્રેન ‘નાટો’માં જોડાય તો અમેરિકા અને સાથી દેશોની દૃષ્ટિએ રશિયન સામ્રાજ્યના અંતનો પ્રારંભ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter