દિવસો પસાર થતાં જાય છે ત્યારે યુક્રેન માટે હવે ખેલ ખતમ થઈ ગયો હોવાં સિવાય કશું લાગતું નથી. રશિયા વિરુદ્ધ યુક્રેનને સપોર્ટ મજબૂત બનાવવાની બાહેંધરી આપનારા આશરે 31 દેશોનાં ‘ઈચ્છુક મદદગારોના ગઠબંધન’ દ્વારા જે જોરશોરથી ઢોલનગારાં વગાડાયાં હતાં, તે તો યુક્રેન માટે મજબૂત અને નક્કર ગ્રાઉન્ડ સપોર્ટના બદલે આ દેશોના ઘરઆંગણાના રાજકારણના માટે ઉભો કરાયેલો ધૂમાડિયો પડદો જ હતો. આ 24 ઓગસ્ટે યુક્રેને તેની આઝાદીની 24મી વર્ષગાંઠ ઉજવી હતી. આ દેશ અત્યારે ક્યાં અને કેવી હાલતમાં ઉભો છે તેના તરફ નજર નાખશો તો સ્વતંત્રતાની પ્રતિષ્ઠાનો અર્થ કે ધારણા ધૂળમાંમ મળી જશે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીના હાથ દરેક દિશામાં એવી રીતે મરોડ્યા અને વાળ્યા છે કે તેઓ તેમના કહેવા મુજબનું સારું વર્તન કરવા તૈયાર થઈ ગયા. આખરે ઝેલેન્સ્કીએ અમેરિકાનો ટેકો સતત મળતો રહે તે માટે દેશની ભારે દુર્લભ રેર અર્થનોના ખજાનામાંથી ઘણો હિસ્સો વેચી જ નાખ્યો છે. ‘ઈચ્છુક મદદગારોનું ગઠબંધન’ પણ રહ્યસહ્યું ઉસેટી લેવા ગીધના લાલચુ ટોળાંની માફક એકસંપ થઈ ગયું છે. પશ્ચિમ પોતાના હિતો અને મઝા માટે યુક્રેનની તોડફોડ કરી રહ્યું છે ત્યારે રશિયાએ હુમલા ચાલુ જ રાખ્યા છે અને ઓછામાં ઓછાં 20 ટકા યુક્રેન પર કબજો મેળવી લીધો છે.
આથી, સ્વાતંત્ર્ય દિનની ઊજવણીના ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા ઝેલેન્સ્કીને જોતા કોઈને પણ માત્ર એક પ્રશ્ન થઈ જ જાય કે કોની પાસેથી સ્વતંત્રતા અને કોના માટે? હું માનું છું ત્યાં સુધી તો તેમણે પોતાના દેશનો મોટા ભાગનો હિસ્સો અમેરિકન વેપારી હિતોને અથવા રશિયાને ચરણે ધરી દીધો છે.
ઐતિહાસિક દૃષ્ટિએ યુક્રેનના મૂળ અને રશિયા સાથે તેના સંબંધો પરત્વે વિવાદ તો છે જ. આપણે જાણીએ છીએ તેમ 17મી સદી અને તે પછીના રશિયન સામ્રાજ્યે યુક્રેનનો મોટા ભાગનો હિસ્સો પોતાના કબજામાં લઈ લીધો હતો. સમયાંતરે, સોવિયેટ યુનિયન (1922–1991)ના કાળમાં અને 1922માં યુક્રેનીઅન સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિકની સ્થાપના થઈ અને યુક્રેન સોવિયેટ યુનિયનનું ઘટક બન્યું હતું. સોવિયેટ (રશિયન) અંકુશનો સમયગાળો 1991 સુધી રહ્યો અને સોવિયેટ યુનિયનનું પતન થયું ત્યારે નવી નવી આઝાદી મેળવેલા નવા દેશો દ્વારા નવા જોડાણો કે ગઠબંધન થવાં સ્વાભાવિક હતા. જોકે, એક સમજ એવી હતી કે તેમણે તટસ્થ રહેવું પડશે, પરંતુ ગત થોડા દાયકાઓમાં આનું સ્પષ્ટ ઉલ્લંઘન નજરે પડતું હતું.આ દેશોમાંથી દરેક ઈયુ અને પશ્ચિમની નિકટ જતા ગયા તેમ મોસ્કોની ઊંઘ હરામ થતી ગઈ હતી. જ્યારે NATO - નાટો સાથે જોડાવાની ચર્ચાઓ સામાન્ય બનતી ગઈ તેમ રશિયાને પશ્ચિમ તરફતી ઘેરી લેવાની પશ્ચિમની વૈશ્વિક સત્તાના પ્રભુત્વની રણનીતિ મોસ્કોની નજરમાં આવી ગઈ. અમેરિકા અને સેન્ટ્રલ યુરોપ પણ એવી ચોકસાઈ રાખતા હતા કે તેમના અને રશિયા વચ્ચે જમીનનો પૂરતો હિસ્સો રહે અને જરૂર પડે ત્યારે આ વિસ્તાર અને તેના લોકોએ જ થનારું નુકસાન ભોગવવાનું રહે.
અંદાજો અલગ હોઈ શકે, પરંતુ ટ્રમ્પ અનુસાર પશ્ચિમી દેશોએ યુક્રેનને 350 બિલિયન ડોલરથી વધુ રકમ આપી છે. કેઈલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ વર્લ્ડ ઈકોનોમી અનુસાર આપણે દેશોએ તેમના GDPના પ્રમાણમાં કેટલી રકમની સહાય આપી છે તેની સરખામણીએ કરીએ તો રસપ્રદ આંકડા જોવાં મળશે. પ્રમાણસરના સૌથી મોટા દાતાઓમાં ડેનમાર્ક અને એસ્ટોનિયા મોખરે છે અને યુએસએનું સ્થાન ક્યાં છે તેના પર નજર કરો.
કોષ્ટક—1
દેશ સહાય(GDPના ટકા)
ડેનમાર્ક 2.89
એસ્ટોનિઆ 2.80
લિથુઆનિઆ 2.16
લેટવિઆ 1.83
નોર્વે 1.53
સ્વીડન 1.36
ફિનલેન્ડ 1.25
નેધરલેન્ડ્ઝ 1.01
પોલેન્ડ 0.84
સ્લોવેકિઆ 0.70
કેનેડા 0.68
યુકે 0.68
બેલ્જિયમ 0.61
જર્મની 0.57
ક્રોએશિયા 0.56
યુએસએ 0.56
આ દેશોની ઉદારતાને વધાવી લેવી જોઈએ અથવા આપણે બીજી નજર નાંખી તેમના સાચા ઈરાદાઓ વિશે વિચારવું જોઈએ? હવે નીચેના ચાર્ટ (કોષ્ટક-2)ના મુખ્ય 10 દેશો પર નજર નાખીએ, જેમણે લશ્કરી મોરચે યુક્રેનને સૌથી વધુ ફાળવણી કરી છેઃ
કોષ્ટક—2
દેશ લશ્કરી ફાળવણી (બિલિયન યુરોઝ)
યુરોપ (કુલ) 80.50
યુએસએ 64.62
જર્મની 16.51
યુકે 13.77
ડેનમાર્ક 9.16
નેધરલેન્ડ્ઝ 7.48
સ્વીડન 6.73
ફ્રાન્સ 5.96
નોર્વે 3.95
પોલેન્ડ 3.63
કેટલાક દેશોને તો ભારે મોજ પડી ગઈ છે. વધુ એક યુદ્ધ અને શસ્ત્રો વેચવાની અને તેમની ઘરઆંગણાની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝને ભંડોળ અને સ્થાનિક નોકરીઓ હાંસલ કરી કાર્યરત રાખવાની અનોખી તક. પશ્ચિમ માટે તો યુદ્ધો એક પાઈપલાઈન બની ગયેલ છે જેના મારફત તેઓ બિલિયન્સ નાણા રળે છે, નોકરીઓ બચાવે છે અને કરજના વિષચક્રમાં દેશોને ગુલામ બનાવે છે. ઉદારતા જેવી કોઈ વસ્તુ જ નથી. વિવિધ દેશો દ્વારા ગલ્ફ યુદ્ધમાં તેમની GDPના કેટલા ટકા ખર્ચાયા અને યુક્રેન યુદ્ધમાં તેઓ શું ખર્ચી રહ્યા છે તેની સરખામણી કરશો તો વધુ રસપ્રદ તથ્યો જોવાં મળશે. પ્રાથમિક અંદાજો અનુસાર યુક્રેનને બચાવવા જેટલો ખર્ચ કરાયો તેના કરતાં ત્રણ ગણાથી વધુ ખર્ચ ઈરાક પર હુમલા પાછળ કરાયો હતો.
કોષ્ટક-3
દેશ ગલ્ફ વોર (1990-91) યુક્રેન સહાય (GDPના ટકા)
યુએસએ 0.99 0.34
જર્મની 0.55 0.18
જાપાન 0.32 0.15
સાઉથ કોરિયા 0.11 0.01
કોઈ પણ યુદ્ધ હોય, નિર્વાસિતો હંમેશાં હોય જ છે. નિર્વાસિતો અને વસ્તીના કેટલા ટકા તેની સાથેનો આ ડેટા આપણને જણાવે છે કે મોટા ભાગના યુક્રેની નિર્વાસિતોએ ક્યાં આશ્રય લીધો છે. તમે ફ્રાન્સ પર નજર નાખો, પ્રમાણમાં આ યુદ્ધનો બોજો તેના પર જરાય નથી આવ્યો. આમ છતાં, ટોચના ઈયુ નેતાઓમાં એક તરીકે દરેક મુખ્ય સમિટમાં તેની હાજરી દેખાઈ આવે છે !
કોષ્ટક- 4
દેશ નિર્વાસિતો 2020ની વસ્તીના ટકા
મોલ્ડોવા 116,835 4.46,
ઝેકીઆ 374,313 3.50
સ્લોવેકીઆ 144,105 2.64
પોલેન્ડ 994,175 2.62
આયર્લેન્ડ 112,850 2.26
જર્મની 1,217,676 1.46
રોમાનિઆ 184,499 0.96
ઓસ્ટ્રીઆ 83,433 0.94
બેલ્જિયમ 90,616 0.78
નેધરલેન્ડ્ઝ 123,957 0.71
સ્પેન 239,670 0.51
યુકે 254,580 0.38
ઈટાલી 173,740 0.29
ફ્રાન્સ 74,540 0.11
કેઈલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ વર્લ્ડ ઈકોનોમીના ડેટાસેટ્સ ઘણા ઉપયોગી રહ્યા મછે અને હું તેમની યોગ્ય કદર કરું છું. મેં તેમનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે આ યુદ્ધમાં આંખને દેખાય છે તેના કરતાં પણ ઘણું વધુ છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી જ દરેક પશ્ચિમી દેશ કે નેતાઓને ખબર જ હતી કે યુક્રેન દ્વારા ભૂમિ સોંપવામાં આવે અને તેને NATOની ધમકી તરીકે નિહાળવામાં ન આવે તે જ શાંતિ તરફનો એકમાત્ર શક્ય માર્ગ છે.
પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ તેમના દેશનું કોઈ જ કલ્યાણ કર્યું નથી. ઈતિહાસ જ દર્શાવશે કે તેમણે કોઈ પણ કારણ વિના તેમના દેશ અને અને તેમની પ્રજાનું બલિદાન આપ્યું હતું. જોકે, ટ્રમ્પને પોતાના માટે શાંતિની સમજૂતીની વરમાળા પહેરવી હતી. આવી શાંતિસમજૂતીના અત્યુત્સાહમાં તેઓ હવે પુતિનના કૃતજ્ઞ બની રહેશે જેમણે અમેરિકાની ભૂમિ પર જ તેમને બોધપાઠ આપી દીધો છે કે નેતા કેવી રીતે બની શકાય.
યુક્રેનમાં ખેલાતી રાજરમતનો હવે અંત આવી રહ્યો છે કારણકે પશ્ચિમ હવે થાકી ગયું છે. તેઓ માલમલીદો ખાઈ જશે અને યુક્રેનને ખરાબ હાલતમાં છોડી જશે. સમય જતાં યુક્રેનની જનતાને ભાન આવશે કે પશ્ચિમી દેશો અને તેમના પોતાના જ લોકો દ્વારા તેમનું કેવી રીતે શોષણ કરાયું છે. યુએસ અને પશ્ચિમી દેશો પર ભરોસો રાખતા અન્ય નાના દેશો માટે આ બોધપાઠ બની રહેવો જોઈએ. એટલું યાદ રાખજો કે આગામી કોઈ પણ સત્તાની સાઠમારીમાં તમે માત્ર આનુષાંગિક નુકસાન સિવાય કશું જ નથી.