એમ કહેવાય છે કે શનિવાર 13 સપ્ટેમ્બરે આશરે 150,000 લોકો (કેટલાક અંદાજ મુજબ આ સંખ્યા 350,000 જેટલી ઊંચી હતી) ગેરકાયદે માઈગ્રન્ટ્સ, ટેક્સીસ, એનર્જી કોસ્ટ્સ, ગ્રૂમિંગ ગેંગ્સ, હાઊસિંગ અપરાધો અને અર્થતંત્ર સહિતની સમસ્યાઓ પરત્વે પોતાની ચિંતા વ્યક્ત કરવા બહાર આવી ગયા હતા. સામાન્ય રીતે ટોમી રોબિન્સન દ્વારા આયોજિત આવી વિરોધકૂચને પ્રચંડ પ્રતિભાવ મળતો નથી. આમ છતાં, ઘણા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ સંદર્ભે પ્રાઈમ મિનિસ્ટર દ્વારા નજરઅંદાજ અને લેબર સરકારની અકાર્યક્ષમતાનો અર્થ એમ રહ્યો કે ચિંતા ધરાવનારા લોકોને દેશના ફ્લેગ હેઠળ વિરોધ પ્રદર્શિત કરવાની તક સાંપડી હતી. આપણે સાક્ષી રહ્યા છીએ કે લેબર કાઉન્સિલોએ નેશનલ ફ્લેગ અને યુનિયન જેક ફરકાવવા ઈનકાર કર્યો હતો. જ્યારે સ્ટાર્મરે એમ જણાવ્યું હતું કે તેઓ ગેંગ્સનો ખાતમો બોલાવશે, આમ કહ્યાને વર્ષ પણ વીતી ગયું અને એમ જ લાગે છે કે ગેંગ્સે જ સ્ટાર્મરનો ખાતમો બોલાવી દીધો છે.
આપણે શરૂઆતથી જ એક બાબતે સ્પષ્ટ થઈ જઈએ- હું ટોમી રોબિન્સન અથવા તેના જેવા કોઈનું પણ સમર્થન કરતો નથી. આનો અર્થ એવો પણ નથી કે તે કાયદેસર મુદ્દો ઉઠાવતો નથી અથવા તેની પાસે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ વગેરે મુદ્દાઓ પર કશું મહત્ત્વનું કહેવા જેવું નથી.
જ્યાં સુધી યુનાઈટ ધ કિંગ્ડમ વિરોધકૂચને લાગેવળગે છે ત્યાં સુધી મોટા ભાગના મીડિયાએ એમ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે આ કૂચ ‘અતિ જમણેરી’ હતી અને મોટા ભાગે ‘હિંસક’ હતી. આ બંને દાવાઓ સંપૂર્ણ ખોટા છે. મોરચામાં ભાગ લેનારા મોટા ભાગના લોકો સામાન્ય બ્રિટિશ હતા તેમજ ઘણી મહિલાઓ, દાદાઓ અને દાદીમા હતાં. હા, કેટલાક અતિ જમણેરી તત્વો પણ હતા જેમની એકમાત્ર ઈચ્છા સમસ્યા ખડી કરવાની હતી. આપણે થોડા નિખાલસ, પ્રામાણિક બનીએ,
નોટિંગહામ હિલ કાર્નિવલ ખાતે શું થયું તેની સાથે સરખામણી કરીએ.
નોટિંગ હિલઃ બે હત્યા, 8 સ્ટેબિંગ્સ, 528 ધરપકડ, 50 પોલીસને ઈજા.
યુનાઈટ ધ કિંગ્ડમઃ 25 ધરપકડ, 26 પોલીસને ઈજા.
મને પ્રાપ્ત થયેલા આ આંકડા છે. ઉપરના આંકડાથી સ્પષ્ટ થાય છે કે લંડન માટે આ બંનેમાંથી વધુ ખરાબ શું છે. આમ છતાં, મીડિયા અને ડાબેરી રાજકારણીઓમાંથી ઘણા તો યુનાઈટ ધ કિંગ્ડમ માર્ચમાં સામેલ દરેક લોકોને રેસિસ્ટ તરીકે ચીતરવા માગે છે. જો આપણે દ્વિસ્તરીય પોલિસીંગ, દ્વિસ્તરીય ન્યૂઝ, દ્વિસ્તરીય વહીવટ પૂરા પાડવાનો દુરાગ્રહ સેવીએ ત્યારે લોકસમૂહો એમ કહેવા લાગે કે બસ, હવે બહુ થયું, તો આશ્ચર્ય થાય ખરું?
કોઈ પણ પ્રકાર કે સ્વરૂપમાં હિંસાને ફગાવી જ દેવી જોઈએ, પરંતુ આપણે સત્ય પણ કહેવું જોઈએ. સત્ય કહેવું તે આપણા મીડિયા, કોમેન્ટેટર્સ અને રાજકારણીઓનું ઉત્તરદાયિત્વ છે. જૂઠાણાં અરાજકતા તરફ દોરી જશે. અને અરાજકતા નાગરિક નાફરમાની તરફ દોરી જશે. નાગરિક નાફરમાની દેશના એકસંપ થઈને રહેવાના અંતનો આરંભ જ છે. મારી ચિંતા સીધીસાદી છે. અતિ જમણેરી માનસિકતા સાથે પ્રમાણમાં ઘણી નાની સંખ્યા તેમની હિંસક હતાશાને પ્રગટ કરવાના કોઈ પણ બહાના શોધતી રહે છે. તેઓ આમ કરે છે ત્યારે મુસ્લિમ જેવા દેખાતા કોઈને પણ લક્ષ્યાંક બનાવશે (આમ કહેવાની કોઈ ઈચ્છા રાખતું નથી). તેમનું તત્કાળ નિશાન મુસ્લિમ સમુદાય બની રહેશે, પરંતુ યાદ રાખજો, આ પાગલો જરા પણ બુદ્ધિશાળી નથી. તેઓ મુસ્લિમ જેવા દેખાતા દરેકને નિશાન બનાવશે. ઘૃણા અને ભેદભાવ મોટા ભાગે વિવેકહીન હોય છે. હિન્દુઓ, શીખો, જૈનો બધા જ લક્ષ્ય બની જશે. મસ્જિદો, ગુરુદ્વારાઓ અને હિન્દુ મંદિરો, બધા જ નિશાન બનાવાશે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે તેમના પરંપરાગત શત્રુ, જ્યુઈશ કોમ્યુનિટી પણ લક્ષ્ય બની રહેશે.
ઘણા દાયકાઓથી ડાબેરી રાજકારણીઓ ઈસ્લામિક કટ્ટરવાદીઓની ચરણચંપી કે આળપંપાળ કરતા રહ્યા છે. આના પરિણામે, તેઓ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ જેવા સમૂહોનું રક્ષણ કરતા રહ્યા છે. જેમ વધુ માહિતી હાથવગી થતી જાય છે તેમ જાણવા મળે છે કે શ્વેત નિર્બળ મહિલાઓ ને છોકરીઓ વિરુદ્ધ આ ઘૃણાસ્પદ અપરાધોમાં કેટલાક રાજકારણીઓ અને કેટલાક પોલીસ પણ સંકળાયેલા છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને ગ્રૂમિંગ ગેંગ્સની સમસ્યાનું નિરાકરણ લાવવાના વચનોનું પાલન કરવામાં ટોરીઝ ભારે નિષ્ફળ રહ્યા હતા. ફરી એક વાર કહી શકાય તેમ છે કારણકે આપણી પાસે કાયર નેતાઓ અને ટોરી સાંસદો હતા જેઓ સાચા અર્થમાં રૂઢિચુસ્ત બની રહેવાના બદલે જમણેરી લેબર તરીકે વધુ કામ કરતા હતા.
શું એમાં જરા પણ આશ્ચર્ય છે કે નાઈજેલ ફરાજ અને રિફોર્મ પોલ્સમાં ઘણો સારો દેખાવ કરી રહ્યા છે? ફરાજે તો મતદારોને માત્ર એટલું જ કહેવાનું રહે છે કે ગેરકાયદે માઈગ્રન્ટ્સને શક્ય તેટલી ઝડપે દેશમાંથી બહાર ધકેલી દેવા જોઈએ. આ કેટલું સહેલું છે. કાયદેસર આમ નહિ કરી શકવાનો આ બકવાસ હંમેશાંથી બહાનું જ રહ્યો છે. બ્રિટિશરો તેમના રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમજૂતી કે સંધિમાંથી બહાર નીકળી જઈ શકે છે. આપણે ઘણી સહેલાઈથી ECHRને અલવિદા કહી શકીએ છીએ, માત્ર એક બાબત જોવા મળતી નથી તે આમ કરવાની ઈચ્છાશક્તિ. રિફોર્મ યુકે યોગ્ય સ્થાને ગોઠવાયેલું છે, તે એકમાત્ર એવી પાર્ટી છે કે જેમનો સારો કે ખરાબ ટ્રેક રેકોર્ડ નથી. તેમનો કોઈ જ રેકોર્ડ નથી અને વિચિત્રતા એ છે કે આ તેમના માટે આકર્ષણરૂપ વિશિષ્ટતા બની રહે છે. ગેરકાયદે ઈમિગ્રેશન સંદર્ભે તેમનો સંદેશો સ્પષ્ટ અને જોરદાર છે તેમજ ડાબેરીથી માંડી જમણેરી અને મધ્યમમાર્ગી સામાન્ય બ્રિટિશરની લાગણીને સુસંગત છે.
મારા મતે યુનાઈટ ધ કિંગ્ડમ વિરોધકૂચ માત્ર રાજકારણીઓ જ નહિ, સમગ્ર દેશ માટે આખરી ચેતવણી સમાન છે. જો આપણને રાષ્ટ્રીય નીતિઓમાં ધરમૂળ પરિવર્તનો જોવાં નહિ મળે તો મને ભય છે કે કાબુ બહાર જતું આ પાગલપણું દેશના સારા, કાયદાપાલક અને કાયદેસરના ઈમિગ્રન્ટ્સને ગંભીરપણે અસર કરશે. દેશના મુખ્યપ્રવાહમાં સૌથી વધુ એકીકૃત થઈ ગયેલા અને સૌથી વધુ યોગદાન આપનારા વંશીય સમૂહો હિન્દુઓ, શીખો અને જૈનોએ જ વધુ સહન કરવાનું આવશે.
મારા મતાનુસાર, આ દેશને બચાવવા માટે લેબર સરકારનું જેમ બને તેમ ઝડપથી પતન થાય તે આવશ્યક છે. તેમની પાસે શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરવા સ્ટાર્મર જ છે અને તે તદ્દન નિષ્ફળ ગયા છે. બાકીના બધા તો ડાબેરી અને અતિડાબેરી કોમરેડ્સ છે, જેઓ કટ્ટરવાદીઓના મદદગાર બની રહેશે. ટોરીઝ ફરી ઊંઘમાંથી જાગી રહ્યા છે, પરંતુ શું પ્રજા તેમનામાં ફરી વિશ્વાસ મૂકશે ખરી? હવે તો રિફોર્મ યુકે જ બાકી રહે છે. હું મારું વલણ સ્પષ્ટ કરી દેવા માગું છું, હું ફરાજની છાવણીમાં નથી અને કોઈ પણ દિવસ એમ માનીશ પણ નહિ કે આ દેશ ફરાજની છાવણીમાં આવી જશે. આમ છતાં, આપણી સમક્ષ જે ખેલ ભજવાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા મને દેખાય છે કે કદાચ મતદારો શા માટે રિફોર્મ યુકેમાં તેમનો વિશ્વાસ મૂકશે
શું યુનાઈટ ધ કિંગ્ડમ વિરોધકૂચ લોકોને એકજૂટ કરી શકશે? રિફોર્મને સત્તા પર લાવવા માટે તેમને એકસંપ કરી શકશે? અને જો તેઓ આમ કરી શકે તો આપણને ખાતરી છે ખરી કે આપણને આખરે ‘યુનાઈટેડ’ કિંગ્ડમ મળશે, અથવા તો સાચો વિજેતા તો કુસંપ જ બની રહેશે?