યોગ અને કરૂણાનો યોગ કલ્પના પટેલની કુઁડળીમાં...

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 16th September 2020 07:20 EDT
 
 

કોડીયું
ઉપાડશે કોણ મારૂં કામ?
અસ્ત થતા સૂર્યે પૂછ્યું.
સાંભળી જગત નિરૂત્તર રહ્યું.
માટીનું કોડીયું બોલ્યું,
“મારાથી બનતું હું બધું કરી છૂટીશ"

- કવિવર ટાગોર

વાચક મિત્રો, કવિવર ટાગોરની આ પાંચ પંક્તિઓએ અમને પ્રેરણા આપી. આપણા સમાજમાં એવા કેટલાય ભાઇ-બહેનો હશે જે માટીના કોડીયાની જેમ પોતપોતાની રીતે ઉજાશ ફેલાવવા મૂંગે મોંઢે કાર્ય કરી રહ્યાા છે. આવા ઘર આંગણે ટમટમતાં દીવડાંઓને પ્રકાશમાં લાવવાની અમારી પહેલ આપને જરૂર ગમશે એવી આશા. આપને જો આવા તારલાઓની માહિતી હોય તો અમને જરૂર જણાવજો.

------------------

કોરોનાના કપરા કાળમાં કરૂણા ભાવ અને યોગ એ બેય ખૂબ મહત્વનાં છે. આ બેયનો સરસ સંયોગ જેમણે કરી માનવતાના દીપ પ્રગટાવવાનો યજ્ઞ પોતાની રીતે આદર્યો છે એવા બહેન કલ્પના પટેલની વાત આજે કરવી છે. એમણે "ભૂખ્યાને રોટલો અને બિમારને સેવા"નો જીવન મંત્ર આપનાવી પોતાની પ્રવૃત્તિઓની પરબ માંડેલ છે. એમાં પતિ અને પરિવારનો સહયોગ આશીર્વાદરૂપ છે.
ખાસ કરીને લોકડાઉનના સમયમાં જીઓમીટ પરથી સામૂહિક અને વ્યક્તિગત યોગા વર્ગો દ્વારા સમાજને શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવામાં મદદ કરી રહ્યાં છે. ગંભીર માંદગીમાં હોય એવી વ્યક્તિઓને ય યોગાના માધ્યમથી રાહત મળે એવા પ્રયાસો ચાલુ છે. જો કે આપણા સમાજમાં ઘણાં-બધાં ભાઇ-બહેનો આવા સત્કાર્યો કરી રહ્યાં હશે એ સૌને અમારા અભિનંદન.
 ૨૦૦૬માં સ્વામિ રામદેવજી લંડન આવ્યા હતા ત્યારથી પતંજલિના સ્થાપક સભ્ય બની લેવલ ૧,૨,૩નો અભ્યાસ કરી યોગ ટીચરની ટ્રેનીંગ લીધેલ. ત્યારથી નોર્થ લંડનના પતંજલિ યોગ પીઠ યુ.કે.ટ્રસ્ટના કો-ઓર્ડીનેટર બન્યાં છે. એમના પતિશ્રી ભરતભાઇ પટેલ પણ આ પીઠના કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રી અમદાવાદના છે અને કડવા પાટીદાર છે, જ્યારે કલ્પનાબેન સાબરકાંઠાના સાઠંબા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યાં છે અને અમદાવાદમાં ઉછર્યાં છે.
૨૦૧૧થી જૈન સેન્ટર કોલીન્ડલ અને બ્રહ્મ સમાજમાં ૨૦૧૨થી ફ્રી યોગા વર્ગો ચલાવે છે.
ભારતમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને શિક્ષણ, કપડાં, ભોજન, નોટબુક્સ વગેરે માટે મદદ મોકલે છે.
લંડનના બર્ન્ટ ઓક, એજવેર વિસ્તારમાં એમની ઓનેસ્ટ ફ્રુટ એન્ડ વેજની શોપ હતી (૨૦૦૦થી ૨૦૧૨)હતી ત્યારે પણ આસપાસમાં રહેતા ભારતથી આવેલ વિધ્યાર્થીઓને સાથ – સહકાર આપતાં. નોકરી, ઘર શોધવામાં મદદ કરતાં. પૈસા ન હોય અને ભૂખ્યા હોય તો અન્ન જમાડતાં તેમજ પરદેશની ભૂમિ પર ટકી રહેવામાં સાંત્વના આપવા સાથે એમના પથપ્રદર્શક બની રહેતાં. આ સત્કાર્ય એમને મન મહારાણીના એવોર્ડથી સવિશેષ છે. ૨૦૧૦માં ગુજરાત સમાચારમાં ભારતથી આવેલ વિધ્યાર્થીઓને એમણે વિદેશની ધરતિ પર ટકી રહેવામાં કરેલ મદદનો લેખ પ્રકાશિત થયો હતો. આવા ઘર દીવડાંઓની માહિતી અમારા સુધી પહોંચતી કરવા વાચકમિત્રોને નમ્ર અરજ. નાના-નાના કાર્યોથી જ સમાજની નીંવ મજબૂત બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter