યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સચ્ચિદાનંદ સ્વામીજી ૮૮ વર્ષે પણ એનર્જીથી તરબતર છે!

જાણીએ, શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે...

સ્વામી સચ્ચિદાનંદ Wednesday 01st December 2021 05:22 EST
 
 

કુદરતી જીવન જીવો... 
હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરતવિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું. નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરતવિરોધી છે. આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે. યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે.
એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું. મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા. આ બધા અનનેચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઓક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય. મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે. મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.
શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે. યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે. સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે. ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે.
યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવાપ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે.
ગીતામાં પણ કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ્
મારો નિત્યક્રમ:
• હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું.
• નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું.
• સાંજે સાડા છ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈને થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું.
રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું. હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં.
૧૯૯૪માં મદ્રાસમાં બાયપાસનું ઓપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી. ડોક્ટરોના દબાણને કારણે વળી એ થયું. હાર્ટ માટે ડોક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો. કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં. શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય.
બાકી...
શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.
સ્વાદિષ્ટ ખાઓ:
હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો.
અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા.એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું. લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે. પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે. આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો. ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે. કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. હું રોજ બે જ ચીજો ખાઉં છું. દાળ-રોટલી અથવા તો શાક-રોટલી. થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ. રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની એલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું. એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું. ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.
મનની પ્રસન્નતા મહત્વની છે, હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જોબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો. બસ મન મૂકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો.
મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું. સંગીતકાર શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે... લાજવાબ...!!! થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટેચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટેચ્યુ મુકાયું હોય! જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!
બસ... એક પ્રોફેસર અને એક સંત એમ બન્નેના સ્વાદિષ્ટ અને વિવિધતાસભર ખોરાક વિષેના વિચારોથી આજ સાંજથી જ તમારા દૈનિક ભોજનમાં પરિવર્તન લાવી દેજો. આ ખવાય, આ ન ખવાય તેના રવાડે ચડતા નહીં દિલ જે માગે તેને સંતોષજો. અને પછી જુઓ જિંદગીના પાટા કેવા બદલાઈ જાય છે. ચારે તરફ ખૂશી અને પ્રસન્ન્તા છવાઈ ગઈ હશે અને તમારો પીછો નહી છોડે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter