રક્ષાબંધનઃ યે બંધન તો પ્યાર કા બંધન હૈ...

Tuesday 29th August 2023 05:55 EDT
 
 

અન્ય ભારતીય પર્વ-ઉત્સવોની માફક રક્ષાબંધન (આ વર્ષે 30 ઓગસ્ટ)ની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે તે હકીકત છે.
આ બધામાં સૌથી જાણીતી કથા બલિરાજાની છે. અસુરરાજ બલિને ત્યાં વામન અવતાર ધારણ કરીને ગયેલા વિષ્ણુએ ત્રિલોકનું રાજ્ય પાછું મેળવી લીધું. એ વખતે દાનેશ્વરી બલિએ વામન અવતાર ધારણ કરીને આવેલા વિષ્ણુને ત્રણ ચરણમાં સમાય એ બધું જ આપવાનું વચન આપ્યું હતું.
વામનમાંથી વિરાટ બનેલા વિષ્ણુએ ત્રીજું પગલું ક્યાં મૂકવું એવું પૂછ્યું (કેમ કે સમગ્ર બ્રહ્માંડ તો બે પગલાંમાં કબજે થયું હતું!). આના જવાબમાં બલિએ ઈશ્વરીય લીલા પારખીને પોતાના મસ્તક પર ત્રીજું પગલું મૂકવાની વિનંતી ભગવાન વિષ્ણુને કરી હતી. આ ભાવનાથી પ્રસન્ન વિષ્ણુએ બલિને વરદાન માગવાનું કહેતાં બલિએ વિષ્ણુનો સંગાથ માગી લીધો હતો. પ્રસન્ન થઈ વિષ્ણુ બલિ સાથે પાતાળલોકમાં રહેવા જતા રહ્યા.
વચનપાલનમાં બંધાયેલા ભગવાન વિષ્ણુ ઘણા લાંબા સમય સુધી પાછા ન આવતાં તેમના વિરહમાં ઝૂરતાં પત્ની લક્ષ્મીજી શ્રાવણી પૂનમના રોજ પાતાળમાં ગયાં. બલિને ધર્મનો ભાઈ બનાવીને તેના કાંડે હીરનો દોરો બાંધ્યો. ખુશ થયેલા બલિએ ધર્મની બહેન લક્ષ્મીને બદલામાં ‘વીરપસલી’ આપવાનું કહ્યું, જેમાં લક્ષ્મીએ પતિ વિષ્ણુને માગતાં બલિએ ભગવાન વિષ્ણુને વરદાનમાંથી સહર્ષ મુક્ત કર્યા. એ અર્થમાં શ્રાવણી પૂનમ ‘બળેવ’ પણ કહેવાય છે.
આવી જ બીજી વિખ્યાત કથા ઇન્દ્ર દેવ અને વૃત્રાસુરની છે. વૃત્ર નામના દાનવ સામે યુદ્ધમાં લગભગ પરાજય નિશ્ચિત હતો એવા ઇન્દ્રને પત્ની શચિ (ઇન્દ્રાણી)એ યુદ્ધમાં વિજય મળે અને રક્ષણ થાય એ માટે પૂનમના દિવસે કાંડે રક્ષાની પોટલી બાંધી હતી. (જૈન ધર્મમાં અલગ સંદર્ભે રક્ષાપોટલી બાંધવાની પ્રથા છે.) આ પછી ઇન્દ્રને વિજય મળ્યો હતો.
મહાભારતના યુદ્ધ સમયે પૌત્ર અભિમન્યુને રક્ષા માટે દાદી કુંતીએ રાખડી બાંધી હતી. આ પ્રથા દેવગુરુ બૃહસ્પતિએ શરૂ કરી હતી. અભિમન્યુની રક્ષા ઉંદર બની કૃષ્ણે કાપી નાખી હોવાનું કહેવાય છે.
લોકવ્રતનો સંદર્ભ જોઇએ તો, ગામડાંઓમાં ઘણી વખત કુંભસ્નાન કરીને વેદપાઠી બ્રાહ્મણ દ્વારા પણ રક્ષાબંધન કરાવવામાં આવતું હતું. એની પદ્ધતિ ભવિષ્યપુરાણમાં વર્ણવાયેલી છે. જેમાં સ્નાન કરીને ઊન કે સૂતરના ટુકડામાં ચોખા-સરસવ બાંધીને પોટલી બનાવવામાં આવતી હતી. આ પછી સાથિયા કરીને કુંભસ્થાપન કરી ‘યેનબદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વામભિ બદ્નામિ, રક્ષે મા ચલ, મા ચલ’ એવો શ્લોક બોલીને યજમાન પોતાના કાંડે રક્ષાની પોટલી બંધાવતા હતા.
રક્ષાબંધન સાથે જોડાયેલી અને અભ્યાસનાં પાઠ્યપુસ્તકો સુધી પહોંચી ગયેલી કથા હુમાયુ અને કર્ણાવતીની છે. ગુજરાતના બહાદુરશાહે ચિત્તોડની રાણી કર્ણાવતી પર હુમલો કરેલો. કર્ણાવતી વિધવા હતી અને રાજસ્થાનના ઘણા રાજપૂતો મોગલો સામે લડ્યા હતા, છતાં કર્ણાવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને મદદના સંદેશ સાથે ‘ધર્મનો ભાઈ’ બનાવતી રાખડી મોકલી હતી અને બદલામાં હુમાયુએ બંગાળથી લશ્કર મોકલી કર્ણાવતીની રક્ષા કરી હતી.
એક માન્યતા મુજબ સિકંદરની પત્નીએ પંજાબના રાજા પોરસના કાંડે રાખડી બાંધી હતી, જે રણમેદાનમાં સિકંદરનો વધ કરવા જતા પોરસને દેખાતાં તેણે પોતાની તલવાર પાછી ખેંચી લીધી હતી. જોકે આ ઘટનાઓને ઐતિહાસિક સમર્થન નથી.
ઔરંગઝેબે ઉદયપુરના રાજમાતાએ મોકલેલી રાખડી સ્વીકારીને જવાબમાં બે પત્રો પણ લખ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડાંગામમાં પ્રવાસ દરમિયાન વીરપસલી માની વાર્તા શોધી હતી. જેમાં ભાઈ-બહેનના પ્રેમમાં સર્પના સાત ટુકડા થઈ જાય એવી કહાની હતી.
ગ્રીક માઇથોલોજીમાં ઝૂસનાં જોડિયાં પુત્ર-પુત્રી અપોલો અને આર્ટેમિસની કથા જાણીતી છે. ભારતમાં આવી જ કથા સૂર્યની પત્ની સંજ્ઞાથી ઉત્પન્ન થયેલાં જોડિયાં ભાઈ-બહેન યમ અને યમી (યમુના)ની છે. કહેવાય છે કે મૃત્યુના દેવતા યમરાજને રાખડી બાંધીને બહેન યમુનાએ વચન લીધું છે કે જેના કાંડે રક્ષા હોય તેનો પ્રાણ લેવો નહીં!
શ્રાવણ માસની પૂનમે શ્રવણ નક્ષત્ર હોય તો શ્રાવણી નામની યજ્ઞોપવિત વિધિ ઋગ્વેદી બ્રાહ્મણો કરે છે. શ્રાવણી માસની પૂર્ણિમા જ યજુર્વેદી બ્રાહ્મણો માટે પણ જનોઈ ધારણ કરવાનો દિવસ છે. બધા જ બ્રાહ્મણોને જોકે રક્ષાબંધને યજ્ઞોપવિત સંસ્કાર ફરજિયાત નથી.
મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટક વગેરે દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં રક્ષાબંધન સાથે નાળિયેરી પૂર્ણિમા ઊજવવામાં આવે છે. નાળિયેરી પૂનમે દરિયાદેવનું પૂજન થાય છે. પુષ્પહાર અને શ્રીફળ અર્પણ કરીને જૂના જમાનામાં સાગરખેડુઓ, સોદાગરો, વહાણવટીઓ સમુદ્રની સફરે નીકળતા હતા. માછીમારો માટે વરુણદેવનું પૂજન કરી ફરી માછીમારી શરૂ કરવાનો એ સંકેત રહેતો, કારણ કે ત્યારે ચોમાસાનું જોર ઘટ્યું હોય છે.
દક્ષિણ ભારતનાં કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ તથા ઓડિસા જેવાં રાજ્યોમાં ‘અવનિ અવિટ્ટમ’ તરીકે શ્રાવણી પૂનમ ઊજવાય છે; જેમાં ઉપનયન સંસ્કાર મુજબ યજ્ઞોપવિત ધારણ થાય છે. જનોઈને તામિલમાં ‘પુન્નુલ’, બંગાળીમાં ‘પૂવીથ’ અને તેલુગુમાં ‘જહાનિયમ્’ કહે છે. એક સમયે મધ્ય ભારતના એક વિસ્તારમાં પુત્રની માતા બનેલી ખેડૂત-સ્ત્રીઓ અમાસના નવ દિવસ પછી શ્રાવણી પૂનમ સુધી ‘કજરી ઉત્સવ’ મનાવતી, તેથી રક્ષાબંધનને કજરી પૂનમ કહે છે.
જેલમાં કેદીઓના રક્ષાબંધનના તહેવારો આજે ભારતના અખબારોમાં સમાચાર બને છે, પણ રક્ષાબંધનનો સામાજિક ક્રાન્તિમાં ઉપયોગ કરવાનો પ્રથમ પ્રયોગ કવિ રવીન્દ્રનાથ ટાગોરે કર્યો હતો. 1905માં અંગ્રેજ શાસને ‘બંગભંગ’ દ્વારા બંગાળના કોમવાદી ધોરણે બે ભાગલા કર્યા પછી એનો પ્રતિકાર કરવામાં હિન્દુ-મુસ્લિમ એકતાની સ્થાપના માટે ટાગોરે જાહેરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે રક્ષાબંધનના કાર્યક્રમો યોજ્યા હતા. શાંતિનિકેતનમાં તેમણે પાછળથી રક્ષાબંધન પર વ્યાખ્યાનો પણ આપ્યાં છે. રક્ષાબંધન પર ચિંતનાત્મક લખાણ કાકાસાહેબ કાલેલકરે પણ લખ્યું છે.
રક્ષાબંધન ભારતીય તહેવાર હોવાથી હિન્દી ફિલ્મોમાં ભાઈ-બહેનનાં પ્રેમ અને રાખી સોન્ગ્સ બેહિસાબ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter