તેમના વિશે જ્યારે જાણ્યું ત્યારે આશ્ચર્યસ્તબ્ધ થવું સ્વાભાવિક હતું. અરે, મ્યાંમારમાં પોસ્ટમાસ્તરની નોકરી કરતા શ્યામતાપ્રસાદ પાંડેની આ એકમાત્ર લાડકી કન્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝની સમક્ષ જઈને કહે છે, ‘નેતાજી, મારે દેશભક્તિની શિક્ષા લેવી છે, આઝાદ હિન્દ ફોજમાં ભરતી થવું છે’. તે બોલી તો હતી બંગાળીમાં, જવાબ નેતાજીએ હિન્દીમાં આપ્યો અને સાથે આવેલાં કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપી. સમય જતાં તે ઝાંસી રાણી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ બની. 15 મહિના, સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લીધો. જરૂર પડી તો ફોજના વીર સૈનિક દુર્ગામલ ગોરખા (જેનું સ્મૃતિચિત્ર વર્તમાન ભારતીય સંસદમાં શોભે છે.)ની સાથે બ્રિટિશ છાવણીઓમાં જઈને આઝાદ હિન્દ ફોજ માટે જાસૂસી કરી.
યુદ્ધ અને સુશ્રુષાના મોરચે તેની સાથે બીજી ‘અનસંગ’ વીરાંગનાઓના નામો જાણો છો? કૃતજ્ઞ ભારતે તેની કાયમ સ્મૃતિ જળવવી જોઈએ, કેપ્ટન લક્ષ્મી તો આપણા નૃત્ય-કીર્તિ મૃણાલિની સારાભાઈનાં બહેન થાય. થોડાંક વર્ષો પૂર્વે પુત્રી સુહાસિની અલીની સાથે અમદાવાદ આવ્યા ત્યારે તેમને મળવાનો મોકો મળ્યો હતો. તેમણે તુરત ગુજરાતી સાથી મહિલાઓને યાદ કરી. સ્વતંત્રતાના જંગમાં ગુજરાતી સહિત સક્રિય આ મહિલાઓ - પ્રાણજીવન મહેતા પરિવારના તમામ સદસ્યો, રમા, મમતા, જાનકી થેવર, પુનગ્મા, બલારા થીવી, શ્રીમતી દાસ, શકુંતલા ગાંધી, શ્રીમતી ચંદ્રા, ગૌરી ભટ્ટાચાર્ય, ગાંગુલી બહેનો, કરુણા, માયા, એમિલી સેમ્યુનલ... (ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન મહેતાના દાનથી, તેમના નામે એક સભાખંડ જરૂર છે, પણ ત્યાં રોજ પ્રાર્થના ગાતા વિદ્યાર્થીઓને તેની બર્મા મોરચે લડેલી સ્વાતંત્ર્ય-કન્યાઓ વિશે પણ જાણકારી આપવા જેવી છે. કોઇકવાર આ મહેતા પરિવાર વિશે આપણે વિગતે આ કોલમમાં જાણીશું.)
આમાંની એક માનવતી. ઉત્તરપ્રદેશના બિકાપુર જિલ્લાના એક નાનકડા ગામ બરડાંડામાં જન્મેલા પિતા સાહસ કરીને બર્મા પહોંચ્યા, ત્યાં પોસ્ટ વિભાગમાં નોકરી કરતાં પાંડેજી (એટલે માનવતીની પૈતૃક ઓળખ ‘પાંડે’ છે, લગ્ન પછી તે ‘આર્ય’ કહેવાયાં.)ને ત્યાં કન્યારત્નનો જન્મ થયો, ગામ મેકટિલા. જન્મ દિવસ 30 ઓકટોબર, 1920. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી સુભાષબાબુની સૈનિકા રહી. વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વળી બ્રિટિશ દોરદમામ શરૂ થયો. માનવતી ફરીવાર વિશ્વભારતી અકાદમીની પ્રાચાર્યા બની.
પણ હવે નેતાજી, તેની ફોજ, તેનાં સિપાહીઓ, તેનાં કાર્યાલય અને મેદાનો, તેના સ્મારકો... બધું વેરવિખેર કરવામાં આવી રહ્યું હતું. સૈનિકો અને તેનાં સેનાપતિઓને પકડીને સૈનિકી મુકદ્દમાં ચલાવવામાં આવ્યા. સૈનિક વડા જે.ડી. બક્ષી પોતાના પુસ્તકમાં લખે છે આઝાદ હિન્દ ફોજના 30,000 સૈનિકો શહીદ બન્યા હતા. કેટલાક (માત્ર 3 નહિ, તેથી વધુ કુલ 20) પર લાલ કિલ્લામાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો.
આ સ્થળ એટલા માટે પણ પસંદ કરવામાં આવ્યું હતું કે 1857ના વિપ્લવમાં બહાદુરશાહ ઝફર સામે અહીં જ મુકદ્દમો ચલાવીને તેને દેશનિકાલની સજા ફરમાવીને બર્માની માન્ડલે જેલમાં ધકેલી દેવાયો, ત્યાં જ તેનું મૃત્યુ થયું. આઝાદ હિન્દ ફોજનો વિપ્લવ પણ બ્રિટીશરોના દાંત ખાટા કરનારી ઐતિહાસિક ઘટના હતી એટલે ચર્ચિલથી માંડીને માઉન્ટબેટન સુધીનાઓની નજર સુભાષ સહિતના ‘યુદ્ધ-અપરાધી’ઓને જીવતા યા મરેલા પકડીને બોધપાઠ આપવા તરફ હતી. લાલ કિલ્લાના મુકદ્દમા દરમિયાન જ ભારતમાં રહેલી બ્રિટિશ નૌસેનામાં પ્રચંડ બળવો ફાટી નીકળ્યો ત્યારે જ બ્રિટિશ સરકારને શાણપણ આવ્યું કે હવે ભારત પર હકૂમત ચલાવવાની મૂર્ખતા છોડવી પડશે. (આ વાતનું એક પ્રમાણ બ્રિટિશ રાજકારણી સર ક્લેમેન્ટ એટલીનું પ્રકાશિત વિધાન છે. રેવા ચેટરજીનું પુસ્તક છે: ‘નેતાજી સુભાષ બોઝ: બેંગાલ, રિવોલ્યુશન એન્ડ ઇન્ડિપેન્ડન્સ’ પ્રકાશન વર્ષ ઇ.સ. 2000) તેમાં આ પ્રસંગનું વર્ણન છેઃ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પી.વી. ચક્રવર્તીએ એક પત્રમાં લખ્યું કે 1956માં લોર્ડ એટલી ભારતના પ્રવાસે આવ્યા તો કલકત્તાની મુલાકાત પણ લીધી હતી. રાજ્યના રાજભવનમાં તેમનું રોકાણ હતું. તેમની સાથે લંબાણથી ચર્ચા થઈ. ત્યારે તેમને મારો એક પ્રશ્ન હતો કે ગાંધીજીની ભારતછોડો ચળવળ તો ઘણા સમયથી નિષ્ફળ ગઈ હતી, ગાંધી પણ અસરકારક રહ્યા નહોતા, તેવા સંજોગોમાં એવી કઈ બાબત હતી કે બ્રિટિશરોએ ભારત છોડવા માટે નિર્ણય લીધો? એટલીએ તેનાં જવાબમાં કહ્યું કે સૌથી મહત્વનું કારણ એ હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતમાં સૈન્ય અને નૌ-સેનાના મૂળિયાં હલબલાવી નાખ્યા હતાં એટલે અહીં શાસન કરવું મુશ્કેલ હતું. મેં એટલીને પૂછ્યું કે શું ગાંધીજીની ‘ભારત છોડો’ ચળવળ પણ ભારત છોડવાના નિર્ણય માટે કારણરૂપ હતી? એટલીના ચહેરા પર આછું હાસ્ય હતું અને તેનો ઉત્તર એક શબ્દમાં હતો: ‘m-i-n-m-a-l’ (મિનિમલ!)’
આઝાદ હિન્દ ફોજ અને નેતાજી વિષે ઘણા પુસ્તકો લખાય છે. ત્રણ તપાસ સમિતિના અહેવાલો છે. કથિત વિમાની અકસ્માત પછી રશિયા પહોંચેલા સુભાષના દસ્તાવેજો ડો. પૂર્વી રાયે પુસ્તકરૂપે આપ્યા છે. ‘નેતાજી ઇન રશિયા’ ના બીજા બે ગ્રંથો છે. અનુજ ધરના ચારેક પુસ્તકો છે. આઝાદ હિન્દ ફોજમાં મહત્વની જવાબદારી સંભાળનાર દેવનાથ દાસે નવલકથા લખી છે. આપણા ખ્યાત પત્રકાર-તંત્રી અમૃતલાલ શેઠે યુદ્ધ પછી બર્મા જઈને મેળવેલ દસ્તાવેજો પર આધારિત પુસ્તક ‘જય હિન્દ!’ દેશની 15 ભાષાઓમાં છપાયેલું છે. નેતાજી સંશોધન કેન્દ્ર કોલકાતામાં ‘સુભાષ-નિવાસ’માં ચાલે છે, સ્મારક તરીકે આ સ્થાન જાણીતું છે, પણ સુભાષબાબુએ સિંગાપુરમાં સ્થાપિત આઝાદ હિન્દ શહીદ સૈનિકોનું સ્મારક બ્રિટીશરોએ તોડી પાડ્યું હતું, તે પૂર્વે જવાહરલાલ નેહરુ ત્યાંની મુલાકાતે ગયા ત્યારે સ્થાનિક ભારતીયોએ આ સ્મારક પર પુષ્પાંજલિ માટે જવાહરલાલનો કાર્યક્રમ રાખ્યો હતો.
રિચાર્ડ હફના પુસ્તક ‘એડવીના: કાઉન્ટેસ માઉન્ટબેટન ઓફ બર્મા’ નામે પુસ્તકમાં સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે જ્યારે માઉન્ટબેટનને આ કાર્યક્રમની ખબર પડી ત્યારે તેમણે અને એડવીનાએ સમજાવ્યા કે આમ કરવાથી હાલની પરિસ્થિતિમાં ભારત-બ્રિટનના સંબંધો પર ખરાબ અસર પડશે. નેહરુ માની ગયા અને સ્મારક પર ના ગયા. – પોતાના એક સમયના પ્રિય સાથીદાર, આઝાદ હિન્દ ફોજના ઐતિહાસિક નિર્માતા, હરીપુરા કોંગ્રેસના અધ્યક્ષને શ્રદ્ધાંજલિના ફૂલ મળ્યા!
માનવતી આર્યનું એક મહત્વનું પ્રદાન છે, સુભાષ-ચરિત્ર. ‘પેટ્રીયટ: ધ યુનિક ઇંડિયન લીડર નેતાજી સુભાષચંદ્ર બોઝ’. બીજું પુસ્તક નેતાજીના તાઈપેઇ વિમાનમથકે થયેલા વિમાની અકસ્માતમાં થયેલા કહેવાતા મૃત્યુ વિશેનું છેઃ ‘જજમેંટ: નો એરક્રેશ, નો ડેથ’. હિન્દીમાં તેની એક નવલકથા પણ છે. જીવનની સંધ્યાના સમયે તેમણે બાલ-સાહિત્યનું લેખન કર્યું.
અમારા પત્રવ્યવહારમાં આમાંના કેટલાંક પુસ્તકોના ગુજરાતી અનુવાદની યોજના હતી. તેમનું વિશેષ ચરિત્ર લખાયું નથી. યુદ્ધ મોરચા પછી માનવતી પાંડેમાંથી આર્ય થયા. ઉત્તર પ્રદેશ પાછા ફરીને કાનપુરમાં નિવાસ પસંદ કર્યો. સુભાષબાબુના ફોરવર્ડ બ્લોક પક્ષની ત્યાં સક્રિયતા હતી, આજે ભલે તેનાં એકઠી વધુ ભાગલા પડ્યા હોય પણ કોંગ્રેસથી અલગ થયા ત્યારે ફોરવર્ડ બ્લોક બંગાળમાં મજબૂત પક્ષ ગણવામાં આવતો. સુભાષને કાબુલ થઈને રશિયા અફઘાનિસ્તાન માર્ગે છૂપા વેશે, જર્મની સુધી પહોંચાડવામાં આ પક્ષના કાર્યકર્તાઓએ મહત્વનું કામ કર્યું હતું. કાનપુરમાં બ્લોકના મહામંત્રી કૃષ્ણચંદ્ર આર્ય સાથે લગ્ન થયા. સુભાષ-પુત્રી ડો. અનીતા બોઝને મળ્યા. પછી નેતાજીનું જીવનચરિત્ર લખાયું.
શતાયુ થવામાં માંડ એક વર્ષની વાર હતી, ત્યારે 99 વર્ષે માનવતીએ ડિસેમ્બર 2019માં કાનપુરના પુત્ર-નિવાસ પત્રકારપૂરમાં અંતિમ શ્વાસ લીધા. સમજસેવી માનવતીએ પોતાનું ચક્ષુદાન, દેહદાન આપ્યા હતાં. તે હિંદીના લોકપ્રિય કવિ પણ હતાં. એક ભુલાયેલી વીરાંગના અને લેખિકા હવે માત્ર સ્મૃતિશેષ!


