રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

ડો. હરિ દેસાઇ Sunday 17th December 2017 07:31 EST
 
 

વિપક્ષી નેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીનું નામ આજેય ખૂબ આદરથી લેવાય છે. ૨૫ ડિસેમ્બર એમનો જન્મદિવસ. જન્મનું ચલણી વર્ષ છે ૧૯૨૪. જોકે, શાળામાં એમની જન્મતારીખ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાયેલી છે. છેક ૧૯૫૭થી લઈને આજ લગી રાજકારણમાં જ નહીં, સમાજકારણ અને સાહિત્ય સર્જનકારણમાં પણ અટલજી કે કવિ કૈદીરાયનું નામ પોતાનો આગવો પ્રભાવ પાડનારું રહ્યું છે. આજે એ લોકનજરથી ઓઝલ થવા જેવી નાજુક આરોગ્યથી સ્થિતિમાં હોવા છતાં સત્તા પક્ષ કે વિપક્ષ, દેશની પ્રજામાં કે વિદેશના લોકોમાં ભાવ સાથે, આદર સાથે, હૃદયના ઉમળકાથી જેમનું નામ લેવાય એવા અટલ બિહાર વાજપેયી ૧૯૫૭માં લોકસભે આવ્યા ત્યારથી સંસદનાં બેઉ ગૃહોમાં પોતાની અમીટ છાપ મૂકી ગયા છે. 

ભાષાની ગરિમા અને સંયમ, વિપક્ષ ભણીનો આદર અને અંગત સંબંધોના ઉદ્યાન ખીલવતા રહેલા અટલજી, કાશ્મીર કોકડાંની વાત હોય કે ઈશાન ભારતની સમસ્યાઓની, વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુથી લઈને પી. વી. નરસિંહ રાવ સહિતના હોય, અટલજી કાયમ સૌને યાદ આવે જ આવે. થવું હતું તો અધ્યાપક, પણ થઈ ગયા રાજનેતા. રાજનેતા કરતાં રાજપુરુષ વધુ ગણાય. રાજનેતા ચૂંટણીઓ જીતીને સત્તા સુધી પહોંચવાની ટૂંકી દૃષ્ટિ ધરાવતો હોય છે. રાજપુરુષ (સ્ટેટ્સમેન) તો ભાવિ પેઢીઓના ભવિષ્યને ઊજ્જવળ બનાવવાના ધખારા ધરાવતો હોય છે. સ્વના સ્વાર્થ વિનાનો.

કુર્સી પૂજા અને વ્યક્તિપૂજા ભાજપનું લક્ષ્ય નહોતું

‘હમારે સામને એક લક્ષ્ય હૈ, કેવલ કુર્સી કી લડાઈ નહીં હૈ...’, ૧૯૮૦માં મુંબઈના વાંદરા ખાતેના રેક્લેમેશનમાં ઊભાં કરાયેલા ‘સમતાનગર’માં ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું પ્રથમ અધિવેશન મળ્યું ત્યારે અટલજી એના પ્રથમ અધ્યક્ષ તરીકે, નેહરુ અને ઈંદિરા ગાંધીની સરકારમાં પ્રધાન અને મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહેલા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા (મર્ચેન્ટ - કચ્છી ગુજરાતી) સાથેના મંચ પરથી બોલી રહ્યા હતાઃ ‘અભી હમારે સાથી મુઝે લેકર નારે લગા રહે થે, આપ કે પ્રેમ કી મૈં કદ્ર કરતા હૂં. મગર હમેં વ્યક્તિપૂજા કો બઢાવા નહીં દેના હૈ. અંધેરા હૈ, ઘનીભૂત અંધકાર હૈ, હમ એક અંધેરી ગલી મેં ઘુસ રહે હૈ. પ્રકાશ-કિરણ દિખાઈ નહીં દેતી, મગર ઈસ અંધેરે કો ચીરને કે લિયે એક ચિનગારી સે કામ નહીં ચલેગા. હમ મેં હરેક કો અપની-અપની જગહ પર ચિનગારી બન જાના હૈ.’ મુંબઈમાં રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના હિંદી વિભાગના બાલ્ય-સંવાદદાતા તરીકે ‘ગાંધીવાદી સમાજવાદ’ને અપનાવતા અને પાછળથી ફગાવતા ભાજપના એ પાયાના પથ્થરોને નજીકથી નિહાળવાનો રોમાંચ કાંઈક અનેરો હતો. જસ્ટિસ ચાગલાએ ભાજપમાં ભારતનું ભવિષ્ય નિહાળીને નિર્લેપભાવે આશીર્વાદ આપવાનું પસંદ કર્યું હતું.

સ્વજનોના ઘા ઝીલ્યા છતાં વિવેક ના ચૂક્યા

અનેકવાર સ્વજનોનાં હળાહળ પચાવી જનારા અટલજી ક્યારેક ગુજરાત ભાજપમાં શંકરસિંહ ફેઈમ ખજૂરાહો કાંડના ગાળામાં ઘરની વાત ઘરમાં રાખવા આવ્યા હતા. સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવીને જનસંઘ અને ભાજપના આ પિતાતુલ્ય વ્યક્તિત્વને કેટલી હદની વ્યથા પહોંચાડી હતી એ તો કવિ કૈદીરાયની કવિતામાં જ પ્રગટ થઈ શકેઃ

‘કૌરવ કૌન
કૌન પાંડવ,
ટેઢા સવાલ હૈ
દોનોં ઓર શકુનિ
કા ફૈલા
કૂટ જાલ હૈ.’

‘અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હૂં’ની વ્યથા અનુભવતા અટલજીને સ્વજનો જ સૌથી વધુ ઘા અને છરકા કર્યાંનું ક્યારેક એ અંતરંગોને કહેવાનું ચૂકતા નથી. છતાં પ્રગટપણે એમણે ક્યારેક અવિવેક કર્યો હોય, અન્ય રાજકીય પક્ષના નેતાઓ માટે ય અવિવેકી ભાષા વાપરી હોય એવું ઉદાહરણ અડધી સદી કરતાં પણ લાંબી ચાલેલી એમની રાજકીય યાત્રામાં ભાગ્યે જ મળે છે. વડા પ્રધાન બન્યા પછી ય પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક ગણનાર અટલજી તત્કાલીન સરસંઘચાલક કુપહલ્લી સિતારામૈયા સુદર્શનને આવકારવા દરવાજે આવીને ઊભા રહે અને કહે પણ ખરા, ‘આપને મુઝે બુલા લિયા હોતા.’
ત્રણ-ત્રણ વાર ખોડંગાતી કેન્દ્ર સરકારના વડા પ્રધાન બન્યા, પણ એમના યુગમાં કોઈ સાંસદ કે પ્રધાન એલફેલ નિવેદનો કરે નહીં એની પૂરતી તકેદારી રાખે. હાર-જીતને સમભાવથી લેવાની પ્રકૃતિ કેળવનાર વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે જ નિહાળવાની પ્રકૃતિ ધરાવતા હતા. એટલે જ એમની ઊણપ કે ગેરહાજરી વર્તમાનમાં ય અનુભવાય છે.

ભારત જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ

અટલજીનું વ્યાખ્યાન સંસદમાં કે જાહેર સભામાં સાંભળવું એ લહાવો લેખાતો. અસ્ખલિત કાવ્યમય શૈલીમાં એ શ્રોતાગણને ડોલાવે એવું રસિક વ્યાખ્યાન આપતા રહેતા. પદ્યશૈલી પણ સાવ સરળ, ગાંધીજીના પેલા કોશિયાને ય સમજાય એવી અને સાથે જ રાષ્ટ્રજતન અને સમર્પણનો સંદેશ આપનારી. દા.ત.

ભારત જમીન કા ટુકડા નહીં, જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ,
હિમાલય ઈસકા મસ્તક હૈ, ગૌરીશંકર શિખા હૈ.
કશ્મીર કિરીટ હૈ, પંજાબ ઔર બંગાલ દો વિશાલ કંધે હૈ,
વિંધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ.
પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએં હૈ,
કન્યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર ઈસકે પગ પખારતા હૈ.
પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલ કેશ હૈ,
ચાંદ ઔર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ.
યહ વદન કી ભૂમિ હૈ, અભિનન્દન કી ભૂમિ હૈ,
યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ.
ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ,
હમ જિયેંગે તો ઈસ કે લિયે, મરેંગે તો ઈસ કે લિયે.

- આ કવિતા પણ અટલજીના જ એક ભાષણનો જ અંશ છે.

પદ, પૈસા અને પ્રતિષ્ઠા નહીં, આત્મસન્માન

વાજપેયી યુગમાં ક્યારેક ભાજપીનેતા પ્રમોદ મહાજને ઉત્તર પ્રદેશના ‘બાહુબલિ નેતા’ ડી. પી. યાદવને પક્ષમાં લીધા, પણ સાંજ પડતાં સુધીમાં તો એમને રુખસદ આપવી પડી હતી. થોડાક વખત પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા (હવે માર્ગદર્શક મંડળમાંના) ડો. મુરલી મનોહર જોશી સાથે વાત થઈ તો કહેઃ ‘હરિભાઈ, પરિવર્તન તો પ્રકૃતિ કા નિયમ હૈ.’ વાત તો સાચી, પણ વાજપેયીયુગનો નોસ્ટાલ્જિયા શેં વીસરાય?
ફરીને ભાજપના પ્રથમ અધિવેશનમાંના અટલજીના એ શબ્દો કાનમાં છેઃ ‘શિખર કી રાજનીતિ કે દિન લદ ગયે. જોડ-તોડ કી રાજનીતિ કા અબ કોઈ ભવિષ્ય નહીં રહા. પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ. જિન મેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે. હમ તો એક હાથ મેં ભારત કા સંવિધાન ઔર દૂસરે મેં સમતા કા નિશાન લેકર મૈદાન મેં જૂઝેંગે. હમ છત્રપતિ શિવાજી મહારાજ કે જીવન ઔર સંઘર્ષ સે પ્રેરણા લેંગે. સામાજિક સમતા કા બિગુલ બજાનેવાલે મહાત્મા ફૂલે હમારે પથદર્શક હોંગે. ભારત કે પશ્ચિમ ઘાટ કો મંડિત કરનેવાલે મહાસાગર કે કિનારે ખડે હોકર મેં યહ ભવિષ્યવાણી કરને કા સાહસ કરતા હૂં કિ અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા!’

આજના સત્તાધીશોને કવિ કૈદીરાયના કવિતાસ્વરૂપે હૃદયમાંથી પ્રગટેલા આ શબ્દોનું સ્મરણ કરવાનો કદાચ આજે વખત પણ ના હોય!

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૩ ડિસેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબ લિંકઃ ...................................)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter