તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ છે. એક વિશ્વવ્યાપી ધાર્મિક-સામાજિક સંસ્થાના સંત તરીકે હું એમના વિશે વિચારું છું ત્યારે એક વાત સ્પષ્ટ અનુભવાય છે કે age and challenge (ઉંમર અને પડકારો) એમના માટે ક્યારેય અવરોધ બન્યાં નથી.
મોદી સાહેબ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વડાપ્રધાન બન્યા અને એ વાતને પણ 11 વર્ષ થયાં એ દરમિયાન ઘણી વખત એમને મળવાનું થયું છે. છેલ્લી મુલાકાત ગયા મહિને (ઓગસ્ટ, 2025) દિલ્હીમાં યોજાઈ. આવી અનેક મુલાકાતમાંથી ચૂંટેલી, યાદગાર સ્મૃતિનું સ્મરણ...
‘1981માં અમે કેટલાક કિશોરો ઇંગ્લેન્ડથી બીએપીએસના આધ્યાત્મિક વડા પ્રમુખ સ્વામીના હસ્તે દીક્ષા લેવા ભારત આવેલા. એ સમયે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન થયેલું. અમે સાધક હતા. શ્વેત ધોતિયું-ઝભ્ભો ધારણ કરી જે સેવા આપવામાં આવે એ કરતા. 200 એકર ભૂમિ પર સર્જાયેલું મહોત્સવ નગર મહાનુભાવોને બતાવવાની સેવા મારા શિરે હતી. એક સાંજે સ્વરકાર અનુપ જલોટાની ભજનસંધ્યા હતી ત્યારે હું અનુપજીને સ્વામી પાસે લઈ ગયો. સ્વામીશ્રી સોફા પર અને એમની નજીક એક ખુરશીમાં અનુપજી બેઠા. હું ભોંય પર. મારી બાજુમાં જ પલાંઠી વાળીને ત્રીસેક વર્ષના યુવા નરેન્દ્રભાઈ બેઠેલા. એમણે મને પૂછ્યછયુંઃ ‘તમે દીક્ષા લેવાના છો?’ મેં હા પાડી. આ મેં મેળવેલી એમની પહેલી ઝલક.
અચાનક નરેન્દ્રભાઈનું ધ્યાન સ્વામીશ્રીના ચરણાવિંદ તરફ ગયું. સ્વામીશ્રી સોફા પર એમની લાક્ષણિક મુદ્રામાં એક પગ પલાંઠીની જેમ વાળી એની પર બીજો પગ ગોઠવીને બેઠેલા. નરેન્દ્રભાઈએ વાત કરતાં કરતાં એમનો જમણો પગ સહેજ વાંકો કર્યો અને પગના તળિયાની રેખા સ્વામીશ્રીની રેખા સાથે સરખાવી રહ્યા. ત્યાં સ્વામીશ્રીનું ધ્યાન જતાં એમણે તરત ધોતિયાથી પગ ઢાંકી દીધો. પછી મીઠું મલકતાં કહે: ‘આપણા બન્નેના પગની રેખા સરખી જ છે. સેવાની રેખા. છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની રેખા.'
આશરે 44 વર્ષ પહેલાંનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ આજે પણ અવારનવાર યાદ કરીને કહેઃ ‘છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની સ્વામીશ્રીની આજ્ઞા મેં શિર પર ચડાવી છે.’
આ પ્રસંગનાં બે અઠવાડિયાં બાદ અમને પાર્ષદી દીક્ષા મળી.
ત્યાર બાદનો પ્રસંગ 2000ની સાલનો દિલ્હી અક્ષરધામની ખાતવિધિનો છે. પ્રમુખ સ્વામી સ્ટેજ પર બિરાજમાન હતા. સામે જંગી મેદની હતી. અચાનક સ્વામીશ્રીએ મને બોલાવ્યોઃ ‘તને નરેન્દ્ર મોદી દેખાય છે?’
મેં સભામાં નજર કરતાં કહ્યુંઃ ‘ના સ્વામી, ખયાલ નથી આવતો.’
એમણે નિર્દેશ કરતાં કહ્યુંઃ ‘જો, દૂર બેઠા છે. સભાની પૂર્ણાહુતિ બાદ સૌ ખાતના ગર્તમાં (કુંડમાં) રૂપિયા-સિક્કા પધરાવશે. નરેન્દ્રભાઈ પાસે કંઈ નહીં હોય. જરા એની વ્યવસ્થા કરાવ.’
હું ધારું છું, તે વખતે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પક્ષના જનરલ સેક્રેટરી હશે. ભીડમાં માર્ગ કરતો હું એમની પાસે ગયો, એક ભક્તને નરેન્દ્રભાઇને થોડું પરચૂરણ આપવા વિનંતી કરી, કહ્યું: ‘સ્વામીએ કહ્યું છે. કદાચ તમારા ખિસ્સામાં પૈસા ન હોય એટલે...’
પરચૂરણ હથેળીમાં લેતાં એ ગળગળા થઈ ગયા: ‘આટલી મોટી સંસ્થાના આધ્યાત્મિક વડા સ્ટેજ પરથી મને શોધી કાઢે, આવી વ્યવસ્થા કરાવે એ અકલ્પનીય છે.’
આ પ્રસંગના એક વર્ષ બાદ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાનપદે આવ્યા. એ રીતે જોઈએ તો, આયુષ્યનાં પંચોતેર વર્ષ સાથે જ સક્રિય રાજકારણમાં એમને પચ્ચીસ વર્ષ થયાં ગણાય.
2006માં ગાંધીનગર નજીક આવેલા રાયસણ ગામમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર સંકુલનું ઉદ્ઘાટન કરવા એ આવેલા. હકીકતમાં તો એમનું જ સૂચન હતું કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવું એક સરસ વિદ્યા સંકુલ બનાવવું.
ઉદ્ઘાટનસભા બાદ સંકુલમાં જ આવેલા નર્સરી બિલ્ડિંગની મુલાકાત લેવાની હતી. ગાડીમાં પ્રમુખ સ્વામી, મોદી સાહેબ, હું, ઈશ્વરચરણ સ્વામી હતા. બિલ્ડિંગના પ્રવેશદ્વાર પાસે કાર થોભી. ડ્રાઈવર બહાર નીકળતાં જ એકાંતની પળમાં મોદી સાહેબે પ્રમુખ સ્વામીના હાથનો હળવેકથી સ્પર્શ કરતાં કહ્યું: ‘આ રોજબરોજના પ્રશ્નો, ખોટા આક્ષેપો, એ વિશેના સમાચારો વાંચીને ક્યારેક થાય છે કે બધું છોડીને સંન્યાસ લઈ લઉં.’ તે વખતે સ્વામીશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો. કહે: ‘સારું કામ કરવામાં ક્યારેય થાકવું નહીં. સારું કામ કરવામાં ક્યારેય હારવું નહીં. સારું કામ ક્યારેય મૂકવું નહીં.’
સાંભળીને નરેન્દ્રભાઈ કહેઃ ‘સ્વામી, આ વાત હું છેલ્લા શ્વાસ સુધી યાદ રાખીશ.’
પ્રાઈમ મિનિસ્ટર બન્યા પછી પણ આ પ્રસંગ નરેન્દ્રભાઈ યાદ કરતાં કહેઃ ‘એ વાત મારા માટે સિદ્ધાંતરૂપ બની ગઈ.’
2017માં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલ દિલ્હી અક્ષરધામની મુલાકાતે આવેલા. સાથે મોદીજી પણ હતા. અમે વાતો કરતાં કરતાં મુખ્ય ગર્ભગૃહમાં પહોંચ્યા. બન્ને દિગ્ગજ નેતાએ સ્વામિનારાયણની મૂર્તિનાં દર્શન કર્યાં. આ અવસરે મેં ખાતવિધિ વખતનો પ્રસંગ માલ્કમ ટર્નબુલને કહીને ઉમેર્યું: ‘અત્યારે આપણે આ મનોહારી કલ્ચરલ કોમ્પ્લેક્સના પાયા પર ઊભા છીએ. પાયા નંખાતા હતા ત્યારે મિસ્ટર મોદી પાસે નયો પૈસો નહોતો, જે એમની સત્યનિષ્ઠા બતાવે છે. આજે એ ભારતના વડા પ્રધાન તરીકે અહીં ઉપસ્થિત છે.’
અહીં ઉમેરો કરું કે માલ્કમ ટર્નબુલ અબજોની સંપત્તિના માલિક, ધનાઢ્ય રાજકારણી હતા. મારે એ કહેવું હતું કે વિશ્વના સૌથી ધનવાન અને કોઈ સંપત્તિ-મિલકત ન ધરાવતા વડા પ્રધાન એકસાથે અહીં ઊભા છે. માલ્કમ ટર્નબુલ કહેઃ ‘ભલે મિસ્ટર મોદી પાસે કંઈ નથી, પણ આજે બધાને એમના જેવા બનવું છે, કારણ કે એ કરોડો લોકોના પ્રેમ અને સાથ કમાયા છે.’
હા, નરેન્દ્રભાઈ પ્રજાની વચ્ચે ગયા છે, અથાક પરિશ્રમ, કુશાગ્ર બુદ્ધિથી એ આ સ્થાને પહોંચ્યા છે. રોજના 18-18, 20-20 કલાક કામ કરે છે, દરેક કામનું જાતે ફોલોઅપ લે છે. આ અનુસંધાનમાં એક પ્રસંગ સાંભરે છે. યુક્રેન-રશિયા વોર શરૂ થઈ તે વખતે હું અબુ ધાબી હતો. લગભગ રાતના અગિયાર વાગ્યે એમનો ફોન આવ્યો. ભારતમાં તે વખતે રાતના સાડા બારનો સમય હતો. મોદી સાહેબ કહેઃ ‘અત્યારે અમે કેન્દ્રીય પ્રધાનો, અધિકારીઓ સાથે મીટિંગ યોજી રહ્યા છીએ.’ ફોનમાં તેમણે મને બહુ જ નમ્રભાવે વિનંતી કરી કેઃ ‘યુદ્ધમાં ફસાયેલા સ્ટુડન્ટ્સ માટે તમે ત્યાં રિલીફ કેમ્પ શરૂ કરો, જ્યાં આપણા કે બીજા દેશોના વિદ્યાર્થીઓને આશ્રય મળે.’
- અને સવારના છ વાગ્યા સુધીમાં ગુરુહરિ મહંત સ્વામીના આશીર્વાદથી બીએપીએસની રાહતછાવણી પોલેન્ડ સરહદની નજીકના ઝેસ્ઝોવ ગામમાં શરૂ થઈ ગઈ, જ્યાં ભારતીય ઉપરાંત પાકિસ્તાની, શ્રીલંકન તથા અન્ય દેશોના સ્ટુડન્ટ્સની રહેવાની, નાસ્તો-ભોજનની તથા સુરક્ષિત પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી. જરા વિચાર કરો: રાતના સાડા બાર વાગ્યે મોદી સાહેબ વિદ્યાર્થીઓ માટે જાગતા હોય, મીટિંગ લેતા હોયઃ સારા કામમાં થાકવું નહીં.
જો કોઈ મને રાજદ્વારી અને વ્યક્તિ નરેન્દ્ર મોદીનો ટુંકો પરિચય આપવા કહે તો એ આવો હોય: એવા વિશ્વનેતા, જે વિશ્વને પ્રેરણા આપે છે અને એમના જેવા બનવાની ઈચ્છા અન્ય નેતાઓ રાખે છે. એવા નેતા, જેમના હૃદયનો પ્રત્યેક ધબકાર વિશ્વની સુસંવાદિતા માટે ધબકે છે. A leader who is making India great by helping to make the world great - એવા નેતા, જે વિશ્વને મહાન બનાવીને ભારતને મહાન બનાવી રહ્યા છે. એવી વ્યક્તિ, જેનું એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર છે.
નરેન્દ્ર મોદી એટલે A great friend with shoulders of steel, a head of silver and a heart of gold - પોલાદી ખભા, ચાંદી જેવું ચમકતું મસ્તક અને સોનાનું હૃદય ધરાવતા સાચા મિત્ર.
એવી વ્યક્તિ, જે ક્યારેય હારે નહીં, ક્યારેય થાકે નહીં, ક્યારેય સત્યથી પીછેહઠ ન કરે.
નવા વિચારને પળવારમાં સમજી ઝડપથી એનું વિશ્લેષણ કરી અમલમાં મૂકતા દીર્ઘદૃષ્ટા. એમની સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડાં છે, એટલી જ ઊંડી છે એમની રાષ્ટ્રભાવના અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા. (સૌજન્યઃ ‘ચિત્રલેખા’)


