આ બધાંનો પરસ્પર સંબંધ છે. વિજયાદશમીએ જન્મ્યા હતા, જયપ્રકાશ નારાયણ. બિહારનું સંતાન અને છેલ્લો પડાવ પણ બિહારનો. પહેલા માર્કસવાદનું આકર્ષણ, પછી ગાંધીજીની સાથે, કોંગ્રેસમાં સમાજવાદી દળની સ્થાપના, આઝાદી પછી પ્રજા સમજવાદના નેતા, ત્યાંથી વળી વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં અને છેવટનો વિરામ એટલે આંતરિક કટોકટી. પ્રિ-સેન્સરશીપ સામેની લડાવ, સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન અને દેશમાં પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા પક્ષની વિજયી સરકાર. પણ, થોભો, છેલ્લે અંતિમ દિવસોમાં તેમણે પોતાના હાથે જેને રાજઘાટ પર પ્રતિજ્ઞા લેવડાવી હતી તે કેન્દ્ર સરકારમાં કોનું વર્ચસ્વ રહે, કોણ વડાપ્રધાન બને તેનો સંઘર્ષ પણ જોયો અને વિદાય લીધી.
સીતા બદીયારા ગામમાં તેમનો જન્મ, અને પટણાના સદાક્ત આશ્રમમાં અવસાન. પત્ની પ્રભાવતી દેવી તો ઘણા સમય પૂર્વે ગાંધીજીના અંતેવાસી બન્યા હતા. ગાંધીજીએ કહ્યું એટલે પતિ-પત્નીએ બ્રહ્મચર્ય પાળ્યું હતું, અને ઘણા વહેલા પ્રભાવતી યે ગુજરી ગયા. જાનકીને જેપીએ પોતાની પુત્રી માની હતી તે અંતિમ સમય સુધી સાથે રહીને સુશ્રુષા કરી હતી.
જેપીના નસીબે કેવા અને કેટલા આઘાતો આવ્યા, તેની ગણતરી કરવા જેવી છે. જે પરિવારમાં જયપ્રકાશ અત્યંત નજીકના ગણાતા, તે નેહરુ પરિવારની ‘ઇન્દુ’ ઇન્દિરા ગાંધીની સામે 1974થી મોરચો ખોલ્યો. શરૂઆત બિહાર સરકારની ભ્રષ્ટાચારી ગતિવિધિ સામે આંદોલનથી કરી, ગુજરાતમાં નવનિર્માણના યુવકોને આશીર્વાદ આપ્યા, એ કોંગ્રેસનાં કોઈ સમયે નેતા હતા. 1942ની ચળવળના બે નાયક - જયપ્રકાશ અને ડો. રામ મનોહર લોહિયા, બંને જેલમાંથી નાસી છૂટયા હતા.
42ની ચળવળથી નિરાશ જેપી તો બર્મામાં રચાયેલી આઝાદ હિન્દ ફૌજને સમર્થન આપવા નેતાજી સુભાષચંદ્ર બોઝને મળવા ઇચ્છતા હતા. નેહરુ પરિવારના ઇન્દિરા ગાંધીએ તેમને અસ્થિરતા પેદા કરનારા નેતા કહ્યા, જેલમાં પૂર્યા. જેલમાં તબિયત અત્યંત ખરાબ થઈ ત્યારે પે-રોલ પર છોડયા. મુંબઈની જશલોક હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે દાખલ કર્યા અને તેમની સારવાર માટે ફંડ એકત્રિત કરવું પડ્યું હતું. વડાપ્રધાનની રકમ સવિનય પાછી વાળી.
જેપીના શિષ્યો જેમને ગણવામાં આવ્યા તેમાં લાલુ પ્રસાદ યાદવ પણ હતા! આજે પણ તેનો પક્ષ જેપીના આદર્શને માટે લડે છે એવું ભાષણોમાં કહે છે. જેપીએ નિર્દેશેલી સંપૂર્ણ ક્રાંતિ અને લોકસમિતિ ક્યાંય દેખાતી નથી, તેનું ચિંતન જરૂર થાય છે. છતાં જેપી વીસમી-એકવીસમી સદીના લોકતંત્ર બચાવના મસીહા તો હતા જ, દિલ્હીમાં પાર્લામેન્ટના પરિસરમાં ક્યાંક આદમકદ પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ એવું નથી લાગતું?
મહાપુરુષોની એક વિચિત્ર નિયતિ હોય છે. કવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે મહાપુરુષને તેના અનુગામીઓ એવી રીતે ઉપદેશને અનુસરે છે કે મહાપુરુષની સ્મૃતિ વિનષ્ટ થઈ જાય! આ સત્ય જેટલું ગાંધીજીને લાગુ પડે છે એટલું જ જેપીને પણ નડે છે, ડોક્ટર લોહિયાનું યે તેવું નસીબ રહ્યું છે. કોંગ્રેસ આવી ગતિવિધિમાં સૌથી આગળ છે.
વિજયાદશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયાં. 1925ની વિજયાદશમીએ થોડાક લોકો નાગપુરમાં ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’માં એકત્રિત થયા અને સંઘના બીજ રોપાયા. તેઓ આરએસએસના પ્રથમ સરસંઘચાલક. અત્યારે દેશ-વિદેશમાં 55,000 દૈનિક શાખા ચાલે છે, તેમાં દરેક શાખામાં 50 કે તેથી વધુ સ્વયંસેવકો હોય છે. તે મુજબ ગણતરી કરવામાં આવે તો તેમાં રોજ 50 લાખ સ્વયંસેવકો ભગવા ધ્વજને પ્રણામ કરે છે, રમતગમત ચાલે છે, ઇતિહાસની ચર્ચા થાય છે, દેશ અને સમાજના ગીતો ગવાય છે, લાઠીપ્રહારની રમત ચાલે છે, ઘોષનો શિસ્ત સાથે પ્રયોગ થાય છે, અંતે પ્રાર્થના ગવાય છે, ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે...’ હા, તેમાં હિન્દુભૂમે શબ્દ જરૂર આવે છે, અને તે કંઈ આજકાલનું નથી. 1925થી અવિરત છે. આ સંઘની પોતાની ભાષા છે, નીચેથી ઉપર સુધી. બધી લગભગ સંસ્કૃતમાં છે. સંઘમાં જાઓ તો જ તમને સ્વયંસેવક, સંઘ-પ્રતિજ્ઞા, ગણવેશ, બેઠક, બૌદ્ધિક શિબિર, પ્રશિક્ષણ વર્ગ, નિત્યા કાર્યક્રમ, નૈમિત્તિક કાર્યક્રમ, શાખા કાર્યવાહ, મુખ્ય શિક્ષક, ગણ શિક્ષક, ગટનાયક, સર સંઘચાલક, સર કાર્યવાહ, શારીરિક પ્રમુખ વગેરે શબ્દ સાંભળવા મળે. તે બધાં અનુશાસન (શિસ્ત)ને આકાર આપે છે.
સંઘ સાથે જોડાયેલો એક શબ્દ છે, પ્રચારક. સામાન્ય રીતે તો તેનો અર્થ પ્રચાર, પ્રોપેગેન્ડા કરનાર વ્યક્તિ થાય. પણ સંઘ-પ્રચારક સ્વાતંત્ર્ય જંગના ક્રાંતિકારી જેવો છે. મોટેભાગે તે ઘરબાર-સ્વજનોને છોડીને આવે છે, સ્વયંસેવકના સંસ્કાર અને પરિવારોમાં સ્વજન બની જાય છે. તેને સોંપવામાં આવેલી કામગીરી બજાવે છે, અને માત્ર આવશ્યકતા હોય એટલો જ ખર્ચ કરે છે. અત્યારે તેના 6000થી વધુ પ્રચારકો છે. અહીં નેટવર્ક છે, પિરામિડ નથી. ભલે એમ કહેવામાં આવતું હોય કે બધું નાગપુરના મુખ્ય કાર્યાલયથી નક્કી થાય છે. 2020માં જે અહેવાલ આવ્યો તે પ્રમાણે 1.75 લાખ પ્રકલ્પ ચાલે છે. તમામ વર્ગને જોડતા આ પ્રકલ્પો છે. વનવાસી પ્રકલ્પોથી માંડીને અનેક તેમાં આવી જાય છે.
શાખામાં શું શીખવાડવામાં આવે છે? કેટલાકે તેને ગુપ્ત તાલીમનું સ્થાન કહ્યું હતું, કેટલાક એવા આક્ષેપને વળગી રહ્યા છે કે ત્યાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે ધિક્કાર ફેલાવવામાં આવે છે. વાત તેનાથી જુદી છે, અને તે વર્ધા શિબિરમાં આવેલા ગાંધીજીથી માંડીને જયપ્રકાશ નારાયણ, સી. રાજગોપાલચારી, કે. સુબ્બારાવ, જનરલ માણેકશા, જનરલ કરિયાપ્પા, લેફટનન્ટ જનરલ એસ.કે. સિંહા, ન્યાયમૂર્તિ એમ.સી. ચાગલા, રાજેન્દ્ર પ્રસાદ, પુરુષોત્તમદાસ ટંડન, મદન મોહન માલવિયા, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, મોરારજીભાઇ દેસાઇ, પ્રણવ મુખર્જી... વગેરે અનેકની સંઘ-મુલાકાતો દર્શાવે છે. મુખ્ય નામ સરદાર વલ્લભભાઇનું આવે છે.
સરદાર વલ્લભભાઇના કેટલાક પત્રોનો ગલત સંદર્ભ લઈને કહેનારો એક વર્ગ છે કે તેઓ સંઘના વિરોધી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરસંઘચાલક શ્રી ગુરુજી ગોલવલકર સહિત અનેક હોદ્દેદારોને પકડવામાં આવ્યા. સરદાર પાસે ગૃહખાતું હતું. તેમણે પોલીસ વડા સંજીવના નેતૃત્વમાં એક તપાસ સમિતિ નિયુક્ત કરી. ગાંધી-હત્યા પછી એક જ સપ્તાહમાં આ સમિતિ નિયુક્ત થઈ હતી. 17 દિવસોમાં તેણે તપાસ પૂરી કરી, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે આ હત્યામાં આરએસએસનો કોઈ જ હાથ નથી. મુકદ્દમામાં પણ સાવરકર અને સંઘને આરોપોથી મુક્ત જાહેર કરવામાં આવ્યા.
27 ફેબ્રુઆરીએ, 1948ના ગૃહપ્રધાન તરીકે સરદારે વડાપ્રધાન જવાહરલાલને પત્ર લખીને આ અહેવાલ જણાવ્યો, પણ જવાહરલાલ ડાબેરી પૂર્વગ્રહોના કેદી હતા. સંઘ પર પ્રતિબંધ લગાવ્યો. સ્વયંસેવકોનો સત્યાગ્રહ શરૂ થયો. એકનાથ રાનડે (જેમને કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલા સ્મારકનું પછીના વર્ષોમાં નિર્માણ કર્યું) ત્યારે સરકાર અને સંઘ વચ્ચે વિમર્શની જવાબદારી હતી. સરદારે તેમને કહ્યું કે સંઘે કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ.
છેવટે પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો. 1962ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન પ્રજાસત્તાક દિવસની પેરેડમાં નેહરુજીએ સંઘના સ્વયંસેવકોને સામેલ કર્યા હતા! 1965ના પાકિસ્તાન યુદ્ધ સમયે લાલબહાદુર શાસ્ત્રીએ શ્રી ગુરુજીને બોલાવીને વિમર્શ કર્યો હતો.
2025માં સંઘની શતાબ્દી સમયે કેન્દ્ર અને બીજા રાજ્યોમાં સરકારોના હોદ્દેદારોમાં સંઘના પૂર્વ પ્રચારકો પણ છે! ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારક હતા. સ્વયંસેવકો અને સમર્થકોની સંખ્યા વધી છે. તેનો ભાવિ આયોજનનો રસ્તો આ વર્ષથી ખૂલી ગયો છે. વિજયાદશમીનું પર્વ આ વખતે કહેશે, ‘હેપ્પી બર્થ ડે... નહિ તો જન્મદિવસની શુભેચ્છા!’