લક્ષદ્વીપ: ૫૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સનો આંતરરાષ્ટ્રીય રૂટ

દેવેન્દ્ર પટેલ Tuesday 08th June 2021 10:54 EDT
 
 

ભારતના પ્રવાસીઓ વેકેશન ગાળવા માલદિવ્સ કે મોરેશિયસ જવાનું પસંદ કરે છે પરંતુ કમનસીબી એ છે કે તેઓ લક્ષદ્વીપ જવાનું પસંદ કરતા નથી. માલદિવ્સ અને મોરેશિયસ અલગ રાષ્ટ્ર છે પરંતુ લક્ષદ્વીપ ભારતનો જ એક હિસ્સો છે. એથીયે વધુ આશ્ચર્યની વાત એ છે કે માલદિવ્સ કરતાં લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા બેનમૂન છે.
ભારતના દક્ષિણ અરબી સમુદ્રમાં કેન્દ્રશાસિત લક્ષદ્વીપ ૩૬ જેટલા વિભિન્ન ટાપુઓનો સમુદ્ર છે, જે પૈકી માત્ર ૧૦ ટાપુઓ પર જ માનવવસતી છે. સમુદ્રથી ઘેરાયેલા આ દ્વીપસમુદ્ર પર ૧૦ લાખ જેટલા નાળિયેરીના વૃક્ષો છે. લક્ષદ્વીપ ટાપુઓ પરની વસતી માત્ર ૬૫ હજારથી ૭૦ હજાર લોકોની છે. ૩૬.૬૨ ચોરસ કિલોમીટરનો એનો ભૌગોલિક વિસ્તાર છે. અહીં મોટેભાગે મલયાલમ અને અંગ્રેજી ભાષા બોલાય છે. લોકો ગરીબ છે, પરંતુ સાક્ષરતા દર ૯૧.૮૫ ટકા છે.
લક્ષદ્વીપનો અર્થ છે એક લાખ દ્વીપ. ભારતનો આ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે જેની રાજધાનીનું નામ કવસ્તી છે, અરબી સમુદ્રમાં આવેલો આ દ્વીપ સમૂહ કેરળના કોચી શહેરથી ૨૨૦થી ૪૪૦ કિલોમીટર દૂર છે. અહીં એક નાનકડી હવાઈપટ્ટી છે જ્યાં મોટાં વિમાનો ઊતરી શકતાં નથી. અલબત્ત, હેલિકોપ્ટર કે નાના વિમાન દ્વારા અહીંથી માલદિવ્સ માત્ર ૧૩થી ૧૪ મિનિટના અંતરે આવેલું છે. આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના સાત દાયકા બાદ પણ લક્ષદ્વીપમાં પોતાનું કોઈ વીજમથક નથી. ડીઝલના જનરેટરથી વીજળી પેદા કરી લોકોને પહોંચાડવામાં આવે છે. ડીઝલથી પેદા થતી વીજળી પ્રતિ યુનિટે રૂ. ૩૬ ખર્ચ આવે છે અને લોકોને પ્રતિ યુનિટ બે રૂપિયાના ભાવે અપાય છે. આ રીતે અંધકારયુગમાં જીવતા લક્ષદ્વીપ પર પાછલી સરકારોએ કોઈ જ ધ્યાન આપ્યું નથી.
દસકાઓથી ઉપેક્ષિત દ્વીપ બન્યો છે
ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો
અહીં ૧૦ લાખ જેટલા નાળિયેરીનાં ઝાડ હોવા છતાં તેને ઉતારીને વેચવાનું કે પ્રોસેસિંગ કરવાની ટેક્નોલોજી કે પ્રબંધ છે જ નહીં. અહીંના સમુદ્રમાં ટૂના નામની માછલી ભરપુર માત્રામાં ઉપલબ્ધ છે. પ્રતિવર્ષ ૨૫,૦૦૦ મેટ્રિક ટન માછલી પકડવામાં આવે છે જેમાંથી ૯૨ ટકા માછલી ટૂના માછલી છે, પરંતુ અહીં બરફ અને ફિશ પ્રોસેસિંગની વ્યવસ્થા ના હોવાના કારણે માછીમારોને ઉચિત મૂલ્ય મળતું નથી. અહીં રહેવાલાયક કોઈ હોટલ કે રેસ્ટોરાં જ પણ નથી. ભારતના જ સહેલાણીઓ લક્ષદ્વીપ આવવાના બદલે અહીંથી ૧૩ જ મિનિટના હવાઈઅંતરે આવેલા માલદિવ્સ જાય છે.
લક્ષદ્વીપમાં ૯૭ ટકા મુસ્લિમોની વસતી છે. ચોંકાવનારી વાત એ છે કે લક્ષદ્વીપમાં શરાબબંધી હોવાના કારણે ગેરકાયદે દારૂનો ધંધો બેફામ વિકસ્યો છે. એથી યે વધુ ચોંકાવનારી વાત એ છે કે લક્ષદ્વીપ ગાંજો અને ડ્રગ્સની હેરાફેરીનો મોટો રૂટ અને છુપો અડ્ડો બનતું જાય છે. કેટલાંક સમય પહેલાં રૂ. ૩,૦૦૦ કરોડના હેરોઇન, પાંચ એ.કે. ૪૭ રાઇફલ્સ અને ૧,૦૦૦ જેટલાં જીવતા કારતૂસ ભારતીય કોસ્ટ ગાર્ડે પકડયા હતા. ભારતના કોસ્ટગાર્ડ જહાજોએ અને તેમના વિમાનોએ શ્રીલંકાના દરિયાઈ જહાજોને આંતરીને ડ્રગ્સની હેરાફેરી કરનારાને રંગેહાથ પકડી લીધા હતા. નવેમ્બર ૨૦૦૦ના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડે બીજી એક શ્રીલંકાની બોટને આંતરીને રૂ. ૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ અને ગન્સ ઝડપી લીધા હતા.
પાછલા ૭૩ વર્ષથી ઉપેક્ષિત લક્ષદ્વીપ પર ચીનનો પણ ડોળો છે. એક સત્તાવાર આંકડા પ્રમાણે નવેમ્બર ૨૦૨૦થી તા. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અહીંના દરિયામાંથી જે ડ્રગ્સ પકડાયું તેની કુલ કિંમત રૂ. ૫,૦૦૦ કરોડ થવા પામે છે. ચીને શ્રીલંકાના એક પોર્ટનો વહીવટ સંભાળી લીધો છે. જે ભારત માટે ચિંતાજનક છે. હવે વિચારો કે લક્ષદ્વીપનું કુલ બજેટ માત્ર રૂ. ૧,૩૪૯.૭૧ કરોડનું છે તે કરતાં પકડાયેલા ડ્રગ્સની કિંમત અનેકગણી વધારે છે. કુદરતે જે દ્વીપ સમુદ્રને સૌથી વધુ સૌંદર્ય બક્ષ્યું છે તેની ભીતર આવાં ડાર્ક સિક્રેટસ રહેલાં છે. આ ટાપુ પર રહેતા લોકો ગરીબ છે અને કેરળ કે તામિલનાડુના કેટલાક માફિયાઓ ગેરકાયદે દારૂ વેચીને તથા ડ્રગ્સની હેરાફેરી દ્વારા કમાય છે તેવો આક્ષેપ છે.
દ્વીપનો દુરુપયોગ કરી રહેલા તત્વો પર
કસાઇ રહ્યાો છે કાયદાનો સકંજો
આવા સુંદર દ્વીપસમુહ પરનાં કાળાં ધબ્બા દૂર કરી એ ટાપુને ભારતના સહેલાણીઓની પસંદગીનું સ્થળ બનાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આટલા વર્ષ બાદ પહેલી જ વાર ક્વાયત હાથ ધરી તો સૌથી પહેલાં લક્ષદ્વીપના એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલ વિચલિત થઈ ગયા.
લક્ષદ્વીપના ૩૬ ટાપુ પૈકી માત્ર દસ ટાપુ પર માનવવસતી છે તો બાકીના ૨૬ ટાપુ પર શું પ્રવૃત્તિ ચાલે છે તેની પર ભારત સરકારની નજર રહેવી જ જોઈએ. લક્ષદ્વીપને ડ્રગ્સ અને ગન્સની હેરાફેરીનો ઇન્ટરનેશનલ રૂટ બનવા ના દઈ શકાય. એ વાતની તપાસ કરવી જરૂરી છે કે લક્ષદ્વીપમાં બીફ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ કોનો છે? લક્ષદ્વીપમાં ગેરકાનૂની દારૂ સપ્લાય કોણ કરે છે? લક્ષદ્વીપમાં ૪૦ ટકા લોકો દારૂ પીવે છે. એ દારૂ ક્યાંથી આવે છે? લક્ષદ્વીપનું ટોટલ બજેટ રૂ. ૧,૩૦૦ કરોડનું છે જેમાંથી મોટાભાગની રકમ તો લક્ષદ્વીપમાં કામ કરતાં કોન્ટ્રાક્ટચ્યુઅલ કર્મચારીઓના પગારમાં જ ખર્ચાઈ જાય છે.
આ બધા સ્થાપિત હિતોને મોદી સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નવા કડક કાનૂનો અને લક્ષદ્વીપની નવી વિકાસ યોજનાઓ સામે વિરોધ છે. અપરાધીઓને પકડવા માટે આવી રહેલા ‘પાસા’ જેવા કાનૂનનો વિરોધ તે લોકો કરે છે જેમને તેમની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં રસ છે. ગુજરાતમાં પણ ‘પાસા’ જેવો કાનૂન છે અને બેથી વધુ બાળકોવાળાં ચૂંટણી ના લડી શકે તેવો કાનૂન ગુજરાતમાં પણ છે તો લક્ષદ્વીપમાં જ વિરોધ કેમ?
પ્રજાના નામે થતાં વિરોધમાં લક્ષદ્વીપના જ નહીં,
કેરળ સહિત બીજા રાજ્યોના સ્થાપિત હિતો સામેલ
લક્ષદ્વીપને માલદિવ્સ જેવો ટૂરિસ્ટ દેશ બનાવવાના પ્રયાસ રૂપે અહીંના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલનો જે લોકો વિરોધ કરે છે તે લોકો લક્ષદ્વીપના નહીં પણ કેરળ અને બીજા રાજ્યોના સ્થાપિત હિતો છે. હકીકત તો એ છે કે આ બધા પ્રફુલ પટેલના નામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે.
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત હોવાથી તેના પ્રશાસક પણ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના મુખ્ય પ્રશાસક પ્રફુલ પટેલ છે. પ્રફુલ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા લક્ષદ્વીપના વિકાસ માટે હાથ ધરાયેલી યોજનાઓનો સખ્તાઈથી અમલ કરવા તેઓ કટિબદ્ધ છે. મોદી સરકારે લક્ષદ્વીપના વિકાસ માટે અને ડ્રગ્સ તથા ગેરકાયદે શરાબના ધંધાથી લક્ષદ્વીપને મુક્ત કરવા જે અભિયાન હાથ ધર્યું છે તે સમજવા જેવું છે.
લક્ષદ્વીપ હવે જ્યારે ડ્રગ્સ માફિયાઓનો અને ગેરકાયદે બંદૂકોની હેરાફેરીનો રૂટ બની ગયું છે ત્યારે આ અપરાધીઓને પકડવા પ્રશાસને જાહેર કરેલા નવા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં હવે ગુજરાતના ‘પાસા’ જેવો જ ગુંડાધારો લાગુ થશે. પ્રશાસન અહીં પર્યટન સ્થળો પર જ દારૂબંધી દૂર કરીને ગેરકાયદે દારૂ વેચનારાઓને અને શસ્ત્રોના તથા ડ્રગ્સના માફિયાઓને પોસ્કો કાનૂન હેઠળ પકડવા માગે છે. આ ગુંડાઓને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો એક દિવસ લક્ષદ્વીપ જમ્મુ અને કાશ્મીરની જેમ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓનો અડ્ડો બની જશે. તેથી આ સખ્ત કાનૂનની અહીં જરૂર છે.
પ્રશાસને બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાંથી બીફ એટલે કે ગાયના માંસને બાકાત કરી દીધું છે. પરંતુ આ તો દેશના મોટાભાગના રાજ્યોમાં જે ગૌસંરક્ષણ કાનૂન છે અને ગૌહત્યા કે ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે તે કાનૂનને જ હવે અહીં લાગુ કરવામાં આવ્યો છે. માછલી કે ઈંડાં પીરસવા પર કોઈ જ રોક નથી. આ રીતે જે ચાર પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકી એક પ્રસ્તાવ ગાય કે ગાયના વાછરડા, કે બળદના વધ પર પ્રતિબંધ આવી રહ્યો છે તેમાં ખોટું શું છે?
કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ આ તમામ પ્રસ્તાવનો અમલ કરાવવાના આગ્રહી છે. આ પ્રસ્તાવોને કોઈ ધર્મ સાથે જોડીને કેરળની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના રાજકારણીઓ અને સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવતો ભ્રામક પ્રચાર લક્ષદ્વીપને જમ્મુ-કાશ્મીરની જેમ આતંકવાદનો અડ્ડો બનાવવા તરફ લઈ જશે.
સૌંદર્યથી હર્યાભર્યા પ્રદેશમાં હાથ ધરાયા છે
સુનિયોજિત વિકાસકાર્યો
લક્ષદ્વીપ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આઝાદીના ૭૩ વર્ષ બાદ પણ અહીં વિકાસ માટે કોઈ કદમ ઉઠાવવામાં આવ્યા નથી. હવે પ્રશાસને લક્ષદ્વીપના સુનિયોજિત વિકાસ માટે એક મજબૂત પાયો નાખવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
દા.ત. આજે લક્ષદ્વીપ એક બેહદ સુંદર પ્રદેશ હોવા છતાં પર્યટકો માટે અહીં મૂળભૂત સુવિધાઓ જ નથી. આ કારણથી નીતિ આયોગના સહયોગથી અહીંના મિનિકોય અને સુહેલી ટાપુઓ પર ઇકો ફ્રેન્ડલી ટૂરિઝમ, વોટરવિલા પ્રોજેક્ટસ માલદિવ્સની તર્જ પર વિક્સિત કરવામાં આવી રહ્યા છે. આના લીધે પર્યટકોને રહેવાની અને મનોરંજનની સુવિધા મળશે. પર્યટન સ્થળો પર દારૂ મળશે.
આ રીતે અહીંના અગાતી એરપોર્ટની પટ્ટી નાની હોવાથી આંતરરાષ્ટ્રીય વિમાનો ઊતરી શકતા નથી અને આંતરરાષ્ટ્રીય પર્યટકો આવતા નથી. આ કારણથી અહીંના અગાતી એરપોર્ટના રનવેને મોટો કરવાની પ્રક્રિયા ભારત સરકારના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
એ જ રીતે ઇન્ટરનેટની કનેક્ટિવિટી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૧,૦૭૨ કરોડના ખર્ચે સબમરીન ઓપ્ટિકલ ફાઇબર યોજના શરૂ કરી છે. જે ૨૦૨૩-૨૪માં પૂરી થઈ જશે. આ સુવિધાના લીધે ઓનલાઇન એજ્યુકેશન પણ શક્ય બનશે. અહીંના કવસ્તી ખાતેના હેલિપેડને નાઇટ લેન્ડિંગથી સુવિધા પણ આપવામાં આવશે એટલું જ નહીં કવસ્તીને સ્માર્ટ સિટીમાં સામેલ કરવામાં આવ્યું છે.
દસ લાખ જેટલા નાળિયેરીના ઝાડ પરથી નાળિયેર ઉતારીને ખેડૂતોને ઉચિત મૂલ્ય મળે તે માટે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની સુવિધા આપવામાં આવશે.
લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટરે રજૂ કરેલા નવા પ્રસ્તાવો મુજબ અહીંના સમુદ્રમાંથી પ્રતિ વર્ષ પકડવામાં આવતી ૨૬,૦૦૦ ટન માછલી માટે આઇસ અને ફિશ પ્રોસેસિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે Sea weedની ખેતીનું સૌથી મોટું હબ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને પ્રશાસને પંચાયત કાનૂનમાં ૫૦ ટકા અનામતની જોગવાઈ કરી છે. લક્ષદ્વીપના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અહીં નર્સિંગ કોલેજ અને પેરામેડિકલ કોલેજ તથા પોલિટેક્નિક કોલેજ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આઝાદીના ૭૩ વર્ષ બાદ અહીં કોઈ આરોગ્ય સેવાઓ ના હોઈ ત્રણ સ્થળે Sea facing Hospitalsનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં ડીઝલમાંથી ચાલતા જનરેટરથી વીજળી પેદા થાય છે તેના કારણે પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે.
અહીંના પ્રાકૃતિક વાતાવરણને બચાવવા ગ્રીન એનર્જી અને કલીન એનર્જીના ભાગરૂપે ભારત સરકારે વીજળી ઉત્પન્ન માટે ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. લક્ષદ્વીપ ટાપુઓ પર કેટલાક લોકોએ ગેરકાયદે દબાણો કર્યાં છે તેમને હટાવવાની પ્રક્રિયા પ્રશાસને શરૂ કરી છે જેનો વિરોધ કેટલાક પોતાના અંગત સ્વાર્થ માટે કરી રહ્યા છે. (સૌજન્યઃ ‘સંદેશ’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter