હેમરસ્મિથ બ્રીજનું સમારકામ ક્યારે શરૂ કરાશે?

Tuesday 18th April 2023 15:45 EDT
 
 

યુકે હોય કે ભારત, સરકારી કામકાજ રગશિયા ગાડાની જેમ ચાલતું રહે તેમાં કોઈ નવાઈ નથી. લંડનના હેમરસ્મિથ બ્રીજના સમારકામની પણ આવી જ વ્યથાકથા છે. લંડન કાઉન્સિલે કબૂલાત કરી છે કે પશ્ચિમ લંડન અને દક્ષિણ લંડનને સાંકળતા 136 વર્ષ જૂના અને ગ્રેડ -ટુમાં આવતા હેમરસ્મિથ બ્રીજના સમારકામ પાછળ 200 મિલિયનનો ખર્ચ થશે અને તે પૂર્ણ થવામાં ઓછામાં ઓછો એક દસકો લાગી જશે. એપ્રિલ 2019માં ટ્રાફિક માટે બંધ કરાયેલા આ બ્રીજના સસ્પેન્શન માળખામાં કાટ લાગ્યો છે અને નુકસાન પણ જોવાં મળ્યા પછી ઈજનેરોએ બ્રીજ તૂટી પડશે તેવી ચેતવણી પણ આપી હતી. રિપોર્ટ્સ એવાં છે કે હજુ તો 2025માં કઈ કંપનીને બાંધકામ કે રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવો તેનો નિર્ણય લેવાશે અને હંગામી માળખું 2027માં શરૂ કરી શકાવાની શક્યતા છે. કાઉન્સિલના સૂત્રો અનુસાર 2028-29ના અંતે સમારકામ પૂર્ણ– થઈ શકે છે અને કદાચ લંબાઈ પણ શકે છે. સમારકામના ખર્ચાની વહેંચણીનો પણ વિવાદ થઈ શકે છે. તત્કાલીન ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે 2021માં કહ્યું હતું કે 163થી 200 મિલિયન પાઉન્ડ વચ્ચેનો ખર્ચ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને લંડન કાઉન્સિલ વચ્ચે વહેંચી લેવાશે.

પત્નીનું પ્રેમપ્રકરણ અને પતિની પ્રામાણિકતા

ચેનલ 5ના અત્યંત સફળ શો ‘અવર યોર્કશાયર ફાર્મ’ના સિતારા દંપતી ક્લાઈવ અને અમાન્ડા ઓવેન 21 વર્ષના લગ્નજીવન પછી આખરે અલગ થઈ ગયા છે. અપર સ્વાલેડેલના શીપ ફાર્મના ભાડૂત તરીકે રહેનારા આ દંપતીને 9 સંતાન છે અને તેમના જીવન અને રહેણીકરણીની કથા આ શોમાં વણી લેવાઈ હતી. અલગ થયા પછી પણ તેમણે આ શો અને સંતાનોની કાળજી લેવાનું ચાલુ રાખ્યું છે પરંતુ, શોની વાર્તા હવે કઈ તરફ જશે તે નક્કી નથી. ખરેખર તો 48 વર્ષીય અમાન્ડા ઓવેનને 71 વર્ષીય બિઝનેસમેન રોબર્ટ ડે્વિસ સાથે પાંચ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર અમાન્ડાની ભારે ટીકા થઈ રહી છે ત્યારે 68 વર્ષના ક્લાઈવે પ્રામાણિકતા દર્શાવી પૂર્વ પત્ની અમાન્ડાનો બચાવ કરતા કહ્યું છે કે ‘અમારા અલગ થવામાં મારો જ વાંક છે. મારા શરાબપાન અને ખરાબ વર્તનના લીધે જ આ થયું છે. અમારો શો ઘણો સફળ અને સારો ચાલતો હતો. તેની સફળતા હું પચાવી શક્યો નહિ અને મારું વર્તન ખરાબ થતું ગયું હતું.’ ઓવેન દંપતીની પેરન્ટિંગ સ્ટાઈલના ઘણા પ્રશંસકો બન્યા હતા. અમાન્ડાએ પાંચ બેસ્ટસેલર પુસ્તકો પણ લખ્યાં છે.

પીછેહઠ મારા સ્વભાવમાં જ નથીઃ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. ન્યૂ યોર્કમાં ધરપકડ અને ચાર્જીસ લાગ્યા પછી મોટા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટકર કાર્લસનને કહ્યું હતું કે ‘મને દોષી ઠરાવાશે તો પણ હું 2024ની પ્રમુખપદની સ્પર્ધામાંથી હટી નહિ જાઉં. પીછેહઠ મારા સ્વભાવમાં જ નથી.’ એડલ્ટ ફિલ્મોની એકટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સને 2016નીકથિતપણે ખાનગીમાં નાણા ચૂકવવા બાબતે 76 વર્ષીય ટ્રમ્પ સામે મહાઅપરાધ- ફેલોનીના 34 ગુના લગાવાયા છે. આ નાણા ટ્રમ્પના પૂર્વ લોયર માઈકલ કોહેન દ્વારા ચૂકવાયા હોવાનો દાવો સ્ટોર્મીએ કર્યો છે. જોકે, ટ્રમ્પે તો પોતે કોઈ ગુનો કર્યો હોવાનું કે ડેોનિયલ સાથે કોઈ લફરૂં હોવાના તેના દાવાને સ્વીકાર્યા નથી. બીજી તરફ, ટ્રમ્પ 500 મિલિયન ડોલરથી વધુ રકમનો કાનૂની દાવો કોહેન સામે કરી રહ્યા હોવાના અહેવાલો પણ છે. જો, ટ્રમ્પને રિપબ્લ્કિન પાર્ટીનું નોમિનેશન મળે તો તેઓ પ્રેસિડેન્ટ જો બાઈડેન વિરુદ્ધ ચૂંટણીજંગમાં ઝંપલાવી શકશે અને તે ભારે રસપ્રદ બની રહેશે. બાઈડેન હાલ 80 વર્ષના છે અને તે શારીરિક કે માનિસિક રીતે ચૂંટણી લડવા સક્ષમ હોવા વિશે ટ્રમ્પે શંકા વ્યક્ત કરી છે.

યુકેમાં પાર્લામેન્ટરી ડેમોક્રસી વિરુદ્ધ અભિયાનને સરકારી ફંડ

યુકેમાં સંસદીય લોકશાહીનો અંત લાવવાના નિર્ધાર સાથે ધ સ્કોટિશ ફાઉન્ડેશન અભિયાન ચલાવી રહ્યું છે. આ ઈલેક્શનવિરોધી ફાઉન્ડેશને ક્લાઈનેટ ચેઈન્જ જેવા મુદ્દાઓ પર નિર્ણયકર્તાઓને માહિતગાર રાખવા ‘સિટિઝન્સ એસેમ્બલીઝ’ ઓર્ગેનાઈઝ કરવા પાર્લામેન્ટ અને અન્ય સરકારી સંસ્થાઓ માટે રિક્રુટમેન્ટ સેવાઓ પણ આપેલી છે. તેણે બ્રિસ્ટોલ અને કામડેન સહિત ઓછામાં ઓછી 24 કાઉન્સિલો સાથે કામ કર્યું છે અને ફંડ મેળવ્યું છે. આ બિનનફાકારી ફાઉન્ડેશનને તાજેતરમાં પર્યાવરણ વિભાગ દ્વારા 26,000 પાઉન્ડ અને સ્કોટિશ પાર્લામેન્ટ દ્વારા 10,000 પાઉન્ડનું ફંડ અપાયું હતું. આ ફાઉન્ડેશન પાર્લામેન્ટરી સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન લાવવાનું અભિયાન ચલાવે છે તેમજ દેખાવકારી ગ્રૂપ એક્સ્ટિંક્શન રિબેલિયન (XR) સાથે પણ કામ કરે છે. તેનું મુખ્ય લક્ષ્ય ચૂંટણીઓનો અંત લાવી પાર્લામેન્ટના સ્થાને સત્તાના હંગામી હોદ્દાઓ માટે ‘હાઉસ ઓફ સિટિઝન્સ’ની સ્થાપના કરવાનું છે જેની પસંદગી જ્યુરી સિલેક્શન સિસ્ટમની માફક ‘ડેમોક્રેટિક લોટરી’થી કરવાની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter