લોકહૃદય પર રાજ કરતું નેતૃત્વ

નરેન્દ્ર મોદી જન્મદિન વિશેષ

- નીલેશ પરમાર Wednesday 24th September 2025 04:40 EDT
 
 

આજના વિશ્વમાં ભાગ્યે જ એવા કોઇ રાજનેતા હશે જેમના જન્મદિવસની નોંધ - એક યા બીજા પ્રકારે - દુનિયાભરમાં લેવામાં આવી હોય. આમઆદમીથી માંડીને વિશ્વના અનેક દેશના વડાઓએ શબ્દ-પુષ્પથી વધાવ્યા હોય. હા, આ વાત છે વિશ્વનિવાસી ભારતવાસીઓના હૃદય સિંહાસન પર રાજ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની.
વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા હીરાબાના આ લાડકવાયાએ 75મો જન્મદિન ઉજવ્યો, એમ કહેવા કરતાં સેવા-સત્કાર્યો સાથે મનાવ્યો એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. માત્ર દેશમાં નહીં વિશ્વતખતે તેમની નીતિરીતિનો, વ્યક્તિત્વનો કરિશ્મા છવાયો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે - પોતાના અંગત હિત માટે - રણે ચઢ્યા છે, છતાં પણ 16 સપ્ટેમ્બરે - મંગળવારે બ્રિટન પ્રવાસે રવાના થઇ રહ્યા હતા ત્યારે ખાસ ફોન કરીને નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેછા આપી હતી. સાથે સાથે જ કહ્યું કે તમે ગ્રેટ કામ કરી રહ્યા છો. ટ્રમ્પના અભિગમમાં જોવા મળેલું આ પરિવર્તન નરેન્દ્ર મોદીની પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનું સદભાગ્ય છે કે જ્યારે નરેન્દ્રભાઇનું નામ રાજકારણમાં કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારક તરીકે પણ સમાજથી સુપરિચિત નહોતું છેક તે વેળાથી ગુજરાત સમાચાર અને ખાસ કરીને પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ - પહેલાં પરોક્ષ અને પછી પ્રત્યક્ષ - નાતો ધરાવે છે.
સન 1976માં લંડનમાં ગુજરાત સમાચારનો વહીવટ સી.બી. પટેલે સંભાળ્યો. અને પહેલા અંકથી જ ભારતમાં ઇંદિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સી સામે વિરોધનું બ્યૂગલ ફૂંક્યું હતું. સમયની આ માગ હતી, અને ગુજરાત સમાચાર એક અખબાર તરીકે તેની ફરજ બજાવવાનું ચૂક્યું નહોતું. તે વેળા લંડનના એલેક્ઝાન્ડ્રા પેલેસમાં ભાઇશ્રી રમેશ દેસાઇના નેજામાં ‘ફિસી’ના નામે જાણીતી ફ્રેન્ડ્સ ઓફ ઇંડિયા સોસાયટી ઇન્ટરનેશનલ સંસ્થાના ઉપક્રમે એક ભવ્ય મેળાવડો યોજાયો હતો, જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે આ પ્રસંગે મોખરાની ભૂમિકા ભજવી હતી. તે વેળા જનસંઘના આગેવાન અને બહુ વિદ્વાન મકરંદ દેસાઇ પણ લંડન આવ્યા હતા.
આ સમયગાળામાં સી.બી.ને અવારનવાર ભારત - ગુજરાતની મુલાકાતે આવવાનું બનતું હતું. તે સમયે સાધનાના તંત્રી તરીકે પદ્મ શ્રી વિષ્ણુભાઇ પંડ્યા સેવા આપતા હતા અને સી.બી.નો તેમની સાથે ઘનિષ્ઠ પરિચય. આવી જ ગુજરાત મુલાકાતો દરમિયાન સાધનાના અંકો જોયા વાંચ્યા અને તેમાં પ્રકાશિત થતી નરેન્દ્રભાઇની લેખનસામગ્રી વાર્તાઓ - કવિતાઓ - રાષ્ટ્રભાવના - સમાજસેવા અને માતા વિશેના વિચારો વાંચી-જાણીને તેમની સાથે પરોક્ષ રીતે એક સંબંધ બંધાયો. આ જ અરસામાં - 1977માં - ઇંદિરા ગાંધીના ઇમરજન્સીના કલંકિત પ્રકરણનો અંત આવ્યો હતો.
ભારતમાં ચૂંટણી યોજાઇ અને જયપ્રકાશ નારાયણના આંદોલનના પરિણામે મોરારજી દેસાઇ સત્તા પર આવ્યા ત્યારે 1977માં તેમણે ગુજરાત સમાચારનું - સી.બી. પટેલનું ખાસ અભિવાદન કર્યું હતું. શા માટે? કારણ કે ઇમરજન્સીના કાળા કાયદા સામે ગુજરાત સમાચાર અને ન્યૂ લાઇફ (આજના એશિયન વોઇસે) સાપ્તાહિકે અવાજ ઉઠાવીને દરિયાપારના દેશોમાં વસતાં ભારતીય સમુદાયમાં જાગૃતિનું મોજું ફેલાવ્યું હતું. ભારતમાં લોકશાહી મૂલ્યો પર સર્જાયેલા ખતરા સામે અવાજ ઉઠાવ્યો હતો.
કટોકટીના આ કાળા કાળમાં અહીં લંડનમાં ભારતીય હાઇ કમિશનર તરીકે બી.કે. નેહરુ કાર્યરત હતા અને તેઓ ઇંદિરા ગાંધીના પરિવારના હતા. આ સમયે ભારત સરકારે એક જાહેરનામું પ્રકાશિત કરીને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ‘ઇંડિયા શેલ બી ફ્રે...’ પ્રકાશિત કરવા પ્રતિબંધ ફરમાવ્યો હતો. ઇંદિરા ગાંધી સરકારની આ જોહુકમી કે ગુલામીને તાબે થયા થવાના બદલે પહેલા પાને આ કવિતા પ્રકાશિત કરી હતી. આ પછી ઇંડિયા હાઉસનો કારભાર સંભાળતા તત્કાલીન રાજદ્વારીઓએ સી.બી. પટેલને ઇંડિયા હાઉસમાં પ્રવેશવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.
જોકે જોતજોતામાં જ્યારે ઇંદિરા સરકાર ગઇ, ને પ્રતિબંધ ઉડી ગયો. થોડા સમય બાદ નવનિયુક્ત વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ લંડન આવ્યા ત્યારે તેમણે સી.બી. પટેલને ખાસ આમંત્રણ આપીને હાઇ કમિશનરના લંડનમાં આવેલા સત્તાવાર નિવાસસ્થાન 9 કેન્સિંગ્ટન પેલેસ ખાતે બોલાવ્યા હતા અને એક્સક્લુઝિવ ઇન્ટરકવ્યુ આપ્યો હતો. આ વિગતવાર ઇન્ટરવ્યુ બાદમાં ગુજરાત સમાચાર અને ન્યૂ લાઇફમાં વિગતવાર પ્રકાશિત થયો હતો.
આ દરમિયાન નરેન્દ્રભાઇની સંઘના પ્રચારક તરીકે રાષ્ટ્રસેવા યાત્રા અને લેખક તરીકે સાધનામાં શબ્દયાત્રા અવિરત ચાલતી હતી. નરેન્દ્રભાઇના લેખો - સાહિત્ય સર્જનના કાળક્રમે પુસ્તકો પણ પ્રકાશિત થયા. આમાંના ઘણા પુસ્તકો સી.બી. પટેલે તેમની લાઇબ્રેરીમાં પણ વસાવ્યા છે.
જોકે સી.બી.નો નરેન્દ્રભાઇ સાથે સીધો સંપર્ક થયો એંશીના દસકામાં... અમદાવાદના આંગણે 1981માં ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હાજરી આપવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના લાગણીભર્યા આગ્રહથી સી.બી. લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા. હરિભક્તોને સંબોધતા સી.બી.એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સહિત બીએપીએસ સાથેના તેમના પારિવારિક સંબંધોની વાત પણ કરી. કાર્યક્રમ સંપન્ન થયે પ્રમુખ સ્વામી મહારાજ તેમના ખંડમાં બેઠા હતા. અંદર સંતોની ચહલપહલ હતી અને બહાર હરિભક્તો ‘બાપાનો ધબ્બો’ ખાવા લાઇન લગાવીને ઉભા હતા. સી.બી. વિદાય લેવા પ્રમુખ સ્વામી મહારાજના રૂમમાં પહોંચ્યા ને જોયું તો ત્યાં યુવા પાર્ષદ બ્રહ્મવિહારી (જેમને આજે આપણે સહુ સાધુ બ્રહ્મવિહારીદાસજીના નામે ઓળખીએ છીએ) અને નજીકમાં યુવા વયના નરેન્દ્ર મોદી પણ બેઠા હતા. પ્રમુખ સ્વામી અન્ય સંતો સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે સી.બી.એ બ્રિટનથી દીક્ષા લેવા ગુજરાત પહોંચેલા અને ચુનીકાકાના દીકરા એવા (સાધુ) બ્રહ્મવિહારીદાસના ખબરઅંતર પૂછ્યા. આ પછી નરેન્દ્ર મોદી સાથે વાતચીતનો દોર સંધાયો. આ તેમનો નરેન્દ્રભાઇ સાથેનો પહેલો સીધો પરિચય.
દરમિયાન 1985માં ગુજરાતમાં કિમલોપ અને ભાજપની સંયુક્ત સરકાર રચાઇ. ચીમનભાઇ પટેલ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું તો કેશુભાઇ પટેલ નાયબ મુખ્ય પ્રધાન હતા. ગુજરાતના રાજકીય પ્રવાહનો તાગ મેળવવા સી.બી. પણ અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ સર્કિટ હાઉસમાં આ બધી રાજકીય ગતિવિધિ વેળા અનેક નેતાઓ અને પત્રકારો હાજર હતા. આ સમયે નરેન્દ્રભાઇ અને સી.બી. વચ્ચે થયેલી બીજી મુલાકાત તેમની વચ્ચે નિકટનો નાતો સાધવામાં નિમિત્ત બની, જે સંબંધ વર્ષોના વહેવા સાથે વધુ મજબૂત બન્યો છે.
ગુજરાતનું સુકાન સંભાળતા ચીમનભાઇ અને કેશુભાઇનો ગુજરાત સમાચાર અને એનસીજીઓના નિમંત્રણથી લંડન પ્રવાસ યોજાયો, જેનું સમગ્ર આયોજન સી.બી.એ સંભાળ્યું હતું. આ પછી ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલાયું. 1990માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા અને કેશુભાઇ પટેલ મુખ્ય પ્રધાન બન્યા. કેટલાક કારણસર નારાજ શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહોવાળી કરી. ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ મચાવી દેનારી આ ઘટના વેળા કેશુભાઇ પટેલ તેમની સરકારના વરિષ્ઠ પ્રધાન વિપુલભાઇ ચૌધરી સાથે બ્રિટનના પ્રવાસે હતા અને લંડનમાં ગુજરાત સમાચારની ઓફિસમાં બેઠા હતા.
ભાજપની નેતાગીરી માટે આ ઘટના કલ્પનાતીત હતી. ગુજરાતમાં ભાજપનો સૂર્યોદય થયો હતો તેવા જ સમયે પક્ષમાં રાજકીય ભૂકંપ થયો હતો. આ બધા દિવસોમાં પક્ષ માટે સુંદર સેવાઓ આપી હોવા છતાં પક્ષને નરેન્દ્રભાઇ જેવા નિષ્ઠાવાન નેતાને ગુજરાત બહાર જવાબદારી સોંપવાની મજબૂરી ઉભી થઇ. તેમને હિમાચલ પ્રદેશનો કાર્યભાર સોંપાયો હતો અને તેઓ દિલ્હીમાં રહીને પક્ષ દ્વારા સોંપાયેલી કામગીરી કરી રહ્યા હતા.
દિલ્હીમાં તેમનો મુકામ ઝંડેવાલા બિલ્ડીંગના એક નાનકડા ઓરડામાં હતો. સી.બી. પટેલ તેમના મિત્ર અને ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ સાથે નરેન્દ્રભાઇને મળવા પહોંચ્યા હતા. તેઓ નરેન્દ્રભાઇનો ઓરડો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આશરે આઠ બાય બાર ફૂટની ઓરડીમાં નરેન્દ્રભાઇનો નિવાસ હતો અને સૂવાની સગવડ જમીન પર હતી. રૂમમાં રાચરચીલના નામે નાનું ટેબલ, એક ખુરશી, પાણીનું માટલું અને એક પવાલું. બસ આટલી સુવિધા.
નરેન્દ્રભાઇએ સી.બી. સાથે ઘણી વાતો કરી, પણ તેમના અવાજમાં ક્યાંય ફરિયાદનો સૂર નહોતો. સમયસંજોગને સાનુકૂળ થઇને રહેવું એ જાણે નરેન્દ્રભાઇનો સ્વભાવ છે. તે વેળા ગુજરાતના મોટા ભાગના છાપાઓ નરેન્દ્રભાઇથી વિમુખ હતા, પણ ગુજરાત સમાચાર અને સી.બી.નો સંબંધ યથાતથ હતો. અખબારનું નીરક્ષીર તારવવાનું તો કામ છે, અને આ કામ ગુજરાત સમાચાર સુપેરે કરતું રહ્યું છે, કરે છે અને કરતું રહેશે.
સમયનું ચક્ર ફર્યું. એક સમયે નરેન્દ્રભાઇને સંજોગોને વશ થઇને જે ગુજરાત છોડવાની ફરજ પડી હતી તે જ ગુજરાતનું સુકાન તેમના હાથમાં સોંપાયું. અને પછીનો ઇતિહાસ તો કોણ નથી જાણતું?નરેન્દ્રભાઇએ તેમના સબળ નેતૃત્વ, વિઝન, વહીવટી કૌશલ્ય અને કૂનેહ થકી ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટે રાજ્યને વિકાસના પંથે દોડતું કરી દીધું.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વાત નીકળી છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. સમિટના ભાગરૂપે અમદાવાદની ગ્રાન્ડ ભગવતીમાં શાનદાર સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. ગુજરાત સરકારના ખાસ આમંત્રણને માન આપીને સી.બી. પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. દરમિયાન મુખ્યમંત્રી મોદીનો હોલમાં પ્રવેશ થયો. મહેમાનોનું અભિવાદન ઝીલતા ઝીલતા - ખબરઅંતર પૂછતા પૂછતાં હળવાશના મૂડમાં આગળ વધી રહ્યા હતા. તે સમયે ઠંડીના દિવસો હોવાથી નરેન્દ્રભાઇએ ઉનની ટોપી પહેરી હતી. સી.બી.એ તેમનું અભિવાદન કરતાં હસતાં હસતાં જ કહ્યું કે સાહેબ, તમને આ ટોપી બહુ જ સરસ લાગે છે. સામે નરેન્દ્રભાઇ પણ હસી પડ્યા અને અલપઝલપ વાતો કરીને આગળ વધી ગયા. સરસ રીતે કાર્યક્રમ યોજાઇ ગયો. સહુ છૂટા પડ્યા. આશ્ચર્યજનક ઘટના તો બીજા દિવસે બની. એક વ્યક્તિ સી.બી. પટેલને મળવા આવી, અને પેકેટ આપતાં કહ્યું કે સાહેબે મોકલ્યું છે. સાહેબ એટલે નરેન્દ્રભાઇ મોદી. સી.બી.એ પેકેટ ખોલીને જોયું તો નરેન્દ્રભાઇએ તેમને ટોપી ભેટ મોકલી આપી હતી. શુભેચ્છકો-સમર્થકો-સ્વજનો સાથે નરેન્દ્રભાઇ આવો લગાવ રાખનારા માણસ છે.
ભારતમાં કે ભારત બહાર પ્રકાશિત થતાં અખબારી સમૂહોની વાત કરીએ તો ગુજરાત સમાચાર અને સી.બી. પટેલ સાથે નરેન્દ્રભાઇનો લાગણીભર્યો નાતો રહ્યો છે. 1985ની જ વાત કરું તો. નરેન્દ્રભાઇ લંડન પ્રવાસે આવ્યા હતા ત્યારે એકમાત્ર અખબાર ગુજરાત સમાચારને મુલાકાત આપી હતી. મેનેજિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે દિલ ખોલીને વાતો કરી હતી.
નરેન્દ્રભાઇ ભૂતકાળમાં જ્યારે જ્યારે યુકે પ્રવાસે આવતા ત્યારે ત્યારે સી.બી. પટેલ બ્રિટિશ ગુજરાતની મોભાદાર સંસ્થાઓ સરદાર પટેલ સોસાયટી, એનસીજીઓ વગેરે સાથે બેઠકો યોજતા હતા અને નરેન્દ્રભાઇ તેમાં અવશ્ય હાજરી આપતા હતા. ગુજરાત સમાચારે આવી જ એક પહેલ અંતર્ગત લંડનના આંગણે ‘ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ’ નામથી શાનદાર ઇવેન્ટ યોજ્યો હતો, જેને મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વીડિયોના માધ્યમથી સંબોધન કર્યું હતું. બ્રિટિશ ભારતીય સમાજનું ગૌરવ એવા સર ગુલામ નૂન, ભારતપ્રેમી સાંસદ બોબ બ્લેકમેન, લોર્ડ ભીખુભાઇ પારેખ, લોર્ડ નવનીતભાઇ ધોળકિયા સહિતના વિવિધ ક્ષેત્રના 200-300થી મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
બ્રિટિશ ભારતીય સમાજની સિદ્ધિની વાત હોય ત્યારે બિરદાવવામાં અને સમસ્યાની વાત હોય ત્યારે અવાજ ઉઠાવવામાં ગુજરાત સમાચાર અને સી.બી. પટેલે ક્યારેય પીછેહઠ કરી નથી. ગુજરાત સમાચાર અને સી.બી.ના આ પ્રયાસોને ખુદ નરેન્દ્ર મોદી જાહેરમાં બિરદાવી ચૂક્યા છે.
અમદાવાદ-લંડન-અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરાવવાનું બીડું ગુજરાત સમાચાર - એશિયન વોઇસે ઉઠાવ્યું હતું. સી.બી. પટેલે ગુજરાત સરકારથી લઇને દિલ્હી સુધી શ્રેણીબદ્ધ રજૂઆતો કરી હતી. તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા નરેન્દ્રભાઇ સમક્ષ આ મુદ્દે રજૂઆત થઇ તો તેમણે કહ્યું કે તમારી માગણીને મારું સમર્થન છે, પણ આ મુદ્દો કેન્દ્ર સરકાર (તે વેળા યુપીએ સરકાર) હસ્તક હોવાથી મારાથી કંઇ થઇ શકે તેમ નથી.
ફરી એક વખત સમયનું ચક્ર ફર્યું. યુપીએ સરકાર ગઇ, એનડીએ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શાસનધૂરા સંભાળી. સી.બી. ડાયરેક્ટ ફ્લાઇટની માગને વધુ વેગવંતી બનાવી. અને વડાપ્રધાન બન્યા બાદ બ્રિટનની પહેલી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઇએ વેમ્બલી સ્ટેડિયમમાં હકડેઠઠ ઉમટેલા બ્રિટિશ ભારતીય સમુદાયને સંબોધતા અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
એટલું જ નહીં, આ ફ્લાઇટ ફરી શરૂ કરાવવા માટે ગાંઠનું ગોપીચંદન કરીને ઝૂંબેશ ચલાવનાર સી.બી. પટેલને ભારતીય સંસ્કૃતિના રાજદૂત તરીકે જાહેરમાં બિરદાવતા કહ્યું હતું કે આ સી.બી. જ્યારે જ્યારે ગુજરાત આવતા હતા ત્યારે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાના મુદ્દે મારું ગળું પકડતાં હતાં. તે સમયે તો કેન્દ્રમાં અમારી સરકાર ન હોવાથી અમે મજબૂર હતા, પણ હવે અમે આપ સહુની લાગણી અને માગણીને માન આપીને ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી રહ્યા છીએ.
 બસ તે દી’ની ઘડી ને આજનો દિવસ. અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ અવિરત ઓપરેટ થઇ રહી છે તે વાતનો ગુજરાત સમાચારને આનંદ પણ છે, અને ગૌરવ પણ. આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ છે નરેન્દ્રભાઇ હોય કે ગુજરાત સમાચાર - જનહિતની વાત હોય કે જનકલ્યાણની વાત હોય ક્યારે પાછી પાની કરી નથી.
પાંચ દસકા કરતાં પણ લાંબી જ્વલંત પ્રકાશન યાત્રા દરમિયાન ગુજરાત સમાચારે અનેક યાદગાર પ્રકાશનો કર્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. પરંતુ આ પ્રકાશનોની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ પુસ્તકોના માધ્યમથી કોઇને કોઇ પ્રકારે ઇતિહાસને - ગુજરાતના વિકાસને સાચવવાનો - સંકોરવાનો પ્રયાસ થયો છે. ગુજરાત સમાચારના આ સ્તુત્ય પ્રયાસને હંમેશા નરેન્દ્રભાઇ મોદીનું પ્રોત્સાહન - સમર્થન મળતા રહ્યા છે તે એબીપીએલ ગ્રૂપ માટે ગૌરવપ્રદ બાબત છે.
વાત પ્રકાશનની થઇ રહી છે ત્યારે યાદ આવે છે ગુજરાતના ક્રાંતિતીર્થો પુસ્તકના લોકાર્પણની. વરિષ્ઠ પત્રકાર - લેખક - કટારલેખક - ઇતિહાસવિદ્ પદ્મ શ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ ઊંડા સંશોધન બાદ લખેલા આ સુંદર પુસ્તકનું લોકાર્પણ કરવાનો મહામૂલો અવસર ગુજરાત સમાચાર અને સીબીને મળ્યો હતો. સી.બી. પટેલ આ પ્રસંગ માટે ખાસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી શાનદાર કેમ્બે ગ્રાન્ડ હોટેલમાં આ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને આદરણીય પૂ. મોરારિબાપુએ ખાસ ઉપસ્થિત રહીને આ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના ક્રાંતિતીર્થોમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નિર્ણાયક યોગદાન આપનાર સ્થળોની વાતનું ડોક્યુમેન્ટેશન થયેલું છે તો ‘લવ ગુજરાત’ નામની કોફીટેબલ બુકમાં ગુજરાતની વિકાસકૂચને વાચા આપવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ‘લવ ગુજરાત’ પુસ્તકનું લોકાર્પણ કરતાં નરેન્દ્રભાઇએ આ પ્રયાસને ખાસ બિરદાવ્યો હતો. એટલું જ નહીં, વિદેશથી આવતા મહેમાનોને આ પુસ્તક ખાસ ભેટ આપવામાં આવતું હતું. આ જ પ્રકારે વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ - તૃતીયની દોઢસોમી જન્મજયંતીએ તેમના જીવનકવનને આવરી લેતું લાઇફ એન્ડ લેગસી પુસ્તક પ્રકાશિત થયું હતું. જેમાં વડોદરાના ઇતિહાસ સાથે વણાયેલી વાતોને આવરી લેવાઇ હતી. આ પુસ્તકનું લોકાર્પણ પણ નરેન્દ્રભાઇ મોદીએ વડોદરામાં યોજાયેલા જાહેર સમારંભમાં કર્યું હતું.
નરેન્દ્રભાઇ મોદી - ગુજરાત સમાચાર અને સી.બી. પટેલ વચ્ચે સ્નેહનો મજબૂત નાતો રહ્યો છે તેનું કારણ એ ગણી શકાય કે ત્રણેયના ઉદ્દેશ કહો તો ઉદ્દેશ અને લક્ષ્ય કહો તો લક્ષ્ય - સમાન છેઃ બહુજન હિતાય બહુજન સુખાય. તેમના હૈયે હંમેશા જનહિત સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. સંઘના પાયાના પ્રચારકથી લઇને દેશના સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન પદે પહોંચ્યા પછી પણ નરેન્દ્રભાઇના દિલોદિમાગના કેન્દ્રમાં હંમેશા આમઆદમી રહ્યો છે. તેમની વાતોમાં - વિચારોમાં જનકલ્યાણની ભાવના અગ્રસ્થાને રહ્યા છે. તો ગુજરાત સમાચાર અને તંત્રી સી.બી. પટેલના હૈયે હંમેશા બ્રિટિશ ભારતીય સમાજનું હિત સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. આપણા સમાજને કનડતી સમસ્યા સામે અવાજ ઉઠાવવામાં ક્યારેય તેમણે કસર કરી નથી. આ જ કારણ છે કે નરેન્દ્ર મોદી ભારતીયોના હૈયે બિરાજે છે, અને સી.બી.ના નેતૃત્વમાં પ્રકાશિત થતું ગુજરાત સમાચાર બ્રિટિશ ગુજરાતી સમાજના હૈયે બિરાજે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter