બ્રિટિશ લોકોએ મે 2025ની પહેલી તારીખે લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીને પણ તેમના કાર્યકાળમાં સૌથી જોરદાર લાત મારી છે. હું ઘણા વર્ષોથી ટોરી પાર્ટીના આંતરિક વર્તુળોને તેઓ જે ભયંકર ભૂલો કરતા રહ્યા હતા તેના વિશે કહેતો રહ્યો હોવાનું મને યાદ છે. તેઓ દેશની નાડને બરાબર પારખી શકતા જ નથી. મને એ પણ યાદ છે કે ટોરી પાર્ટીના આ તથાકથિત નિષ્ણાત સલાહકારોએ મને કહ્યું હતું કે તેઓ વધુ સારું જાણે છે. ઈતિહાસે આપણને 2024માં જ દર્શાવ્યું કે બ્રિટિશ લોકોએ તેમને એવો જોરદાર ફટકો લગાવ્યો હતો જેમાંથી તેઓ હજુ બહાર આવી શક્યા નથી.
અપેક્ષા પ્રમાણે જ લેબર પાર્ટીએ જબરજસ્ત બહુમતી હાંસલ કરી હતી. તેઓ આના માટે લાયક હતા અથવા લોકોને ચકાચૌંધ કરી નાકે તેવી નીતિઓ ધરાવતા હતા એમ ન હતું. મુખ્યત્વે આ મતદાન ટોરી પાર્ટી (જેમણે પોતાના ઘણા મુખ્ય મતો રિફોર્મ સામે ગુમાવ્યા) વિરુદ્ધનું હતું. તમે કદાચ વિચારતા હશો કે મતદારોની અવગણના કરવી તે કદી પણ યોગ્ય આઈડિયા ન હોવાનો બોધપાઠ લેબર પાર્ટીને બરાબર સમજાઈ ગયો હશે. સ્ટાર્મરે મત મેળવવા વચનો આપ્યા હતા, એ વચનો જે તેમણે નંબર 10માં પ્રવેશ્યાના ગણતરીના દિવસોમાં જ તોડી નાખ્યા. તેમણે ગેરકાયદે માઈગ્રન્ટ હેરફેર કરતી ટ્રાફિકિંગ ગેંગ્સનો સફાયો કરવાનું વચન આપ્યું હતું. આના બદલે તેમણે યોગ્યતા સાથેના એક માત્ર રવાન્ડા સોલ્યુશનને તત્કાળ ફગાવી દીધું. ગેંગ્સનો સફાયો કરવાના બદલે કોઈ એમ પણ કહી શકે કે 2025ના પ્રથમ 4 મહિનામાં જ આશરે 12000 લોકોના આગમન સાથે જ ગેંગ્સે લેબર પાર્ટીનો સફાયો કરી નાખ્યો છે.
સ્ટાર્મરે અન્ય ચીજોને પણ સફળતા સાથે તોડી છે. તેમણે પેન્શનરોને જોરદાર લાત મારી છે, ખેડૂતો પાસેથી તેમની વારસાઈ છીનવી છે, તેમણે ટેક્સીસ એટલા વધાર્યા છે કે સામાન્ય વર્કર્સ જ નહિ ઘણા નાના બિઝનેસીસને રડાવ્યા છે. હાઈ નેટ વર્થ લોકો હજારોની સંખ્યામાં યુકે છોડી રહ્યા છે અને ટ્રેઝરીએ કરવસૂલાતમાં ભારે ઘટ પડી હોવાનું કબૂલ્યું છે. તેમને યુક્રેનના ચેમ્પિયન તરીકે જોવાય છે પરંતુ, સામાન્ય બ્રિટિશર માટે તેમને કોઈ ચિંતા નથી. છેલ્લે તો તેમણે એવો નિર્ણય લઈ લીધો લાગે છે કે ગ્રૂમિંગ ગેંગ્સ મુદ્દે સંપૂર્ણ વૈધાનિક ઈન્ક્વાયરી નહિ સ્થાપીને તેઓ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ, સ્થાનિક લેબર કાઉન્સિલર્સ, સ્થાનિક ઓથોરિટી વર્કર્સ અને કેટલાક પોલીસ અધિકારીને બચાવી રક્ષણ આપશે.
જ્યાં સુધી મતદારોને સંબંધ છે ત્યાં સુધી લેબર પાર્ટીને બળાત્કાર અને શારીરિક શોષણ કરાયેલી શ્વેત નિર્બળ બાળાઓ વિશે ખાસ દરકાર નથી. આથી, મને જરા પણ આશ્ચર્ય નથી કે હાલની સ્થાનિક ઓથોરિટી અને મેયરોની ચૂંટણીમાં મતદારોએ સરકાર વિરુદ્ધ તેમનો સંપૂર્ણ અસંતોષ વ્યક્ત કર્યો હોય. હું સહુને યાદ અપાવું છું કે લેબર પાર્ટીએ પાર્લામેન્ટમાં જંગી બહુમતી હાંસલ કર્યાને માત્ર એક વર્ષ થયું છે. એક જ વર્ષમાં તેમણે આ જ મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે. આ પણ એક સિદ્ધિ જ કહેવાય.
સ્થાનિક ચૂંટણીઓમા રિફોર્મ પાર્ટી 677 બેઠક જીતી છે અને 10 કાઉન્સિલ પર અંકુશ ધરાવે છે. આ ઉપરાંત, બે મેયર પણ તેમના છે. તેઓ રનકોર્નમાં માત્ર 6 મતથી જીત્યા છે જે દરેક મત કિંમતી હોવાનું સાબિત કરે છે. મેં ડિસેમ્બર 2024માં લખ્યું હતું કે રિફોર્મના હાથે માર ખાવો પડશે તેની જાણ હોવાથી કેટલીક કાઉન્સિલો ચૂંટણી મુલતવી રાખી શકે છે. જો બધી જ કાઉન્સિલોમાં ચૂંટણી યોજાઈ હોત તો ટોરીઝ અને લેબરના માથે કેવી આફત આવી હોત તેની કલ્પના તમે કરી શકો છો. રિફોર્મ પાર્ટીએ આ બંને પક્ષોનો સફાયો કરી નાખ્યો હોત.
જીતવું સારી વાત છે પરંતુ, રિફોર્મ માટે સાચી પરીક્ષા હવે શરૂ થાય છે. તેમના અંકુશ હેઠળની 10 કાઉન્સિલ્સને યોગ્ય રીતે ચલાવી શકે છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે. રિફોર્મ માટે તો જે છે તે બધું જ ગુમાવવાનું છે. કાઉન્સિલના સ્તરે સત્તા સ્વીકાર્ય છે પરંતુ, તેમનું લક્ષ્ય પાર્લામેન્ટમાં સત્તા હાંસલ કરવાનું છે. આ તો બહુ દૂરની વાત છે. રિફોર્મ પાસે ત્રણ વર્ષ છે જેમાં તેઓ એકસંપ રહી શકે છે, કાઉન્સિલોનું યોગ્ય સંચાલન કરી શકે છે અને આપણા દેશને અસર કરતા મુખ્ય મુદ્દાઓ પરત્વે તેઓ કેન્દ્રિત રહી શકે છે તેને પુરવાર કરી શકે છે.
લેબર માટે તો તેનો હંસલો રંધાઈ ગયો છે. લેબરને બીજી ટર્મ મળી શકે તેનો એક માત્ર માર્ગ ટોરીઝ અને રિફોર્મ એકબીજાના ટાંટિયા ખેંચવામાં જ વ્યસ્ત રહે તેનો છે. ટોરીઝે ઓછામાં ઓછાં આગામી બે વર્ષ તેમનો પાવડર સૂકો રહે તેમ કરવું પડશે. અલબત્ત, તેમણે દેશને અસર કરતી સાચી સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે અને લોકો શું ઈચ્છે છે તે જાણવું જોઈશે. તુષ્ટિકરણનું રાજકારણ અને ભૂતકાળની કાયરતા ધોવાઈ શકે તેમ નથી. રિફોર્મને સફળતા સાંપડી છે તેનો અર્થ એવો નથી કે તેમને પાસે દેશને ચલાવવા યોગ્ય નીતિઓ છે અથવા તેમનો સારો ટ્રેક રેકોર્ડ છે. તેમનો વિજય એટલા માટે જ થયો છે કે લોકોએ બે પાર્ટીની વિરાસતમાં વિશ્વાસ ગુમાવી દીધો છે.
રિફોર્મ પાર્ટીએ 30 ટકા મતહિસ્સો હાંસલ કર્યો છે જેની સામે લેબર (20 ટકા), ટોરીઝ (15 ટકા), લિબરલ ડેમોક્રેટ્સ (17 ટકા) અને ગ્રીન્સ (11 ટકા) મતહિસ્સો મેળવી શક્યાં છે. આપણે એ કલ્પના કે દંતકથાને ખતમ કરવી જોઈશે કે રિફોર્મ માટેનો મત વિરોધસરનો હતો, ના એમ નથી. મતદારોએ રિફોર્મ તરફે મતદાન કર્યું કારણકે અન્ય કોઈ પાર્ટીએ તેમને જે જોઈતું હતું તે ઓફર કરી નહિ. આપણી FPTP સિસ્ટમને ધ્યાનમાં રાખતા હું મારી માન્યતામાં ચોક્કસ છું કે જો રિફોર્મ પાર્ટીએ આગામી સરકાર રચવી હશે તો આગામી જનરલ ઈલેક્શનમાં તેમણે ઓછામાં ઓછાં 35 ટકાના મતહિસ્સાની જરૂર પડશે. એમ કહેવાય છે કે ચાના કપ અને હોઠ વચ્ચેનું અંતર ઘણું દૂર હોય છે. તેમની પાસે બધી બાબતોને બગાડવા માટે પૂરતો સમય છે અને જો એમ થાય તો, ટોરીઝ આ ટુકડાઓને ઝડપી લેવા તૈયાર હશે? એક બાબત તો નિશ્ચિત છે કે આ દેશ કેન્દ્રીય જમણેરી હતો અને હજુ પણ છે. જે કોઈ આ ભાવનાને ચમકાવી શકશે તેનો જ વિજય થશે.