લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ

- વિનોદ કપાશી, ઓબીઇ, હેરો Friday 22nd December 2023 06:40 EST
 
 

શુક્રવાર તારીખ 15 ડીસેમ્બર ના રોજ, હેરોના સંગત સેન્ટરમાં આપણાં લોખંડી પુરુષ અને ભારતના ઇતિહાસના ઘડવૈયાઓમાંના એક એવા મહાન વ્યક્તિ સરદાર, વલ્લભભાઈ પટેલની યાદમાં અને તેમની સ્મરણાંજલિ રૂપ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સરદાર પટેલ વિષયક ગીતો, દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવનને લગતા માહિતીપૂર્ણ અને રસપ્રદ પ્રવચનો પણ સામેલ હતાં. ગુજરાત સમાચાર, એશિયન વોઇસના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો સંપૂર્ણ યશ માનવંતા શ્રી સી. બી. પટેલ, મહેશભાઇ લીલોરિયા અને સંગતના શ્રી કાંતિભાઈ નાગડાને ફાળે જાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. આવું બિરુદ પ્રાપ્ત કરનારા સરદારશ્રી માત્ર ગુજરાતના જ નહીં કે માત્ર પટેલ જ્ઞાતિના જ નહિ પણ સારાયે વિશ્વના અને માનવજાતના એક મહાપુરુષ હતાં. બાળપણમાં જ તેમણે પોતાની હિંમત અને દ્રઢ મનોબળનો પરચો બતાવ્યો હતો. પોતાની બગલના એક ગુમડા પર જ્યારે ડામ દેવાના હતાં ત્યારે આ નાના બાળકને જોઈને ડામ દેનારો અચકાતો હતો ત્યારે તેમણે સ્વયં પોતે જ હાથમાં ધગધગતો ગરમ સળિયો લઇને પોતાની બગલમાં ડામ દીધો હતો.
તેઓ પોતે પોતાની જાતમહેનતથી ભણ્યા અને વકીલાતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા અને ગોધરામાં વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને 1910માં ઇંગ્લેન્ડમાં ભણવા માટે રવાના થયા હતા. જ્યાં બેરિસ્ટર-એટ-લોની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમાંકે ઉત્તીણ થયા હતા. 1913માં તેઓ ઇંગ્લેન્ડથી પરત ફર્યા હતા.
ગોધરામાં મહાત્મા ગાંધી સાથેની મુલાકાત બાદ તેમનાથી પ્રેરાઈને સરદારે આઝાદીની લડતમાં આગેવાની લીધી ત્યારબાદ તેઓ આજીવન ગાંધીજીના મિત્ર બની રહ્યા હતા. તેમાંય વળી ચંપારણ્ય સત્યાગ્રહમાં મળેલી સફળતા પછી તેઓ ગાંધીજીના પ્રવૃત્તિઓ-કામગીરીને અનુસરતા થયા હતા. 1918માં જ્યારે ખેડામાં પૂર આવ્યું ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ અંગ્રેજોને ટેક્સમાંથી રાહત આપવાની અપીલ કરી હતી, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની મદદ અંગ્રેજોએ આપી નહોતી. પરિણામે સરદાર અંગ્રેજો વિરુદ્ધની આ લડતમાં જોડાયા હતા અને અંગ્રેજોના સામેના અસહકારના આંદોલન દરમિયાન ખાદીના વસ્ત્રો પહેરવાનો પણ પ્રારંભ કર્યો. પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. ટેક્સ પાછો ખેંચવા માટે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટ કર્યા પછી સરદારની શરતોને આધારે ટેક્સમાં રાહત આપવા અંગ્રેજો સહમત થયા હતા. 1928માં સરદાર પટેલે ફરી એક વખત બારડોલીમાં ખેડૂતો વતી જમીન કરમાં કરાયેલા વધારાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો અને વિજય મેળવ્યો. આ ઉપરાંત 1930માં તેમણે સવિનય કાનુન ભંગની લડતમાં ભાગ લીધો એ બદલ સાતમી માર્ચ 1930ના રોજ તેમની ધરપકડ કરાઇ.
ભારત સ્વતંત્ર થયા બાદ 562 રજવાડાના એકીકરણનું ભગીરથ કાર્ય તેમણે પાર પાડ્યું. હૈદરાબાદ અને જૂનાગઢના રાજવીઓને બળપૂર્વક જ નમાવવા પડયા. બંને છેવટે પોતાના રાજ્યને છોડીને પાકિસ્તાન પલાયન થઈ ગયાં. આ એક મુત્સદ્દીગીરીનો અને દૂરંદેશીપણાનો ઐતિહાસિક પ્રસંગ હતો.
ભારતની યુનિટીના સાચા સ્મારકરૂપે આજે તો તેમનું ગુજરાતમાં 592 ફૂટ ઊંચું વિશાળકાય પૂતળું છે. જય ભારત, જય સરદાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter