વંદે ભારતઃ વિદેશમાં અટવાયેલા ભારતીયોને માદરે વતન પહોંચાડતું અભિયાન

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 12th May 2020 09:06 EDT
 

વંદે ભારત યોજના હેઠળ વિદેશમાં અટવાઈ ગયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ ચલાવવામાં આવી. અમુક દેશોમાંથી આ રીતે મર્યાદિત સંખ્યામાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા. લંડનથી પણ પ્રથમ તબક્કામાં ૭ વિમાન દ્વારા ભારતીયોને મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ લઇ જવામાં આવ્યા. મુંબઈ માટે બે વિમાન ઉડ્યા. લગભગ સવા ત્રણસો લોકો એક - એક વિમાનમાં ગયા. સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રિત હતી અને તેમાં ભારતીય ઉચ્ચાયોગની વેબસાઈટ પર રજીસ્ટર કરેલા લોકોને અમુક પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવ્યા. જોકે બધા જ મુસાફરોને આ માર્યાદિત સીટમાં સામેલ કરવા તો શક્ય ન જ હોય. પરંતુ પ્રથમ તબક્કામાં ઘણા ખરા જરૂરિયાતમંદોને મુસાફરી કરવાની તક મળી.

આવી જ પ્રક્રિયા યુકે સરકારે પણ કરેલી. ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવ્યા. ઘણા લોકો ભારતના વિવિધ વિસ્તારોમાંથી ઉડેલી ફ્લાઈટમાં યુકેમાં પરત આવ્યા.
કેટલી મોટી પ્રક્રિયા. લોકોને રજિસ્ટર કરાવવા. તેમને જે તે રાજ્ય અનુસાર વર્ગીકૃત કરવા. તેના બાદ તેમને ભારત સરકારે આપેલા માર્ગદર્શન અનુસાર પ્રાથમિકતામાં ગોઠવવા. તેમને ઇ-મેઇલ કરીને જાણ કરવી કે ટિકિટ કેવી રીતે બુક થશે. એકાદ વખત ફોન કરીને તેમને જવું છે કે નહિ તેની ખાતરી કરવી જેથી એર ઇન્ડિયાને એવું લિસ્ટ આપી શકાય જેઓ જવાની તૈયારી બતાવતા હોય. ત્યાર બાદ એર ઇન્ડિયા દ્વારા ઇ-મેઇલ કે ટેલિફોન કોલ દ્વારા મુસાફરનું બુકીંગ થાય. તેમાં પણ કેટલાક પેસેન્જરના ભારતીય ડેબિટ કાર્ડ હોય તો પેમેન્ટની સમસ્યા આવે. કેટલાક લોકોના ફોન ન લાગે. કેટલાક લોકો ઇ-મેઇલ મિસ કરી જાય. કેટલાકના પરિવારજનો યાદીની બહાર રહી જાય. એરપોર્ટ પર પણ તેમનું ટેસ્ટિંગ થાય. જો તેમને કોરોનાના કોઈ લક્ષણ જણાય તો ફ્લાઈટમાં બોર્ડ ન કરી શકે.
પરંતુ, આ બધામાં એક સંતોષજનક બાબત એ છે કે જે લોકોને તાકીદે ભારત પહોંચવું હોય તેમને એક તક મળી રહે. મોટા ભાગના લોકો પોતાના વતન પાછા ફરી શકે. ત્યાં પણ જોકે તેમને ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન - એકાંતવાસમાં રહેવું પડે. ત્યાં નિશ્ચિત કરેલી હોટેલમાં પૈસા આપીને એકાંતવાસ ભોગવવાનો. ખાવા-પીવાનું તેમના રૂમમાં પહોંચી જાય. તેમને બહાર નીકળવા ન મળે. ૧૪ દિવસ પછી તેમની એક ટેસ્ટ થાય. તેમને કોરોના ન હોય તો ઘરે જવા મળે.
આ સમસ્યા જ એવી છે કે કેવી રીતે તેનો ઈલાજ કરવો કોઈને ખબર જ નથી. ન કોઈ રસી ન કોઈ દવા. માત્ર એક જ ઉપાય કે દૂરી બનાવી રાખો. એકાંતવાસ પાળો. એટલા માટે મુસાફરી પણ ઓછામાં ઓછી થાય તેવું દરેક સરકારે નિશ્ચિત કર્યું છે.
પરંતુ, વંદે ભારત યોજના દ્વારા જરૂરતમંદ અને કેટલીક પ્રાથમિકતા ધરાવતા લોકો ભારત પરત જવા સક્ષમ બન્યા તે વાતનો આનંદ છે. બીજો તબક્કો શરૂ થશે એટલે વધારે મુસાફરોને તક મળશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter