ગત સપ્તાહે આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી- એવા રાજપુરુષ જેમની નેતાગીરીએ ભારતની ટ્રેજેક્ટરી-દિશાપથને નવો આકાર આપ્યો તેમજ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વના દેશો સાથે સંબંધો મજબૂત બનાવ્યા-ની 75મી વર્ષગાંઠની ઊજવણી નિહાળી. 2014માં સત્તાનશીન થયા પછી મોદીએ ભારતને નોંધપાત્ર પરિવર્તનોના સમયગાળામાં નેતૃત્વ પુરું પાડ્યું છે. મહત્ત્વાકાંક્ષી આર્થિક સુધારાઓ અને ડિજિટલ ઈનોવેશનથી માંડી વૈશ્વિક કૂટનીતિ સુધી તેમણે ભારતના 1.4 બિલિયન નાગરિકોને સશક્ત બનાવવા અને દેશને વિશ્વતખતા પર તેના અધિકારનું સ્થાન પ્રાપ્ત થાય તે માટે અવિરત અને અથાક કાર્યો કર્યા છે. વિશ્વની સૌથી વિશાળ લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતા મોદી આર્થિક વિકાસથી માંડી ક્લાઈમેટ ચેન્જ સુધી વિસ્તરેલા મુદ્દાઓ પરત્વે આદરપાત્ર અવાજ અને વૈશ્વિક બાબતોમાં ભારતના વધતા પ્રભાવનું પ્રતીક બની રહ્યા છે.
મોદી જે રીતે આંતરરાષ્ટ્રીય પ્રભાવ ધરાવે છે તેનું પ્રતિબિંબ વૈશ્વિક નેતાઓ દ્વારા અપાયેલી જન્મદિનની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓમાં જોવા મળે છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને અભિનંદન પાઠવવા અંગત કોલ કર્યો અને મોદીનો ઉલ્લેખ ‘મારા મિત્ર’ તરીકે કર્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર એન્થોની આલ્બાનીસે મોદીની ‘વિઝનરી લીડરશિપ’ની પ્રશંસા કરી ભારત સાથે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઈટાલીના પ્રાઈમ મિનિસ્ટર જ્યોર્જીઆ મેલોનીએ મોદીને ‘પ્રેરણા’ ગણાવી ‘ભારતનું નેતૃત્વ કરતા રહેવા આરોગ્ય અને ઊર્જા’ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઈઝરાયેલી પ્રાઈમ મિનિસ્ટર બેન્જામિન નેતાન્યાહુએ અંગત અભિનંદન પાઠવી ‘મજબૂત ભારત-ઈઝરાયેલ પાર્ટનરશિપના અનેક વર્ષો’ને નિહાળવા તેઓ ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.
યુનાઈટેડ કિંગ્ડમ માટે ભારત સાથેના સંબંધો અગાઉ કદી ઓછાં નોંધપાત્ર રહ્યા નથી. સહભાગી લોકશાહી મૂલ્યો અને ઉદ્યોગસાહસિકતામાં માન્યતાથી જોડાયેલી યુકે-ભારત પાર્ટનરશિપ મોદીના નેતૃત્વ અને કન્ઝર્વેટિવ પ્રાઈમ મિનિસ્ટર્સ હેઠળ વધુ શક્તિશાળી અને મજબૂત બનતી રહી છે. વેપાર, શિક્ષણ, સુરક્ષા સહકાર અથવા સાંસ્કૃતિક વિનિમય સહિત તમામ ક્ષેત્રોમાં આ સંબંધો સતત વિકસતા રહ્યા છે, જેમાં આપણા બંને દેશો વચ્ચે સામાન્યપણે ‘જીવંત સેતુ’ તરીકે ઓળખાવાતી 1.5 મિલિયનની બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીનું ભારે સમર્થન રહ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટી પર પણ મોદીની પ્રત્યક્ષ અસર જોવા મળી છે. તેમના સમર્થન સાથે 2012માં સ્મૃતિ ઈરાની લંડન આવ્યાં હતાં અને તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરન અને લોર્ડ પોપટ સાથે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના લોન્ચિંગમાં જોડાયાં હતાં. હવે CF ઈન્ડિયા કન્ઝર્વેટિવ પાર્ટીમાં સૌથી મોટાં સંયોજિત ગ્રૂપ તરીકે વિકસ્યું છે. આ બાબત BJP અને કન્ઝર્વેટિવ્ઝ વચ્ચે ઊંડા વૈચારિક જોડાણ – મહત્ત્વાકાંક્ષામાં સહભાગી માન્યતા, કઠોર પરિશ્રમ અને કોમ્યુનિટી સશક્તિકરણનું પ્રતિબિંબ દર્શાવે છે.
યુકે અને ભારત વચ્ચેની ભાગીદારી માત્ર રાજદ્વારી સંબંધોની બાબત નથી, આ અંગત, પ્રજા વચ્ચે અને વિશ્વાસના પાયા પર રચાયેલી છે. આ વિશિષ્ટ સંબંધથી શું હાંસલ કરી શકાય તે સંદર્ભે આજે સુગઠિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી માંડી સાયન્સ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જીમાં સહકારની નવી મહત્ત્વાકાંક્ષા જોવા મળે છે.
આપણે તેમના સીમાચિહ્ન જન્મદિનને ઉજવી રહ્યા છીએ ત્યારે આશાવાદ સાથે આગળ નજર માંડીએ છીએ. મજબૂત અને આત્મવિશ્વાસી ભારતનું મોદીનું વિઝન બ્રિટનના આગવા ગ્લોબલ આઉટલૂક સાથે જોડાયેલું છે. આપણા બંને દેશોએ સાથે મળીને, માત્ર પારસ્પરિક સમૃદ્ધિ માટે જ નહિ, આપણા યુગના મહાન પડકારોના નિરાકરણ માટે હજું ઘણું કરવાનું છે. આ 75મી વર્ષગાંઠ નિમિત્તે અમે વડા પ્રધાન મોદીને અમારી ઉષ્માસભર શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેમનું નેતૃત્વ પ્રેરણા આપતું રહે, આપણા બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બને અને આ અનોખી પાર્ટનરશિપ આગામી પેઢીઓ સુધી વિકસતી રહે.