વડાં પ્રધાન ઈંદિરાને લશ્કરી વડા સેમે નન્નો ભણ્યો

ઈતિહાસનાં નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 29th January 2018 06:32 EST
 
 

ભારતીય વડાં પ્રધાન ઈંદિરા ગાંધી પર બાંગ્લાદેશ મુક્તિ જંગમાં ભવ્ય વિજય માટે સંસદમાં વિપક્ષી જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી સહિતના સર્વપક્ષી રાજનેતાઓએ ખોબલે ખોબલે અભિનંદનની વર્ષા કરી હતી. માર્ચ ૧૯૭૧થી પાકિસ્તાનના લશ્કર થકી પૂર્વ પાકિસ્તાનની બાંગલા પ્રજા પર અસહ્ય સિતમની શરૂઆત થઈ ચૂકી હતી. ચૂંટણીમાં વિજયી અવામી લીગ પાર્ટીના વડા શેખ મુજીબુર્રેહમાનને સમગ્ર પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેનો હવાલો આપવાનો ધરાર ઈનકાર કરનાર પશ્ચિમ પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી શાસકો પૂર્વ પાકિસ્તાનની બંગાળી ભાષી મુસ્લિમ, હિંદુ અને બૌદ્ધ-ખ્રિસ્તી પ્રજા પર જુલમ વરસાવાના શરૂ કર્યાં. અત્યાચારોમાં હત્યાઓ અને બળાત્કાર સામાન્ય હતા. 

પૂર્વ પાકિસ્તાનથી નિર્વાસિતોનાં ધાડાં ભારતીય પ્રદેશ ભણી હિજરત કરવા માંડ્યા હતાં. આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મણિપુર જેવાં રાજ્યોના મુખ્ય પ્રધાનો આ નવી આફતમાં મદદરૂપ થવા અને નિર્વાસિતોના પ્રવાહને રોકવા વડાં પ્રધાન શ્રીમતી ગાંધી સમક્ષ વિનવણી કરી રહ્યા હતા.
આવા જ તબક્કે એપ્રિલ ૧૯૭૧ના અંતિમ દિવસોમાં વડાં પ્રધાને બોલાવેલી કેબિનેટની બેઠકમાં લશ્કરી વડા જનરલ એસ. એસ. એફ. જે માણેકશા માટે તેડું આવ્યું. વડાં પ્રધાને ફરમાવ્યું કે પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસવું પડે તો પણ આ સંકટને અટકાવો. યુદ્ધ માટેની ગણતરી સાથે એમણે માણેકશાને આદેશ આપ્યો તો ખરો પણ જનરલના ઉત્તરે સૌનાં હાડ થીજવી દીધાં. ‘હું યુદ્ધ માટે તૈયાર નથી.’ સંરક્ષણ પ્રધાન જગજીવનરામ તો લશ્કરી વડાને વિનવણી કરવા લાગ્યા કે વડાં પ્રધાનની વાત માની જાઓ. માણેકશા નોખી માટીના માનવી હતા. અધૂરી તૈયારીએ યુદ્ધમાં જતાં પરાજ્યની નાલેશી વહોરવા તૈયાર નહોતા. એમણે અગાઉ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં એ વેળાના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન અને ‘મૂરખ’ જનરલોના પ્રતાપે સર્જાયેલી સ્થિતિનું પુનરાવર્તન થવા દેવું નહોતું.
‘મારે તૈયારી કરવી પડે’ વડાં પ્રધાનને એમણે સુણાવતાં ઉમેર્યુંઃ ‘મારે જ નહીં, તમારે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર જનમત કેળવવો પડે. મારે ૧૦૦ ટકા જીતની ખાતરી આપવી પડે. અત્યારના સંજોગો અનુકૂળ નથી. વરસાદ શરૂ થતાં મુશ્કેલી વધશે. મને સમય જોઈએ અને છતાં સરકારનો આદેશ હોય તો યુદ્ધમાં જઈશ, પણ ૨૦૦ ટકા પરાજ્યની ખાતરી સાથે. મને કોઈ દખલ ના કરે, તો યોગ્ય સમયે યુદ્ધ શરૂ કરીને વિજયની આપને ખાતરી આપું છું.’

ધૂંઆપૂંઆ ઈંદિરાએ સેમનું માન્યું

કેબિનેટની બેઠક સાંજના ચાર સુધી મોકૂફ રાખીને વડાં પ્રધાને લશ્કરી વડા સેમ બહાદુર સાથે ગૂફ્તગૂ કરી. એમને લાગ્યું કે અમૃતસરમાં જન્મેલા મૂળ ગુજરાતના વલસાડના ભાણેજ એવા આ પારસી અધિકારીની વાતમાં વજૂદ છે. અગાઉ સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનને મોંઢા ઉપર સુણાવી દેવાની હિંમત ધરાવવા બદલ માણેકશા સામે ખોટા આક્ષેપો મૂકીને તપાસ યોજાઈ હતી. પણ સત્યમેવ જયતે. આ અધિકારી ગાંજ્યો જાય એવો નહોતો. શ્રીમતી ગાંધીએ કેબિનેટ બરખાસ્ત કરી ત્યારે સેમને રોકાવા કહ્યું. વડાં પ્રધાન કાંઈ કહે એ પહેલાં જ જનરલ માણેકશાએ સ્પષ્ટ કહી દીધું હતું કે તમારે મારું રાજીનામું જોઈતું હોય તો લખી દઉં, પણ પરાજ્યની કાળી ટીલી દેશને માથે આવે એ મારાથી સહન નહીં થાય. બીજી વાત, મને સૂચનાઓ અનેક જણ તરફથી નહીં અપાય. મારા નિર્ણય કરવામાં હું મોકળાશ અનુભવું તો વિજયની ખાતરી આપું છું. શ્રીમતી ગાંધી દીર્ઘદૃષ્ટા વડાં પ્રધાન હતાં. એમણે જનરલની વાત માની. ‘સેમ, ક્યારે યુદ્ધ આરંભશો?’ ‘વડાં પ્રધાન, એ હું નક્કી કરીશ અને શરૂ કરીશ ત્યારે તમને અને બધાને સમજાઈ જશે.’ હા, ઈંદિરાજીને લશ્કરી વડાએ ખાતરી આપી કે યુદ્ધ શરૂ થયાના બે સપ્તાહમાં વિજય આપણે પક્ષે હશે. બન્યું પણ એવું જ.
૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતીય લશ્કરી દળોએ પૂર્વ પાકિસ્તાન ઓપરેશન શરૂ કર્યું. (રોજેરોજ સવારે એ વડાં પ્રધાનને બ્રીફ કરતા હતા). માત્ર ૧૩ જ દિવસમાં પાકિસ્તાની જનરલ એ.એ.કે. નિયાઝીએ શરણાગતિનો દસ્તાવેજ સહી કરીને જનરલ જગજિત સિંહ અરોરાને સુપરત કર્યો. પાકિસ્તાની લશ્કરના ૯૩,૦૦૦ યુદ્ધ કેદીઓની જવાબદારી ભારતને શિરે આવી. અમેરિકાના હાકલા-દેકારા અને પાકિસ્તાનને પડખે ઊભા રહેવાની ઘોષણાઓ છતાં પાકિસ્તાન હાર્યું. બાંગ્લાદેશે જન્મ લીધો. ભારતે પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી કાપી નાંખ્યું. દુનિયાભરમાં ઈંદિરા ગાંધીના નેતૃત્વનો ડંકો વાગ્યો. એ યુદ્ધના નાયક હતા માણેકશા. જોકે, ભારતીય લશ્કરની પૂર્વ કમાનના વડા જનરલ જેકબનું યોગદાન પણ ઓછું નહોતું, પણ યશ કે અપયશ તો વડાએ જ લેવાનો આવે છે.

પાકિસ્તાનવાળી થવાની ઈંદિરાને આશંકા

ભારત અને પાકિસ્તાન બેઉ એકસાથે સ્વતંત્ર થયાં હોવા છતાં પાકિસ્તાનમાં લોકશાહીને બદલે લશ્કરી તાનાશાહી અને માર્શલ લોના શાસનની પરંપરા લાંબી ચાલી. અમેરિકી વર્તુળો અને ભારતીય રાજકીય હવામાનમાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીને ૧૯૭૦ દરમિયાન કોઈ તબક્કે એવો ડર લાગવા માંડ્યો હતો કે જનરલ માણેકશા એમને ઉથલાવીને સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેશે. આમ પણ ૧૯૬૭ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધીની કોંગ્રેસ પાર્ટીને જે લપડાક પડી હતી, કોંગ્રેસવિરોધી મોરચો આકાર લેવા માંડ્યો હતો, સંયુક્ત વિધાયક દળની સરકારો વિવિધ રાજ્યોમાં રચાવા માંડી હતી અને ૧૯૬૯ આવતાં લગી તો કોંગ્રેસ બે ફાડિયામાં વહેંચાઈ જવાના સંજોગો બેંગલોરના ગ્લાસહાઉસના ઘટનાક્રમે સર્જી દીધા હતા. રાષ્ટ્રપતિપદના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીની સામે શ્રીમતી ગાંધીએ વી. વી. ગિરિને ઊભા કર્યા હતા અને અંતરાત્માના અવાજને અનુસરવાની કોંગ્રેસીઓને કરેલી અપીલે ગિરિને વિજયી બનાવ્યા છતાં શંકાશીલ સ્વભાવનાં શ્રીમતી ગાંધીને આશંકા હતી કે એમને માથાના ફરેલા મનાતા જનરલ માણેકશા ઉથલાવશે.
એક બપોરે પીએમ સાથેના સીધા ફોન પર ઘંટડી વાગી. જનરલ માણેકશાએ ફોન ઉપાડ્યો. વડાં પ્રધાને પૂછ્યુંઃ ‘વ્યસ્ત છો?’ સેમનો ઉત્તર હતોઃ ‘લશ્કરી વડો કાયમ વ્યસ્ત તો રહે, પણ એટલો પણ નહીં કે એનાં વડાં પ્રધાન માટે એને ફૂરસદ ના હોય. જોકે, અત્યારે મારી ચાનો સમય છે.’ ‘હું વધુ સારી ચા પીવડાવીશ. આવો.’
પાર્લામેન્ટ હાઉસ પહોંચીને જનરલે શ્રીમતી ગાંધીને લમણે હાથ મૂકીને જરા ચિંતિત જોયાં. પૃચ્છા કરી. એમના પ્રશ્નોની અકળામણની વાત કરી. બેઉ વચ્ચે વિશ્વાસના સંબંધ હતા. ખુશમિજાજી સેમ કહેઃ ‘મારા ખભે માથું નાંખી કહી શકો કે શું પ્રશ્ન છે?’ વડાં પ્રધાન કહે, ‘સેમ યુ આર પ્રોબ્લેમ.’ માણેકશા ચોંક્યા. વડાં પ્રધાને કહ્યુંઃ ‘લોકો કહે છે કે તમે મને ઉથલાવવાના છો. શું હું એટલી બિનકાર્યક્ષમ વડા પ્રધાન છું?’
‘અરે હોય કાંઈ? યુ આર ધ બેસ્ટ પ્રાઈમ મિનિસ્ટર. તમે જ્યાં સુધી મારી આર્મીની બાબતમાં દખલગીરી ના કરો, ત્યાં લગી મને તમારા રાજકારણમાં દખલ કરવામાં કોઈ રસ નથી.’ શ્રીમતી ગાંધી હળવાં ફૂલ થયાં. બીજા વર્ષે આ બે વચ્ચેના વિશ્વાસે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો.

(વધુ માહિતી માટે વાંચો Asian Voice અંક ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2Fpqmoi)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter