વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 02nd July 2025 05:43 EDT
 
 

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ ઇંડિયન એક્સપ્રેસમાં અને વિક્રમ રાવ ટાઇમ્સ ઓફ ઈંડિયામાં. પહેલાં વડોદરા અને પછી અમદાવાદમાં. ખાનપુર ચોકમાં મહાગુજરાત આંદોલનના પ્રબળ સમર્થક રમણલાલ શેઠે ‘જનસત્તા’ની ઇમારત અને ઇબારતને સક્રિય બનાવ્યા હતાં. પછીથી એવા જ વિચાર સ્વાતંત્ર્યના મહારથી રામનાથ ગોએન્કાએ તે કાર્યાલય, અખબારને ખરીદી લીધાં અને એક્સપ્રેસ જૂથના અખબારો પણ પ્રકાશિત થવા માંડ્યાં. આશ્રમ રોડ પર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનું કાર્યાલય હતું. વિક્રમ તેના વરિષ્ઠ સંવાદદાતા હતાં.
ગુજરાતી પત્રકારત્વે પ્રચંડ પુરુષાર્થી, અને કલમ-કોલમની તાકાત વ્યક્ત કરતા પત્રકારો આપ્યા તેનો લાંબો ઇતિહાસ છે. મુંબઈ અને ગુજરાત તો છે જ, બર્મા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, જર્મની, જાપાન સુધી આપણું પત્રકારત્વ ગુજરાતી, ઇંગ્લિશ અને સ્થાનિક ભાષાઓમાં ઝળક્યું છે. તેનાં ઉદાહરણો જ એટલા બધાં છે કે એક અલગ લેખ કરવો પડે.
આજે તો આંતરિક કટોકટી અને સેન્સરશિપની સામે નાના અને મોટાં અખબારોએ સંઘર્ષ કર્યો, તેની વચ્ચે એક રસપ્રદ પ્રકરણ જ્યોર્જ ફર્નાન્ડિઝના ‘બરોડા ડાઈનેમાઈટ કેસ’ નામે જાણીતા મુકદ્દમો થયો તેનું છે. હાલોલ નજીકની ખાણોમાંથી વિસ્ફોટક પદાર્થો લઈને રેલના પાટાઓ કે સભાઓ પૂર્વે બહેરા કાને અવાજ સંભળાવવાનો હેતુ સીબીઆઈએ શોધી કાઢ્યો, તેમાં પકડાયા કોણ? પ્રભુદાસ પટવારી ચુસ્ત ગાંધીવાદી, સમાજવાદી વિચારક જી.જી. પરીખ, ઉદ્યોગપતિ વીરેન શાહ, એમ. એસ અપ્પારાવ અને તેની પુત્રી અમુકતા, તેલુગુ કવિ અને ફિલ્મકાર ટી.પી. પટ્ટાભિ રેડ્ડી, તેની પત્ની ફિલ્મ કલાકાર સ્નેહલતા રેડ્ડી, અને ગુજરાતનાં પત્રકારો વિક્રમ રાવ અને કિરીટ ભટ્ટ!
ખરેખર તો સરકારનો એકમાત્ર હેતુ જ્યોર્જના પ્રભાવી જીવનને રાજકીય રીતે સમાપ્ત કરવાનો હતો. કારણ જ્યોર્જ દેશવ્યાપી મજૂર સંગઠનોના આગેવાન હતાં. 1974માં દેશવ્યાપી રેલ હડતાળ પડી હતી, બીજી સંખ્યાબંધ હડતાળોનું નેતૃત્વ લીધું અને વારંવાર જેલોમાં ગયા. (અમદાવાદમા તેનાં એક સાથી પી. ચિદમ્બરમ પણ મજૂર નેતા હતાં. કટોકટી દરમિયાન પકડાયા પછી મને કહ્યું હતું કે જેલ તો મારું બીજું ઘર છે, સત્તરથી વધુ વાર જેલોમાં ગયો છું!)
જ્યોર્જનું પૂર્વ જીવન આખું રઝળપાટમાં ગયું. ચર્ચમાં પાદરી થવાની તાલીમ દરમિયા ભેદભાવ જોઈને ભાગી છૂટયા. માતાએ પંચમ જ્યોર્જના નામે જ્યોર્જ નામ પાડ્યું હતું. મેંગલોરના આ રોમન કેથોલિક પરિવારનું સ્વપ્ન હતું કે જ્યોર્જ વકીલ બને. વકીલ જેવી દલીલો તો તેણે કરી, પણ તે ડાયનેમાઈટ કેસમાં અદાલતમાં! અદાલતને પણ લાગ્યું કે જ્યોર્જ તો ઇન્દિરા ગાંધીની ફાસિસ્ટ તાનાશાહીની સામે લડવા નીકળ્યા હતાં, તેની સાથે બીજા 24ને આરોપી બનાવાયા હતાં.
બેંગલુરુમાં તેની સાથે પરિવારિક સંબંધ ધરાવનાર સ્નેહલતા રેડ્ડીને જેલવાસી બનાવીને એવા માનસિક અત્યાચારો કર્યા કે ગંભીર બીમારી, બેહોશી, અસ્થમા, શારીરિક અસંતુલનને લીધે તે મરવા પડી. જેલના રેઢિયાળ ડોક્ટરોએ વધુ બીમાર બનાવી, જેલના સત્તાધીશોને લાગ્યું કે જો કારાગારમાં તેનું મોત થશે તો આપણે જવાબદાર છીએ તેમ બહાર આવશે, એટલે છેલ્લે પે-રોલ આપી. બીજી મે, 1976 તેની ધરપકડ થઈ હતી, બેંગલુરુ જેલમાં તેને 15 જાન્યુઆરી સુધી બેસુમાર ત્રાસ અપાયો. પેરોલ પર છૂટયા પછી પાંચમા દિવસે તેનું મૃત્યુ થયું. જ્યોર્જના ભાઈને પણ માહિતી મેળવવા સખત માર માર્યો, જેલમાં તેનું પુનરાવર્તન થયું.
4 ઓગસ્ટ, 1976ના તિહાડ જેલમાં તેણે ફાસિસ્ટ સત્તાની સામે પોતાના અસમાપ્ત સંઘર્ષ વિષે જે દલીલો કરી હતી તે ભારતીય ઈતિહાસમાં એક જ્વાળામુખી જેવું વક્તવ્ય હતું, ઐતિહાસિક હતું. તેની સામે અને સાથીદારો સામે 3000 પાનાનું આરોપનામું સીબીઆઈએ તૈયાર કર્યું હતું. 500 દસ્તાવેજો જોડ્યા હતાં. 575 સાક્ષી ઊભા કર્યા હતાં. તેમાં ગુજરાતનાં એક ઉદ્યોગપતિ કાકા-ભત્રીજાના નામો પણ હતાં!
ફર્નાન્ડિઝ પરના ગલત પગલાં સામે જર્મનીના ચાન્સેલર વિલ્લી બ્રાંટ, સ્વીડનના વડાપ્રધાન ઓલ્ફો પામ, ઓસ્ટ્રિયાના બ્રુનો ક્રિસ્કી અને દુનિયાભરના સમાજવાદી, ટ્રેડ યુનિયનોએ અપીલ બહાર પડી. કોલકાતાથી દિલ્હી રેલ પ્રવાસ દરમિયાન, પૂર્વ કેન્દ્રીય મંત્રી હુમાયું કબીરની પુત્રી લયલા કબીર વચ્ચે પ્રેમ સબંધ બંધાયો, લગ્ન થયા. તે દુનિયાના દેશોમાં ગઈ, અને બે હાથમાં હાથકડી સાથેના જ્યોર્જની તસવીર સાથે પ્રબુદ્ધો સમક્ષ વ્યાખ્યાન આપતી રહી. અહીં ભારતમાં જ્યોર્જ બચાવ સમિતિ બની જેમાં કૃપલાણી, તારકુંડે વગેરે હતા.
22 માર્ચ, 1977ના લોકસભા ચૂટણી થઈ. જેપીના કહેવાથી મુઝફ્ફરપુરથી જેલવાસી જ્યોર્જ ચૂટણી લડ્યા, અને જીત્યા. આ પહેલા મુંબઈમાં કોંગ્રેસ નેતા સદોબા પાટિલ વિષે કહેવાતું કે ભગવાન આવે તો તે પણ પાટિલને હરાવી ના શકે. ફૂટપાથ પર જીવતા જ્યોર્જે તેમને હરાવ્યા, અને ‘જાયન્ટ કીલર’ બની ગયા. 26 માર્ચ, 1977ના અદાલતે આ નિરર્થક મકદ્દમાને કચરા ટોપલીને આધીન કરી દીધો હતો.
કિરીટભાઈની પુત્રી આરાધનાએ ફરીવાર પિતાને યાદ કરતાં લખ્યું છે: ‘14 મહિના જેલમાં હતા. મારા માતા પ્રજ્ઞા ભટ્ટે દસેક વર્ષ પૂર્વે ચાર પૂરા કદના પાનામાં લખ્યું હતું. આજે તો માની વિદાયને પણ ચાર વર્ષ થઈ ગયા. તેના જ શબ્દોમાં -
‘1976, આઠમી માર્ચની વહેલી સવારે બારણે ભારેખમ ટકોરા પડ્યા, બારણું ખોલતાં જ રાયસિંઘાણી પોલીસ ઓફિસર અને તેની પલટણ જોઈને થોડી નવાઈ લાગી. ત્યાં તો પાછળ જશવંત સિંહ ચૌહાણ - ઊંઘમાથી સ્વસ્થતાથી કિરીટ ઉઠ્યા. તેમની આ ઘટના માટે તૈયારી હતી. થોડી પૂછપરછ , થોડી તલાશ, કશું વાંધાજનક મળ્યું નહીં. જે હતું તે રૂમમાં બાળકો સૂતાં હતાં એટલે પોલીસ ગઈ નહિ. જતાં જતાં એટલું કહ્યું કે આ બધુ જયંત શુક્લને પહોંચતું કરી દેજે. પોલીસે કહ્યું કે અમે કિરીટભાઇને પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ, બે-ત્રણ કલાકમાં પાછા આવી જશે. પણ આ બે કલાકનો સમય તો પૂરા 14 મહિનાનો નીકળ્યો.
 સવારે છાપામાં હેડલાઇન સાથે વાંચ્યું, લોકોના કોલનો મારો શરૂ થઈ ગયો. બરોડા સુરંગ પ્રકરણ તરીકે બધે સમાચાર પ્રસરી ગયા, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની સામે આ પહેલી સિંહ ગર્જના હતી. સંતાનો મેહુલ, સીબીલ પ્રાથમિક શાળામાં હતાં, પ્રશ્ન કરતાં, તો એક જ જવાબ હતો કે તમારા પપ્પા દેશહિત માટે જેલમાં ગયા છે. હવે મોટો પ્રશ્ન જીવનનિર્વાહનો હતો. ભાઇલાલભાઈ કોન્ટ્રાકટરના પ્રયાસથી પ્રતાપ હાઇ સ્કૂલમાં પાર્ટટાઈમ નોકરી મળી. ઘણા બધાએ કાળજી લીધી. સીબીઆઇના યાગ્નિકે તપાસ સમયે બેન્કની પાસબુકો જોઈને એટલું જ કહ્યું કે તમારા પતિએ તમારા નામે લાખ રૂપિયા બચત કરીને પછી આ બધું કામ કરવું જોઈતું હતું. કિરીટ ભટ્ટ, વિક્રમ રાવ, ગોવિંદભાઇ સોલંકી, મોતીભાઈ કનોજિયા, પ્રભુદાસ પટવારી ને વડોદરા જેલથી તિહાડ જેલ, દિલ્હી લઈ ગયા ત્યારે ખૂબ ચિંતા થઈ. શું અંજામ આવશે તેની કલ્પના પણ ધ્રૂજાવી દેતી હતી... કોઈ શુભ ચોઘડીએ ચૂટણી જાહેર થઈ, પરિણામ આવ્યા ત્યારે બાળકોએ કહ્યું, હવે પપ્પા ઘરે આવશેને? વડોદરા આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું.’
આરાધના લખે છે, વડોદરા જેલમાં કાચા કામના કેદી નંબર 1211 તરીકેની તેમની ઓળખ હતી. તિહાડ જેલમાં બરફની પાટો પર સુવડાવવાથી માંડીને આંખો આંજી ડે તેવી રોશનીના બલ્બો, પોલીસનો માર પણ તેમણે ખાધો હતો. મારા માતા-પિતા આ સમયે વધુ એકબીજાને સમજતા થયા, સંબંધ વધુ ગાઢ થયા.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter