વર્ણશંકરોથી બનેલા ધૂર્ત રાષ્ટ્રનો મદોન્મત્ત પ્રમુખ

- રાજેન્દ્ર એમ. જાની Friday 16th January 2026 01:55 EST
 
 

એક જ વાક્યમાં મેં વાપરેલ ત્રણે શબ્દો પૈકી અમેરિકા માટે વાપરેલ વર્ણશંકર, ધૂર્ત રાષ્ટ્ર અને તેના હાલના પ્રમુખ ટ્રમ્પ માટે વાપરેલ મદોન્મત્ત શબ્દો પ્રથમ દ્રષ્ટિએ કઠોર લાગે. આ અતિકટુ શબ્દોનો ઉપયોગ કોઈ પૂર્વગ્રહ વગર સમજી વિચારીને અમેરિકાના ઇતિહાસથી વર્તમાન સુધીની વરવી વાસ્તવિકતાને ધ્યાને રાખીને જ કરેલ છે. જે બાબતે નીચે દર્શાવેલ હકીકતો જાણીને તમે પણ મહદ અંશે મારી વાત સાથે સહમત થશો જ.

1. અમેરિકા એક વર્ણશંકરોનો દેશ :

હાલના અમેરિકાનો ઇતિહાસ કોલંબસે ભારતના બદલે એક નવી જ ભૂમિ ઉપર સને 1492-93 માં પગ મુક્યો ત્યારથી જ થાય છે. ત્યારબાદના 533 વર્ષથી બધા યુરોપિયન દેશની પ્રજાએ અમેરિકામાં સ્થળાંતર કરી પહેલું જ કામ તે ભૂમિ ઉપર વસનારી રેડઈન્ડિયન પ્રજાનું નિકંદન કાઢવાનું સૌથી હીન કૃત્ય કર્યું. તે અર્થમાં હાલના કહેવાતા અમેરિકનો મુળ અમેરિકાના નહીં પરંતુ યુરોપના જુદા જુદા દેશોની પ્રજાઓનો શંભુ મેળો માત્ર છે. જેમાં કાળક્રમે બીજી આફ્રિકન, એશિયન વગેરે અલગ અલગ પ્રજાઓ ઉમેરાઈ. આમ જોવા જઇયે તો અમેરિકા ત્યાંની મુળ રેડઇન્ડિયન પ્રજાતિનું નિકંદન કાઢી વસેલ વિવિધ પ્રજાઓથી બનેલું વર્ણશંકર રાષ્ટ્ર છે. જે એક કડવી વાસ્તવિકતા છે. આ દ્રષ્ટિએ જોઈએ તો હાલના બધાજ અમેરિકનો ત્યાંના પાંચ છ પેઢીયોથી વસતા ઇમિગ્રન્ટ્સ જ છે!

2. અમેરિકા એક ધૂર્ત રાષ્ટ્ર :

એથી આગળ જોઈએ તો અમેરિકા સમગ્ર વિશ્વનું સૌથી વધુ ધૂર્ત રાષ્ટ્ર પણ છે. રેડ ઇન્ડિયન્સના નિકંદન પછી પણ કરેલ અનેક દુષ્કર્મોની યાદી ઘણી જ લાંબી હોવા છતાં પણ આશ્ચર્યજનક રીતે પોતાની એક લોકશાહી અને માનવતાના હિમાયતી તરીકેની છાપ ઉભી કરી તે છે!
રેડ ઈન્ડિયન્સના વંશ નિકંદન પછી તેમણે આફ્રિકાની અશ્વેત પ્રજાને ગુલામો તરીકે લાવી તેમના ઉપર અમાનવીય જુલમો ગુજારી તેમની કારમી પીડામાંથી પોતાની સમૃદ્ધિ ઉભી કરી. આ ગુલામી પ્રથા પણ સને 1865 એટલે કે ફક્ત 160 વર્ષ પહેલાં જ નાબૂદ કરી.
બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે યહૂદીઓ ઉપર કરેલ અત્યાચારો બધાને યાદ છે, પરંતુ જાપાનના હિરોશિમા અને નાગાસાકીની નિર્દોષ પ્રજા ઉપર એટમ બૉમ્બ નાંખી વિશ્વનો એક જ ઝાટકે સૌથી મોટો નરસંહાર કરનાર આ અમેરિકાની ધૂર્તતાને તો ખુદ જાપાન પણ એટલું યાદ નથી કરતું, તો બીજાની તો વાત જ શું કરવી? આજ તેની ધૂર્તતાની સફળતાનું મોટું ઉદાહરણ છે.
વિયેતનામનો નરસંહાર, ઈરાકના વડા સદ્દામ હુસેન ઉપર સાવ ખોટા આક્ષેપો કરી ત્યાં નરસંહાર ઉપરાંત ફાંસીની સજા આપવી, ક્યૂબાના ફીડલ કાસ્ટ્રોની હત્યા કરવી,
અફઘાનિસ્તાનમાં નરસંહાર કરવો ઉપરાંત અમેરિકાની CIA દ્વારા અનેક દેશોને બરબાદ કરવાનો કાળો ઇતિહાસ ધરાવે છે. પોતાને લોકશાહીના પુરષ્કર્તા ગણાવવા છતાં આપણા ભારત જેવા લોકશાહી દેશને સડેલા ઘઉં ખવડાવ્યા અને પાકિસ્તાન જેવા સરમુખત્યારશાહી ધરાવતા દેશને આધુનિક યુદ્ધ વિમાનો અને પેટન ટેન્કો ભારત વિરૂધ્ધ લડવા પુરી પાડેલ તે કોણ નથી જાણતું? આ કહેવાતા લોકશાહીના હિમાયતી અમેરિકાની ધૂર્તતા ની અસલિયત છે. સોરોસ દ્વારા ભારતના વિરોધ પક્ષનો સાથ લઇ મોદીજીને પછાડવાના ષડયંત્રો પણ આ ધૂર્ત અમેરિકા કરી ચૂક્યું છે.

3. મદોન્મત્ત પ્રમુખ ટ્રમ્પ :

અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકોના મત મેળવવાના ઉદ્દેશ્યથી ભારતના પ્રધાનમંત્રી શ્રી. મોદીજીની અપ્રતિમ લોકપ્રિયતાનો લાભ લઇ હાલના પ્રમુખ ટ્રમ્પે મોદીજી ઉપર અનહદ હેત દર્શાવી પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યા બાદ પોતાનું અસલી સ્વરૂપ દેખાડયું. (મોદીજી જેવા કાબેલ માણસને છેતર્યા !) મોદીજી ટ્રમ્પના ખંડિયા રાજા નહીં થાય તેવું પ્રતીત થતાં જ અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો પ્રત્યે પણ અન્યોની જેમ અપમાનજનક વર્તન કરવા ઉપરાંત રશિયા પાસેથી તેલ ખરીદવા, અમેરિકા પાસેથી હથિયારો ખરીદવા, પાકિસ્તાન સાથે ભારતનું ટ્રમ્પ દ્વારા સમાધાન કરવા જેવી અનેક બાબતે મોદીજી સહમત ના થતાં ભારત ઉપર ભારે ટેરિફ, પાકિસ્તાન તરફી ખુલ્લું વલણ વગેરે ખુબજ ખરાબ પગલાં લેતાં આ મદોન્મત્ત ટ્રમ્પે જરાય વિચાર ના કર્યો! પ્રમુખપદે આવતાની સાથે જ કેનેડા જેવા વિશાળ દેશને પોતાનો એક પ્રાંત બનાવવા, મિત્ર દેશ ડેનમાર્ક પાસેથી તેનો ગ્રીનલેન્ડ માંગી લેવા, કોલમ્બિયા પાસે પનામા નહેર માંગી લેવા, નાટોના સાથી યુરોપીયન દેશોના હિતોની પરવા ના કરવા જેવી અનેક બાબતો ટ્રમ્પ મહાશયની મદોન્મત્તતાને છડેચોક દર્શાવી આપે છે. તેમાં પણ છેલ્લે વેનેઝુએલા અને તેના પ્રમુખ માદુરો ઉપર મનઘડંત આક્ષેપો કરીને બધીજ નીતિમત્તાને નેવે મુકી એક નાના રાષ્ટ્રના પ્રમુખનું તેની પત્ની સહિત અપહરણ કરવાનાં કૃત્યમાં તો આ ધૂર્ત રાષ્ટ્ર અમેરિકા અને તેના મદોન્મત્ત પ્રમુખ ટ્રમ્પ એક શેરીના ગુંડા જેવાં અત્યંત નિમ્ન કક્ષાના સ્પષ્ટ જણાઈ આવે છે. તેના પાછળનો ખરેખર મુખ્ય ઉદ્દેશ વેનેઝુએલાના તેલના ભંડારો હડપવાનો હોવાનું જાહેર જ છે. હજી આ ધૂર્ત રાષ્ટ્રના મદોન્મત્ત પ્રમુખ કેવા કેવા કુકૃત્યો કરશે તેની કલ્પના જ કરવી રહી.
આમના હિટ લિસ્ટમાં ભારત અને મોદીજી પણ હોવાની શક્યતા જરાય નકારી શકાય તેમ નથી. પરંતુ ભારત એ કોઈ મગતરું નહિ પણ વિશાળકાય હાથી છે અને મોદીજી પણ ચાણક્યનીતિના પાકા ખેલાડી છે. ગમે તેમ હોય પણ આ ધૂર્ત રાષ્ટ્ર અમેરિકા અને તેના મદોન્મત્ત પ્રમુખ ટ્રમ્પ ગમે તેટલી નીચી કક્ષાએ જઈ શકે છે. ભારતના રાષ્ટ્રદ્રોહી તત્વો તો તેમને સાથ આપવા સદા તૈયાર છે જ. અસાવધ રહેવાની કલ્પના ના કરી હોય તેવી મોટી કિંમત ચુકવવી ના પડે તે મોદીજી અને તેમની સુરક્ષા એજન્સીઓએ ખાસ જોવાનું રહ્યું. નજર હટી તો દુર્ઘટના ઘટી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter