વર્તમાનની વાસ્તવિકતા: યુદ્ધ, ગૃહયુદ્ધ, વિશ્વયુદ્ધ...

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 09th July 2025 07:28 EDT
 
 

ટીવી કે અખબાર, સવારે નજર કરતાં યુદ્ધના સમાચાર વિનાના હોય તો જ નવાઈ. ઈરાન, ઈઝરાયેલ, ગાઝા, જોર્ડન, સીરિયા, રશિયા, યુક્રેન... આપણાં માટે દૂર લાગે પણ રોજબરોજ તેના નગરો, મેદાનો, ઇમારતો, ખેતરો, આકાશેથી અને સમુદ્રમાર્ગે કે જમીન પર મિસાઇલ અને બોમ્બથી ભડભડ બળતાં દેખાય ત્યારે યુદ્ધ પુસ્તકનાં પાનાં પરથી ઉતરીને આપણા દિલ અને દિમાગને પ્રભાવિત કરે છે. લોકોના દિમાગમાં હજુ પહેલા અને બીજા વિશ્વયુદ્ધોની તવારીખ પડી છે, સરહદી લડાઈ, ગૃહયુદ્ધો, આક્રમણો ક્યાંકને ક્યાંક ચાલે છે. એક ગણતરી એવી છે કે અત્યારે આજની ઘડીએ 60 દેશોમાં યુદ્ધના જુદા જુદા મોરચાઓ ચાલે છે. અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ, યુક્રેનની લડાઈ શાંત થતી જ નથી. સામસામા પડકાર થતાં રહે છે. વચ્ચે વચ્ચે યુદ્ધવિરામના સમાચારો તો આવે છે, પણ બીજી રાતે હુમલાઓની શરૂઆત થઈ જાય છે. જાણે કે કોઈને યુદ્ધ પૂરું કરવું જ નથી!
આ યુદ્ધખોર માનસની પાછળ શું છે? અમેરિકાને પોતાનું આર્થિક અને રાજકીય હિત જાળવવું છે, રશિયાને અગાઉ પોલેન્ડ, ચેકોસ્લોવેકિયા, હંગેરીની જેમ યુક્રેન પર વર્ચસ્વ સ્થાપીને સાબિત કરવું છે કે અમે ગમે ત્યાં સત્તા સ્થાપિત કરી શકીએ છીએ. પેલેસ્ટાઇનને માટે ઈઝરાયેલ મોટો શત્રુ છે. ઇઝરાયેલની આસપાસ તમામ દેશો ઈચ્છે છે કે આ યહૂદી રાજ્ય નેસ્તનાબૂદ થવું જ જોઈએ. ઈરાનને લાગે છે કે આખી દુનિયામાં પોતે જ ઈસ્લામિક દેશોમાં સર્વોપરી છે.
ચીન સામ્યવાદી સામ્રાજ્યવાદનો નઠારો નમૂનો છે. તિબેટને હડપ કરીને હજુ તેને સંતોષ નથી. દલાઇ લામાનો અનુગામી પોતે કહે તે જ થશે એવું જાહેર કરી દીધું છે. દલાઇ લામાએ તેનો વિરોધ કર્યો છે. પોતાના અનુગામીને પસંદ કરવાનું કામ ધર્મનું છે, અને ચીન તો સામ્યવાદી વિચાર મુજબ માને છે કે ધર્મ તો અફીણ છે. રશિયામાં ગોર્બાચોફના ઉદય પછી તેવી ઘૃણા ઓછી થઈ છે, પણ પુતિન પોતાના તમામ રાજકીય હરીફોને ખલાસ કરવા માગે છે. હમણાં પ્રકાશિત ‘નેશનલિસ્ટ’ પુસ્તકમાં તેવા કાવતરાઓની વિગતો છે.
અમેરિકામાં ટ્રમ્પને સર્વોપરી રહેવાની આદત પડી ગઈ, કોઈને પણ ધમકાવી કાઢવાની માનસિકતા અને અમેરિકાને દુનિયામાં સૌથી કદાવર, શક્તિશાળી પહેલવાન બનાવવા જાતભાતના નિર્ણયોના તુક્કા અજમાવે છે. બીજા દેશોમાં વ્યાપાર કરવો છે, યુક્રેનનું યુરેનિયમ પડાવી લેવું છે તે બધું પોતાની મરજી પ્રમાણે. કેટલાક અમેરિકી રાજકીય વિચારકો અમેરિકામાં ચાલી રહેલા યુદ્ધને આર્થિક આધિપત્યની લડાઈ ગણાવે છે.
કેટલાક એવું કહે છે કે ટ્રમ્પના દરેક નિર્ણયોની પાછળ ચોક્કસ ગણતરી છે, તેને તેણે મેથડ ઓફ મેડનેસમાં બદલાવી નાખી છે. તેનાથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે? કેટલાક એવી આશંકા રાખે છે. પણ આજે ય કોઈને વિશ્વયુદ્ધ પોસાય તેમ નથી.
બે વિશ્વ યુદ્ધોનું પરિણામ પણ રાજકીય, આર્થિક, પર્યાવરણીય દ્રષ્ટિએ ઘાતક જ હતું. ઇંગ્લેન્ડે અનેક દેશો પરનું આધિપત્ય ગુમાવ્યું, જાપાન પર એટમ બોમ્બની વિનાશલીલા સામાન્ય નાગરિકને ભરખી ગઈ, અનેક જગ્યાએ અનેક પ્રકારની મંદી આવી, આર્થિક પરિસ્થિતિ વેરવિખેર થઈ.
થોડાંક જ વર્ષોમાં અનેક દેશોમાં આંતરિક યુદ્ધો થયા, તે સામ્યવાદી અરાજકતાના સિદ્ધાંત મુજબના નહોતા. હેવ એન્ડ હેવ નોટ, સંપન્ન અને વિપન્ન વચ્ચેના નહોતા, બીજા વળગણો સાથેના હતા. ક્યાંક સત્તાને ઊથલાવી નાખવી, ક્યાંક બીજા પરિબળને સત્તા પર લાવવું, ક્યાંક સૈનિકી શાસન સ્થાપવું, ક્યાંક ધાર્મિક ઝનૂનને સત્તામાં બેસાડવું... આવું બધુ થતું રહ્યું.
સરમુખત્યારી, સૈનિકી શાસન, લોકશાહીમાં ઇધરઉધર, મહા સત્તાઓની દરમિયાનગીરી એવા કારણો હાજર છે. એમાં મોંઘવારી, બેકારી, મંદી, ભ્રષ્ટાચાર વગેરે નિમિત્તો હાજર હોય છે પણ કોઈ યુદ્ધ એકલા ગરીબો અને એકલા શ્રીમંતોની વચ્ચે થયું નથી. સામ્યવાદી ‘ક્રાંતિ’માં પણ નહિ એ કઠોર વાસ્તવિકતા છે.
ઇંડોનેશિયામાં માર્શલ ટીટોના નેતૃત્વમાં સામ્યવાદ જીત્યો ત્યારે તેના ચિંતક ઉપપ્રમુખ મિલોવાન જીલાસે કહેવું પડ્યું કે આપણે લડ્યા તો હતા ગરીબ અને સામાન્ય જન માટે, પણ સત્તા પર આવતાં જ એક બીજો વર્ગ (અધર ક્લાસ) પેદા કરી દીધો, જે સત્તાના તમામ સુખ-સુવિધા ભોગવતો વીઆઈપી સમૂહ બની ગયો! જીલાસને આવું કહેવા માટે સીધા જેલવાસી થવું પડ્યું, જેમ જયપ્રકાશ નારાયણને તેમની જ માતૃસંસ્થા કોંગ્રેસ અને તેમના સ્વજનો(ઇન્દિરાજી તેમને માટે ‘ઇન્દુ’ હતાં!)એ જ મિસાવાસી બનાવી દીધા હતા. ગાંધીજીનું ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક અને ‘રામ રાજ્ય’ આદર્શ બન્ને પક્ષના કાર્યાલયની કોઈ અભેરાઈ પર નિસાસા નાખતા રહ્યા.
ખ્યાત લેખક માર્કવેઝનું એક વિધાન 50 વર્ષ પૂર્વેનું છે. તેણે કહ્યું હતું કે સરમુખત્યારની પોતાની એક ઊંચાઈ હોય છે, આભા હોય છે, તેજ હોય છે, દમામ હોય છે. આજે તો સરમુખત્યારો પણ ઠિંગુજી (પિગ્મેલિયન) જેવા આવે છે. પરિસ્થિતિ અને સંજોગોના સંતાનો જેવાં! આવા સંજોગોમાં પ્રખર અને પ્રચંડ નેતૃત્વ અને જાગૃત પ્રજા એ બે જ મુખ્ય જરૂરિયાત રહે છે. જરા જૂઓ, કે આવી કોઈ વિશેષતા ટ્રમ્પમાં છે? પુતિનમાં છે? ઝનૂની ખામેનીમાં છે? શી જિનપિંગમાં છે? નથી. અમુક અંશે ઇઝરાયેલી નેતામાં છે તેનું એક કારણ તેની યહૂદી પરંપરામાં છે.
‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પાનાં પર બે વિશ્વયુદ્ધોની વચ્ચેના એવા સત્તાધારીઓના રસપ્રદ ચરિત્રોની વિગતો અપાઇ હતી, શીર્ષક હતું: ‘પોર્ટ્રેટસ ઓફ પાવરઃ ધોઝ હૂ શેપ્ડ ધ ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી’. આ પછી હેન્રી ફોન્ડાએ 26 ભાગમાં એક ટીવી સિરિયલ કરી, આ બધામાં આટલાં નામો હતાં: એડોલ્ફ હિટલર, વિન્સ્ટન ચર્ચિલ, મોહનદાસ ગાંધી. ફ્રેન્કલીન રુઝવેલ્ટ. ચાર્લ્સ દ’ગોલ, જોસેફ બ્રોઝ ટીટો, ગમાલ અબ્દુલ નાસર, ડેવિડ-બેન-ગુરિયન, જ્હોન એફ. કેનેડી, માઓ-ત્સે-તુંગ, હેરી ટ્રૂમેન, ઇમ્પિરિયલ હિરોહિતો, ફ્રાન્સિસ્કો ફ્રાન્કો, કોનાર્ડ એડેનોર, ક્વીન એલિઝાબેથ, મોહમ્મદ રઝા પહેલવી, ડ્વાઈટ આઇઝેન હોવર, નિકિતા ક્રુશ્ચોફ.
વીસમી સદીના નવમા દાયકા પછી આજ સુધીમાં બીજાં 50 નામોનો ઉમેરો આપણે કરી શકીએ. પરિવર્તનો અને પડકારોની વચ્ચે આજ દિવસ સુધી યુદ્ધો પણ ચાલતા રહ્યા છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter