વલ્લભભાઇને ‘અક્કડ પુરુષ’ કહેનારા ગાંધીજીએ કહેલું કે વલ્લભભાઇ ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન થાત

Wednesday 27th October 2021 03:13 EDT
 
 

‘ગાંધીજીની પાછળ ગાંડા થનાર એમની હાજરીમાં, એમની જય બોલાવનાર ગુજરાતીઓ; તમે જાગૃત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા.’ આ શબ્દો છે સરદાર વલ્લભભાઇ પટેલના. 

રવિવાર - ૩૧ ઓક્ટોબરે ભારતમાતાના પનોતા પુત્ર - લોખંડી પુરુષ સરદારની ૧૪૬મી જન્મજયંતી છે. આ એ જ વલ્લભભાઇના ગાંધીજી વિશેના શબ્દો છે જે વલ્લભભાઇએ ૧૯૧૫માં ગુજરાત ક્લબમાં બેઠાં બેઠાં, દાદાસાહેબ માવળંકરને ગાંધીજી સંદર્ભે કહેલું ‘એની પાસેથી શું શીખવાનું છે? એ તો દુનિયાનો થર્ડ લો ઓફ નેચર પણ સમજતો નથી. (ગાંધીજીના બ્રહ્મચર્ય ઉપર આ ટકોર હતી!) અમારી પાસે બેસીને બ્રિજની રમત શીખીશ તો દુનિયાદારીનું કાંઇક વધારે જ્ઞાાન મળશે...’
જોકે પછી તો વલ્લભભાઇ ગાંધીપ્રતિભાથી વશીભૂત થયા હતા અને ત્રણેક વર્ષના અંતરાલ પછી ખેડા સત્યાગ્રહની બાગડોર ગાંધીજીએ વલ્લભભાઇને સોંપેલી. ખેડા સત્યાગ્રહ પછી ૨૯ જૂન ૧૯૧૮ના રોજ નડિયાદમાં એક સભા યોજાયેલી જેમાં ગાંધીજી, વલ્લભભાઇ વગેરેનું સન્માન થયેલું. આ પ્રસંગે ગાંધીજીએ વલ્લભભાઇ માટે જે કહ્યું તે રસપ્રદ હતુંઃ ‘મને વિચાર થયો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર ભાઇ વલ્લભભાઇ પર પડી. મારે કબૂલ કરવું જોઇએ કે મેં ભાઇ વલ્લભભાઇની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ ‘અક્કડ પુરુષ’ કોણ હશે? એ શું કરશે? પણ જ્યારે હું તેમના પરિચયમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારે વલ્લભભાઇ તો જોઇએ જ... વલ્લભભાઇ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત, એટલો બધો શુભ અનુભવ મને આ ભાઇથી થયો છે.’
ખેડાની લડત પછી ગાંધીજી અને સરદાર શરીરના એક અંગની જેમ જોડાઇ રહ્યા, કહોને કે હૃદય અને મગજનો નાતો રચાઇ ગયો. અને તે આમરણ રહ્યો. ગાંધીજીને પહેલાં જે અક્કડ પુરુષ વર્તાયા અને પછી મરણપર્યન્તના ઋજુ સંબંધોના સાથી બની રહ્યા તેવા વલ્લભભાઇ ગાંધીજી માટેય ‘સરદાર’ બની રહ્યા હતા. સરદાર સાહેબના જીવનકાળ દરમિયાનના વિવિધ પ્રવચનોનાં કેટલાંક ચોટડૂક વિધાનો આજની પળે સ્મરવા જેવાં છે.
કાયરતાનો શત્રુ છું
હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો સાથ કરવા હું કદી તૈયાર ન થાઉં. આપણે કાયર છીએ એમ માનવાનું કારણ આપીશું તો ગુંડાઓ નિર્ભય રીતે ફરશે. જે કાયર છે એને અહિંસા શું શીખવાડું.
મૃત્યુ ઈશ્વર નિર્મિત છે
મરણ એ ઈશ્વરનિર્મિત છે. કોઇ કોઇને પ્રાણ આપી શકતું નથી કે લઇ શકતું નથી. પ્રજાના રક્ષણ માટે આપણા પ્રાણ ખિસ્સામાં લઇને ફરીએ તો જ આપણે સ્વતંત્રતાનો પહેલો પાઠ શીખ્યા કહેવાઇએ... એટલી વસ્તુ નક્કી છે કે જીવનની સાથે મરણ બાંધેલું છે. પછી ડર શા માટે રાખવો જોઇએ? મરણની સાથે મહોબ્બત કરવાનું શીખવું જોઇએ.
જીતની ઘડીએ વિનમ્ર થઇએ
જીતની ઘડીએ આપણે વધારે નમ્ર થવું જોઇએ. હારજીત આપનાર ઈશ્વર છે. જીત્યા પછી ગુમાનમાં આવનાર ત્યાં ને ત્યાં હારી જાય છે. જેમને જીતનો નશો ચડયો છે તેઓ હારનાર કરતાં વધારે ખુવાર થયા છે. જ્યારે ખૂબ જોશમાં લડવાનું હોય ત્યારે માણસો મળે છે. નશાના કેફમાં માણસો મળે છે, પણ સંયમ રાખીને નીરસ લાગતું કામ કરવાને તો થોડાક બહાદુર જ મળે છે; બાકીના ભાગી જાય છે.
સફળતાનો આધાર
તમારે નાસીપાસ ન થવું. તમે તેને પહોંચી પણ શકશો. સફળતાનો આધાર તમારી મહેનત અને સમજ ઉપર રહેશે. આપસમાં ઝઘડવાથી શક્તિ નાશ પામે છે. આપણી સંસ્કૃતિ પણ સમજપૂર્વક શાંતિ ઉપર રચાઇ છે. મરવાનો હશે તે એના પાપે મરશે. જે કામ મહોબતથી થાય છે તે જોરથી નથી થતું.
આજની કેળવણી
આજે જે કેળવણી આપવામાં આવે છે એ પોપટના જેવી છે. એમાં વિદ્યાર્થીના દિલનો કે શરીરનો એકતાર નથી થતો. નથી એનો માનસિક કે શારીરિક વિકાસ થતો. કેળવણી એવી હોવી જોઇએ કે વિદ્યાર્થીનું મન ખીલે, એનું શરીર ખીલે, એના આત્માનો વિકાસ થાય. શિક્ષક ઓછું કે પાતળું શિક્ષણ ભલે આપી શકે પણ એના ચારિત્ર્યનો પ્રભાવ પડતો હોય તો ઘણું કરી શકે.
સ્ત્રીઓને યોગ્ય સ્થાન આપો
સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો ઉકેલ થઇ જશે એ માન્યતા બરોબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે. તેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ મળશે.
આપણે કોઇને ઊંચ-નીચ નહીં માનવા જોઇએ. ગામમાં વસનાર સર્વે અઢારે વર્ણ એક જ ઈશ્વરની ઓલાદ છે. આસપાસના વેરઝેર ભૂલી જવા જોઇએ. ઊંચ-નીચના ભેદ, સ્પૃશ્ય-અસ્પૃશ્ય એવા અનેક ભેદ છોડી દેવા જોઇએ. ગામ પોતે સ્વાશ્રયી બને અને સલામતી માટે પણ બીજાના તરફ જોવું ન પડે એનું નામ સ્વરાજ્ય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter