ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી તમને પણ ઊંઘ નહીં આવે, એની મને ખાતરી છે! બસ, હવે તમારા ‘સ્વભાવ’ના ખાનામાં કયું ‘ફળ’ આવ્યું છે, તે જાણવા તૈયાર થઈ જાઓ! આ રહ્યું અલગ-અલગ કેટેગરીમાં વહેંચાયેલું વર્ષફળ.
રેગ્યુલર ઉધારી વાળાઓ માટે:
આ વર્ષ તમારી ‘કર્મભૂમિ’ પર પૂર્ણ દૃષ્ટિ રાખી રહ્યું છે. કર્મ એટલે કે ઉધાર લેવાની તમારી કળા! વિક્રમ સંવત 2082 તમારા માટે ‘નાણાકીય ગહનચિંતન’નું વર્ષ છે. ઉધારીની ચોપડીના પાના ભરવાની સ્પીડ ઘટશે નહીં, પણ ધ્યાન રાખજો કે જૂના લેણદારો આ વર્ષે ‘રાહુ-કેતુ’ની જેમ અણધાર્યા પ્રગટ થશે. તમારા મોબાઈલ નંબર પર ‘મિસ્ડ કોલ’ની સંખ્યા બમણી થશે. આ વર્ષે ‘ફોન ઉપાડવાની હિંમત’ એ જ તમારું સૌથી મોટું નસીબ ગણાશે. આર્થિક સલાહ: ‘ઉધાર નામનું ગ્રહણ તમારા જીવનમાંથી જાય તે માટે ‘લોન’ નામનો મંત્રજાપ ચાલુ રાખવો.
નવી નોકરીવાળા માટે:
સેલરી સ્લીપનું ભ્રમણ તમારી ‘રોજગાર’ રાશિમાં છે, જે સફળતા અને નવી તકોનો સંકેત આપે છે. તમે ખૂબ ઉત્સાહમાં રહેશો! તમને લાગશે કે ‘બસ, હવે દુનિયા જીતી લીધી.’ પણ સાહેબ, આ વર્ષે ઓફિસમાં ‘ચા બનાવવાની કળા’, ‘એક્સેલ શીટમાં ખોટા આંકડાને છુપાવવાની કળા’ અને ‘બોસની વાતમાં માથું હલાવવાની કળા’ આ ત્રણેયમાં માસ્ટરી કરવી પડશે. પ્રથમ છ મહિના તો ‘ગ્રહો’ તમને શાંતિથી કામ કરવા દેશે, પણ પછી પનોતીની જેમ તમારી પહેલી ભૂલ પર બોસની ‘વક્રી દૃષ્ટિ’ પડશે. ઓલ ધ બેસ્ટ!
જૂની નોકરીવાળા માટે:
વર્કલોડનું ગોચર તમારી ‘આરામદાયક રાશિ’માં છે, જે જીવનમાં સ્થિરતા જાળવવાનો સંકેત આપે છે. ‘કામ કરે એ રામ અને કામ ના કરે એ આખી ઓફિસ’ – આ તમારો મંત્ર છે. આ વર્ષે પણ તમે એ જ ડેસ્ક પર બેઠા રહેશો. તમારું સૌથી મોટું યોગદાન ‘મિટીંગમાં ચૂપ રહેવું’ અને ‘જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ ન આપવી’ એ જ રહેશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે, પણ તમને ખબર છે કે ‘પ્રમોશન’ એટલે વધુ કામ! તેથી, તમે પોતે જ ગ્રહોને વિનંતી કરશો કે ‘મને શાંતિથી પેન્શન સુધી પહોંચવા દો.’ સ્થિરતા જ તમારો ધર્મ!
પરણેલા માટે:
મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ... બસ આ રાસાયણિક સંયોજન તમારી ‘સાતમી રાશિ’માં છે, જે ‘જીવનસાથી સાથે તીવ્ર સંવાદ’નો સંકેત આપે છે. ‘તીવ્ર સંવાદ’ એટલે શું, એ સમજવાની જરૂર નથી!! ઘરમાં વાસણ ખખડશે, વાતો થશે અને છેવટે ‘મૌન’ ધારણ કરીને બેસી રહેવું, એ જ તમારું પરમ લક્ષ્ય હશે. આ વર્ષે ‘ભૂલી જવાની કળા’માં તમારે પીએચડી કરવું પડશે. પત્નીનો જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, મમ્મીએ કહેલી વાત – આ બધું ભૂલી જવું એ તમારી સફળતાનો માપદંડ હશે. ઉપાય: ‘મૌન’ નામનું વ્રત અને ‘સોફા’ નામનું આસન ગ્રહશાંતિ માટે ખૂબ જરૂરી છે.
અપરિણિત માટે:
દૃઢ મનોબળ અને ડેટિંગ એપનું યુતિબળ, જે ‘મનની ઈચ્છાઓ પૂર્ણ થવાના’ સંકેત આપે છે. હા હા હા... તમને લાગે છે કે આ વર્ષે ‘કોઈક’ તમારા જીવનમાં આવશે! ગ્રહો ભલે ગમે તે કહે, પણ તમારા ‘ડેઈલી રુટિન’ અને ‘સોશિયલ મીડિયા પરની ફિલ્ટર્ડ લાઈફ’ જોઈને ગ્રહો પણ શરમાઈ જશે. આ વર્ષે તમે ‘ડેટીંગ એપ્સ’ પર નવા અવતાર ધારણ કરશો, મિત્રોના લગ્નમાં ‘જલન’ અનુભવશો અને ‘કેમ હું હજી સિંગલ છું?’ એવા પ્રશ્નો કોઇ દુઃસ્વપ્નની જેમ સબકોન્શિયસ માઇન્ડથી ઉછાળાઓ મારશે. મનની ઈચ્છાઓનું મેનિફેસ્ટેશન થશે, પણ કદાચ પિઝા ઓર્ડર કરવા જેટલી જ.
નવરા લોકો માટે:
તાકા-ઝાંકીનું છાયાબળ, જે ‘અન્યના જીવનમાં રસ’ લેવાનો સંકેત આપે છે. નવરાત્રીમાં જેમ ગરબા રમાય, તેમ આખું વર્ષ તમારે ‘નિંદારસ’માં રમવાનું છે. તમારું કાર્ય: પડોશીના ઘરના નવા પડદાનું વિશ્લેષણ, દૂરના સગાની નોકરી બદલવાનું કારણ શોધવું અને દુનિયાના દરેક સમાચાર પર ‘ફિલોસોફીકલ કોમેન્ટ’ આપવી. આ વર્ષે તમારી ‘પંચાતી’ની ક્ષમતા વધશે અને તમે વોટ્સએપ યુનિવર્સિટીના ‘ડીન’ બનશો.
વોટ્સએપ ફોરવર્ડિયાઓ માટે:
આંતરજાળ (મતલબ ઈન્ટરનેટ, યાર)નું વક્રી થવું, જે ‘ખોટા સમાચારના ફેલાવામાં વધારો’ સૂચવે છે. તમે ‘જ્ઞાનનો દરિયો’ છો, જે નકામી માહિતીથી છલકાય છે. તમારો મંત્ર છે: ‘વાંચ્યા વિના ફોરવર્ડ કરો.’ આ વર્ષે, ‘ચોકીદાર’ નામનો ગ્રહ તમારા પર હાલે છે. તમારે એવા મેસેજ ફોરવર્ડ કરવાના છે, જે ‘હવે જો ફોરવર્ડ નહીં કરો, તો મહા અનિષ્ટ થશે’ એવા પ્રકારના હોય. તમારી કી-બોર્ડની સ્પીડ આ વર્ષે ‘બુલેટ ટ્રેન’ને પણ પાછળ છોડી દેશે. ગ્રહોની સલાહ: કોઈ એક મેસેજ તો વાંચી લેજો, કદાચ તે તમારા કામનો હોય!
રીલ જોવા વાળાઓ માટે:
ચાંદની સમી ચંચળતા, જે ‘ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી’નો સંકેત આપે છે. તમારા માટે 2082નું વર્ષ એક ‘રીલ મેરેથોન’ સાબિત થશે. ‘ડાન્સ, રસોઈ, ફેશન, રાજકારણ’ – બધું જ તમે 15 સેકન્ડમાં પૂરું કરી નાખશો. તમારી ‘અંગૂઠાની કસરત’ એટલી થશે કે ડોક્ટરો તેને ‘રીલ થમ્બ સિન્ડ્રોમ’ નામ આપશે. આ વર્ષે તમારું ધ્યાન ‘રીલ’માંથી હટશે નહીં. ભલે ધરતી પર ભૂકંપ આવે, પણ તમે ‘સ્વાઈપ અપ’ કરવાની ક્રિયા ચાલુ રાખશો. જ્ઞાન પ્રાપ્તિના યોગ છે, પણ તે માત્ર ‘ગપ્પાં’ અને ‘નકામા ફેક્ટ્સ’ વિશેનું જ હશે.
નિષ્કર્ષ
આ બધા ગ્રહો, નક્ષત્રો, સંકેતો અને ભવિષ્યવાણીઓ વચ્ચે એક વાત નક્કી છે કે વિક્રમ સંવત 2082નું વર્ષ તમે જે રીતે જીવશો, તે રીતે જ જશે. પછી ભલે તમારા ગ્રહો આરામદાયક સ્થિતિમાં હોય કે ન હોય. તમારી મહેનત, સમજદારી અને થોડીક મસ્તી જ તમારું સાચું વર્ષફળ છે.
તો, તમારાં ઉત્સાહ, સંકલ્પ અને મહેનત સાથે, નવા વર્ષને વધાવો! જય જય ગરવી ગુજરાત!


