વિભાજન વિરુદ્ધ અડીખમ ઊભા હતા મૌલાના આઝાદ

ઇતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઇ Monday 19th June 2017 08:27 EDT
 
 

ઈતિહાસમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદને ખલનાયક લેખાવવામાં આવે છે, કારણ એમણે સરદાર વલ્લભભાઈ પટેલની ભારે ટીકા કરી હતી. એના ઘટનાક્રમને પૂર્ણસ્વરૂપે નહીં જોનારાઓ માટે ઈતિહાસનું વિકૃતીકરણ થવું કે સત્તાધીશોની અનુકૂળતા મુજબનો ઈતિહાસ લખાવો કે એને જ સાચો માનવા માટે પ્રજા કે નવી પેઢીને ફરજ પાડવાના સંજોગો સર્જાય છે. ઐતિહાસિક ઘટનાક્રમથી અજ્ઞાન ઘણાબધા માટે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી ભાગલા માટે જવાબદાર હતા. કેટલાકને ગાંધીહત્યાનું નથુરામ ગોડસેએ પુણ્યકાર્ય કર્યાંનું પણ અનુભવાય છે. અહિંસાના મહાન પૂજારી મહાત્મા ગાંધીએ તો વિભાજનને પોતાનો મૃતદેહ પડે પછી જ શક્ય લેખાવ્યું હતું. જોકે મહાત્માની બે બળદની જોડી એટલે કે સરદાર પટેલ અને પંડિત નેહરુ થકી ગાંધીજીની જાણબહાર ભાગલા અંગે સંમત થવાયા પછી રાષ્ટ્રપિતા વિવશ હતા. એ તો પાકિસ્તાન-સિંધ જઈને રહેવા પણ તૈયાર હતા. એમણે તો બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા ટળે એટલા માટે તત્કાલીન વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનને સૂચવ્યું પણ હતું કે ઝીણા ભલેને સરકાર રચતા. જોકે, માઉન્ટબેટન આ વાતને કદાચ માન્ય રાખત, જો નેહરુ અને સરદાર એ માટે સંમત થયા હોત અને કોંગ્રેસને એ માટે સંમત કરી શક્યા હોત. કમનસીબે ભાગલાની દરખાસ્તનો સ્વીકાર કરવા જીભ કચરી બેસનારા સરદાર અને નેહરુએ મોહમ્મદ અલી ઝીણા સરકાર રચે એવા વિકલ્પનો ભારે વિરોધ કર્યો. કરુણા તો જુઓ કે જે ગાંધી ભાગલાના સદૈવ વિરોધી રહ્યા, એમને ફાળે ગોડસેની ગોળીએ મરવાનું નિર્માયું હતું અને આજે પણ ઘણા લોકો ગાંધીજીને જ ભાગલા માટે જવાબદાર લેખે છે!

કોંગ્રેસીઓમાં ભાગલાના સૌથી મોટા ટેકેદાર સરદાર

ભારત સરકારના વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદી આરુઢ થયા એ પછી એટલે કે નવેમ્બર ૨૦૧૪માં કેન્દ્ર સરકારની મૌલાના આઝાદ સંસ્થાના અધ્યક્ષ સીતારામ શર્માનો લેખ સત્તાવાર માહિતી બ્યુરો મારફત પ્રસારિત કરાવ્યો. મૌલાના આઝાદની ૧૨૫મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ પ્રસારિત આ લેખમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આઝાદ ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના આઝાદના મુખેથી કોંગ્રેસીઓમાં ‘ભાગલાના સૌથી મોટા ટેકેદાર’ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને દર્શાવાયા છે. સાથે જ પંડિત નેહરુને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતીની શક્યતાને બબ્બેવાર ફંગોળવાના દોષિત લેખવામાં આવ્યા છે. ઐતિહાસિક અનુકૂળતાઓને બદલે એ સંદર્ભે લખાયેલાં મૂળ લખાણો પર દૃષ્ટિપાત કરાય તો ચિત્ર સ્પષ્ટ થાય. સરદાર પટેલે કયા સંજોગોમાં ભાગલા વિના આરો નહીં હોવાનું સ્વીકાર્યું, એની ચોખવટ બંધારણ સભામાં પણ કરી હતી. મુસ્લિમ લીગ સાથેની કોંગ્રેસની વચગાળાની સરકારમાં નાણાં વિભાગનો અખત્યાર સંભાળનાર લિયાકત અલી ખાને (જે પાછળથી પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા) સાદા પટાવાળાની નિમણૂક માટેની દરખાસ્તને પણ નામંજૂર કરવા ઉપરાંત જે વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું એમાં કોંગ્રેસના ટેકેદાર મનાતા ઉદ્યોગપતિઓને કરવેરાના ભારે બોજથી પાયમાલ કરવાની વેતરણ કરી હતી. ઝીણા મુસ્લિમ લીગના એવા નેતા હતા, જે બોલીને ફેરવી તોળવામાં કુશળ હતા. એટલે સુધી કે પાકિસ્તાન મેળવ્યા પછી પણ એમને પસ્તાવો થયો અને ભારત પાછા આવવા કરાચી (એ વેળાની પાકિસ્તાનની રાજધાની) ખાતેના ભારતીય રાજદૂત શ્રીપ્રકાશને એમણે એ સંદર્ભમાં વડા પ્રધાન નેહરુને સંદેશ પહોંચાડવા કહ્યું હતું. એટલું જ નહીં, એ સંદર્ભે પત્રવ્યવહાર પણ કર્યો હતો. પાકિસ્તાનની રચના લગભગ નક્કી હતી ત્યારે મૌલાનાએ ગુપ્ત સંદેશ મોકલી ઝીણાને વારવા પ્રયાસ કરી જોયો હતો.

મૌલાના અને સરહદના ગાંધીની ભૂમિકા

દુર્ભાગ્યે ભારતના ભાગલાનો વિરોધ કરનાર જે કોઈ બચ્યું હતું એમાં મૌલાના આઝાદ અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન હતા. સરહદના ગાંધીએ તો બાપુને આજીજી કરી કરતાં કહ્યું હતું કે બાપુ, તમે અમને વરુ સામે ફેંકી રહ્યા છો. જોકે, ડાબો-જમણો હાથ વિભાજનના પક્ષે હોય ત્યારે ગાંધીજીની વિવશતા સમજી શકાય છે. મૌલાના આઝાદ ૧૯૪૬માં કોંગ્રેસના અધ્યક્ષ હતા અને એમણે પોતાના અનુગામી તરીકે પંડિત નેહરુની પસંદગીનો આગ્રહ સેવ્યો હતો. એપ્રિલ ૧૯૪૬માં સરદારનું નામ ૧૪માંથી ૧૨ પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સૂચવ્યા છતાં બાપુએ ચબરકીમાં કાંઈક લખ્યું અને સરદારે પોતાનું નામ પાછું ખેંચી લઈને નેહરુના નામની ભલામણ કરી હતી. ગાંધીજીએ સરદારને અન્યાય કર્યાની વાત ખૂબ ગાજી, પણ સરદાર કે તેમનાં પુત્રી મણિબહેને સરદારને અન્યાય થયાનું ક્યારેય કહ્યું નહીં. ઊલ્ટાનું દુર્ગાદાસના દસ ગ્રંથોની શ્રેણીની પ્રસ્તાવનામાં મણિબહેને નોંધ્યું કે સરદારને વડા પ્રધાન થવાનો કોઈ મોહ ક્યારેય હતો નહીં.

આઝાદની પાકિસ્તાન વિશેની ભવિષ્યવાણી

હવે મૌલાના આઝાદની આત્મકથા પૂર્ણસ્વરૂપે ૧૯૮૮માં પ્રકાશિત થઈ ત્યારે અગાઉ એના પ્રકાશને વખતે તેમના આગ્રહથી રાખી મૂકાયેલાં ત્રીસ પાનાં પણ પ્રજાની સામે આવ્યાં. ‘રાષ્ટ્રના હિત’માં એમણે એ વેળા ૩૦ પાનાં લખીને ૩૦ વર્ષ પછી પ્રકાશિત કરવા હુમાયુ કબીરને આપી રાખ્યાં હતાં જે પાછળથી કોલકાતાની નેશનલ લાઈબ્રેરી અને દિલ્હીસ્થિત અભિલેખાગાર (આર્કાઈવ્ઝ)માં જમા કરાવાયેલાં હતાં. એમની પૂર્ણ સ્વરૂપની આત્મકથા ‘India Wins Freedom’માં મૌલાના આઝાદે પોતાની સૌથી મોટી ભૂલ પોતાના પછી નેહરુને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની તરફેણ કરી એ હતી. બીજી ભૂલ, સરદાર પટેલને ટેકો નહીં આપવાની હતી. સરદાર પટેલે નેહરુની ભૂલો ના કરી હોત, એવું મૌલાના નોંધે છે. જોકે, મૌલાના અને સરદાર વચ્ચે બીજા ઘણા મુદ્દે મતભેદ હતા. પરંતુ ૧૯૪૬માં પોતે સરદારને કોંગ્રેસપ્રમુખ બનાવવામાં ટેકો આપ્યો હોત તો સ્વતંત્ર ભારતના પહેલા વડા પ્રધાન તરીકે સરદારે દસ વર્ષ પછીના નોખા ભારતનાં દર્શન કરાવ્યાં હોત એવું પણ તેમનું માનવું હતું.
મૌલાનાએ છેક એપ્રિલ ૧૯૪૬માં લાહોરના ઉર્દૂ સામાયિક ‘ચટ્ટાન’ માટે શોરિષ કાશ્મીરીને આપેલી મુલાકાતમાં પાકિસ્તાન વિશે જે આઠ ભવિષ્યવાણી કરી હતી એ સંપૂર્ણ સાચી પડી હતી. આ ઈન્ટરવ્યુને અંગ્રેજીમાં આરીફ મોહમ્મદ ખાન ‘કોવર્ટ’ સામાયિકમાં ૨૦૦૯માં પ્રકાશમાં લાવ્યા એ પછી પાકિસ્તાનમાં પણ એની ખૂબ ચર્ચા થઈ છે. મૌલાનાએ જામા મસ્જિદ-દિલ્હી ખાતે મુસ્લિમોને સમજાવવા છેલ્લી ઘડીના પ્રયાસો પણ કર્યા હતા.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 24th June 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2sGNKua)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter