વિશિષ્ટ પરિવારના પ્રતિનિધિઃ વિનોદ વડેરા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 17th February 2018 09:07 EST
 

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.
વિનોદભાઈ અને નીલમબહેનને બે સંતાન. પુત્ર રૂપીન લંડનમાં સ્થાયી થયો છે અને રિઅલ એસ્ટેટના ક્ષેત્રે તેણે નામ કાઢ્યું છે. હાલ રોમાનિયામાં પણ તેણે એવી જ સિદ્ધિ મેળવી છે. સમૃદ્ધિ છતાં ચિન્મયાનંદ મિશનની પ્રવૃત્તિમાં તે પૈસા કમાવા જેટલો જ સમય આપે છે. તેના સાહિત્યના પ્રસારમાં તે ખૂબ રસ લે છે. ચિન્મયાનંદ મિશનના આધ્યાત્મિક વર્ગોનું તે સંચાલન કરે છે.
દીકરી શ્રીતિ વડેરા પણ લંડનમાં છે. તેણે વડેરા પરિવારનું અને સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. તે પ્રખર અર્થશાસ્ત્રી છે. ઈંગ્લેન્ડના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનના આર્થિક સલાહકાર તરીકે તેણે જવાબદારી ઉપાડી હતી. શ્રીતિ બેરોનેસ બનનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. ગોર્ડન બ્રાઉને તેને વાણિજ્ય પ્રધાન બનાવ્યાં હતાં. ઈંગ્લેન્ડના પ્રધાનમંડળમાં સૌપ્રથમ સ્થાન મેળવનાર એકમાત્ર ગુજરાતી મહિલા તે શ્રીતિ વડેરા. શ્રીતિએ વખત જતાં પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું તો વડા પ્રધાન તેની સેવાઓ ગુમાવવા તૈયાર ન હોવાથી તેમણે જી-૨૦ એટલે કે વિશ્વનાં વિકસતાં રાજ્યોના જૂથમાં બ્રિટિશ વડા પ્રધાનના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી હતી.
વિનોદભાઈના પત્ની નીલમબહેન. તેમને માત્ર બે જ રસ. પ્રથમ રસ તે જે દેશમાં રોટલો રળતા હોય તે દેશના જરૂરતમંદોને મદદ કરવી. તેઓ દર વર્ષે ખાવા-પીવા અને આરોગ્ય માટે યુગાન્ડાનાં અપંગ બાળકો માટે મોટી રકમનું દાન કરે છે. તેમનો બીજો રસ તે રસોઈ બનાવવાનો. રસોઈની વિવિધ વાનગી બનાવવા તેઓ ભાતભાતના અખતરા કરતાં થાકતાં નથી. તેમણે અંગ્રેજી ભાષામાં કૂકિંગ અંગે લખેલું પુસ્તક સારો આવકાર પામ્યું છે.
નીલમબહેને દુનિયાના ઘણા દેશોનો પ્રવાસ પતિ વિનોદભાઈ સાથે કર્યો છે. પ્રવાસ અંગે તેમની આગવી સૂઝ અને મંતવ્ય છે. કહે છે, ‘મને મકાનો જોવામાં રસ નથી, પણ લોકજીવનના નિરીક્ષણમાં રસ છે - વેશભૂષા, રહેણીકરણી અને કોઈ પણ પ્રજાની વિશિષ્ટતા સમજવામાં રસ છે.’
વિનોદભાઈના પિતા દયાળજીભાઈ વડેરા. ૧૯૧૮માં વહાણમાં બેસીને તેઓ આફ્રિકા આવેલા. મૂળે પોરબંદર નજીક રાણાવાવના લુહાણા મદનજીભાઈના એ પુત્ર. યુગાન્ડા આવીને થોડોક સમય નોકરી કરીને, ભાષા, વાતાવરણ અને માણસોથી ટેવાઈને પછી વિઠ્ઠલદાસ હરિદાસ અને મૂળજીભાઈ માધવાણી સાથે ભાગીદારીમાં ૧૮ જેટલી જિનેરીના માલિક થયા. આ પછી ભાગીદારોએ કકીરા સુગર વર્કસની સ્થાપના કરી, જે આજે યુગાન્ડામાં સૌથી મોટી સુગર ફેક્ટરી છે. ૧૯૪૭માં ભાગીદારી છૂટી પડતાં તેમની પાસે ૩૦૦૦ એકર જમીન થઈ. જમીનમાં શેરડી અને કોફીનું વાવેતર કરતા. કોફીની નિકાસ કરે અને શેરડીનો ગોળ બનાવે.
૧૯૭૨માં ઈદી અમીને યુગાન્ડામાંથી હિંદીઓની હકાલપટ્ટી કરી. આ વખતે જિંજાના જાહેરજીવનના અગ્રણી અને ટી એસ્ટેટના મોટા માલિક દયાળજીભાઈ વડેરાએ પોતાના મોટા પુત્ર વિનોદભાઈને લંડનમાં ફોન કરીને ૩૬,૫૦૦ પાઉન્ડ બેંક મારફતે ટ્રાન્સફર કરીને યુગાન્ડા મોકલવા કહ્યું. વિનોદભાઈએ કહ્યું, ‘બાપુજી તમારે દેશ છોડીને, મિલકત છોડીને થોડા વખતમાં અહીં આવવાનું છે, તો આટલી મોટી રકમની જરૂર કેમ પડી?’ દયાળજીભાઈ કહે, ‘દેશ છોડતા પહેલાં મારે આપણા બધા કામદારોને બે માસનો પગાર આપવો છે.’ વિનોદભાઈએ કહ્યું, ‘સરકાર આપણી એસ્ટેટ કબજે લેવાની છે તો સરકાર પગાર આપશે.’
દયાળજીભાઈ કહે, ‘એમણે વર્ષો સુધી આપણે ત્યાં કામ કર્યું છે. એમની મહેનતથી આપણે ઊજળા થયા છીએ. સરકાર આપે કે ના આપે. આપણે આપવું છે.’ પિતાની ઈચ્છાને સર્વોપરી માનીને પુત્રે રકમ મોકલી આપી. દયાળજીભાઈએ જોયું કે કેટલાક લોકો પાસે દેશ છોડીને જવા માટે ટિકીટના પૈસા પણ નથી. તેમણે પાંચ-સાત મિત્રોને ભેગા કરીને કહ્યું, ‘આપણે બધું અહીં જ મૂકીને ભાગવું હોય તો આપણા ભાઈઓને આપણે મદદ કરવી જોઈએ. હું આ માટે દોઢ લાખ શિલિંગ આપું છું. તમને ઈચ્છા થાય તો તમે આપજો.’ થોડી વારમાં ચાર લાખ શિલિંગ ભેગા થયા અને ૫૦ વ્યક્તિને ટિકિટ માટે મદદ થઈ શકી.
દયાળજીભાઈ લંડન આવીને દીકરાઓ ભેગા રહ્યા. વિચારે, ‘મેં મારા દીકરાઓનો રોટલો ઝૂંટવ્યો છે.’ એક દિવસ એમણે દીકરાઓને કહ્યું, ‘કોફીના ભાવ વધતા જાય છે. પૈસા છે તો ખરીદી લો.’ યુગાન્ડાના કામદારોને આપી હતી એટલી રકમની કોફી ખરીદી. ભાવ વધતાં દીકરાઓને વેચવા કહ્યું. વેચતાં ૬૦,૦૦૦ પાઉન્ડ નફો થયો. દયાળજીભાઈ કહે, ‘ભગવાને રકમ પાછી આપી.’
દયાળજીભાઈના ત્રણ દીકરામાં ૧૯૩૫માં જન્મેલા વિનોદભાઈ મોટા. બેરિસ્ટર થવા લંડન ગયા. દોઢ વર્ષ પછી પિતાની તબિયત બગડતાં અભ્યાસ છોડીને પાછા પિતા સાથે આવી ગયા. પિતા પાસે કોફીનાં પ્લાન્ટેશન ૪૫૦ એકરનાં હતાં. વિનોદભાઇએ આવીને ૮૫૦ એકરમાં ચાનું પ્લાન્ટેશન કર્યું. ૨૦૧૦ સુધીમાં ૧૩૦૦ એકરમાં ચા. પછી વધીને ૧૫૦૦ એકર જમીનમાં પ્લાન્ટેશન થયું. આ પ્લાન્ટેશનનું નામ છે કકોન્ડે પ્લાન્ટેશન. તેમાં ૧૦૦થી વધુનો સ્ટાફ છે. તથા ૯૦૦ જેટલા મજૂર છે. બધાને બપોરે લંચ અપાય છે. લંચમાં બાફેલી મકાઈ અને બીજું શાકાહારી હોય.
કકોન્ડે ટી પ્લાન્ટેશનની માલિક દયાળજીભાઈ મદનજી એન્ડ સન્સ છે. આ કંપનીની ચાની હરાજી મોમ્બાસાના હરાજી બજારમાં થાય છે અને યુગાન્ડામાં સૌથી ઊંચા ભાવે વેચાય છે. ચાના ઉત્પાદનમાંથી ૯૦ ટકા નિકાસ થાય છે અને ૧૦ ટકા દેશમાં વેચાય છે. ચાનું ઉત્પાદન વાર્ષિક ૨૦ લાખ ટન જેટલું છે.
તામિલનાડુ-ઊટીમાં પણ તેમના ચાના બગીચા છે, તેનું ધ્યાન નાના ભાઈ રસિકભાઈ રાખે છે.
વિનોદભાઈ માત્ર પૈસા પાછળ પડેલા જીવ નથી. લક્ષ્મી અને સરસ્વતી બંને એમની પાસે જોડાજોડ રહે છે. તે વાચનના રસિયા છે. ભાતભાતના વિષયોનું એમનું વાંચન છે અને તેથી ગજબનું જ્ઞાન ધરાવે છે. સારાં અને ગમતાં પુસ્તકો પૈસા ખર્ચીને તેઓ વસાવે છે.
વિનોદભાઈ જાહેરજીવનનો જીવ છે. ૧૯૬૨માં તેઓ ૨૬ વર્ષની વયે જિંજાના ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન બન્યા હતા. ટી એસોસિએશન અને કોટન એસોસિએશનની પ્રવૃત્તિમાં તેઓ સક્રિય બન્યા હતા. યુગાન્ડા ટી એસોસિએશનના તેઓ ૧૯૭૦માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈસ્ટ આફ્રિકા અને ટી રિસર્ચ બોર્ડ ઓફ ઈસ્ટ આફ્રિકાના ડિરેક્ટર હતા. જિંજા મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
વિનોદભાઈ જાહેર જીવનનો જીવ ભલે રહ્યા પણ પ્રચારનાં ડિમડિમથી તે આઘા ભાગે છે. તેઓ જરૂરિયાતવાળાને આરોગ્ય, શિક્ષણ વગેરેમાં સહાયભૂત થાય છે. સંસ્થાઓને મદદ કરે છે, પણ એ અંગે બોલતા નથી. સમગ્ર પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓના સાહસો અને આફ્રિકાના વિકાસમાં ગુજરાતીઓનું કાર્ય લોકનજરે પડે તેમાં રસ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter