શું આ પરિવર્તનની આંધી છે? શું આમાંથી કૈંક નવું, કૈંક હાશ કરે તેવું, કૈંક વિધેયક નીપજવાનું છે? કે પછી, પૂર્વજોએ દોરેલા નકશા પ્રમાણે પૃથ્વી અધ:પતન તરફ ઝડપથી ધસી રહી છે? અને આ ભૂ-રાજકીય નક્શો સાવ બદલાઈ રહ્યો છે કે શું? બધાં યુદ્ધો, ગૃહયુદ્ધો, હિજરતો, સરહદો, તખતા- પલટાઓ, છેવટે શું પ્રાપ્ત કરવાના છે અને શું ગુમાવવાના હશે? એકવીસમી સદી આવી ત્યારથી આ કલ્પના ના થાય તેવા બદલાવ દુનિયાના દેશોમાં જોવા મળી રહ્યો છે. અખબારનું પાનું ઊથલવોને ખબર પડે કે કોઈ એક દેશમાં ‘સત્તા પરિવર્તન’ થયું, ક્યાંક સેનાએ બળવો કર્યો, ક્યાંક ગૃહયુદ્ધ થયું, ક્યાંક મોટી સત્તાએ કઠપૂતલી સરકાર રચી, ક્યાંક લોકો મેદાનમાં આવ્યા...
દેખીતી રીતે તો આ બધી ઘટનાઓ સામાન્ય અને રોજબરોજની ગણાય. શાયરે તો ક્યારનું કહી દીધું છે કે યું હી હંમેશા ઉલઝતી રહેતી હૈ જુલ્મ સે ખલક, ના ઉન કી રસ્મ નયી હૈ, ના અપની રીતિ નઈ!
... પણ ખરેખર એવું છે ખરું? એક સમયે ડ્રોન સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા, આજે તે દુનિયાના દેશોમાં યુદ્ધનું અસરકારક માધ્યમ બની ગયાં, તાજેતરમાં જ યુક્રેને તેનો રશિયા પર મોટો ઉપયોગ કર્યો, એ પહેલાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ડ્રોન ઊડ્યાં અને ઘાયલ થઈને નીચે પડ્યા. વર્તમાન યુદ્ધ પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ કરતાં તદ્દન અલગ રીતે પોતાનો કલુષિત રંગ બતાવે છે.
અગાઉના યુદ્ધોમાં વિચારધારા પણ હતી. મધ્યકાળમાં તો ઈસાઈ-ઇસ્લામ વચ્ચેના સંઘર્ષોને ‘કૃસેડ’ નામ અપાયું હતું, એટલે કે તે ધર્મયુદ્ધો હતા, અને બંને પક્ષે પોતાના અસ્તિત્વને બચાવવાની અને વિસ્તારવાની નેમ હતી. ખિલાફત એવો જ ઝનૂની મજહબી રોગ હતો, જે આજ સુધી એક યા બીજી રીતે દેખાઈ રહ્યો છે. ગાંધી જેવા મહાત્મા પણ અકારણ ખિલાફત ચળવળને ટેકો આપવાની ભૂલ કરી બેઠા હતા. જ્યારે ભવિષ્યે કટ્ટર વિભાજનકર્તા બનેલા મોહમ્મદ અલી ઝીણાએ પણ ખિલાફતને આફત ગણાવી હતી. એક રીતે તેમની વાત સાચી હતી કેમ કે તુર્કીમાં ખિલાફતની સામે કમાલ તુર્ક પાશાએ સફળ લડત ચલાવી હતી, ત્યારે ઇસ્લામને પ્રગતિશીલ બનાવવાની મોટી તક હતી, પણ તે નિષ્ફળ ગઈ. ઇરાને ખૌમેનીને સત્તા સોંપી. અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યા, અનેક દેશો ઈસ્લામિક રાષ્ટ્ર બન્યા, તેમાંથી ઈજિપ્ત કે મલેશિયા જેવાને બાદ કરો તો મોટેભાગે ઝનૂની, કટ્ટર ઇસ્લામવાદ જ વિસ્તાર પામ્યો અને લાદેન જેવા આતંકી પેદા થયા.
પાકિસ્તાન તેનો આબાદ નમૂનો છે. ઝીણા મૂળભૂત રીતે પ્રગતિશીલ નેતા હતા. ગાંધી અને કોંગ્રેસની સામેની વ્યૂહરચના તરીકે જ ‘મુસ્લિમ એક અલગ ઓળખ છે, તેનું અલગ રાષ્ટ્ર જ હોવું જોઈએ’નો વંટોળ ઊભો કર્યો. કાઠિયાવાડના આ બે નેતાઓ - ગાંધી અને ઝીણા-માં ગાંધી વિભાજનને અટકાવી શક્યા નહિ, છેલ્લી ઘડીએ કોંગ્રેસે ગાંધીજી, ખાન અબ્દુલ ગફર ખાન, જયપ્રકાશ નારાયણ અને ડો. લોહિયા એમ માંડ ચાર-પાંચના વિરોધ સાથે વિભાજનનો પ્રસ્તાવ પસાર કર્યો. આની ગમગીન વિગતો જાણવી હોય તેમણે ડો. લોહિયાનું ‘ગિલ્ટી મેન ઓફ ફોર્ટી સેવન’ વાંચી જવું જોઈએ.
પણ, આજનો મોટો સવાલ તો એ છે કે કોઈ વિચારધારા માટે જ યુદ્ધો થાય છે ખરાં? ઇસ્લામમાં નિષ્ઠા ધરાવતા હોવાનું કહેતા દેશો એવા જ બીજા દેશોની સામે લડાઈ નથી કરતા? અફઘાનિસ્તાન પાકિસ્તાનનું કટ્ટર દુશ્મન બન્યું છે. બલૂચિસ્તાન, સિંધ, બાંગ્લા દેશની તવારીખ તેની સાક્ષી પૂરે છે, કોઈ ઇસ્લામ માટે નહીં, પાકિસ્તાની સત્તાવાદની સામે જ લડે છે.
ઇસ્લામને માટે સૌથી વધુ આંખના કણાની જેમ કોઈ ખૂંચતું હોય તો તે ઈઝરાયેલ છે. ફિલિસ્તીન તો એક બહાનું છે, ઇઝરાયેલીઓ જે રીતે ઈદી અમીનના દેશમાં જઈને પોતાના બંદીઓને છોડાવી લાવ્યા હતા અને ઈજીપ્તને જે રીતે થોડાક મહિનાઓમાં હંફાવ્યા હતું તે સૌને યાદ છે. અત્યારે પણ ચારેતરફ ઈઝરાયેલ વિરોધી દેશો સક્રિય છે તેની સામે ઈઝરાયેલ તાકાતથી લડી રહ્યું છે. ફિલિસ્તીનને ચારે તરફથી મદદ મળે છે પણ તદ્દન ખુવાર થઈ ગયું છે.
આગામી વર્ષોમાં ઈઝરાયેલ-વિરોધી ‘દેશ’ ભૂંસાઈ જશે. તેને માટે રચાયેલી ફિલ્મો, કવિતાઓ, નાટકો, જુલૂસો, લેખો અને નિવેદનો કશું કામમાં નહિ આવે. તેનું કારણ એ છે કે આવાં આતંકવાદી તત્વોનું સમર્થન કરનારા ‘લિબરલ્સ’ કરોડરજ્જુ વિનાની પ્રજાતિ પુરવાર થઈ છે.
રશિયા-અમેરિકા-‘નાટો’ અને યુક્રેનની સ્થિતિ વળી વધુ ગૂંચવાયેલી છે. રશિયાને હાલનું યુક્રેન કોઈ રીતે પસંદ નથી, કારણ કે તે રશિયન આધિપત્ય હેઠળ રહેવાને બદલે સ્વતંત્ર રીતે લોકશાહી ઢબે અસ્તિત્વમાં છે. તેને ‘નાટો’ દેશોનું સમર્થન છે.
અમેરિકા ભલે ટ્રમ્પને લીધે થોડું આડું ફાટયું હોય, તે રશિયા મજબૂત થાય તેવું જરીકેય ઇચ્છતું નથી. અગાઉ તો સામ્યવાદી વિચારધારાને કારણે રશિયાનો વિરોધ હતો, તે બીજી મોટી મહાસત્તા બન્યું હતું તે પણ અવરોધ બને તેમ હતું. બીજાં વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાન અને જર્મનીની સામે સમાન શત્રુ તરીકે લડવા માટે રશિયાને પોતાની પડખે લીધું હતું. પછી વળી પાછા વિચારધારાના નામે અલગ થઈ ગયાં. એડોલ્ફ હિટલર અને બેનિટો મુસોલિની કે સમ્રાટ હિરોહિતો સામ્યવાદી નહોતા, તેમનું ઉગ્ર રાષ્ટ્રવાદ પર આધારિત નાઝી અને ફાસી અસ્તિત્વ હતું. એટલે સમાન શત્રુઓ ભેગા થયા અને જીત્યા.
હવે ગોર્બાચોફના ગ્લાસ્નોસ્ત પછી સ્ટાલિન-લેનિન શૈલીનું સામ્યવાદી શાસન રહ્યું નહિ પણ પુતિન જે પોતે રશિયન જાસૂસી સેનાનો અફસર હતો, અને પૂર્વ પ્રમુખો ગોર્બાચોફ અને પછી યેલ્ત્સીનની ખૂબી-ખામી બરાબર જાણતો હતો તેણે રશિયામાં પુતિન શૈલીનો સત્તાવાદ પેદા કર્યો છે. પૂર્વે સામ્યવાદી શાસને હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલાન્ડને હડપી લીધું હતું તેવું યુક્રેનનું કરવું છે. અમેરિકાના ટ્રમ્પ અને રશિયાના પુતિન બંને એકસરખા સત્તાવાદી છે, ત્રીજા શી જિનપિયાંગ ચીનના. નાના દેશોમાં કેટલાક સરમુખત્યારો છે, સેનાપતિ શાસકો છે (પાકિસ્તાનમાં એવું થાય તો નવાઈ નહિ)... એમ લાગે છે કે દુનિયાનો ઇતિહાસ પડખું ફેરવી રહ્યો છે. જૂની નજરે તે માપી શકાય તેમ નથી. આઘાતો, આશ્ચર્યો અને પરિવર્તનોની ઝડપ અનેકગણી થઈ છે, તેની વચ્ચે ભારતે પ્રાચીન અને અર્વાચીનનો અઘરો મેલમાપ કરવાનો છે.