વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે.....જે પીડ પરાઇ જાણે રે....

૧૪૪૦માં ગુજરાતના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતાના ભજનની ૬ સદી પછી પણ વિશ્વભરમાં ગૂંજ

Sunday 30th January 2022 05:23 EST
 
 

લંડનઃ વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે.....જે પીડ પરાઇ જાણે રે....ભારતને આઝાદી અપાવનાર મહામાનવ ગાંધીજીને આ ભજન અત્યંત પ્રિય હતું. સાબરમતીના કિનારે આવેલા આશ્રમમાં મહાત્મા ગાંધી અને આશ્રમવાસીઓની સવારની દૈનિક પ્રાર્થનાનો પ્રારંભ આ ભજનથી થતો તો સ્વતંત્રતાની લડાઇમાં આ ભજન હંમેશા મોખરે રહ્યું છે.
૧૫મી સદીમાં સૌરાષ્ટ્રના તળાજામાં જન્મેલા નરસિંહ મહેતા દ્વારા રચાયેલું આ ભજન ચાર સદી બાદ ૧૮૬૯માં તળાજાથી લગભગ ૩૦૦કિમીના અંતરે આવેલા પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો ત્યાં સુધીમાં ગુજરાતના ઘર ઘરમાં ગવાતું થઇ ગયું હતું. મહાત્મા ગાંધીના જન્મ પહેલાં સદીઓ સુધી સૌરાષ્ટ્રની હવામાં આ ભજન ગુંજતું હતું. આ ભજને ૪ સદીના અંતરે જન્મેલા નરસિંહ મહેતા અને મોહનદાસ ગાંધીના આત્માને નૈતિકતા સભર બનાવી દીધાં હતાં.
મહાત્મા ગાંધીના નિર્વાણને આજે ૭૪ વર્ષ થઇ ગયાં છે ત્યારે તેમનું પ્રિય ભજન ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દેશના સીમાડા વટાવીને સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતાના શિખરો સર કરી ચૂક્યું છે. દેશ વિદેશમાં યોજાતા ઘણા સમારોહમાં આ ભજનને અગ્રીમ સ્થાન આપવામાં આવે છે. માનવીની નૈતિકતાની વ્યાખ્યા કરતા આ ભજને સ્વતંતા આંદોલન અને આઝાદ ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકોના દિલમાં સ્થાન હાંસલ કર્યું છે. છ સદી પછી પણ લોકોના હોઠ પર રમતું હોય તેવું આ એકમાત્ર ભજન હશે.
નરસિંહ મહેતાએ ક્યારેય ગુજરાતની બહાર પગ નહીં મૂક્યો હોય પરંતુ ૭૦૦૦ કિમી દૂર દ. આફ્રિકામાં અન્યાયો સામે લડત આપનાપ મહાત્મા ગાંધીના હૃદયમાં તેમનું ભજન કેન્દ્ર સ્થાને રહેતું હતું. આફ્રિકામાં મહાત્મા ગાંધીના આશ્રમમાં અન્ય ભક્તિ ગીતો સાથે આ ભજનનું નિયમિત ગાયન કરાતું હતું. આજ પરંપરા ૧૯૧૫માં સ્થપાયેલા કોચરબ આશ્રમ અને ૧૯૧૭માં સ્થપાયેલા સાબરમતી આશ્રમમાં યથાવત રહી હતી. વૈષ્ણવજન ભજનની અસલ ધૂન સાબરમતી આશ્રમમાં રહેતા એક આશ્રમવાસી દ્વારા તૈયાર કરાઇ હતી. એકતારા અને મંજીરાની લયમાં આ ભજન ગવાતું હતું. ત્યારબાદ તો આ ભજનને અલગ અલગ ધૂનમાં રજૂ કરવામાં આવ્યું.
કહેવાય છે કે ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ ત્યારે આ ભજન આખું ઓડિયન્સ સાથે ગાતું હતું. ભક્ત કવિ નરસૈંયાનું આ ભજન ગુજરાતી સંગીતમાં શિરમોર કહી શકાય. પ્રાચીનતાની દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ, એક પૂર્ણ મનુષ્યમાં કયા ગુણ હોવા જોઇએ એની અદભુત અભિવ્યક્તિ છે. એની એક એક પંક્તિમાં જીવનનો સાર સમાયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter