પૂ. મહાત્મા ગાંધી બાપુજીને કોટી કોટી વંદન. બીજી ઓક્ટોબર એટલે બાપુનો જન્મદિવસ. તેમનો જન્મ પોરબંદરમાં બીજી ઓકટોબર ૧૮૬૯માં મોઢ વણિક પરિવારમાં થયો હતો. બાપુના જન્મદિને વંદન.
બાપુને મહાત્મા ગાંધી તરીકે આપણે જ નહીં, પરંતુ આખું જગત તેમને મહાત્મા ગાંધી કહીને સંબોધે. મહાત્મા એટલે મહાન આત્મા. બાપુ ખરા અર્થમાં મહાત્મા હતા. તેઓ જીવનભર સત્ય, અહિંસા અને સેવાને વર્યા હતા. ભારતમાતાને ગુલામીમાંથી છોડાવવા તેમણે પોતાનું જીવન સમર્પણ કર્યું.
તેઓ ઇંગ્લેન્ડમાં રહીને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો. ૧૦ જૂન ૧૮૯૧માં ઇંગ્લેન્ડના બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી. બીજે જ દિવસે ૧૧ જૂન ૧૮૯૧માં અઢી શીલીંગ આપીને ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં બેરિસ્ટર તરીકે રજીસ્ટર કરાવ્યું. એ જમાનામાં ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની ડિગ્રી મેળવી હોય તો તેઓ કેટલા બધા પૈસા બનાવી શક્યા હોત. પણ સુટબૂટ ત્યજીને નાની એવી પોતડી પહેરી ભારતમાની આઝાદીની લડત લડવામાં લાગી ગયા.
ખરા અર્થમાં સાઉથ આફ્રિકાએ આપણને પૂ. મહાત્મા ગાંધી આપ્યા. ૧૯૮૩ની ૩૧ માર્ચની ઠંડી રાત્રે સાઉથ આફ્રિકાની ટ્રેનમાં તેમની પાસે ફર્સ્ટ કલાસની ટિકિટ હોવા છતા બાપુને ધક્કો મારી પ્લેટફોર્મ ઉપર ફેંકી દેવામાં આવ્યા. એ સમયે ત્યાં બ્રિટીશ સામ્રાજ્ય હતું અને બિન-ગોરાઓને ગોરાઓ સાથે બેસવા દેવામાં નહોતા આવતા. ખૂબ જ તુચ્છ ગણીને અપમાન કરવામાં આવતું હતું. ખૂબ અન્યાય થતો હતો.
બાપુનું પણ અપમાન થતું, પરંતુ તેઓ ખૂબ જ ઝઝૂમ્યા અને પોતે બેરિસ્ટર હોવાથી લોકોને તેઓના હક્ક મેળવવા ખૂબ મદદ કરતા. પરંતુ, જે દિવસે તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી પાડ્યા. બાપુના જીવને નવો વળાંક લીધો. ઈન્સાન જાગ ઉઠા. 
પ્લેટફોર્મ પર તેમને વિચાર આવ્યો કે હું આટલો ભણેલો છું છતાં મારું આટલું બધું અપમાન કરે છે તો ભારતમાં મારા લાચાર ભાઈભાંડુને કેટલું બધું સહન કરવું પડતું હશે. ના... આ સહન ના જ કરાય... બસ હવે બહુ થયું. આ બ્રિટીશરોને તો ભારતમાંથી કાઢવા જ જોઈએ અને આપણો દેશ આપણે પોતે મેળવવો જ જોઈએ. તેઓ ભારત ગયા. તેઓ કહેતા મારા કરોડો ભાઈભાંડુ પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નથી તો મારે કેમ સૂટ પહેરાય? અને એક પોતડી ધારણ કરી. આઝાદીની લડતનો આરંભ કર્યો. આઝાદી મેળવી. પોતાનું જીવન સમર્પણ કર્યું.
મને તો લાગે છે કે બીજી ઓક્ટોબર બાપુનો જન્મદિવસ, તેઓ રાષ્ટ્રપિતા હતા તો આપણે - ભારતીયોએ ફાધર્સ ડે તરીકે ઉજવવો જોઈએ. કોટી કોટી વંદન તમને અમારા વ્હાલા ગાંધી બાપુ... ગાંધી જયંતીના અભિનંદન...



